15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઝિંદગી લંબી નહીં, બડી હોની ચાહિએ

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહદશમી ફેબ્રુઆરી. હરિયાણાના ગુડગાંવ જિલ્લાના પટૌડી તાલુકાના રનસિકા ગામના કુંડુ પરિવારમાં દર વરસે આ દિવસે ખૂબ ધાંધલ, ધમાલ, ઉત્સાહ, ઉજવણી અને આનંદોત્સવ હોય, પરંતુ ર૦૧૮ની દશમી ફેબ્રુઆરીનો દિવસ કુંડુ કુટુંબ માટે અસહ્ય, અકથ્ય અને વેદનાસભર હતો. આમ તો આ દિવસે એકના એક પુત્ર, યુવાન પુત્રનો જન્મદિવસ. આ વખતેય એ આવવાનો હતો, પણ એ ક્યારેય નહીં.

દેશ આખો, હું, તમે અને આપણે સૌ શાંતિ, સલામતી અને નિરાંતથી જીવી શકીએ એટલા માટે કુંડુ પરિવારના આંખના રતન અને આધારસમા કેપ્ટન કપિલ કુંડુએ દેશ માટે શહાદત વહોરી લીધી માત્ર ર૩ વર્ષની ઉંમરે અને એ પણ બર્થ-ડેના પાંચ દિવસ અગાઉ.

માતા સુનીતા કુંડુ અને બંને બહેન સોનિયા અને કાજલ તો કપિલની રાહ જોઈ રહ્યાં હતાં. પરિવાર સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે જમ્મુ-કાશ્મીરથી પટૌડીની રેલવે ટિકિટ પણ બુક કરાવી લીધી હતી, પણ એને બદલે સોમવાર તારીખ પાંચમી ફેબ્રુઆરીએ તિરંગામાં વીંટાળેલા કૉફિનમાં શહીદ કેપ્ટન કપિલના પાર્થિવદેહનું આગમન થયું. બર્થ-ડે પાર્ટીની તૈયારીઓ, કેકની ડિઝાઈન અને હૉટેલમાં ફેમિલી ડિનરના સપના પર આંસુના ઘોડાપુર ફરી વળ્યા. ઘરનો એક માત્ર પુરુષ, આધાર અને કમાનારો કાયમ માટે જતો રહ્યો, વતન પર ન્યોછાવર થઈ ગયો. એમાંય માતા સુનિતાને તો ખબર નહોતી કે દીકરો બર્થ-ડે માટે આવવાનો છે. કપિલ અને બહેનોને સમજાવી હતી કે મમ્મી કો મત બતાના, મુઝે

સરપ્રાઈઝ દેના હૈ. બિચારા સુજયાબેનના નસીબમાં સુખદાશ્ર્ચર્યના બદલે કારમો કુઠારાઘાત લખાયો હતો એની ક્યાં કોઈને ખબર હતી?

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ભીમ્બર ગલી સેક્ટર પાસે આવેલી અંકુશ રેખા નજીક કેપ્ટન કપિલ કુંડુ પોતાની ટુકડી ૧૫મી જે.એ.કે.એલ.આઈ. (જમ્મુ ઍન્ડ કાશ્મીર લાઈટ ઈનફન્ટ્રી) સાથે ફરજ બજાવી રહ્યા હતા. ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ ગાઢ જંગલમાં કેપ્ટન કપિલ કુંડુ સાથે રાઈફલમેન રામઅવતાર (ઉંમર વર્ષ ર૮), રાઈફલમેન શુભમસિંહ (ઉંમર વર્ષ રર) અને હવાલદાર રોશનલાલ (ઉંમર વર્ષ ૪૨) સહિતના જવાનો ખડે પગે ઊભા હતા.

