15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેક્ટિસ બનાવે પરફેક્ટ

વિશેષ-પરેશ શાહસંગીતમાં સતત કરાતો રિયાઝ ગાયક કે વાદકને રાગરાગિણીઓ ગાવા-વગાડવામાં પરફેક્ટ બનાવે છે તેવી જ રીતે નૃત્યમાં પણ રોજની પ્રેક્ટિસ, રોજનો રિયાઝ નર્તક-નૃત્યાંગનાને ભૂલ કરવામાંથી ઉગારી લે છે. જોકે, આંખો બંધ કરીને કે પોતાના કાર્ય-કૃતિમાં હળવાશથી, તાણ વિના પોતાનું ઉત્તમપણું કે શ્રેષ્ઠતા કોઈ પુરવાર કરે ત્યારે જોનારાને એ ચમત્કારથી ઊતરતું નથી લાગતું. એમ તો આંખે પાટા બાંધીને ભરચક રસ્તામાં સાઈકલ કે મોટરબાઈક ચલાવનારા કે વાજિંત્ર વગાડનારા કે થાળી કે કથરોટની ધાર પર ઊભા રહીને નૃત્ય કરનારા કલાકારો તો આપણામાંથી અનેકોએ જોયા હશે. કેટલાક તો વળી બે હાથે લખી કે દોરી શકતા હોય છે. મહાત્મા ગાંધી આવશ્યકતા પ્રમાણે બેઉ હાથે લખી શકતા, એક હાથ થાકે એટલે તરત જ બીજા હાથનો વપરાશ શરૂ! અહીં મથાળે ‘પ્રેક્ટિસ બનાવે પરફેક્ટ’ એવું લખ્યું છે, પણ ખરેખર તો ‘પરફેક્ટ પ્રેક્ટિસ બનાવે પરફેક્ટ’ એવો ભાવાર્થ છે! અહીં આપણે બે એવા પરફેક્ટ શિક્ષકોની વાત કરવી છે જેઓ નજર સામે નકશો કે એટલાસ-નકશાપોથી રાખ્યા વિના વિશ્ર્વનો નકશો ભૂલ વિના દોરી શકે છે!

એક શાળામાં એક વિદ્યાર્થીએ બ્લેકબૉર્ડ પર વિશ્ર્વનો નકશો માત્ર યાદદાસ્તને જોરે દોરતા તેના એક ઈતિહાસ શિક્ષકની તસવીર ‘સાયના વીબો’ નામની વૅબસાઈટ પર મૂક્યો ને પછી શરૂ થઈ ચર્ચા. નેટ પર ચર્ચા કરનારાઓમાં એ વિદ્યાર્થીએ પણ સહભાગ લીધો હતો. શિક્ષકનું નામ ફક્ત ‘ઝાઓ’ આપેલું છે, જોકે તેમનું આગળનું નામ ડેન્ગમિન્ગ હોવાનું અન્ય એક નેટિઝન વિદ્યાર્થીએ એની પોસ્ટમાં કહ્યું છે. વિદ્યાર્થીએ લખ્યું છે કે,"ઝાઓ સર માટે આમ કરવું રોજિંદી બાબત છે. સર ઈતિહાસ શીખવે છે અને એ માટે એમને કદી પણ ઈતિહાસનું પુસ્તક જોવું પડતું નથી.

ચીનના ઈન્ટરનેટ જગતમાં આ શિક્ષકની બહુ ચર્ચા થઈ હતી. પાઠ્ય પુસ્તક રિફર કર્યા વિના શીખવે છે અને જરૂર પડે તો ચોકબૉર્ડ તરફ જોયા વિના એક મિનિટમાં જે તે જગ્યાનો નકશો પણ દોરીને ઈતિહાસ ભણાવે છે. તેમની આ વિશેષતાને કારણે ઝાઓ વિદ્યાર્થીમાં લોકપ્રિય થઈ ગયા છે. આ વિદ્યાર્થીએ તેમના નકશો દોરતા પાંચ ફોટા વૅબસાઈટ પર મૂક્યા છે. દસ્તાવેજીકરણ કરાયા હોય એવા આ પાંચ ફોટા કાલક્રમાનુસાર લેવાયા છે, જે જોતા નકશાનો થઈ રહેલો વિસ્તાર નવાઈ પમાડે છે. એક પછી એક શ્રેણીબદ્ધ તસવીરો જોઈને ઝાઓ સર કેવી ચોકસાઈથી વિશ્ર્વનો નકશો દોરી રહ્યા છે એ જોઈ શકાય છે અને જોઈને મગજ ને બુદ્ધિ ચકરાવે ચડે છે. વળી મહત્ત્વની વાત એવી છે કે નકશો બરાબર સ્કેલ (પરિમાણના માપક્રમ) પ્રમાણે દોરાતો હોય એવું પણ જોઈ શકાય છે. ગમ્મત વાત એવી છે કે આ વિદ્યાર્થીનો ભાઈ આ શિક્ષકના વર્ગમાં ભણે છે.

