21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાસ્યલેખકની પુસ્તક વિમોચન વેદના

વાહ જનાબ!-મયૂર ચૌહાણએક વાર રસ્તા પર હું ઊભો હતો. એક ભાઈએ મારી સામે જોઈ કહ્યું, ‘તમે મયૂર ચૌહાણ છો ?’ હું વિચારમાં પડી ગયો, આને મારા નામની ખબર કઈ રીતે પડી ? પછી મનમાં એ ગ્રંથિ બાંધી દીધી કે, નક્કી મારા ફેસબુક આઈડી પરથી ખ્યાલ આવ્યો હશે ! એટલે એમ માની પેલા ભાઈને આગળ વધવા દીધા. તેમણે ફરી એક માસ્ટર સ્ટ્રોક ફટકારતા મારા કાનની બેટરી બંધ કરી દીધી, ‘તમે લખો છો એ સાહિત્યનો પ્રકાર ક્યો ?’

મેં સામેના સજ્જનને જવાબ આપ્યો, ‘હું હાસ્ય લખું છું.’

‘તમારા લેખમાં હાસ્ય જેવું તો કંઈ હોતું નથી.’ હું ફરી ચકિત થઈ ગયો. આ ભાઈ મારા ફેન તો મને લાગતા ન હતા. એટલે મેં કહ્યું, ‘આવું સારું હાસ્ય લખતા હું ક્યાંથી શીખ્યો જો એ સાંભળવામાં તમને રસ હોય તો હું કેટલીક વાતો તમારી સાથે શેર કરવા માગું છું.’ પેલા ભાઈએ હસીને માથુ ધુણાવ્યું. અને મેં મારી વાતનો મમરો મૂક્યો, એક દાડો એક બસે મને અડફેટે લીધો, જ્યારે હું તંદ્રા અવસ્થામાંથી બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે, આપણો ઈલાજ થઈ રહ્યો છે, તે પણ મેન્ટલ હૉસ્પિટલમાં. હૉસ્પિટલનું નામ હતું લવજીભાઈ ખત્રીભાઈ વાજા, જે કોઈ મહાપુરૂષે દાનમાં આપી બનાવેલી.’

હું અટક્યો પણ સામેવાળી વ્યક્તિને જાણવાની કંઈક વધારે જ જિજ્ઞાસા હતી, ‘પછી શું થયું ?’

હું હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો તેના થોડા દિવસ બાદ મને ખબર પડી કે મારા શરીરમાં હાસ્યનું ઈન્જેક્શન મારવામાં આવતા, હું હાસ્ય લખતો થઈ ગયો છું. એટલે કે ગુજરાતી ભાષાની દરકાર લેતો અને સેવા કરતો થઈ ગયો છું. અદ્દલ એ માફક જે રીતે નર્સ મરીઝની સેવા કરે છે.

‘તો તો મરીઝ પણ તે જ હૉસ્પિટલમાં દાખલ

થયેલા ?’

‘ના હવે....’ મેં તેની સમજણને વધતા અટકાવી અને જણાવ્યું, ‘આગળ સાંભળો, આ હોસ્પિટલમાં થયેલી સારવારના કારણે જ હું હાસ્યલેખકોની કતારમાં આવીને ઊભો છું, આમ તો તમને એ હાસ્યની કતાર સામેની બિલ્ડિંગ પર ચઢીને જુઓ તો પણ નહીં દેખાય એટલી નાની છે. એટલે એવું ન પૂછતા કે ચીનની દીવાલ પરથી એ દેખાય છે કે નહીં ? પરિણામે આ હોસ્પિટલના કારણે મારો લેખકગણમાં સમાવેશ થયો એટલે હું ખુશખુશાલ છું. તો આવી રીતે હું લખતા શીખ્યો.’

પેલો માણસ હજુ મારી સામે જ ઉભો હતો. મને નીરખ્યા કરતો હતો, મને પૂછ્યું, ‘જબરું કહેવાય, હું પણ લવજીભાઈ ખત્રીભાઈ વાજા હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યો છું, પણ મને કેમ લેખક બનવાનું ઈન્જેક્શન નથી આપવામાં આવ્યું, એ માટે હું ત્યાં પાછો જઈ પૂછીશ. અત્યારે તો ભાગ્યો છું એટલે મઝા લઈ લવ. ચાલો તયે...’ આટલું બોલી એ માણસ ચાલ્યો ગયો.

હું મારા અંતરઆત્માને તાકી રહ્યો હતો. મારી સાથે આ શું થઈ રહ્યું છે. જે હોસ્પિટલનું નામ મેં મજાકમાં બોલ્યું હતું તે હકીકતમાં છે. મેં તો એમનેમ જ ડિંગો મારી દીધેલો, ‘લવજીભાઈ ખત્રીભાઈ વાજા એટલે કે લખવા.

