19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જવાનોની શહાદતમાં કોમવાદ: ઓવૈસી જેવા બીજું શું કરવાના?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતભારતમાં રાજકારણ અત્યંત ગંદું થઈ ગયું છે અને સમાજ પણ એ હદે વિભાજિત થઈ ગયો છે કે કોઈ પણ વાત હોય તેને તરત જ ધર્મ કે જ્ઞાતિનો રંગ આપી જ દેવાય છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના મામલે એવું જ થયું છે. પાકિસ્તાની આતંકવાદીઓએ હમણાં આપણું નાક વાઢવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે ને તેના ભાગરૂપે ચાર દિવસમાં ત્રણ આતંકવાદી હુમલા થઈ ગયા. આ હુમલાઓમાં સૌથી ભીષણ હુમલો જમ્મુના સુંજુવાંમાં થયેલો. આતંકવાદીઓ સુંજુવાંમાં લશ્કરી કેમ્પમાં ઘૂસી ગયા ને આપણા છ સૈનિકોનાં ઢીમ ઢાળી દીધાં. દેશ માટે શહાદત વહોરનારા આ બધા જવાનો ભારતીય હતા પણ મુસ્લિમોના મસીહા બનવાના જેમને ધખારા છે એ અસાદુદ્દીન ઓવૈસીએ આખી વાતને કોમી રંગ આપી દીધો.

ઓવૈસીએ જાહેર કર્યું કે, જે લોકો ભારતના મુસ્લિમોને પાકિસ્તાની કહીને ગાળો આપે છે તેમણે હમણાં કાશ્મીરમાં થયેલા હુમલામાંથી ધડો લેવો જોઈએ કેમ કે આ હુમલામાં શહીદ થયેલા ૭ જવાનોમાંથી ૫ જવાન મુસ્લિમ છે ને માર્યો ગયેલો એકમાત્ર નાગરિક પણ મુસ્લિમ છે. અમે દેશ માટે જાન આપી રહ્યા છીએ ત્યારે અમને પાકિસ્તાની કહીને હલકા ચીતરવામાં આવે છે એવો અફસોસ પણ ઓવૈસીએ વ્યક્ત કર્યો.

ઓવૈસીએ જે વાત કરી એ માહિતીની રીતે સાચી છે પણ તેમણે જે સંદર્ભમાં આ વાત કરી એ ખોટી છે. જમ્મુના સુંજુવાં મિલિટરી કેમ્પ પર થયેલા હુમલામાં આપણા મોહમ્મદ અશરફ મીર, હબીબુલ્લાહ કુરેશી, મંઝૂર અહમદ દેવા ને મોહમ્મદ ઈકબાલ શેખ એ ચાર જવાનો શહીદ થયા. શહીદ મોહમ્મદ ઈકબાલ શેખના પિતા ગુલામ મોહીયુદ્દીન શેખ પણ આ હુમલામાં જન્નતનશીન થયા. એ સિવાય સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલામાં બિહારના આરાનો મુઝાહિદ ખાન શહીદ થયો. આ શહીદોના નામે ઓવૈસીએ પોતાનો રાજકીય રોટલો શેકવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો.

જોકે ઓવૈસી આવી હરકત કરનારા પહેલા નેતા નથી. આ પહેલા પણ આ રીતે લશ્કરને કોમવાદનો રંગ આપવાની કોશિશ કરી જ છે ને તેનો ઊડીને આંખે વળગે તેવો કિસ્સો આઝમખાનનો છે. પોતાને ઉત્તર પ્રદેશના મુસ્લિમોના માઈબાપ સમજતા આઝમખાને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી તાકડે ગાઝિયાબાદમાં એવો લવારો કરેલો કે, ૧૯૯૯નું કારગિલ યુદ્ધ ભારત હિન્દુઓના કારણે નહીં પણ મુસ્લિમ સૈનિકોના કારણે જીત્યું હતું. આઝમખાનના આ લવારાના કારણે બબાલ થઈ ગઈ તેથી કારગિલની લડાઈ હિન્દુઓએ નહીં પણ મુસ્લિમ સૈનિકોએ જિતાડી હતી તે સાબિત કરવા આઝમખાન એક કદમ આગળ વધ્યા હતા. તેમણે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે એક સીડી બહાર પાડી હતી.