કેટલાક નેટિઝનોએ તો કહ્યું છે કે, "એ પોતાના કામને માત્ર સમર્પિત જ નથી, પણ એમના કામ પ્રત્યે અતિશય લાગણી-ભાવ ધરાવે છે. એક વિદ્યાર્થી લખે છે કે, "એ અમારી સ્કૂલના ઈતિહાસના શિક્ષક છે. હાલમાં તેઓ મારા નાના ભાઈને ભણાવે છે. આ માઈક્રોબ્લોગ પોસ્ટ પહેલાથી જ લોકપ્રિય થઈ ગયો છે. એવું લાગે છે કે મારી ડોન્ગબી નોર્મલ યુનિવસિર્ટી સાથે સંલગ્ન મીડલ સ્કૂલના શિક્ષક ઝાઓ ડેન્ગમિન્ગ ખાસ્સા લોકપ્રિય અને જાણીતા બની ગયા છે! આ ‘ઓલ્ડ મેન’ બહુ જ વંદનીય, આદરણીય છે. આખા વર્ગને તેઓ મોટા અવાજે તેમની વાયવ્ય પ્રાંતની ઉચ્ચાર શૈલીથી વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે મજા પડે છે. તેમને આરોગ્યપ્રદ દીર્ઘાયુ લાભો. ઝાઓ સરને નકશો દોરવામાં ગણતરીની મિનિટો જ લાગે છે, એમ તો લગભગ બધા જ વિદ્યાર્થીઓ કહે છે. "કદાચ સર તેમની અડધી જિંદગી આ પ્રમાણે નકશો દોરતા રહ્યા હોઈને એમને પળવારમાં આખું બ્લેક બૉર્ડ નકશાથી આંકી દેવામાં તકલીફ પડતી નથી, એમ અન્ય એક વિદ્યાર્થી કહે છે. એક તબક્કે અનેકોના આ બાબત અને આટલા વખાણ વધુ પડતા લાગ્યા હતા. અતિશયોક્તિ જેવું લાગ્યું હતું. વીબોની સાઈટ ઉપર પછી તો બીજા વિદ્યાર્થીઓ પણ ઊલટભેર પોતાના અભિપ્રાયો પોસ્ટ કરવા માંડ્યા હતા. એક વિદ્યાર્થીએ લખ્યું હતું કે, "આ તો સામાન્ય વાત છે. અમારા હાઈસ્કૂલના ટીચર પણ વિશ્ર્વનો નકશો ફ્રી હેન્ડ દોરે છે અને હાઈસ્કૂલના ત્રણેય વર્ષ મેં તેમને આ પ્રમાણે નકશો દોરતા જોયા છે. વળી, વર્ગ લેતા હોય ત્યારે ટીચર ટેક્સ્ટ બુક પણ લાવતા નથી. તેમનું ટેબલ પુસ્તકો કે નકશાપોથી વિનાનું ખાલી હોય છે. તેઓ એમને ફક્ત પાના નંબર કહે છે અને એમાં કયો પાઠ છે એ કહે છે, બસ. આવી વાત તો હજુ માની શકાય એવી છે, પણ આ ઘટનાના અનુસંધાનમાં એક વિદ્યાર્થીએ એમ લખ્યું હતું કે, "મારા ગણિતના શિક્ષક ચૉક બૉર્ડ પર એક હાથે ચોરસ દોરે છે અને બીજા હાથે વર્તુળ! ગણિતના આ શિક્ષક પાછા ચૉક વડે નિશાન સાધવામાં પણ ઉસ્તાદ છે. ક્લાસમાં બેધ્યાન છોકરાનાં માથાને તાકીને ચૉક ફટકારે છે તે સીધો પેલાના માથામાં વાગે છે! જો સર લશ્કરમાંથી લડાઈમાં જાય તો નક્કી તીરંદાજની જેમ તાકીને અંધારામાં પણ અચૂક નિશાન પાડે એવા છે. એ સાથે એ ડાહ્યો મિત્ર એમ પણ લખે છે કે, "જે વિદ્યાર્થી બ્લેક બૉર્ડનું મજકૂર ભૂંસે છે તે નક્કી પાપ કરે છે!

