25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિવ પાર્વતીની ઉચ્ચ આધ્યાત્મિક સ્નેહગાથા

કવર સ્ટોરી-પરેશ શાહયુવાની એટલે પ્રેમને પામવાની મોસમ! પ્રેમની આ મોસમનો પમરાટ પીમળે આજે... ૧૪મી ફેબ્રુઆરીના દિવસે. આજે વેલેન્ટાઈન દિવસ. જગતના લગભગ દેશોમાં પ્રેમની અભિવ્યક્તિનું પૂર આવે આજે! પ્રેમને પામવાની મથામણનું એ યુવાન પૂર. પ્રેમને પામવાની મથામણમાંથી જન્મ લેતી ઘેલછા અને ગાંડપણનું એ પૂર, તેમાં તણાતા જાય હિલોળા લેતા યુવાન હૈયા, જેમને પ્રેમમાં રહેલી સમર્પણ અને ત્યાગની ભાવનાની જાણ કે સમજ નથી! અપેક્ષા વિનાના સમર્પણ અને ત્યાગથી તરબતર ઊચ્ચ પ્રેમની ગાથા, આધ્યાત્મિક પ્રેમની ગાથાના પાત્રોનો ઉત્સવ ગઈકાલે ‘મહાશિવરાત્રિ’ના પર્વના રૂપે ગયો. શિવ-પાર્વતીનાં પ્રેમમાં રહેલી ઉત્કટ સમર્પણની, ઉન્નત ત્યાગની કથા વેલેન્ટાઈનની વિદેશી સંસ્કૃતિને છીછરી પુરવાર કરે છે.

દરેક કાળની, દરેક સમયની, દરેક સંસ્કૃતિની આગવી કથાઓ, પર્વો, માન્યતાઓ, રસમો હોય છે, પણ કેટલીક બાબતો શાશ્ર્વત હોય છે. દરેક કાળમાં પ્રેમ હતો, પ્રેમમાં સમર્પણની ભાવના અને ત્યાગની વૃત્તિ હતાં જ. કદીય ન ભૂંસી શકાય એવાં લક્ષણો છે. છતાં વેલેન્ટાઈન ડેની વાત કરનારાએ આપણા પુરાણ કાળથી ચાલી આવતી સ્નેહ-પ્રેમની કથાઓ ભૂલવી ન જોઈએ. આ એવી કથાઓ છે જેમાંથી નવી પેઢીને જીવનના નક્કર સત્યો જાણવા મળે છે. આ રીતે જોઈએ તો શિવ-પાર્વતી, રામ-સીતા, કૃષ્ણ-રાધાની સ્નેહ ગાથા ખરેખર અનેક બાબતો શીખવી જાય છે, જેનાથી જિંદગી સહ્ય બની શકે છે. એમાંય તે શિવ-પાર્વતીની સ્નેહ કથા શિરમોર હોવાનું કહી શકાય. મનના માનેલાને પામવા જાતને કુરબાન કરી દેવાની, અપેક્ષા વિના ચાહ્યા કરવાની, પ્રેમમાં જે આવી મળ્યું તેનો બે હાથે સ્વીકાર કરવાની અને છતાંય મનના માનેલાને પામવાની જિદ ટકાવી રાખવાની વાત શીખવે છે, શિવ-પાર્વતીની સ્નેહ ગાથા.

