18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શારદ્વાન ઋષિનો અંશ છું હું... તેજ અને તપ મારી પ્રકૃતિ છે

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : કૃપિ

સ્થળ : હસ્તિનાપુર

સમય : દ્વાપરયુગ

ઉંમર : આશરે ૫૦ વર્ષ...

(ગયા અંકથી ચાલુ)

કેટલીક વાર કેટલાક સંબંધો પ્રશ્ર્નાર્થ ચિહ્ન જેવા બની જાય છે. આપણે સૌ એમ માનીએ છીએ કે, આપણે જે કંઈ કરી રહ્યા છે તે યોગ્ય અને સાચું છે, પરંતુ સમય સિવાય એનું પ્રમાણ કોઈ આપી શક્તું નથી. આપણે જે સમયમાં ઊભા હોઈએ એ સમયે કદાચ આપણને પરિણામની કલ્પના હોતી નથી. જે તે ક્ષણના સત્યની બહાર આપણને કશું દેખાતું પણ નથી કારણ કે, આપણે મનુષ્ય છીએ. ભવિષ્ય જોવું કે જોઈ શકવું આપણા હાથમાં નથી હોતું. કદાચ એટલે જ મોટાભાગના લોકોને પોતાની ભૂલ પછીથી સમજાતી હોય છે. જો એ સમયે આપણે સમજી શકીએ કે જે કંઈ થઈ રહ્યું છે તે ભૂલ છે... તો કદાચ આપણે એ કરીએ જ નહીં. સમજાતું નથી માટે જ કદાચ આપણે ભૂલ કરી બેસીએ છીએ.

આ જગતમાં કોણ એવું છે જે પોતાના પ્રિયજનનું અહિત ઈચ્છે ? કઈ મા ઈચ્છે કે એનો યુવાન પુત્ર કોઈ અન્યના યુદ્ધમાં સ્વયંને હોમી દે અને એનું જીવન સમાપ્ત થઈ જાય ? કઈ પત્ની એવું ઈચ્છે કે એ એના પતિને યુદ્ધના મેદાનમાં પ્રાણ ત્યાગતો જુએ ? કોઈ નહીં, મેં પણ નહોતું ઈચ્છ્યું. સમયે મને જ્યાં લાવીને ઊભી રાખી છે ત્યાં આવતીકાલે સવારે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું છે. મારા પતિ અને પુત્ર બેઉં આ યુદ્ધમાં મહત્ત્વનો ભાગ ભજવશે. હું જાણું છું કે આ યુદ્ધ સર્વનાશ તરફ લઈ જશે સમગ્ર આર્યાવર્તને. જાણે અજાણે આ સર્વનાશનું ઉત્તરદાયિત્વ મારું છે...

હું મારા પતિ મહાઋષિ દ્રોણને ગાય માગવા દ્રુપદ પાસે ન મોકલત તો કદાચ આજે આ યુદ્ધ ન થયું હોત... એ અનિચ્છાએ ગયા. દ્રુપદે એમનું અપમાન કર્યું અને એમના બ્રહ્મતેજ ઉપર થયેલા આઘાતથી દ્રોણે વિમુધ થઈને પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞાના ફળસ્વરૂપ પાંડવોએ દ્રુપદને બંદી બનાવ્યા. દ્રુપદનો અહંકાર ઘવાયો અને એમણે પુત્ર કામેષ્ટિ યજ્ઞનો આરંભ કર્યો...દ્રુપદને એના વૈભવનો, એના વિચારોનો, એના વહાલનો વારસ નહોતો જોઈતો... દ્રુપદને તો વેરનો વારસ જોઈતો હતો ! દ્રુપદના વેરના બીજમાંથી જન્મ્યો ધૃષ્ટદ્યુમ્ન. દ્રુપદે જેની અપેક્ષા કે ઝંખના નહોતી રાખી એવી એક પુત્રી પણ જન્મી, આ યજ્ઞની વેદીમાંથી. એનું નામ ક્રિષ્ણા પાડવામાં આવ્યું. નીલ વર્ણની અત્યંત સ્વરૂપવાન અને સુંદર કેશકલાપ ધરાવતી આ પુત્રી બાળકી નહીં, પરંતુ યુવતી સ્વરૂપે જન્મી. એ એટલી તો સૌંદર્યવાન હતી કે એને જોતાં જ ત્યાં યજ્ઞ વેદી પાસે બેઠેલા યુવાન બ્રાહ્મણો પોતાનું ભાન ગુમાવીને એની કામના કરવા લાગ્યા. સમગ્ર આર્યાવર્તના રાજાઓ એની ઝંખના

કરવા લાગ્યા. દ્રુપદની પુત્રી દ્રૌપદી હોય કે પાંચાળની રાજકુમારી પાંચાલી, ક્રિષ્ના કહો કે યાજ્ઞસેની... એ છોકરીએ સમગ્ર આર્યાવર્તને ઘેલું કરી

નાખ્યું.

