18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઝાંસીની રાણીને કોઈ ન પહોંચે

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લલખતાં તો ડર લાગે છે કે માથે પસ્તાળ પડે અને ધિક્કારપત્રો કે જાસા ચિઠ્ઠીઓ કે ડરામણા ફોન કૉલ્સ ન આવે, પણ શું થાય? આઝાદ ભારત અને એની લોકશાહીમાં ઊછર્યા હોઈએ તો મૂંગાં તો કેમ મરાય? લાગે છે કે મારી શુક્લ અટલ મને અને મારી જોડેનાને કદાચ સલામતીનું આવરણ આપે. અમને ખબર નહોતો આ શુક્લ અટકનો મહિમા. થોડાં વર્ષ અગાઉ અમે ચાર જણ ચીનનો પ્રવાસ કરીને આવતાં હતાં. ટિકિટ કાંઈ એવી વિચિત્ર હતી (સસ્તી લીધી હોયને!) કે મુંબઈથી દિલ્હી, ત્યાં શાંઘાઈ પ્લેન ઊતરે ને પછી બારોબાર બીજામાં જઈ બીજિંગ પહોંચવાનું વગેરે. પાછા કોઈક વિચિત્ર સમયે ફર્યા અને મુંબઈની ફલાઈટને હજી ઘણી વાર હતી. આંતરરાષ્ટ્રીય તરફથી ડોમેસ્ટિક તરફ આવ્યાં કે આરામ કરીએ. ચા-પાણી-નાસ્તો કરવા’તાં. ચીની ઍરલાઈનનું જમણ બધાંને ફાવે નહીં. અંદર જવા ગયાં ત્યાં સિક્યોરિટીવાળાએ રોક્યા. સમજાયું નહીં પણ એ તો દૃઢપણે કહે કે, આટલા બધા કલાક આગળથી અંદર નહીં જવાનું. હું પાસપોર્ટ વગેરે લઈને જતી હતી ત્યાં મિત્ર નિશ્ર્ચિંત હોરાએ કહ્યું કે હમણાં નહીં જવા દે. સાવ થાકીપાકી એક બાજુ ઊભી રહી ત્યાં તો ચમત્કાર થયો. મારા પતિદેવ જરા પાછળ લાઈનમાં હતા. એમણે પાસપોર્ટ બતાવ્યો. ત્યાં એ જ સિક્યોરિટીમેન કહે, "આઈયે શુક્લાજી, આઈયે. નિશ્ર્ચિંત હજી તાળીઓ દઈ આ પ્રસંગ કહે છે. એમ છે કે ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે છ અટક કે કુળ બ્રાહ્મણોનાં છે, જેવાં કે મિશ્રા, પાંડે, ઉપાધ્યાય, દુબે વગેરે, આમાં શુક્લ સૌથી ઉપર ગણાય. મને પણ ખબર ન પડતી, જ્યારે મારી જોડે કૉલેજમાં ભણાવતા એક ઉત્તર પ્રદેશના લેકચરર કહેતા, "અરે આપ તો શુક્લા હો, ભાઈ. આપકી ક્યા બાત કરે? આપણે ગુજરાતમાં કે મુંબઈમાં તો આવું બધું જોયેલું નહીં પણ આજે બ્રાહ્મણ મહાસંઘને એવી સંસ્થા વિશે લખવું છે તો આ શુક્લકવચ પહેરી લઉં, બાકી નાતજાતની વાતોએ જે ઉપાડો લીધો છે તે આપણા જેવા વિકાસશીલને શોભતું નથી.