આ અમર, શાશ્ર્વત સ્નેહ-પ્રેમની કથા કરતાં પહેલાં અન્ય કેટલીક બાબતો જોઈએ. કેટલાક જાણકારોના કહેવા પ્રમાણે પાર્વતીજીની શિવજીને પામવાની, એમને વરવાની ઈચ્છા ફળીભૂત થઈ એ ખરું, પણ પાર્વતી દેવીએ શિવજીને સતત પ્રેમ કર્યો છે, પણ શિવજીએ તો તેમની પરીક્ષા જ કરી છે. બીજો પક્ષ એમ કહે છે કે, એવું નથી કે શિવજી માતા પાર્વતીને ચાહતા નથી. જુઓને આગલા જન્મમાં દક્ષ ક્ધયા સતીના રૂપમાં માતા પાર્વતીએ સેંકડો કાળ તપશ્ર્ચર્યા કરી ને શિવજીએ તેમની પરીક્ષા કરી ત્યારે તેમાં પાસ પણ થયા, પણ પ્રેમની પરાકાષ્ઠા સતીના અગ્નિ સ્નાનમાં આવી. સતીના આમ વિખૂટા પડવાથી શિવજીની માનસિક સ્થિતિ કેવી રહી છે એ આપણે પુરાણોમાંથી જોઈ શકીએ છીએ. શિવજીની સતી વિયોગની પીડા જ તેમના સતી (બીજા જન્મમાં ઉમા-પાર્વતી) પ્રત્યેના પ્રેમની ઉત્કટતા જ તો દર્શાવે છે.

વિદ્વાનોમાં જે મતમતાંતર હોય, એને અહીં જ છોડી આપણે ઉન્નત આધ્યાત્મિક સ્નેહ-પ્રેમની ગાથામાં ઊતરીએ. શિવ અને પાર્વતી તો સનાતન પ્રેમનું ચિરંજીવ ઉદાહરણ છે. તમારું હૃદય પ્રેમના ભાવથી ભરાઈ જાય અને તમારી લાગણી આંખોમાંથી ટપકતાં આંસુના સ્વરૂપે વહેવા માંડે તો એ સનાતન કે શાશ્ર્વત પ્રેમની લાગણી છે, જેને શબ્દોમાં અભિવ્યક્ત કરી શકાતી નથી. તમે બસ ચાહો છો માત્ર, માગતા નથી! એ તો ઊંડી, ઉત્કટ ભાવનાઓનો જ્વાળામુખી છે, જે તમારા હૃદયને ‘કોઈ ખાસ’ માટે પીગળાવી દે છે. તમે એ ખાસ વ્યક્તિની મોહિનીથી ખેંચાયેલા, સંકળાયેલા બની જાઓ છો. આ ‘ખાસ કોઈ’ની સાથેની આ સંડોવણી, આ આસક્તિ, આ અનુરાગ, વફાદારી, આ વળગણ એ ‘ખાસ કોઈ’ માટે વિશ્ર્વાસની-ભરોસાની ભક્તિ, ઉપાસના, પૂજા, સ્વાર્પણને સર્જે છે. આવો નક્કર અને સનાતન સંબંધ ઊભો કરવા માટે આ વિશ્ર્વાસ-ભરોસો અને ઉપાસના-ભક્તિનું હોવું સાવ પ્રાથમિક આવશ્યકતા છે, જે આજે વેલેન્ટાઈનના દિવસે ઘેલાં થનારાઓમાંથી મળે એવી અપેક્ષા અસ્થાને છે અને એટલે જ ૧૪મી ફેબ્રુઆરીના દિવસની પ્રેમની અભિવ્યક્તિ છીછરી પુરવાર થાય છે. આપણને પ્રેમની, સ્નેહની આ તમામ ખાસિયતો શિવ-પાર્વતીની પ્રેમગાથામાંથી મળે છે, જે ખરે જ ઊચ્ચ-આધ્યાત્મિક સ્નેહની ગાથાને ઊંચાઈ આપે છે, શાશ્ર્વતી આપે છે, સનાતન બનાવે છે.

શિવ-પાર્વતીને એક સાથે જાણવા હોય તો તેમને શિવ-શક્તિને નામે જાણી શકાય છે. એક આદર્શ દંપતી તરીકે વિશ્ર્વભરમાં તેમને આરાધવામાં આવે છે. બહુ નજીકથી આ શિવ-પાર્વતી વચ્ચેના જોડાણને-બેઉના પરસ્પર બંધનને જોઈને આપણા મગજમાં જે વાત આવે એ એટલી સાચી છે કે, પોતાના સુખનો વિચાર પણ કરતાં અન્યનું સુખ કે તેની સુખમયતા જ અતિ મહત્ત્વની છે એજ સાચો પ્રેમ છે એવું સમજાય છે.