આ સીડીમાં એક કર્નલની રેન્કનો ઓફિસર પત્રકારો સાથે વાત કરતી વખતે પોતાની બટાલિયન ૨૨ ગ્રેનેડિયરના મુસ્લિમ સૈનિકોએ કઈ રીતે પાકિસ્તાનના સૈનિકોને ઢાળી દીધા હતા તેની વાત કરતો બતાવાયેલો. બેકગ્રાઉન્ડમાં કારગિલનું રણમેદાન દેખાતું હતું. સીડીમાં આ ઓફિસર એવો દાવો કરતો સંભળાય છે કે, ભારતીય લશ્કરના મુસ્લિમ સૈનિકો પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. એ વખતે તેમણે નારે-એ-તકબીર અલ્લાહ ઓ અકબરના નારા લગાવ્યા. એ સાંભળીને પાકિસ્તાની સૈનિકો બહાર આવ્યા ને ભારતીય મુસ્લિમ સૈનિકોએ તેમને ઢાળી દીધા. મુસ્લિમ સૈનિકોના કારણે ભારતે એકદમ ઊંચાઈ પર આવેલી ચોકીઓ પરથી પાકિસ્તાની સૈનિકોને ખદેડીને કઈ રીતે કબજો મેળવ્યો તેની શૌર્યગાથા આ અધિકારી વર્ણવે છે. આઝમખાને ચૂંટણી ટાણે પોતાના સમર્થનમાં આઝમવાદી યુવા મંચ બનાવ્યો હતો ને આ યુવા મંચના કાર્યકરોએ ઉત્તર પ્રદેશમાં ઘેર ઘેર ફરીને આ સીડી વહેંચી હતી. એ વખતે આઝમખાને જોરશોરથી એવો પ્રચાર કરેલો કે, આ દેશમાં મુસ્લિમ સૈનિકો દ્વારા બતાવાતી દેશભક્તિની પ્રશંસા કરવા માટે કોઈ તૈયાર નથી. આઝમખાને લશ્કરી કામગીરીને કોમવાદનો રંગ આપવાની ગંદી હરકત કરેલી તેવી જ હરકત હવે ઓવૈસીએ કરી છે.

ઓવૈસીના આ લવારા સામે લશ્કરે ચોખવટ કરી જ છે કે, શહીદોના નામે આ બધા ધંધા બંધ કરો ને શહીદો પર કોઈ કોમનાં લેબલ ના લગાવો. લશ્કર વતી નોર્ધન કમાન્ડના ચીફ જનરલ દેવરાજ અન્બુએ એવી ચોખવટ પણ કરી કે, જે લોકો આવી વાતો કરે છે તેમને ભારતીય લશ્કર વિશે બહુ ખબર જ નથી. જનરલ દેવરાજની વાત સાવ સાચી છે પણ તેમની વાતની ઓવૈસી જેવા લોકો પર અસર થાય તેવી આશા રાખવા જેવી નથી. તેનું કારણ એ કે ઓવૈસી જેવા લોકોની દુકાન આ બધા લવારા પર ચાલે છે. ઓવૈસી જેવા લોકો દરેક વાતને કોમવાદનો રંગ આપવામાં માહિર છે, કેમ કે તેમનો રાજકીય સ્વાર્થ છે. એ લોકો મુસ્લિમોમાં અસંતોષની લાગણી ઊભી કરીને પોતાનો સ્વાર્થ સાધે છે તેથી તેમની પાસેથી બીજી આશા પણ શું રાખો ?