આ તો મજાકની વાત થઈ. પણ હાસ્યલેખક બન્યા પહેલા અને બન્યા બાદ તમને લોકો અલગ રીતે જોતા હોય છે. હું એક વાર પેન લેવા માટે ગયેલો. બુકસ્ટોર વાળાને મેં પૂછ્યું કે, ‘એક એવી પેન આપો, જેનાથી અક્ષરો સારા થાય.’

પેલાએ સારામાં સારી કંપનીની પેન આપી કહ્યું, ‘આપ હાસ્યલેખક લાગો છો, કારણ કે હાસ્યલેખકો જ અહીં પેન માગવા માટે આવતા હોય છે.’ આ વાતથી એક કવિની માફક મારી ઊર્મિઓ જાગૃત થઈ ગઈ અને શાહીનો ખર્ચો બચાવવા માટે મેં કોમ્પ્યુટર વસાવી લીધું.

મારા એક મિત્રએ મને પૂછેલું, ‘હાસ્યનું લખ્યા પછી એડિટ કરવાનું આવે ત્યારે તમે એડિટ શા માટે નથી કરતા ?’

મેં તેને જવાબ આપ્યો, ‘આપણે એક તો આખા લેખમાં હાસ્ય ઓછું લખ્યું હોય, તેમાં પણ એડિટ કરો તો વોટ્સએપનો જોક્સ બની જાય. હાસ્ય લેખમાં કરેલી ચિંતનાત્મક પ્રવૃત્તિની બાદબાકી થઈ જાય એટલે એડિટ રહેવા દેવાનું.’ ત્યારથી હું એડિટ કરતો જ નથી. આ એડિટથી મને યાદ આવ્યું કે, દુનિયામાં કોઈ લેખકના આર્ટિકલો સૌથી વધારે એડિટ થયા હોય તો તેનું નામ ખુશવંત સિંહ છે. તેમના લેખમાં પ્રિન્ટ કરતા એડિટકામ વધારે થતું. પણ બાદમાં છાપાવાળાઓને પણ ખ્યાલ

આવી ગયો કે, ખુશવંત સિંહ નહીં સમજે. અને તેમના આર્ટિકલો

કટ કર્યા રાખીશું, તો ‘આજનો ચિંતનાત્મક મહિમા’ જેવું એક કટિંગ વધશે.

મને હાસ્યલેખક બન્યા બાદ તો હાસ્યની ચોપડી છાપવાની તીવ્ર ઈચ્છા થયેલી. આ લખતા પહેલા કહી દઉં કે માર્કેટમાં એ પુસ્તક અવેલેબલ નથી, કારણ કે મેં પાછા ખેંચી લીધા છે. તેની પાછળની વેદના પણ જાણ્યા અને માણ્યા જેવી છે. એક વાર મેં ૧૦૦૦ જેટલી હાસ્યલેખની ચોપડી છપાવી. ચોપડી છપાવ્યા બાદ ગામેગામ રખડવું ન પડે અને બેનર ન મારવા પડે આ માટે હું સોશિયલ મીડિયા પર ધામધૂમથી પ્રચાર કરતો હતો. મારી નવી ચોપડી આવવાની છે, તેની ગામના સાહિત્ય-રસિકોને ખબર પડી ગયેલી, પણ તેઓ મારા કરતાં પણ સારા સાહિત્યકારો હતા. હું જ્યારે પણ ફેસબુક પર પોસ્ટ મૂકતો કે, ‘ફલાણી દુકાનેથી મારું પુસ્તક મળશે !’ ત્યારે નીચે કોમેન્ટ આવતી, ‘આપે લખવાનો વ્યવસાય છોડી દુકાન ખોલી નાખી છે, આ માટે ખૂબ ખૂબ અભિનંદન.’ મને અંદરથી કહેવાનો ઊમળકો જાગતો કે, ‘ભાઈ મારા કરતા તો તું સારો હાસ્યલેખક છો, પણ હું કહી ન શકતો.’

