21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારવાવાળા કરતાં જિવાડવાવાળો મહાન

કવર સ્ટોરી-અનંત મામતોરાકુદરતના ખેલ પણ ખરેખર નિરાળા છે. તાજેતરમાં જમ્મુના સુંજવાં વિસ્તારમાં આવેલા લશ્કરી કેમ્પ પર થયેલા આતંકીઓના હુમલામાં આતંકવાદી તો હણાયાં સાથે આપણા દેશના જવાનો પણ શહીદ થયાં. એક બાજુ આ વિનાશલીલા ચાલતી હતી તો બીજી બાજુ એ જ કેમ્પમાં નવા બાળકના આગમનનો જાણે પ્રકૃતિએ નિર્ધાર કર્યો હોય અને તે પણ નિયત સમયની પહેલાં એમ અહીંના રાઇફલમેન નઝીરખાનની પત્નીએ સાતમે મહિને જન્મ આપ્યો. એમ કહોને કે આપવો પડ્યો. શિવરાત્રિના બે દિવસ પહેલાં જાણે તેમની સંહારલીલાની સામે બ્રહ્મા પણ પોતાની સર્જનલીલા દ્વારા એવું કહેવા માગતા હતા કે તેમને જ્યાં સુધી માનવજાત પર વિશ્ર્વાસ છે ત્યાં સુધી પૃથ્વી પર વિનાશક મોતની સામે રચનાત્મક જન્મની પરંપરા પણ ચાલું જ રહેશે. માણસ ગમે તેટલો લોહી તરસ્યો બને પણ રવીન્દ્રનાથ ટાગોરની ભાષામાં વાત કરીએ તો પ્રત્યેક નવું જન્મતું બાળક એ પુરવાર કરે છે કે ઇશ્ર્વરને આવા ઘોર કળિયુગમાં પણ માનવજાત પરથી વિશ્ર્વાસ ઓછો થયો નથી.

વાત એમ છે કે ગત ૧૦ ફેબ્રુઆરીને શનિવારે સવારે પાંચ વાગે પાકિસ્તાનના આતંકીઓએ જમ્મુમાં આવેલા સુંજવાં આર્મી કેમ્પ પર હિચકારો હુમલો કર્યો. કુટુંબ સાથે રહેતા જવાનોના આ લશ્કરી કેમ્પમાં પાછળની બાજુએથી અંધકારનો લાભ લઇ જૈશ-એ-મોહમ્મદ નામના આ આતંકી સંગઠનના ચારથી પાંચ ત્રાસવાદીઓ ઘૂસી આવ્યા હતાં. આ સમયે મોટા ભાગના લોકો નીંદરમાં હતાં. આ ગોઝારી ઘટનામાં આપણા ચાર જવાનો શહીદ થયાં અને એક નાગરિકનું પણ મૃત્યું થયું તો સામે તેમના પણ સઘળા ઘૂસણખોરોને આપણા લશ્કરે હણી નાખ્યા. આ ખતરનાક ઓપરેશન સતત ૪૦ કલાક ચાલ્યું હતું.

આ જ હુમલામાં કેમ્પમાં રહેતા ૯ નાગરિકો પણ ગંભીર ઇજા પામ્યા હતાં જેમને થોડી જ મિનિટોમાં નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતાં. આ કેમ્પના લગભગ ૧૫૦થી વધુરહેવાસીઓને તાત્કાલિક ધોરણે અન્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. હવે આ હુમલામાં રાઇફલમેનની ૨૪ વર્ષીય બેજીવી પત્ની શાહજાદાખાનને પણ સલામત સ્થળે લઇ જવાતી હતી ત્યારે પીઠની નીચેના ભાગમાં એક ગોળી વાગી. જોકે,ઉપરવાળો રાખે એને કોણ ચાખે? ઝાંબાઝ જવાનની હિંમતવાન પત્ની, તેમાં તેને લશ્કરી હેલિકૉપ્ટર દ્વારા તાત્કાલિક આર્મી હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા અને સાથે આવનાર બાળકનું પ્રારબ્ધ જે કહો તે પણ વિનાશકારી પ્રપંચના આવા વાતાવરણમાં પણ એક સુંદર ફરિશ્તા જેવી બાળકીનો જન્મ થયો. સાથે મારવાવાળા કરતાં જીવાડવાવાળો વધુ શક્તિવાન છે તે ફરી એક વાર સાબિત થયું. હાલમાં માતા અને બાળકી બેઉ ખતરાની બહાર છે. લગભગ ૨.૫ કિલો વજન ધરાવતી બાળકી એકદમ તંદુરસ્ત છે.

નાજુક અને ગંભીર હાલતમાં દાખલ થયેલી શાહજાદખાને કદાચ આશા પણ મૂકી દીધી હશે, પણ હૉસ્પિટલનાં જાંબાઝ ડૉક્ટરો અને તેમની ટીમે તેની પીઠની સર્જરી તો કરી સાથે બાળકીનો આ જગતમાં સલામત પ્રવેશ પણ કરાવ્યો. શાહજાદાખાને પણ હર્ષથી આ બાળકીને આવકારી હતી અને હૉસ્પિટલના તમામ ડૉક્ટર અને સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.

હૉસ્પિટલના કમાન્ડન્ટે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મોડી સાંજે આવેલા ઘાયલોના કેસમાં આ કેસ ખરેખર પડકારજનક હતો. ગોળીથી ઘાયલ એક ગર્ભવતી મહિલાની અને તેના પેટમાં રહેલા સંતાનની, એમ બેઉની જિંદગી બચાવવાની જવાબદારી અમારા પર આવી પડી હતી. હું અત્યંત ખુશ છું અને મને ગર્વ છે કે મારી સમગ્ર ટીમે બેઉની સારી સારસંભાળ લીધી અને તંદુરસ્ત બાળકીને આ વિશ્ર્વમાં લાવવામાં નિમિત્ત બન્યા. દરમ્યાન અહીંના ગાયનેકોલોજિસ્ટે પણ ટ્વિટર પર ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે આ એક રોજબરોજ આવતો સરળ કેસ ન હતો, પણ એક ગાયનેકોલોજિસ્ટ તરીકે અમારો ઉદ્દેશ એ હોય છે કે માતા એકલી ભલે આવે, પણ જતી વખતે તેના ખોળામાં તંદુરસ્ત બાળક તો હોવું જ જોઇએ. મારી હૉસ્પિટલ અને સમગ્ર ટીમ માટે આ ખૂબ આનંદદાયી ક્ષણો હતી. માતા પણ એકદમ ખુશ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Nvb272
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com