વાત છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની, ફિલ્મઉદ્યોગમાં એવી માન્યતા હતી અને કદાચ હજી હશે કે કોઈ પણ રાણીના નામની ફિલ્મ ચાલતી નથી. મીરાં નામની ફિલ્મ ગુલઝારની ફિલ્મ હોય કે ગાંધીયુગમાં મીરાંનાં ભજન ગાઈ અતિ પ્રસિદ્ધ અને લોકપ્રિય બનેલા કર્ણાટક શૈલીના અદ્ભુત ગાયક એમ. એસ. શુભલક્ષ્મીની મુખ્ય ભૂમિકા હોય, પણ આ ફિલ્મો ફલોપ થયેલી. હેમામાલિની અભિનીત ‘રઝિયા સુલતાન’નું પણ એવું જ. આઝાદી બાદ સોહરાબ મોદીએ બનાવેલી એમનાં પત્ની મહેતાબને ચમકાવતી ફિલ્મ ‘ઝાંસી કી રાની’ તો પ્રથમ રંગીન હિન્દી ફિલ્મ હતી, પણ તદ્દન ફલોપ. આજે હવે ‘મણિકર્ણિકા’ યાને ઝાંસી કી રાણી ફિલ્મને નવું ગ્રહણ લાગ્યું છે. જો કે, રવિવારના ‘હિંદુસ્તાન ટાઈમ્સ’માં નાનકડી આઈટમ છે કે બ્રાહ્મણ મહાસભાએ આ ફિલ્મ સામેનો વાંધો અને અપાયેલી ધમકીઓ પાછાં ખેંચી લીધાં છે. આ સાચું હોય તો બહુ સરસ. કદાચ એમ પણ હોય કે બધા હોબાળામાં ‘પદ્માવત્’ ફિલ્મ તો બહુ ચાલી અને કમાણી કરી ગઈ અને કોથળામાંથી બિલાડું નીકળ્યું. ફિલ્મમાં તો કહે છે કે રાજપૂતોની પ્રશંસા જ છે. કોઈકે તો કહ્યું કે ભાટાઈ થઈ છે. વાંધો નહીં. ભાટચારણોની દૃષ્ટિ અને તત્કાલીન રાજવટની સહાયથી મળી આવતા ઈતિહાસમાં આવાં તત્ત્વો હોય. મુસ્લિમ સુલતાનોની પરવરિશમાં થયેલા લેખકો કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓનાં લખાણ પણ આપણે ઈતિહાસનાં ઘણાં મૂળોમાંથી એક ગણીએ છીએ, એને આખા ને આખા ઐતિહાસિક પુરાવા ગણતા નથી. નવલકથાઓમાં આવેલાં લખાણ તો બહુ સાચવીને જોવા જોઈએ. ગુજરાતીની સૌથી વધુ લોકપ્રિય થયેલી કનૈયાલાલ મુનશીની સોલંકી યુગની કથાઓ નાનપણમાં આપણને પાનો ચડાવે, પણ એમને ઈતિહાસ ગણીએ તો લાટપ્રદેશ - ભરૂચ અને નજીકના ભાર્ગવ બ્રાહ્મણ કાક વગેરે મોટા હીરો દેખાય, પણ ઈતિહાસમાં એવું કોઈ પ્રાપ્ત જ નથી. સોલંકી મહારાણી મીનળદેવી અને મહાઆમાન્ય મુંજાલના મીઠા સંબંધોની વાતો આજે ચીતરાઈ હોય તો કેટલા ભવાડા થાત? મુનશી પોતે ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણ હતા તે યાદ રાખવું પડે. રાણી લક્ષ્મીબાઈના મરાઠી બ્રાહ્મણ પિતા વારાણસી સ્થિત થયેલા હતા. વારાણસીનો મણિકર્ણિકા ઘાટ એવો પવિત્ર ગણાય કે ત્યાં જેનું શબ બળે એ સીધો સ્વર્ગે જાય. મણિકર્ણિકા અને બીજો હરિશ્ર્ચંદ્ર ઘાટ (જ્યાં રાજા હરિશ્ર્ચંદ્રએ ચંડાળ તરીકે કામ કરેલું એમ મનાય છે) એટલા મહત્ત્વના કે ત્યાંના ડોમરાજાને (સ્મશાનનું કામ કરતાં દલિત ડોમ પ્રજા) ભારે મોટી રકમ આપવી પડે. એમની ત્યાં મોનોપોલી. સીધા સ્વર્ગે કાંઈ એમ તેમ જઈ શકાય? અહીં