15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીએનબી કૌભાંડ: બૅંકને સીધીદોર કરવાનો સમય હવે આવી ગયો છે

મુંબઈમાં પંજાબ નેશનલ બૅંકની એક શાખામાં ૧૧ હજાર ૪૦૦ કરોડ રૂપિયાના છેતરામણા વ્યવહારોએ, ફરી ભારતીય બૅંકો દ્વારા થતા આડેધડ કે આંખ મિંચીને કરવા દેવામાં આવતા વ્યવહારોને લઈ તેમની વિશ્ર્વસનીયતાને જોખમમાં મૂકી દીધી છે. એ જ બૅંકની એ જ શાખામાં રૂ. ર૮૦ કરોડની થયેલી છેતરપિંડીનું પ્રકરણ તો હજુ જેમનું તેમ છે! આ ગરીબ અને મધ્યમવર્ગના લોકોની થાપણોનો ગેરઉપયોગ છે અને તેમનો વિશ્ર્વાસ ઊઠી જાય તેવું વાતાવરણ પેદા થાય છે. સમાચારો પ્રસરતાં જ બૅંકના શેરના ભાવ ગગડ્યા. કોણ રોકાણ કરે છે, શેરબજારમાં? બૅન્કના થાપણદારો પછી વધારે ચિંતાજનક સ્થિતિ એ શેરહોલ્ડર્સની થઈ જાય છે. આમ પણ બૅન્કો બેડલોન્સના કારણે એટલી નબળી પડી ગઈ છે કે, સરકારે બૅન્કને બચાવવા માટે પગલાં લેવાં પડ્યાં છે, એ સ્થિતિમાં આવા બનાવો બૅંકોની પ્રતિષ્ઠાને લૂણો લગાડે છે. પગાર વધારા માટે છાસવારે હડતાળો પાડતા બૅંક કર્મચારીઓ અને તેના અધિકારીઓની ગ્રાહકસેવા તો નિમ્નસ્તરની જ રહી છે. રાષ્ટ્રીયકૃત બૅંકોનું આ ક્ષેત્ર કર્મચારીઓ માટે લાભાર્થી ક્ષેત્ર જ બની ગયું છે. આ ૧૧ હજાર ૪૦૦ કરોડના ગેરવ્યવહારો આંખે પાટાબાંધીને કામ કરતા કર્મચારીઓના કારણે જ શક્ય બને!

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બૅંકિંગ ક્ષેત્રને મૂડી પૂરી પાડવાનાં પગલાં શરૂ કર્યા, તે મુજબ ર૦૧૪-૧૫ના બજેટમાં રૂ. ૬,૯૯૦ કરોડ ફાળવ્યા, ર૦૧૫-૧૬ના વર્ષમાં રૂ. ૭,૯૪૦ કરોડ આપ્યા. પરંતુ સરકારનું આ પગલું સદંતર ગેરમાર્ગે દોરેલું હતું. કારણ કે એ રકમ બૅંકના પર્ફોર્મન્સના આધારે ફાળવાઈ હતી. બૅંકને મૂડી એ રીતે પૂરી પાડવી જરૂરી હતી કે બૅંક સારાં ધીરાણ કરી શકે, જે દેશના અર્થતંત્રનો વિકાસદર વધારવામાં મદદરૂપ બની શકે. આમ એ રીતે બે વર્ષમાં લેવાયેલાં ધીમાં પગલાંથી બૅંકોની સ્થિતિ સુધારવામાં બે વર્ષનો સમય ચાલ્યો ગયો.

અને એવી યોજના સરકારે છેક હમણાં ખુલ્લી મૂકી એ મુજબ સરકાર જાહેર ક્ષેત્રની બૅંકોને હવે પછીના ચાર વર્ષમાં રૂ. ૭૦ હજાર કરોડ આપશે. જે બૅંકોને વર્કિંગ કેપિટલની જરૂર હશે તે બધી બૅંકોને તેનો લાભ મળશે. હવે કઈ બૅન્કનું સારું પર્ફોર્મન્સ છે એ મુદ્દો નજરમાં નહીં લેવાય અને તેની અસર તરત જ શેરબજાર પર બૅંકોના શેરના ભાવ પર પડી. બૅંકોના શેરના ભાવ વધ્યા.

આટલું ભંડોળ ઠાલવવા સાથે સરકાર બૅંક મેનેજમેન્ટમાં પણ સુધારા કરવાનું પગલું લઈ રહી છે, એ પણ એટલું જ મહત્ત્વનું છે. જોકે તે અંગેની ભલામણો પી.જે. નાયક સમિતિએ કરી છે તે સરકારના ટેબલ પર છે જ, પણ બધું તે મુજબ નહીં કરે સરકાર. સરકાર તેમાં પણ સુધાર કરશે તે મુજબ સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયા સિવાયની બૅંકોમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દા અલગ કરવામાં આવશે અને પાંચ બૅંકોના ચેરમેનના નામ સરકારે નક્કી પણ કરી લીધાં છે. જે રાજકારણી નહીં પણ ખાનગી ક્ષેત્રની સિદ્ધહસ્ત વ્યક્તિઓ છે. આમ કરવાથી સીઈઓ સર્વસત્તાધારી નહીં રહે. રિઝર્વ બૅંક પહેલેથી જ કહે છે કે, બૅંકોના વહીવટથી રાજકારણીઓને દૂર રાખો અને બૅંકોને સ્વતંત્ર વહીવટની સત્તા આપો.

બૅંકો માટે એક અલગ બૅન્ક બોર્ડ બ્યૂરોની રચના કરવાનું પણ સરકાર વિચારી રહી છે અને આ બોર્ડને જ જાહેર ક્ષેત્રની બૅંકોમાં નિયુક્તિઓ કરવાની સત્તા રહેશે. એમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની નિયુક્તિની સત્તાનો પણ સમાવેશ થાય છે. સરકાર સાત નિષ્ણાતોની એ બોર્ડમાં સભ્ય તરીકે નિયુક્તિ કરવા ઈચ્છે છે, જેમાં એક ચેરમેન, ત્રણ અન્ય સરકારી પ્રતિનિધિઓમાં રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર અને બાકીના સફળ વ્યાવસાયિકોને લેવાનું વિચારે છે. અત્યારે બૅંકોના ઉચ્ચ હોદ્દાઓ પર રિઝર્વ બૅંકનાં ગવર્નર નિયુક્તિ કરે છે, હવે તેમાં ફેરફાર કરાશે. આટલું કર્યા પછી સરકાર બૅંકોના સમગ્ર વહીવટથી દૂર ખસી જવા માગે છે.

સરકારે તે અંગે પણ બહુ સાવચેતીભર્યાં પગલાં લેવાં પડશે, કારણ કે જાહેરક્ષેત્રની બૅંકોની કામગીરીનું માપતોલ કરવું એ સહેલું કામ નથી. આર્થિક લાભના અતિ ઉપયોગ કરતાં કરતાં હરીફાઈ અને જાહેર બૅંકોમાંના કલ્ચર કોરી ન ખવાય તે જોવું મહત્ત્વનું રહેશે, જેવું મુંબઈની પંજાબ નેશનલ બૅંકની શાખામાં બન્યું! જોકે સરકારનો આ સેન્સીબલ એપ્રોચ છે અને એ સારાં પરિણામોની આશા રાખે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

frpn0q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com