આપણે બધા રવિવારે હેવી જમ્યા બાદ વામકુક્ષી કરતા હોઈશું, મોલમાં ગેમ રમતા હોઈશું કે કોઈ મુવી એન્જોય કરતા હોઈશું, ત્યારે આ જવાનો વતનથી, પરિવારથી અને પોતીકાઓથી દૂર ડ્યૂટી કરી રહ્યાં હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાકિસ્તાનના નાપાક ઈરાદાએ ફરી પોત પ્રકાશ્યું. કોઈ જાતની ઉશ્કેરણી કે કારણ વગર નાપાક પડોશીએ અંધાધૂંધ ગોળીબાર અને મિસાઈલ મારો શરૂ કરી દીધો. આ ફાયરિંગથી ગભરાયા વગર હિમ્મતભર્યો પ્રતિકાર કરવામાં કેપ્ટન કપિલ કુંડુ, રામ અવતાર, શુભમસિંહ અને હવાલદાર રોશનલાલ જેવા ચાર બત્રીસ લક્ષણા માભોમ કાજે ખપી ગયા.

સમજાતું નથી કે આ અકારણ અને ઉશ્કેરણી વીહિન નમાલા આક્રમણને રોકવા માટે ભારત સરકાર કંઈ કરી શકતી નથી. અચાનક રિવૉલ્વરો કે મિસાઈલ લોન્ચર ગરજી ઊઠે અને આપણા નરબંકા હોમાઈ જાય એવું શા માટે ચલાવી લેવાનું? ક્યાં સુધી? રોજબરોજ સરહદે પાકિસ્તાની બદમાશી વધી રહી છે અને એની બિનજરૂરી છતાં મોંઘીદાટ કિંમત આપણા જવાનો જીવ આપીને ચૂકવે છે. સાહેબ, બંને દેશ વચ્ચે યુદ્ધ-તહકુબીના કરાર થયા છે. પાકિસ્તાન આ કરારનો ભંગ કરતું જ જાય છે: ર૦૧૫માં ૧૫૨ વખત, ર૦૧૬માં રર૮ વખત, ર૦૧૭માં ૮૬૦ વખત અને ર૦૧૮ના પહેલા મહિનામાં જ ર૪૦ વખત... આને સમજવું શું? દુશ્મન એટલો તાકાતવર છે કે આપણે શિકાર બનતા જ રહીએ! એવું જ હોય તો એક વખતમાં કરી નાખો ને આરપારનો ફેંસલો. રોજેરોજની માથાકૂટ તો મટે.

જરા વિચાર તો કરો કે કેપ્ટન કપિલ કુંડુએ જીવનની કેટકેટલી મુશ્કેલી છતાં માતૃભૂમિના રક્ષણની કંઠી બાંધી હતી. નાનપણથી જ ખૂબ શાંત અને મળતો સ્વભાવ. ગણિતમાં ખૂબ તેજસ્વી. કાયમ ૯૦ ટકાથી વધુ માર્ક્સ મળે. સુનીતા અને ઍરફોર્સમાં સક્રિય. લાલારામન કુંડુનો આ પુત્ર નવ વર્ષનો થયો, ત્યારે અણધારી આફત આવી પડી. હાર્ટ એટેકે પપ્પાને કાયમ માટે છિનવી લીધા. એ દિવસે કપિલનો બર્થ-ડે હતો! એ સમયે કપિલ પોતાની ફાઈનલ એક્ઝામ લખવા જઈ રહ્યો હતો. બધાને ડર લાગ્યો કે આવી હાલતમાં એ શું લખશે અને ક્યાંથી પાસ થવાનો? પણ આ ધ્યેયનિષ્ઠ છોકરો ૮૦ ટકા માર્ક્સ સાથે પાસ થયો હતો. એણે પટૌડીની ડિવાઈન ડેલ સ્કૂલનું નામ રોશન કર્યું હતું. ઘરમાં મમ્મી અને બે મોટી બહેનો. આગળ ભણવા સાથે કપિલમાં દેશપ્રેમ ઊંડે ઊંડે ઊતરતો ગયો. જીવન અને કુદરત પ્રત્યે અનન્ય પ્રેમ. ક્રિકેટ અને ફૂટબોલનો શોખ. મૂડ હોય તો આ લશ્કરી યુવાન કવિતાય લખે, ક્યારેક હિન્દીમાં-ક્યારેક અંગ્રેજીમાં.