શબને બાળવા સો ગાઉથી લોકો આવે. ક્યારેય રિક્ષા પાછળ બંધાયેલી ઠાઠડીઓ જોવા મળે, રાતમાં અનેક વાર ‘રામનામ સત્ હૈ’ના પોકારો સાંભળવા મળે, કારણ કે ક્યાં ક્યાંથી સ્મશાનયાત્રાઓ આવતી હોય. આ બધું જોવા આજે પણ ત્યાં પરદેશી પ્રવાસીઓના ઢગલા થાય છે. અગાઉ તો પ્લેગ અને કોલેરા બહુ ફેલાતા, ગરીબોને વારંવાર લાકડાં ક્યાંથી પોસાય? આ તો જ જમીનદારોએ ચૂસી લીધેલો પ્રદેશ છે. કુટુંબના પુરુષો શબના મોઢામાં એક બળતું લાકડું મૂકી દે અને પછી એને ગંગામાં પધરાવી દે. થઈ ગયા અગ્નિસંસ્કાર અને કાશીનું મરણ એ બંને. જો કે, આપણા મણિકર્ણિકાનું નામ તો સંસ્કૃત શાસ્ત્રો જાણકાર એમના પિતાએ રાખ્યું હશે, એમાંથી મનુનામ થઈ જાય કે લગ્ન પછી બદલાય એટલે લક્ષ્મીબાઈ થયું હશે. ભારતના એક ઉત્તમ લેખક અને જ્ઞાનપીઠ એવૉર્ડધારી મહાશ્ર્વેતાદેવીને પહેલેથી રાણી લક્ષ્મીબાઈનું ફેસિનેશન હતું. કોઈને પણ હોય. ઈ.સ. ૧૮૫૭ની ઘટનાને અંગ્રેજોએ માત્ર સિપાઈઓનો બળવો કહ્યો તો આપણે ત્યાં એ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ કહેવાયું. શંકાને સ્થાન નથી કે અંગ્રેજ સેનાના સિપાઈઓના બળવાને કેટલાંક રાજા, રાણી, બાદશાહો અને સુલતાનોએ નેતૃત્વ આપ્યું. આ પાછળ પોતાનાં રાજપાટ સાચવવાની મુરાદ તો હતી જ, પણ ખંડિયા રાજાઓ તરીકે ઘણી સત્તા ગુમાવી અંગ્રેજો માગે તે આપી દેવું પડતું એ શરમજનક સ્થિતિ બદલવાની પણ ઈચ્છા હતી. તે કાળના આધુનિક શિક્ષિતોને લાગેલું કે અંગ્રેજોનું રાજ્ય ઠીક હતું કેમ કે નાનાં નાનાં રજવાડાંઓ મોટા અન્યાય કરવામાં ક્ષોભ ન અનુભવતા, એમનું રાજ્ય દેશને મધ્યકાલીન અંધારયુગમાં લઈ જશે એવાં સ્પષ્ટ એંધાણ હતાં. ગમે તે પક્ષેથી વિચાર કરો તો પણ રાણી લક્ષ્મીબાઈનું પાત્ર હંમેશાં આકર્ષક લાગે છે. એમાં દંતકથાઓ અને સુભદ્રાકુમારી ચૌહાણનું કાવ્ય અને એમાં પ્રત્યેક કડીને અંતે આવતી પંક્તિઓ "બુંદેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી. જોમ જગાવે, ભલે એને ‘મર્દાની’ કહી, લશ્કરમાં શૌર્ય ત્યારે માત્ર મરદો જ બતાવી શકતા, રાજપૂત સ્ત્રીઓ તો ઘૂંઘટ પડદામાં રહેતી ત્યારે "મારું ઝાંસી નહીં આપું કહી એક યુવાન વિધવા રાણી બહાર પડે અને મોટી લડત આપે એ નાનીસૂની વાત નથી. લેખક મહાશ્ર્વેતાદેવીએ દાયકાઓ અગાઉ મધ્યમવર્ગની ટૂંકી આવકમાંથી બચત કરી ઝાંસી અને આસપાસના પ્રદેશોમાં જાતતપાસ કરી પુસ્તકની રચના કરી છે. એમણે નોંધ્યું છે કે આટલાં વર્ષ પછી પણ ત્યાંના વૃદ્ધ પ્રજાજનો માનતા કે રાણી જરૂર પાછી આવશે. એ મરી ન હોય. આપણે ત્યાં આઝાદી પછી સુભાષચંદ્ર બોઝ માટે પણ આમ જ કહેવાતું.