જોકે ઓવૈસી જેવા નમૂનાઓને આવું બોલવાની તક મળે છે તેનું કારણ પોતાને હિંદુવાદી કહેવડાવતા કેટલાક નમૂના છે. એ બધા મુસ્લિમોની વફાદારી સામે શંકા કરતાં નિવેદનો આપ્યા જ કરે છે. થોડા સમય પહેલાં જ ભાજપના સાંસદ વિનય કટિયારે એવો લવારો કરેલો કે, મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ કેમ કે ધર્મના આધારે દેશનું વિભાજન થઈ ગયું ને મુસ્લિમોને પાકિસ્તાન-બાંગ્લાદેશ મળી ગયાં પછી તેમને અહીં રહેવાનો હક જ નથી. કટિયારે હજુ હમણાં જ આ વાત કરી છે. આ પ્રકારના લવારા કરનારા વિનય કટિયાર એકલા નથી. ભાજપ આ દેશનો શાસક પક્ષ છે ને ભાજપ પાસે જ આવા થોકબંધ નમૂના છે. સાક્ષી મહારાજથી માંડીને સાધ્વી નિરંજના સુધીના ભાજપના નમૂના આવી વાતો કરતા જ રહે છે. એ લોકોની માનસિક કક્ષા પણ ઓવૈસી જેવી જ છે. એ લોકો પણ આ લવારા કરે છે કેમ કે તેમાં તેમનો રાજકીય સ્વાર્થ છે. ઓવૈસી જેવાઓની વાત સાંભળીને કટ્ટરવાદી મુસ્લિમો ઝૂમી ઊઠે છે તો આ બધાની વાત સાંભળીને હળાહળ મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા હિંદુઓ રાજી થઈને આળોટવા માંડે છે. આ તો ભાજપની જ વાત કરી, બાકી તેનાં પિઠ્ઠુ જેવાં સંગઠનોની તો વાત જ નથી કરતા. એ લોકો તો તેના કરતાં પણ વધારે ખરાબ ભાષા બોલે છે.

જોકે આ બધા લવારાના કારણે આ દેશના મુસ્લિમોને કોઈ ફરક નથી પડતો. આ દેશના મુસ્લિમોને ના તો કટિયાર જેવા નમૂનાઓની સલાહની જરૂર છે કે ના તો ઓવૈસી જેવા લોકોના લવારાની જરૂર છે. ભારત દુનિયામાં મુસ્લિમોની વસતીમાં બીજા નંબરનો દેશ છે પણ આ દેશના મુસ્લિમોમાંથી નવ્વાણુ ટકા મુસ્લિમોને બીજા કોઈ લફરામાં રસ નથી તેથી આ દેશમાં શાંતિ છે. પાકિસ્તાનના ચડાવ્યા થોડાઘણા લોકો આડે રસ્તે ફંટાઈ જતા હશે પણ મોટા ભાગના મુસ્લિમોને ના તો પાકિસ્તાનમાં રસ છે કે ના તો તે ઈસ્લામનું શાસન સ્થાપવાનાં ગાજર લટકાવે છે તેમાં રસ છે. આ મુસ્લિમો માટે ભારત જ તેમનો દેશ છે ને આ દેશને પોતાનો માનીને એ લોકો અહીં રહે છે. આ માનસિકતા તેમને તેમના વડવાઓ પાસેથી મળી છે. બાકી પાકિસ્તાનમાં કે ઈસ્લામના નામે ઊભા થતા દેશમાં રસ હોત તો એ લોકો પાકિસ્તાન ના જતા રહ્યા હોત ?

આ દેશના મુસ્લિમો સમજદાર છે ને તેમને કોઈના સર્ટિફિકેટની કે સલાહની જરૂર નથી. આ દેશના મુસ્લિમો પોતાના વતનમાં, પોતાના ઘરમાં ઈજ્જતથી જીવે છે ને ઈજ્જતથી કમાણી કરીને ખાય છે. ભારતના નાગરિકો તરીકે ગૌરવભેર જીવે છે ને પોતાના દેશને આગળ લઈ જવામાં યોગદાન આપે છે. આ દેશના મુસ્લિમો કોઈના ઓશિયાળા નથી કે કોઈના આંગળિયાત નથી. આ દેશના વિકાસમાં મુસ્લિમોનું મોટું યોગદાન છે ને એ યોગદાનને કોઈ નકારી ના શકે. આ દેશને આગળ લાવવા તેમણે દેશના બીજા લોકો જેટલી જ મહેનત કરી છે ને આ દેશ માટે તેમણે બીજાં લોકો જેટલાં જ બલિદાન આપ્યાં છે. આ વાતની ખબર આ દેશના લોકોને પણ છે જ ને ઓવૈસીએ તે સમજાવવાની જરૂર નથી. ઓવૈસીએ જેમની વાત કરી એ શહીદોની અંતિમવિધિમાં ઊમટી પડેલી હજારોની મેદની તેનો પુરાવો છે. આ દેશ પર તેમનું ઋણ છે ને દેશ એ સ્વીકારે જ છે.

જે લોકો મુસ્લિમોને પાકિસ્તાની કહે છે તેમની દયા ખાવી જોઈએ ને તેમને જવાબ આપવાની પણ જરૂર નથી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5DRLL0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com