પિતા ઍરફોર્સમાં હતા એટલે કપિલને લશ્કર પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક ગણાય. તેણે કાકા સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે તો લશ્કરમાં જોડાઈને જનરલ બનવું છે. પતિ ગુમાવી દીધા બાદ સુનીતાબહેને એકના એક દીકરાને દેશ સેવા માટે લશ્કરમાં જોડાવાની હસતા મોઢે આપેલી મંજૂરી કેવી ઉદ્દાત અને ઉમદા ભાવના ગણાય? ૧૯૯પની ૧૦મી ફેબુ્રુઆરીએ જન્મ. ર૦૧૬ની ૧૦મી ડિસેમ્બરે લશ્કરમાં જોડાયા, ૨૦૧૮ની ચોથી ફેબ્રુઆરીએ શહાદત.

જોકે, નાની જિંદગીમાં કેપ્ટન કપિલ કુંડુ ખૂબ જીવી ગયા. એકદમ ઝિંદાદિલીથી. ફેસબુક એમણે ફિલ્મ ‘આનંદ’નો પોતાના પ્રિય ડાયલૉગ સ્ટેટ્સ તરીકે રાખ્યો હતો. ‘જિંદગી લંબી નહીં, બડી હોની ચાહિએ.’ તેેણે એક પોસ્ટમાં લખ્યું હતું: ‘ચાલી ન શકો તો દોડો. દોડી ન શકો તો આળોટો, પણ ધ્યેય સિદ્ધ કર્યા સિવાય રોકાતા નહીં.’

કપિલ ગામના યુવાનોનો આદર્શ હતો. એની શહાદતથી બધા દિગ્મૂઢ થઈ ગયા. હજી તો કાલે આપણી સાથે ક્રિકેટ અને ફૂટબોલ રમતો હતો, દોડાદોડી કરતો હતા, હસતો-રમતો હતો અને અચાનક... એક કઝિન તો માંડમાંડ રડવાનું રોકીને બોલી શક્યો: પાંચ દિવસ પહેલાં જ મારી એની સાથે વાત થઈ હતી. કહે તો હતો કે મૈં ખુશ હું, મેરી ફિક્ર મત કરના. સમગ્ર ભારતના પ્રજાજનોની લાગણીને વાચા આપતી હોય એમ કેપ્ટન કપિલના દાદાએ આવા નામર્દાઈભર્યાં હુમલા માટે પાકિસ્તાન સામે આકરા પગલાં ભરવાની માગણી કરી છે.

દીકરાની શહાદતના સમાચાર આવ્યા બાદ સુનીતાબહેનની આંખમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. વ્હાલસોયાને યાદ કરતા-કરતા તેઓ વારંવાર બેહોશ થઈ જતા હતા. છતાં આ વીરમાતા શું બોલ્યા એ ખબર છે? ‘જો મારે બીજો દીકરો હોત તો ચોક્ક પણે મેં એને માતૃભૂમિની સેવા કરવા માટે લશ્કરમાં મોકલ્યો હોત. જો મારો કપિલ હજી ર૦-રપ વર્ષ જીવ્યો હોત તો દેશ માટે ઘણું કરી શક્યો હોત.’ હૃદયમાં અપાર વેદના અને ભારોભાર ક્રોધ છતાં બાવન વર્ષના સુનીતાજી કહે છે: ‘મને મારા પુત્રની શહાદત પર ગર્વ છે. હું સરકારને અરજ કરું છું કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આવા બનાવોનું વેર વાળો. હું માનું છું કે તેની શહાદત વ્યર્થ નહીં જાય.’

શહાદતના થોડા દિવસ અગાઉ જ મમ્મી સાથેની વાતચીતમાં કપિલે રાજૌરીમાં બજાવવા મળતી ફરજ બદલ આનંદ અને ઉત્તેજનાની લાગણી વ્યક્ત કરી હતી. દીકરાને સંભારતા આ મા ભીની આંખે ગર્વ સાથે કહે છે: એના માટે સર્વોચ્ચ અને સર્વપ્રથમ પ્રાથમિકતા એટલે ભારત દેશ.

સેલ્યુટ કેપ્ટન કપિલ કુંડુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1Tj46iCQ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com