18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રિયપાત્રની જેમ ઘાસનું દર્શન મનને પ્રફુલ્લિત કરે છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરબંગાળીમાં નવથી પણ વધુ કાવ્યસંગ્રહો સહૃદયને આપનારાં કવયિત્રી સાધના મુખોપાધ્યાય. વ્યવસાયે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલાં કવયિત્રી. કવિતા ઉપરાંત શિશુ સાહિત્ય ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ઉપરાંત ભૂગોળ અને પાકશાસ્ત્ર વિષે પણ પુસ્તકો લખ્યાં. કલમનો આ કમાલ છે; આવાં અનેક ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય એમણે આપ્યો છે. આસપાસ વેરાયેલી પ્રકૃતિને એમણે મનભરીને ચાહી છે. છતાં સ્ત્રી સંવેદનાની નિકટ જઈને એમણે ઓળખી છે. પ્રકૃતિ હોય, ઈશ્ર્વર હોય કે પ્રેમ પણ એમને જોવાની કવયિત્રીની દૃષ્ટિ નિરાળી છે. જેની પ્રતીતિ એમની કવિતાઓ કરાવે છે.

‘ઘાસ’નું રૂપ અનેક કવિનું લાડકું. એના પ્રત્યે આકર્ષનારા સહુ કોઈ ઘાસના ગુણધર્મને જોઈ આશ્ર્ચર્યચકિત થાય છે. એની પાસે સ્વાર્થકેન્દ્રી કોઈ પ્રયોજન હોતું નથી. ભલે ને લોકો એને પગથી કચડતાં પણ એ તો અનેક સૌન્દર્યને પોતાના હૃદય પર સાચવતું હોય છે. અનેક કવિઓ યાદ આવે છે. કવિ જીવનાનંદ દાસ, કવિ નારાયણ કવઠેકર, આપણા સદાબહાર કવિ પ્રહ્લાદ પારેખ, કવિ ઉસનસ્, કવિ હસમુખ પાઠક, સુંદર કલ્પન સાથે ‘બીડમાં સાંજવેળા’ વીતાવનાર કવિ ઉમાશંકર જોશી અને ચાલતી કલમે જેમની કૌતુકસભર દૃષ્ટિ હરહંમેશ આપણા મનને ભીંજવી રહે એવા દેશ-વિદેશના અનેક કવિઓ... આ હરિયાળાં તૃણોને દૃષ્ટિનો ઉત્સવ બનાવી રહ્યાં છે. એવું તે કેવું રમ્યરૂપ આ ઘાસનું છે! જેના એક સ્પર્શને કે એક સ્વરૂપને કવિકલ્પના મન ભરીને ચાહે છે! અડગ ઈમારતો અને ઊંચાં ઊંચાં વૃક્ષો જ્યાં નિર્મૂળ બને છે એ ઝંઝાવાતી વાતાવરણને સહેવાની શક્તિ ઘાસમાં છે, એ પ્રચંડ શક્તિ સામે ઝૂકે છે પણ આનંદથી.

‘ઘાસ’ પાસે નાનકડો આશરો આપવાનું બળ છે. જે પરિસ્થિતિ છે એને અનુકૂળ બનવાની સાધના છે. નાનાં નાનાં કામોને આનંદભેર પૂરાં કરવાની હોંશ નાનકડાં તૃણો પાસે છે. પ્રકૃતિ પણ એને સદા નાચતાં રાખે છે. ઘાસની હયાતીને કવયિત્રી નાનકડી ગણતાં નથી એનું દર્શન પ્રિયપાત્ર જેવું છે જે હંમેશાં મનને પ્રફુલ્લિત કરનારું છે. કવિતાનું આવું અભિવ્યક્ત, પ્રસન્ન રૂપ આપણને સ્પર્શે છે.

ઘાસની સોડમથી જાણે આ કવિતાનો પ્રારંભ થયો છે. આવી સોડમ આજેય રહસ્યમય રહી છે કારણ આવી સોડમનું દિશાભાન કોઈ શાસ્ત્રે કરાવ્યું નથી. એ રહસ્યમય છે તેથી જ એની સાથે જોડાયેલું કૌતુક આપણી સાથે છે. આવાં નાનકડાં તૃણોને જાણી જાણીને મિત્ર બનાવનારાં છે જંતુ, જીવડાં અને પતંગિયાં. આમાંથી ફક્ત પતંગિયાંને જ એના રંગોથી, કર્મથી આપણે ચાહ્યાં છે બાકી જંતુ અને જીવડાંને તુચ્છ ગણીને ભયથી અવગણ્યાં છે. એ યાદીમાં કવયિત્રી કીડાઓને પણ ભેળવે છે. જે હિંસક પણ છે તેમ અહિંસક પણ છે. છતાં આ બધાંએ ઘાસને જ પોતાનું નિવાસસ્થળ બનાવ્યું છે. ઘાસનાં તરણાંને પોતાના તારથી જોડનારા કરોળિયા રચનાત્મક હોવા છતાં અન્ય જંતુ માટે ઘાતક પણ છે.