પાંચાળ રાજ દ્રુપદને ભય લાગ્યો કે કોઈ પણ એક રાજવી સાથે દ્રૌપદીના લગ્ન થશે તો બાકીના બધા જ રાજવીઓ પાંચાળના શત્રુ બની જશે. દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્નએ મળીને ‘મત્સ્યવેધ’ ના સ્વયંવરનું આયોજન કર્યું... એ પછીની કથા સૌ જાણે છે. આજે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મારે સ્વીકારવું જોઈએ કે પરશુરામનો શિષ્ય કર્ણ આમ તો દ્રોણનો ગુરુબંધુ થાય... પરંતુ, દ્રોણે ક્યારેય એને સ્નેહ કે સન્માનથી સ્વીકાર્યો નહીં... બીજી તરફ દ્રોણને પોતાના ગુરુપદે સ્થાપીને જેણે આપબળે ધનુર્વિદ્યાનું શિક્ષણ લીધું એવા એકલવ્યને એનો અંગુઠો આપવા બાધ્ય કરીને દ્રોણે એની ધનુર્વિદ્યા જ છીનવી લીધી... આ કયા પ્રકારની ગુરુદક્ષિણા હતી એની મને જાણ નથી, પરંતુ આજે જ્યારે હું વિધ્વંસના કિનારે ઊભી છું ત્યારે સમજી શકું છું કે, મારા ભ્રાતાશ્રી આ આખી યે રાજરમતમાંથી બહાર રહી શક્યા, કારણ કે એમના રક્તમાં મહર્ષિ ગૌતમ અને એમના વીર્યમાં શારદ્વાન જેવા ઋષિનું તેજ હતું.

મારે કહેવું જોઈએ કે મારા ભ્રાતા કૃપાચાર્ય દ્રોણથી ઓછા જ્ઞાની નથી. એમને શસ્ત્ર, શાસ્ત્ર, રાજકારણ, વિજ્ઞાન અને આયુર્વેદનું જ્ઞાન છે. એમનામાં એક અજબ જેવી શાંતિ છે. એ એમના જીવનથી પરમ સંતુષ્ટ છે. એમણે કદીએ કશું મેળવવાનો આગ્રહ સેવ્યો જ નથી. તેઓ પાંડવોના ગુરુ હતાં તેમ છતાં, જ્યારે ભિષ્મ પિતામહ દ્રોણને પાંડવોને અને કૌરવોના ગુરુ તરીકે હસ્તિનાપુર લઈ આવ્યા ત્યારે એમણે આદર અને આનંદથી સ્વીકાર કર્યો દ્રોણનો... મારા પતિ એમ ન કરી શક્યા એ દુર્ભાગ્ય!