બ્રાહ્મણ મહાસભાએ વાંધો લીધો કે બ્રાહ્મણ લક્ષ્મીબાઈનો એક અંગ્રેજ ઑફિસર જોડે કાંઈક રોમેન્સ હોય એવું બતાવવું એ બ્રાહ્મણ સ્ત્રી માટે લાંછનરૂપ છે અને એ નહીં ચલાવી લેવાય, એનો વિરોધ કરીશું વગેરે, ખરું પૂછો તો સામાન્ય લોકો જાણતા જ નહોતા કે લક્ષ્મીબાઈ બ્રાહ્મણકુળનાં હતાં. લડાયક એટલે ત્યારના રાજપૂત એમ ઘણા માનતા. હવે રાજપૂત કરણીસેનાને બ્રાહ્મણસભાએ ‘પદ્માવત’ બાબતે ટેકો આપેલો એટલે કરણીસેનાએ પણ એમને આપ્યો, કહેવાયું કે રાજપૂત બ્રાહ્મણની વહારે જાય જ (સારા રાજા માટે ગૌબ્રાહ્મણ પ્રતિપાલક એમને એમ કહેવાયું હોય ભલા?) અને બ્રાહ્મણ રાજપૂતની સહાય કરેજ. હોય, હોય, એમ જ હોય, રાજગાદી અને ધર્મપુરુષોનો નાતો સર્વત્ર આવો જ રહ્યો છે. જોકે, ૧૮૫૭માં આમ નહોતાં. એ વિપ્લવના ઘણા બધા નેતાઓ બ્રાહ્મણ અથવા મુસલમાન હતા. તાત્યા ટોપે, નાના સાહેબ પેશ્ર્વા, લક્ષ્મીબાઈ અને એ સૌની અગાઉ થઈ ગયેલા મંગલ પાંડે બધા બ્રાહ્મણ હતા. છેલ્લા મોગલ બાદશાહ બહાદૂરશાહ ઝફર મુસ્લિમ હતા તો અવધ કે કાનપુરના રાજવંશી કે સરદારો મુસ્લિમ હતા. મોગલને તો નામની સરદારી મળેલી. અંગ્રેજોને સાથ દેવામાં ઉદયપુર, જયપુર, બિકાનેર, પતિયાલા, શિરોહી, રેવા ઉપરાંત કાશ્મીર અને નેપાળ વગેરેના રાજપૂત કે બીજી જાતના રાજવીઓ હતા. એમાં હૈદરાબાદના મુસ્લિમ રાજ્યકર્તા પણ ખરા. મરાઠા સરદાર શિંદે (હવે સિંધિયા) પણ અંગ્રેજ તરફી હતા. જોકે, એમને ત્યાં લક્ષ્મીબાઈના દત્તકપુત્રને આશ્રય મળેલો. હોલકર રાણી અહાલ્યાબાઈને અંગ્રેજોએ ઉત્તમ રાજ્યકર્તા ગણેલાં. ઈ.સ. ૧૮૫૭માં પ્રગટ થયેલા અને નેવુંથી વધુ વર્ષ ચાલેલા સામયિક ‘સ્ત્રી બોધ’માં રાણી અહલ્યાબાઈનાં સત્કાર્યોથી વાહવાહ થઈ છે, પણ લક્ષ્મીબાઈનું કશે નામ નથી. અંગ્રેજ રાજ્યમાં એ ભારે પડત ને વળી સ્ત્રીઓ માટે ને સ્ત્રીઓ વતી સુધારા કરનારા તો અંગ્રેજ રાજ્યને વધાવતા હતા જ. એ દૃષ્ટિબિંદુ પણ સાવ ખોટું કહી શકાય નહીં, સમય સમયની વાત હતી. સો વાતની એક વાત કે ઝાંસીની રાણીને કોઈ પહોંચે નહીં. દુશ્મન અંગ્રેજ સેનાપતિએ પણ અંજલિ આપેલી કે બળવાના બધા સરદારોમાં રાણી અનોખાં હતાં, ‘પુરુષ સમોવડિયાં હતાં. આ તો બાર વર્ષની વયે એ ચાલીસ વર્ષના રાજાને પરણેલાં, જેમણે લખનઊના છેલ્લા નવાબની જેમ અંગ્રેજ અધિકારીને કહેલું કે નટનટીઓને ન સંભાળું તો કરું શું? બાકી બધા અધિકારો તો તમારી પાસે છે. અહીં નાનકડાં લક્ષ્મીબાઈ દરબારી રીતો શીખ્યાં, ઘોડેસવારી કરી, આયુધો વાપર્યાં. વિધવા થઈને દુ:ખના દિવસ કાઢયા, પણ છેલ્લે સજ્જ થઈ કુશળ રીતે લડવા નીકળ્યાં. તે અગાઉ રાજ્યકર્તા તરીકે એમણે અંગ્રેજ અધિકારીઓ જોડે પનારો પાડવો પડતો અને યુવાન વિધવાને બદનામ કરવા લોકો હાજર જ હોય છે. અધિકારી રાણીને સન્માન કે સહાય આપે એટલે શું લફરું થઈ ગયું? ગામને મોઢે ગળણાં કોણ બાંધે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

25fW1U5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com