12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિવા કેશવન: ભારતનો એશિયન સુપરસ્ટાર

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાભારતવાસીઓ અત્યારે સરસ મજાનો શિયાળો માણી રહ્યા છે ત્યારે આપણા બે ઍથ્લેટો વિન્ટર ઑલિમ્પિક્સમાં પોતાની ક્ષમતા, તાકાત અને ટૅલન્ટનું પ્રદર્શન કરી રહ્યા છે. મોટા ભાગના દેશવાસીઓએ જેનું નામ નહીં સાંભળ્યું હોય એવી એક રમતમાં ભારતનું અઢી દાયકાથી પ્રતિનિધિત્વ કરી રહેલો એક પીઢ ખેલાડી પણ સાઉથ કોરિયા ગયો છે. તે ખેલાડી છે, શિવા કેશવન અને તે લૂજ નામની રમતમાં ભાગ લઈ રહ્યો છે.

બરફ પર રમાતી વિન્ટર ઑલિમ્પિક્સનું દર ચાર વર્ષે આયોજન થાય છે. આ વખતે એ સાઉથ કોરિયાના પ્યૉન્ગચૅન્ગમાં રમાઈ રહી છે જેમાં ૯૨ દેશોના ૨૯૨૦ ઍથ્લેટો ભાગ લઈ રહ્યા છે. પચીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ રમતોત્સવમાં કુલ મળીને ૧૫ જેટલી રમતોમાં આ ત્રણ હજાર જેટલા ઍથ્લેટો ભાગ લઈ રહ્યા છે અને એમાં ભારતના શિવા ઉપરાંત ક્રોસ-ક્ધટ્રી સ્કીઇંગ રમતની હરીફાઈમાં ભાગ લઈ રહેલા જગદીશસિંહનો પણ સમાવેશ છે. આ રમતોત્સવની રમતોમાં ખાસ કરીને સ્કીઇંગ, આઇસ-સ્કેટિંગ અને સ્કી જમ્પિંગ, સ્નો બોર્ડીંગ, સ્પીડ સ્કેટિંગ, વગેરેનો સમાવેશ છે.

આજે આ કૉલમમાં આપણે શિવા કેશવન વિશે જ જાણીશું. હિમાચલ પ્રદેશ રાજ્યના મનાલીમાં જન્મેલો શિવા ૩૬ વર્ષનો છે. તે પાંચ વખત ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે અને વિન્ટર ઑલિમ્પિક્સમાં ભાગ લેનારો પ્રથમ ભારતીય છે. તેણે ૨૦૧૧માં જાપાનના એશિયા કપમાં કલાકે ૧૩૪.૩ કિલોમીટરની ઝડપનો નવો એશિયન વિક્રમ સ્થાપિત કર્યો હતો. ત્યારે તેણે કલાકે ૧૩૧.૯ કિલોમીટરનો રેકૉર્ડ તોડ્યો હતો. એ સ્પર્ધામાં તેણે લૂજ રમતનો ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો. તે અત્યારે એશિયન ચૅમ્પિયન છે.

કેશવન મનાલીમાં જ ઉછર્યો હતો. મનાલીમાં ઘણા વિસ્તારોમાં બરફ છવાઈ જતો હોય છે અને કેશવન એવા જ વિસ્તારોમાં સ્કીઇંગ કરીને પોતાની રમતમાં આગળ આવ્યો હતો. તે ૧૫ વર્ષનો હતો ત્યારે તેણે મનાલીમાં પોતાની સ્કૂલમાં ગુન્થર લેમરર નામના એ સમયના વર્લ્ડ ચૅમ્પિયન દ્વારા રાખવામાં આવેલા કૅમ્પમાં ભાગ લીધો હતો. ત્યારથી શિવાને લૂજનું ઘેલું લાગ્યું હતું. ૧૯૯૮માં તે ૧૬ વર્ષનો હતો ત્યારે જાપાનની વિન્ટર ઑલિમ્પિક ગેમ્સ માટે ક્વૉલિફાય થયો હતો.

શિવા પાકો દેશભક્ત છે. ૨૦૦૨ની સાલમાં ઇટાલીના લૂજના કેટલાક પ્રશિક્ષકો તેની ટૅલન્ટથી ખૂબ પ્રભાવિત થયા હતા એટલે તેમણે તેને ઑફર કરી હતી કે જો તે ઇટાલીના ધ્વજ હેઠળ ભાગ લેવા તૈયાર થાય તો તેને ઇટાલીના કોચ પાસેથી તાલીમ તેમ જ બીજી સગવડો મળી શકે. જોકે, શિવાએ ભારતનું જ પ્રતિનિધિત્વ કરવાની દૃઢતા દાખવી હતી. તેણે ત્યારે કહેલું, ‘મારું સપનું વિન્ટર ઑલિમ્પિક્સને ભારતમાં અને ખાસ કરીને મારા હિમાચલ પ્રદેશમાં લાવવાનું છે અને એ હેતુથી જ હું આ બધું કરી રહ્યો છું. હું વિશ્ર્વને બતાવવા માગું છું કે અમે ભારતીયો પણ કંઈ પાછળ પડીએ એવા નથી.’

શિવા ટીનેજ વયથી ખૂબ સંઘર્ષ કરીને આગળ આવ્યો છે. તે ૨૦ વર્ષનો હતો ત્યારે તે ઉછીના પૈસાની મદદથી લૂજ (ગાડી) ખરીદતો હતો. તે ઘણી વાર કહેતો હોય છે કે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશન તરફથી તેને એક પૈસો નથી મળ્યો. શિવાએ ભંડોળના અભાવને લીધે બે ઑલિમ્પિક્સમાં ભાગ નહોતો લીધો. થોડા વર્ષોથી તે મોટા ભાગનું ફંડ ઇન્ટરનેટ પરના ક્રાઉડફન્ડિંગ મારફત મેળવે છે.