પણ આ ચોપડીના વિમોચનમાં મારે ત્રણ પ્રયત્નો કરવા પડ્યા. પ્રથમ પ્રયત્ન કર્યો ત્યારે નોટબંધી આવી ગઈ. મારી પાસે હતી એટલી બધી નોટો ૫૦૦ અને ૧૦૦૦ની. ઉપરથી ઓડિટોરિયમમાં મારા પ્રશંસકો રાહ જોઈ રહ્યા હતા કે, લેખક શ્રી આવે તો તુરંત આપણે આગળની કામગીરી શરૂ કરીએ. વક્તાઓ અને પ્રાર્થના ગાનારા બહેન પણ હજુ ત્યાં જ ઊભા હતા અને મારા આયોજક મિત્રો મારી રાહ જોઈ રહ્યા હતા. મને ફોન કરવામાં આવ્યો ત્યારે મેં કહી દીધું, ‘હું નોટ બદલવાની લાઈનમાં ઊભો છું.’ કારણ કે નોટ ન બદલે તો મારા આયોજકો આ નવા હાસ્યલેખકને ગેટકીપરની નોકરી કરાવે. મારી સાથે વાત કર્યા બાદ આયોજકોએ પેલા બહેનોને માઈક પરથી હટાવી, જે પ્રાર્થના ગાવા માટે તલપાપડ હતી. રાતના આઠ વાગ્યે એ જાહેર કરવામાં આવ્યું કે, ‘લેખક શ્રી નોટ બદલવામાં વ્યસ્ત છે. પરિણામે હવે આગામી સમયમાં તમને તારીખ જણાવીશું.’ પુસ્તકો એમનેમ પડ્યા રહ્યાં અને લોકો ચાલ્યા ગયા. ઉપરથી બધા લોકો તો રાખેલા આઈસક્રીમ પણ ખાતા ગયા. આ પ્રથમ નિષ્ફળ પ્રયાસ પછી બીજો પ્રયાસ કર્યો.

આ વખતે મેં જમવા કે નાસ્તા જેવું નહોતું રાખ્યું. તેનું કારણ ગયા વખતે બધા જમીને ગયા. નોટબંધીના કારણે મારા ખિસ્સાને ઘણો માર પડેલો. બીજા પ્રયત્ને ઓડિટોરિયમમાં માત્ર હું અને આયોજકો જ હતા. પેલા ગાયન વૃંદનવાળા બહેનો પણ પગાર ન મળવાના કારણે ચાલ્યા ગયેલા. બીજો નિષ્ફળ પ્રયાસ. આયોજકોનું માનવું હતું કે, ‘તમે અન્નનો બહિષ્કાર કર્યો એટલે આ થયું...’ અંદર કબૂતર પણ ન ફરક્યું.

આખરે મેં ત્રીજો પ્રયત્ન કર્યો. મને એમ કે ભોજનની વ્યવસ્થા વિશે કંઈ ન લખ્યું એટલે લોકો ચિંતિત થયા હશે કે, જ્યાં અન્ન નહીં ત્યાં પુસ્તક લઈ શું કરવું ? એટલે આપણે અન્નનો પણ મેળ કરી દીધો. મારા મિત્રે તો મને કાનમાં કહ્યું, ‘સાહેબ પુસ્તક વિમોચન કરવાની તમારી આ આવડત તમને પરવડે અમને નહીં, કારણ કે ત્રણ પ્રયત્ન કર્યા એના કરતાં બે વધારે પુસ્તકો છપાવી દીધા હોત તો સારૂ હતું.’

અન્નની વ્યવસ્થા હોવાથી પબ્લિક આવશે એવું મને લાગતું હતું, પણ આપણે ખોટા ઠર્યા. ત્યાં તો ભિખારીઓ આવી ગયા. એટલે મારો ત્રીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. મને પારાવાર વેદના થવા લાગી. અને મેં તે પુસ્તકોને કોથળામાં બાંધી ઘરના એક ખૂણામાં રાખી દીધા. કોઈ મને પૂછે કે, ‘એમાં શું છે ?’ એટલે મારો જવાબ હોય, ‘મારી લાશ છે.’ ત્યારથી મેં પ્રસિદ્ધ લેખકની વ્યાખ્યા બાંધી લીધી. જે લેખકના પુસ્તક વિમોચનમાં ભોજનની વ્યવસ્થા ન હોય અને લોકો ભેગા થાય તો તેને પ્રસિદ્ધ લેખક માની લેવો.

માની લો કે, હું આ પુસ્તકને લોકો સમક્ષ રાખત, તો વિવેચકો પણ મને ભાંગી નાખત. અને આ ત્રણ ઘા સહન કર્યા પછી તો મારી વધારે ઘા જીરવવાની કાબેલિયત નાશપ્રાય થઈ ગઈ છે, કારણ કે ગુજરાતીમાં બે અવલોકન છે સિંહાવલોકન અને વિહંગાવલોકન. વિવેચક સિંહની માફક સિંહાવલોકન કરે તો મજા આવે બાકી તે વિહંગાવલોકન કરે તો પછી ? એટલે આપણે પુસ્તક પ્રકાશિત કરવાનું તેમાં પણ વિમોચન કરવાનું છોડી જ દીધું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

67y1E7i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com