ઘાસથી વધુ નીચું કંઈ નથી. એ માન્યતા કવયિત્રીને ખૂંચે છે. ઘાસને બળ આપનારી માટી જાણે માતાની જેમ વાત્સલ્યથી ઘાસને ઉછેરે છે અને સાચવે છે. ત્યારબાદ સાધના મુખોપાધ્યાય જાણે દૃશ્ય કલ્પનની પરંપરા સર્જતાં હોય એ રીતે કવિતાને પુષ્ટ કરે છે. ‘ઘાસ એ તો પૃથ્વીનું એક લીલુંછમ્મ અંગરખું છે.’ અંગરખું એ અંગની રક્ષા કરે છે. આવી સુરક્ષિતતાનું તત્ત્વ માટી પાસે છે. જાણે કે "માટી પર રેડાયેલા લોહીની જેમ એ મનુષ્યત્વ સાથે રહેલા કલંકિત હિંસક તત્ત્વને ઢાંકી દે છે. (રવીન્દ્રનાથ ટાગોર)

માણસના ભીતરી પશુત્વને દર્શાવનાર કવિ કદાચ આંગળીને વેઢે ગણાય એટલા જ હોઈ શકે. પણ કવિ રવીન્દ્રનાથે આ હિંસક તત્ત્વને ઢાંકી દેનાર પદાર્થ તરીકે ‘ઘાસ’ને નિહાળ્યું છે તે એમની કવિ દૃષ્ટિને આભારી છે. ઘાસની ટોચે ઊગતાં સફેદ ફૂલોને સંધીના પ્રતીક તરીકે ગણાવવાં એ કવિ સંવેદનાનો ચમત્કાર છે. કવિ પ્રહ્લાદ પારેખ ‘હર્ષપુલક’ના નાના રૂપ તરીકે ‘ઘાસ’ને નિહાળે છે. તો કવિ ઉમાશંકર જોશીએ ‘ઘાસ’ વિષે કરેલી કલ્પના રમ્ય-ભવ્ય શિખરે બિરાજે એવી છે. ‘આ ઘાસનાં આવાં રમ્યરૂપને ફરીફરીને માણવાનું મન થાય એવું છે; જાણે ઘાસ ટચલી આંગળી જેવી નાનકડી ટોચથી આકાશને તોળી રહ્યાં છે’ આવી રમ્ય કલ્પનાઓનું અધિકારી આ નાનકડું તૃણ છે.

સુલેહનાં સફેદ ફૂલોની ધજા પવનમાં ફરફરી રહી છે. એ કલ્પના પણ અવિસ્મરણીય છે. જેની પાસે લઘુરૂપ છે એને આકાર નહીં; કર્મની દૃષ્ટિએ વડેરું કહેનાર આ કવિતા છે. જેમ માતા પોતાના શિશુને વહાલથી છાતીસરસું રાખે તેમ ઘાસ પણ માતાની જેમ વાત્સલ્યભાવે ખરતાં પારિજાત અને બકુલ પુષ્પોને સુરક્ષિત રાખી રહ્યું છે.

સ્ત્રીનું શિશુ તરફનું વહાલ સમજી શકે એટલી સંવેદનશીલતા કવયિત્રીની છે. પુષ્પો તો વૃક્ષ પરથી ખરવાનાં જ છે. પણ એ ખરતાં પુષ્પોને લાંબા સમય સુધી કરમાતાં અટકાવનાર આ માતાનું વહાલ છે. સાધના મુખોપાધ્યાયની આ અનુભૂતિ છે કે "આનંદને સાચવવાનો બધો ભાર વિજ્ઞાન પોતાને ખભે ન લઈ શકે.

------------------------------

ઘાસ

ઘાસની સોડમની વાત

ઘાસ જ જાણે

નથી કોઈ શાસ્ત્રમાં લખાયું કે

નથી કોઈ બીજાએ લખ્યું

થોડુંક થોડુંક જાણે છે

જંતુ, જીવડાં અને પતંગિયાં

કે પછી એ કીડાઓ અને કરોળિયાઓ

જેમણે ઘાસમાં જ તાણ્યા છે ડેરાતંબૂ

ઘાસથી વધુ નીચું

બીજું કંઈ પણ નથી

આવું, ધારનારા

ખોટું ધારે છે

ઘાસ તો છે પૃથ્વીનું એક

લીલુંછમ અંગરખું

એ કૃત્રિમ ઉપાયે લાચાર બને છે

થોભી નથી શકતું

ત્યારે તે ઉડાડે છે

સુલેહનાં સફેદ ફૂલો.

હું તો વનસ્પતિ તરીકે

ઘાસને જ વડેરું માનું છું

કે જે ઘાસ પોતાની છાતી પર

વહાલથી સાચવે છે

ખરતાં પારિજાત અને બકુલ પુષ્પો.

- સાધના મુખોપાધ્યાય

- અનુ. નલિની માડગાંવકર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gruN020
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com