દક્ષરાજાની પુત્રી સતી નાની વયે શિવને વરવાની ઈચ્છા ધારીને બેઠી છે ને એ માટે એની શિવારાધના થાય છે. આખરે રાજા દક્ષની નામરજી છતાં તે પુત્રીને ફકીર જેવા શિવજી સાથે પરણાવવા તૈયાર થાય છે. દક્ષના પિતા બ્રહ્માએ દક્ષને શિવ અને શક્તિનું મિલન કરાવવાનું કાર્ય સોંપ્યું હોય છે. પાર્વતી આદિશક્તિ હોવાનું પુરાણગ્રંથો કહે છે. બ્રહ્માજીના કહેવાથી દક્ષ શક્તિની આરાધના કરીને તેને પુત્રીના સ્વરૂપે પ્રાપ્ત કરે છે. આમ સતીનો જન્મ થાય છે. સતી શિવને સ્નેહ કરતાં મોટી થાય છે. સતીની સ્નેહારાધના સામે ઝૂકી જઈને દક્ષ સતી-શિવનાં લગ્ન તો કરાવે છે, પણ એક તબક્કે એક વિરાટ યજ્ઞનું આયોજન કરે છે અને એમાં જમાઈ શિવ-પુત્રી સતીને આમંત્રણ નથી પાઠવતા. શિવ તો ભાવિના ભેદને જાણનારા હતા. તેમણે સતીને મના કરવા છતાં આમંત્રણ વિના સતી પિતાને એમ સમજીને ગયા કે ‘બાપના ઘરે પ્રસંગ હોય તેમાં આમંત્રણની રાહ શું જોવાની’. યજ્ઞ પ્રસંગમાં દક્ષરાજાએ સતીની રૂબરૂમાં શિવજીનું ઘોર અપમાન કર્યું. (દક્ષને શિવજી પ્રત્યે આટલું ખુન્નસ કેમ હતું એના કારણો આપતી અનેક છે કથાઓ છે અને ત્રણ અલગ અલગ મત પણ છે. ભાગવત પુરાણમાં વેગળો મત છે.) સતીથી પતિના પિતા દ્વારા કરાતા અપમાનો સહન ન થતાં એ યજ્ઞવેદીમાં કૂદી પડ્યાં અને અત્મવિલોપન કર્યું. આ પછી શિવજીએ સતીના વિયોગમાં આવેશમાં આવી જઈ યજ્ઞ ધ્વંસ કર્યો વગેરે વાતો અહીં અપ્રસ્તુત છે. પણ સતીને શિવજી પ્રત્યે કેટલો પ્રેમ હશે કે એમણે આત્મદહન કર્યું ને સામે પક્ષે શિવજી પણ સતીના વિરોધમાં અસ્વસ્થ ને આવેશમય બની ગયા એ કથા જ આપણે હાલ તો લેવી છે.