જોકે એક વાત તો નક્કી કે ‘પરફેક્ટ પ્રેક્ટિસ પરફેક્ટ માણસ બનાવે એ વાત સોએ સો ટકા સાચી છે. આવા જ બીજા એક શિક્ષક છે.એ પણ ચીનના જ છે, પણ એ ભૂગોળના શિક્ષક છે. બોમિન્ગ વૉન્ગ નામના આ શિક્ષક પોતાની યાદદાસ્તના આધારે બ્લેક બૉર્ડ પર ફક્ત ચાર જ મિનિટમાં વિશ્ર્વનો નકશો દોરી કાઢે છે. વાન્ગ ચીનના સ્વાયત્ત પ્રદેશના નિન્ગક્ઝિયાના પાટનગર યીનશૂયાનની યીન્ગકાઈ જુનિયર હાઈસ્કૂલમાં ભૂગોળના શિક્ષક છે. એ ભૂગોળના પાઠનો આરંભ કરતાની સાથે વાતો કરતા બૉર્ડ પર પળવારમાં વિશ્ર્વનો નકશો દોરે છે. દોરવાની સાથે ભણાવવાની વાત ચાલતી રહે છે. વાન્ગ જે દેશનો નકશો દોરે છે એ દેશની વાત કરતા તેની તમામ જાણકારી આપતા રહે છે. ચાર જ મિનિટમાં આખા ક્લાસને વિશ્ર્વનો નકશો મળી જાય છે તો ક્યારેક ભણાવાતા પાઠને અનુરૂપ સંબંધિત સ્થળનો નકશો મળી જાય છે. આ આવડત વિકસાવવામાં બોમિન્ગ વૉન્ગનો અનેક કલાકોનો અભ્યાસ હોય છે. બોમિન્ગના ટેબલ પર પૃથ્વીનો એક વિશાળ ગોળો છે જેનો ઉપયોગ વૉન્ગ પોતાના કસબની ધાર કાઢવામાં કરે છે એટલે કે એ ગોળાને આધારે વૉન્ગ સતત જમીન અને સમુદ્ર સહિત દેશોનો અભ્યાસ કરે છે. નકશાના આકારને ચોક્કસ સ્કેલ પ્રમાણે ગોઠવવાનો મહાવરો કરે છે. આમ તેઓ ચૉક દ્વારા કરાતી કાર્ટોગ્રાફી (નકશાના આલેખનશાસ્ત્ર)ને ચોક્કસ, ક્ષતિરહિત કરતા છે અને એમાં મહારત મેળવવાના પ્રયાસ કરતા રહે છે. આ વિશે બોમિન્ગ વૉન્ગ કહે છે, "દિવસભરમાં હું પૃથ્વીનો એ ગોળો કેટલી વાર ચક્કર ચક્કર ફેરવું છું એ ગણી પણ નથી શકતો. ટૂંકમાં નકશાનો અભ્યાસ કરવામાં વૉન્ગને એટલી અસંખ્ય વાર ગોળો ફેરવવો પડે છે તેની ગણતરી રાખી શકાતી નથી. જોકે, વૉન્ગની મહેનત રંગ લાવી છે. વૉન્ગને આ પ્રેરણા એમના પોતાની જ મીડલ સ્કૂલના કેટલાક શિક્ષકો પાસેથી મળી હતી. આ શિક્ષકો તેમના શિક્ષણના ભાગ રૂપે સતત નકશા દોર્યા કરતા હતા.

"મને એવું લાગે છે કે, વિદ્યાર્થીઓને ભૂગોળના વિષય સાથે સાંકળવા માટે નકશો દોરવાનો રસ્તો એકદમ સીધો-પરબારો અને તરત જ આકર્ષતો ઉપાય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને પણ કશું રસપ્રદ દોરી શકનારા શિક્ષકો વધારે ગમતા હોય છે. આ તરકીબ વિદ્યાર્થીઓને એક કે એકત્ર થયેલા વર્ગમાં ફેરવે છે. દરેક જણ એક જ ઉદ્દેશ ધરાવતો થાય છે, એમ બોમિન્ગ વૉન્ગ કહે છે. કૉલેજમાં આર્ટનો વિષય વૉન્ગનો ખાસ વિષય (મેજર સબ્જેક્ટ) હતો. બોમિન્ગ વૉન્ગની ભણાવવાની રીતના ભારોભાર વખાણ કરતા તેમનો એક વિદ્યાર્થી લી યેડાન કહે છે, "મને પહેલા તો એમ જ થયા કરતું કે ભૂગોળનો વિષય બોરિંગ છે, પણ મિસ્ટર વૉન્ગને જે રીતે ભૂગોળના પાઠ ભણાવતા અનુભવ્યા તો જાણે એમ જ લાગ્યા કરે કે વિશ્ર્વના પ્રવાસે નીકળ્યો છું.

કોઈ પણ શિક્ષકને આનાથી વધારે બીજી કેવી પ્રશંસા જોઈએ? મૂળ આ શિક્ષકોનો સતત મહાવરો વિદ્યાર્થીઓની નજરમાં તેમને મહાન બનાવે છે. કોઈએ કહ્યું છે કે, "જગતના મુશ્કેલ કામોમાં સૌથી વધુ કે અતિશય મુશ્કેલ કાર્ય સારા શિક્ષક બની રહેવાનું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

35c747t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com