21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ટેશન પરની બૅન્ચ પર બેસવાને મુદ્દે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: મિત્રની ધરપકડ

મુંબઈ: સ્ટેશન પરની બૅન્ચ પર બેસવા માટેની અપૂરતી જગ્યાને લઈ થયેલા વિવાદમાં સિનિયર સિટીઝન એવા મિત્રની હત્યા કરવાના આરોપસર કલ્યાણ ગ્રામીણ પોલીસે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ રેલવેની મેઈન લાઈનમાં આવતા ખડવલી સ્ટેશન ખાતે સોમવારે બનેલી ઘટનામાં કનુ જાધવ (૭૨)નું મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે ધનંજય કુમાર સિંહા (૫૪)ની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી જાધવ અને સિંહા ખડવલી રેલવે સ્ટેશન પરિસરમાં રહેતા હતા અને ત્યાં જ નાનું-મોટું કામ કરતા હતા. સોમવારે બપોરે બન્ને જણ સ્ટેશન પરની બૅન્ચ પર બેઠા હતા ત્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. બૅન્ચ પર બેસવા માટે ઓછી જગ્યા મળવાને મુદ્દે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બન્ને સારા મિત્રો હતા અને હંમેશાં સાથે રહેતા હતા. જોકે સોમવારે સિંહાએ જાધવને બૅન્ચ પર બેસવા માટે વધારાની જગ્યા આપવાનો ઇનકાર કર્યો હતો. આ વાતને લઈ તેમની વચ્ચે મારામારી થઈ હતી. ગુસ્સામાં આવી સિંહાએ બામ્બુ વડે જાધવ પર હુમલો કર્યો હતો. માથામાં ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં જાધવ જમીન પર ફસડાઈ પડ્યો હતો. ઘટનાને જોનારા જાધવના પરિવારજનો મદદ માટે દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા જાધવને મૃત જાહેર કરાયો હતો.

-------------------

મૃતદેહ પર હવે કફન સુધરાઈ જ આપશે



(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ : મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પોતાની હૉસ્પિટલમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, છતાં મૃતદેહ માટે લાગનારું સફેદ કપડું (કફન) મૃતક વ્યકિતના સંબંધીઓ પાસેથી મગાવવામાં આવતું હોય છે, પણ હવેથી હૉસ્પિટલ તરફથી આ કપડું ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને તમામ હૉસ્પિટલને મૃતદેહને સફેદ કપડામાં વીંટાળીને જ તેમના સંબંધીઓને આપવાની સૂચના આપી છે. મૃત વ્યકિતના અંતિમસંસ્કાર માટે લાગતાં લાકડાં પણ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મફતમાં પૂરાં પાડવામાં આવે છે પણ પાલિકાની હૉસ્પિટલમાં કોઈ વ્યકિતનું મૃત્યુ થયું તો તેના સંબંધીને મૃતદેહ માટે સફેદ કપડાં લાવવાનું કહેવામાં આવે છે. આ બાબતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં નગરસેવિકા તરફથી એપ્રિલ ૨૦૧૪માં ઠરાવની સૂચના આવી હતી, જેમાં સફેદ કપડું હૉસ્પિટલ તરફથી ઉપલબ્ધ કરી આપવાની માગણી કરવામાં આવી હતી.

છેવટે મુંબઈ મહાનગરપાલિકાએ આ સૂચનાને માન્ય રાખી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

63i5a1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com