મારા પતિ હંમેશા મારા ભ્રાતાશ્રીને એમના પ્રતિસ્પર્ધી તરીકે જોતા રહ્યા... આજે પણ જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની તૈયારી થઈ રહી છે ત્યારે હસ્તિનાપુરના રાજ્યગુરુના પદે હોવાથી કુરુક્ષેત્રના યુદ્ધના સેનાપતિ તરીકે કૃપાચાર્યની વરણી થવી જોઈતી હતી. આ યુદ્ધના સેનાપતિ બનવાનો પ્રથમ અધિકાર જો કોઈનો હોય તો એ કૃપાચાર્યનો જ હોઈ શકે. એમ થયું નહીં... ધૃતરાષ્ટ્રએ હસ્તિનાપુરના રાજા તરીકે અને ભિષ્મ પિતામહએ સિંહાસનના રક્ષક તરીકે કૃપાચાર્યને સેનાપતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો... દુર્યોધને રાજ્યસભામાં સ્પષ્ટ શબ્દોમાં આ પ્રસ્તાવ નકારી કાઢ્યો, એમ કહીને કે, "કૃપાચાર્યને પાંડવો પરત્વે સ્નેહની લાગણી છે. એ યુદ્ધ સમયે મારો નહીં પાંડવોનો પક્ષ લેશે. દુર્યોધને એમ પણ કહ્યું કે, "કર્ણ યુવાન છે એ મારો વધુ વિશ્ર્વસનીય છે... આ બધું સાંભળીને પણ કદાચ કૃપાચાર્ય શાંત રહી શક્યા હોત, પરંતુ જ્યારે દુર્યોધને કહ્યું કે, "કૃપાચાર્ય કોઈ પણ ક્ષણે પાંડવોના પક્ષે ચાલી જાય તો મારી સેનાપતિ વગરની સેના છિન્નભિન્ન થઈ જાય. કૃપાચાર્યએ અત્યંત ભારે હૃદયે અને દુ:ખ સાથે રાજ્યસભામાં કહેલું, "જો મને પસંદગીનો અધિકાર આપવામાં આવે તો હું અચૂક પાંડવોના પક્ષે યુદ્ધ કરું, પરંતુ સત્ય તો એ છે કે, મારી પ્રતિબદ્ધતા હસ્તિનાપુરનું સિંહાસન અને મેં ખાધેલા હસ્તિનાપુરના લૂણ પરત્વે છે. આજ સુધી હું હસ્તિનાપુરના સિંહાસનનો રાજ્યગુરુ રહ્યો છું. મને યથોચિત આદર, સન્માન અને ધન મળ્યા છે, અહીંથી. હવે જ્યારે રાજ્ય પર સંકટ આવ્યું હોય ત્યારે હું ધર્મ-અધર્મની પસંદગી કરવાનો અધિકાર ધરાવતો નથી. એમણે સહુની સમક્ષ એ દિવસે કોઈ ભવિષ્યવાણીની જેમ ઉચ્ચારેલું સત્ય આજે પણ મારા કાનમાં ગુંજે છે, "તમે પણ જાણો છો અને હું પણ જે સત્યને જોઈ શકું છું એ સત્યને અવગણવાનો કોઈ અર્થ નથી. સત્ય મોઢું ફાડીને, આંખો ઉઘાડીને, હાથ લંબાવીને આપણને ગ્રસી લેશે એ નિશ્ર્ચિત છે. હું જાણું છું કે, આ યુદ્ધમાં પાંડવો સાથે રહીને યુદ્ધ કરવાથી કદાચ મૃત્યુ આવે, પરંતુ ધર્મના પક્ષે યુદ્ધ કર્યાનો સંતોષ પણ મળશે, જ્યારે દુર્યોધન સાથે રહીને યુદ્ધ કરવાનું પરિણામ મૃત્યુ છે અને ઈતિહાસ મને અધર્મ સાથે જોડશે, પરંતુ એક બ્રાહ્મણ તરીકે, એક રાજ્યગુરુ તરીકે હું એ લાંછન સ્વીકારીને પણ કૌરવોના પક્ષે યુદ્ધ કરીશ એ નિશ્ર્ચિત છે. મારી પ્રામાણિક્તા અને પૂર્ણત: સમર્પણ હસ્તિનાપુર પરત્વે છે અને રહેશે... કોઈ નથી જાણતું એ સત્ય હું જાણું છું... માત્ર હું અને મારા ભ્રાતાશ્રી આ સત્યથી માહિતગાર છીએ. મહાઋષિ શારદ્વાનનું વીર્ય ક્યારેય મર્ત્ય ન હોઈ શકે. કૃપાચાર્યને એ પોતે શરીર છોડવા ન માગે ત્યાં સુધી જીવિત અને સ્વસ્થ રહેવાનું વરદાન છે. ગમે તેટલી પેઢીઓ આવે અને જાય, કૃપાચાર્ય ક્યારેય મૃત્યુ નહીં પામે. એ જ્યારે ઈચ્છશે ત્યારે એ સ્વયં પોતાની ઈચ્છાથી શરીરનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ કરશે. એમનો પુન:જન્મ નથી. જોકે, આ સત્ય અમારા બે જણાં-ભાઈ બહેન સિવાય કોઈ જાણતું નથી. મારે પણ સહુના મૃત્યુ જોવા જીવિત રહેવાનું છે ? ના. હું નહીં જીવું. મને જે ક્ષણે મારા સ્વામી દ્રોણના મૃત્યુના સમાચાર મળશે એ જ ક્ષણે શરીરનો ત્યાગ કરવાનો મેં નિશ્ર્ચય કર્યો છે.

આવતીકાલે સવારથી દ્રોણ યુદ્ધમાં જશે અને હું ઈશ્ર્વર સ્મરણમાં મન પરોવીશ... સહુના કલ્યાણ માટે, સહુની શાંતિ માટે, ધર્મના જય માટે પ્રાર્થના કરીશ હું. જે ક્ષણે મારા પતિના દેહ ત્યાગના સમાચાર મારા સુધી આવશે એ ક્ષણે હું પણ આ નશ્ર્વર દેહને છોડીને સ્વર્ગારોહણ કરીશ... મહાઋષિ શારદ્વાનના અંશ છીએ અમે. હું મારા અસ્તિત્વને ક્યારેય લાંછિત નહીં થવા દઉં. ઈતિહાસ મને યાદ રાખે કે નહીં, કુરુક્ષેત્રના યુધની કથામાં ક્યાંય મારો નામોલ્લેખ હોય કે નહીં... દ્રોણની પત્ની અને અશ્ર્વત્થામાની મા તરીકે હું જનમાનસમાં જીવિત રહીશ. દ્રોણને એમની પ્રતિજ્ઞાનો ભંગ કરીને દ્રુપદ પાસે ગાય જેવી ક્ષુલ્લક માગણી કરવા માટે હઠાગ્રહ કર્યાનો મને પશ્ર્ચાતાપ રહેશે. આજીવન અને મૃત્યુ પછી પણ...

નોંધ: મહાભારતના યુદ્ધમાં જીવિત રહી ગયેલા સાત નામોમાં એક કૃપાચાર્યનું નામ પણ છે. એ પછી એમણે ઉત્તરા અને અભિમન્યુના પુત્ર પરીક્ષિતને શસ્ત્ર, અસ્ત્ર અને રાજવિદ્યા શીખવી એવો પણ મહાભારતમાં ઉલ્લેખ છે. (સમાપ્ત)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

clkb0w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com