21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુણેનું હૃદય મુંબઇમાં ધબકશે

ફોકસ-અનંત મામતોરાહાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યાને કે હૃદય પ્રત્યારોપણથી જીવવાની આશા ગુમાવી બેઠેલા દરદીને સંજીવની મળે છે. નવું જીવન મળે છે. પ્રેમ પામવાની ને પ્રેમ કરવાની નવી તક મળે છે. ડૉક્ટર ક્રિશ્ર્ચિયન બર્નાર્ડે ત્રીજી ડિસેમ્બર, ૧૯૬૭ના દિવસે વિશ્ર્વની પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફ્ળ સર્જરી કર્યા પછી ૧૯૬૮માં મુંબઇમાં પહેલો સફળ હૃદય પ્રત્યારોપણનો કિસ્સો નોંધાયો હતો. પરેલની કેઇએમ હૉસ્પિટલમાં ડૉક્ટર પી. કે. સેને આ કામગીરી પાર પાડી હતી. જોકે, ત્યાર બાદ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું અટકી ગયું હતું. ૪૭ વર્ષ પછી ૨૦૧૫ના ઑગસ્ટ મહિનામાં ફરી એક વાર આવી સફળ સર્જરી થઇ હતી. પુણેની ૪૨ વર્ષની મહિલા બ્રેઇન સ્ટ્રોકથી અવસાન પામતા તેનું હાર્ટ મુંબઇના ૨૨ વર્ષના ગ્રાફીક ડિઝાઇનરના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવતા તેને નવજીવન મળ્યું હતું અને પ્રેમ કરવાની અને પામવાની તક નવેસરથી મળી હતી.

ગ્રીન કૉરિડોરની વ્યવસ્થા વિકસી હોવાને કારણે છેલ્લાં બે વર્ષમાં સફળ હૃદય પ્રત્યારોપણના કેસોની સંખ્યા સારી એવી વધી ગઇ છે. ગયા અઠવાડિયે પુણેના ૩૦ વર્ષના યુવાનને બ્રેઇનડેડ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ યુવાનની પત્નીએ પતિના અવસાનના શોકમાં વિલાપ કરતા બેસી રહેવાને બદલે એક ઉમદા કાર્ય કર્યું છે. તેણે હૃદયદાન સહિત પતિનાં અન્ય અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હોવાથી મુંબઇના ૪૨

વર્ષના દરદીને નવસંજીવની પ્રાપ્ત થઇ છે. મુંબઇની આ ૮૪મી હૃદય પ્રત્યારોપણની સર્જરી મુલુંડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સફળતાપૂર્વક પાર પડી હતી. ૨૦૧૮ની આ પ્રકારની બીજી સર્જરી છે.

મળેલી માહિતી પ્રમાણે પુણેમાં રહેતો યુવાન ત્રણ બાળકોના પિતા છે. હાઇપર ટેન્શનને કારણે ચકક્ર આવતા એ ઘરમાં જ પડી ગયો હતો. તાત્કાલિક સારવાર મળે એ હેતુથી તેને તાબડતોબ પુણેની જ એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને હૉસ્પિટલ લઇ આવ્યા ત્યારે તેની હાલત અત્યંત નાજુક હતી. એમાં મગજમાં રક્તસ્ત્રાવ થયો હોવાને કારણે એના બચવાની સંભાવના બહુ જ ઓછી હોવાનું ડૉક્ટરોનું કહેવું હતું. તેમ છતાં તબીબોએ તેને બચાવવાના બનતા પ્રયત્નો કર્યા, પણ થોડી વારમાં જ તેમના હાથ હેઠા પડ્યા અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડૉક્ટર તેમ જ અવયવદાન કરનારી ટીમે પત્નીનો સંપર્ક કરીને અવયવદાન કરવા વિશે જણાવીને એનાથી કઇ રીતે બીજી વ્યક્તિને નવજીવન મળી શકે એ સમજાવ્યું. એ યુવાનની પત્નીએ તરત જ સ્વસ્થ થઇને પોતે પતિનાં અવયવોનું દાન કરવા માગે છે એ વિશે સહમતિ દર્શાવી હતી. એટલે ડૉક્ટરોની ટીમે તાબડતોબ પુણેના યુવાનના હૃદય, લિવર અને કિડનીના પ્રત્યારોપણ માટે તજવીજ કરી એના દાનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. રેકૉર્ડ પ્રમાણે ૪૨ વર્ષના ચેંબુરના રહેવાસી પ્રતીક્ષા યાદીમાં હતા. ગ્રીન કૉરિડોર મારફત એ અવયવો મુંબઇ પહોંચાડવામાં આવ્યાં હતાં. હૃદય પ્રત્યારોપણની સર્જરી સફળ રહેતા હવે ચેંબુરવાસીનું દિલ ધડકતું રહેશે અને જીવનનો આનંદ માણતું રહેશે. અવયવદાન વિશે જાગરૂકતા વધે તો વધુ લોકોને નવેસરથી જીવવાની અને પ્રેમ કરવાની અને પ્રેમ પામવાની તક મળતી રહે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

E7y7gU1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com