ખેર, આ ઘટના પછી આદિશક્તિનો પુનર્જન્મ થયો તે પર્વતરાજ હિમાવન અને રાણી મેનાને ત્યાં! શક્તિ અને શિવનું મિલન થાય તો જ સૃષ્ટિની સ્થિરતા આવે એવું બ્રહ્મા સહિત દેવો માનતા હતા. પાર્વતીના બાળપણમાં ઋષિ માર્કન્ડેયે દેવીને મહામૃત્યુંજય મંત્ર અને એ ભગવાન શિવના આ મંત્રે કેવી રીતે તેમને યમના મૃત્યુપાશમાંથી બચાવ્યા હતા એ વાત કરી હતી. આ કથા બાદ સમય વીતવાની સાથે પાર્વતીનો શિવજી પ્રત્યેનો પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો ગયો હતો. દેવી શિવજીની મોહિનીમાં તણાઈ ગયાં હતાં અને શિવજી સાથે લગ્ન કરવા માગતાં હતાં. દધિચી મુનિએ પાર્વતીને બીલી પાન આપીને તેમનાં શિવ પ્રત્યેના સ્નેહને વધુ ગાઢ બનાવ્યોે. વય થવાની સાથે પાર્વતી દેવીએ હિમાલયમાં જઈ શિવજીને પોતાની સાથે લગ્ન કરવા માટે રીઝવવા તપસ્યા કરવા લાગ્યા, તેમની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા ને પાર્વતીની ઈચ્છા જાણી, પણ મહાદેવ હજી સતીના શોકમાં હતા. તેમણે પાર્વતીને દાસી તરીકે રહેવા જણાવ્યું. શિવજીને મનમાં એમ હતું કે પર્વત-જંગલના દુષ્કર જીવનથી ત્રાસી પાર્વતી પાછાં પડશે. પાર્વતી તો આટલું સાંભળીને ખુશ થયા અને દાસી તરીકે ઘણા વર્ષો રહ્યાં.

એક તબક્કે તારકાસુર લોકોને પરેશાન કરવા લાગ્યો એટલે દેવવાણી અનુસાર શિવ-પાર્વતીનો પુત્ર તેનો વધ કરી શકે, પણ શિવજીને મનાવે કોણ? પછીની કથા તો સૌ જાણે છે કે, કામદેવે શિવજીને સમાધિમાંથી જગાડવા અને પાર્વતી ભણી આકર્ષિત કરવા શિવજીને બાણ માર્યું, સમાધિ ભંગ થવાથી ક્રોધિત શિવજીએ કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. આખરે પાર્વતીને પોતાના કદમોમાં ઝુકેલા જોઈને શિવજીને જ્ઞાન થાય છે કે આ પાર્વતી જ પૂર્વ જન્મની સતી છે. તેમ છતાં શિવજી એમ પટી જાય એવા નથી, તેમણે પરીક્ષા કરવાનું નક્કી કર્યું.

એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ તપસ્યા કરનારાં પાર્વતી પાસે જઈને પૂછવા લાગ્યો કે એ શા માટે આટલું કઠોર તપ કરે છે ત્યારે પાર્વતીએ જવાબમાં કહ્યું કે તે શિવજીને પામવા માટે આ તપસ્યા કરે છે. આ સાંભળીને બ્રાહ્મણ શિવજી વિશે એલફેલ બોલવા લાગતા પાર્વતી ક્રોધિત થઈ ગયાં. બ્રાહ્મણ કહેતો હતો કે "શરીરે વ્યાઘ્રચર્મ ધારણ કરતા, આખા શરીરે ભસ્મનું લેપન કરનારા અને ગળામાં મૂંડમાળા પહેરનારાને એક રાજાની કુંવરીએ શા માટે પરણવું જોઈએ. પાર્વતી બ્રાહ્મણને પૂછવા લાગ્યાં કે, "તું એમના વિશે શું જાણે છે? હું સતીનો પુનર્જન્મ છું. હું શિવજીનું અડધું અંગ છું. આટલું કહીને દેવી પાર્વતી શિવજીના ગુણોનું ગાન કરવા લાગ્યાં. ગાન સાંભળીને બ્રાહ્મણના રૂપમાં રહેલા શિવજી અચાનક ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે અને પાર્વતી સાથે લગ્ન કરવાનો સ્વીકાર કરે છે. શિવપુરાણ આ પ્રકારની કથા કહે છે, શિવ-પાર્વતીની ઊચ્ચ-આધ્યાત્મિક સ્નેહની ગાથા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4St41f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com