---------------------------------

લૂજ રમતની શરૂઆત ૧૯મી સદીમાં થયેલી

લૂજ એટલે બરફ પર ચલાવવામાં આવતી ગાડી. આ પ્રકારની ગાડીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે, પરંતુ રેસમાં એનો પ્રયોગ સૌથી પહેલાં ૧૫મી સદીમાં નોર્વેમાં કરાયો હતો. લૂજ નામનો સૌથી પહેલાં ૧૯૦૫માં ઉપયોગ થયો હતો અને ખેલકૂદમાં આવી ગાડી ૧૯મી સદીના મધ્ય ભાગથી વપરાવા લાગી હતી. સ્વિટ્ઝરલૅન્ડનું સેન્ટ મૉરિટ્ઝ આલ્પ્સ પર્વતમાળા વચ્ચેના થીજી ગયેલા સરોવરો પર કે બરફીલા ભાગો પર રમતોત્સવના આયોજનો માટે જાણીતું છે. ૧૯મી સદીમાં સૌથી પહેલાં ત્યાં જ લૂજ પર બેસીને રેસ લગાવવાની હરીફાઈ થઈ હતી. હવે તો એની હરીફાઈ યુરોપના દેશોમાં તેમ જ ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં થાય છે.

લૂજ પર એક કે બે વ્યક્તિ બેસીને એની રેસમાં ભાગ લે છે. એમાં સ્પર્ધક માટે જરૂરી હોય છે લૂજ (ગાડી), હેલ્મેટ, સૂટ, વાઇઝર, ગ્લવ્ઝ અને ફિન્ગર સ્પાઇક્સ.

આ હરીફાઈ માટેના કૃત્રિમ ટ્રૅક ખૂબ જ સપાટ, સમતલ અને ખાડાટેકરા વિનાના હોય છે. એના પર લૂજર વધુમાં વધુ કલાકે ૧૫૫ કિલોમીટર સુધીની ઝડપે ગાડી હંકારે છે. લૂજર ગાડી હંકારતી વખતે સામેથી આવતી હવાથી બચવા માથું બને એટલું નીચું રાખે છે.

આ રમતના સ્પર્ધકના હાથ અને પગ ખૂબ મજબૂત હોવા જરૂરી છે. ખાસ કરીને તેણે ખભાનો વધુ ઉપયોગ કરવો પડે છે. તેણે હરીફાઈ દરમિયાન ગાડી પર પોતાના શરીરના વજનની સમતુલા જાળવવી પડે છે. મોટા ભાગના લૂજરો આગળના ટ્રૅક પર પોતે ગાડીને કેવી રીતે ચલાવવી એનો અંદાજ અગાઉથી કરી

લેતા હોય છે. આજુબાજુની દીવાલ સાથે

અથડાવા જેવી જરા સરખી ભૂલ તેનું ટાઇમિંગ

ઘટાડી શકે. અમુક હરીફાઈઓ નૅચરલ ટ્રૅક પર થતી હોય છે.

-----------------------------

શિવાની અંગત વાતો અને સિદ્ધિઓ

ક શિવા કેશવનના પપ્પા કેરળના અને મમ્મી ઇટાલીની છે. ૧૯૭૦ના દાયકામાં શિવાના પપ્પા-મમ્મી વચ્ચે હિમાલયના પર્વતોમાં ટ્રૅકિંગ દરમિયાન પહેલી વાર દોસ્તી થઈ હતી અને મિત્રતા વધ્યા પછી તેઓ એકમેકના જીવનસાથી બની ગયા હતા. તેઓ હિમાચલ પ્રદેશમાં ઇટાલિયન રેસ્ટોરાં ચલાવે છે.

ક શિવા કેશવનનો ઉછેર મનાલીમાં જ થયો હતો. તે સોલન જિલ્લાની લૉરેન્સ સ્કૂલમાં ભણ્યો હતો. તેણે પોતાની સ્કૂલની જ મિત્ર નમિતા અગરવાલ સાથે લગ્ન કર્યાં છે. નમિતા સ્પોર્ટ્સ મૅનેજર છે. શિવા ભારતમાં વિન્ટર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે તેમ જ ટ્રેઇનિંગ કૅમ્પ ચલાવે છે.

ક શિવાને ૨૦૧૨માં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એ ઉપરાંત તે હિમાચલ પ્રદેશનો પરશુરામ પુરસ્કાર મેળવી ચૂક્યો છે. તેણે જીતેલા ચંદ્રકોમાં એશિયન લૂજ કપ સ્પર્ધા (૨૦૧૧, ૨૦૧૨)ના ગોલ્ડ મેડલ, એશિયન લૂજ કપ (૨૦૦૯)નો સિલ્વર મેડલ, એશિયન લૂજ કપ (૨૦૦૫, ૨૦૦૮)ના બ્રૉન્ઝ મેડલનો સમાવેશ છે.

ક એકંદરે શિવાને એશિયન સ્પર્ધાઓમાં કુલ મળીને ચાર ગોલ્ડ મેડલ, ચાર સિલ્વર મેડલ અને બે બ્રૉન્ઝ મેડલ મળી ચૂક્યા છે.

ક ૧૯૯૮ની વિન્ટર ઑલિમ્પિક્સમાં તેને યંગેસ્ટ લૂજ ઑલિમ્પિયનનું સન્માન મળ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n52t67c
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com