25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હોર્મોનલ હેરેસમેન્ટ કે હાર્મની?

વરણાગી રાજા-દિવ્યાશા દોશીઆવતી કાલે જ વેલેન્ટાઈન્સ ડે છે. પુરુષોએ બચીને રહેવાના દિવસો આવી ગયા એવી વાતચીત સાંભળવા મળી. આજે પ્રેમની સુફિયાણી વાત કરવા કરતાં પુરુષે સ્ત્રી સાથેના સંબંધોમાં શું ભૂલ ન કરવી તે કહેવું છે. સ્ત્રીને સમજવી મુશ્કેલ છે એવું કહીને છટકી જવું હવે સહેલું નથી. કારણ કે હોલીવૂડની નાયિકાઓનું મીટુ કેમ્પેઈન બાદ હવે ભારતમાં પણ જાતિય સતામણીના કિસ્સાઓ પહેલાં પાને ચમકી રહ્યા છે. કેટલાક દિલફેંક પુરુષો રોમાન્સના ઓઠા હેઠળ સ્પર્શ સુખ માણવા માટે સ્ત્રીઓની સાથે સંબંધ બાંધવાનો દરેક પ્રયત્ન કરશે. સ્ત્રીને તમારામાં રસ છે કે નહીં તેની ખાતરી કર્યા સિવાય આગળ વધશો તો તમારો રોમાન્સ જોખમ બનીને તમને નડી શકે છે. સ્ત્રી જો તમારી સાથે સારી રીતે વાત કરતી હોય તો એનો અર્થ એ નથી કે તેને તમારી સાથે રોમાન્સ કરવું છે. રોમેન્ટિક ખ્યાલો, ફ્લર્ટિંગ સ્ત્રીઓને પણ ગમે છે, પરંતુ તેના ગમાઅણગમા હોય છે. તેની પસંદ-નાપસંદ પણ હોય છે તે એક પુરુષ માટે સ્વીકારવું અઘરું નથી હોતું જો તે ખોટા પુરુષાતનના ખ્યાલોમાં ન વિચરતો હોય. પુરુષપ્રધાન માનસિકતા પુરુષોને પણ ભારે પડવા લાગી છે.

વેલેન્ટાઈન્સ ડેને માર્કેટિંગવાળા એનકેશ કરવા જાહેરાતો આપવાની શરૂઆત કરી હતી તે જ અરસામાં સવારે છાપામાં સમાચાર વાંચતા ૨૪ વરસનો દીકરો કહે છે કે આ છોકરાને હું ઓળખું છું, ખૂબ ટેલેન્ટેડ છે, પણ હવે તેની કારર્કિદી ખતમ થઈ ગઈ. છેક આવું તેણે નહોતું કરવું. છાપામાં નજર નાખતા જોયું કે એક યુવાનનો ફોટો હતો, લેખક છે કોઈ મોટી કંપનીમાં કામ કરતો હતો અને તેના પર છોકરીઓને સેક્સ્ટિંગ દ્વારા જાતિય સતામણી કરી હોવાનો આરોપ મૂક્યો છે. એકાદ છોકરી હોય તો ઠીક પણ ઘણી બધી છોકરીઓએ આરોપ મૂક્યો હતો. એ છોકરો પોતાના બચાવમાં કહે છે કે અમે મિત્રો હતા. મિત્રતામાં કેટલાક મેસેજીસ થયા છે તેના ટુકડા કરીને જોવામાં આવે તો તેનો અનર્થ કરી શકાય વગેરે વગેરે...

માતા તરીકે બોલાઈ ગયું કે દીકરા તું ધ્યાન રાખજે, છોકરીઓની સાથે સંબંધો બાંધતા પહેલાં અને મર્યાદા ઓળંગતા પહેલાં ભૂલ ન કરતો. મારા દીકરાએ તરત જ જવાબ આપ્યો કે હું કોઈપણ છોકરી સાથે ગમે તેમ વાત નથી કરતો, તેમનો આદર જાળવતાં મને આવડે છે. આ જવાબ આખોય દિવસ મનમાં ઘોળાતો રહ્યો અને વિચાર આવ્યો કે તો શું પેલા છોકરાને જેની કારર્કિદી સફળતાના શિખરો ચઢી રહી હતી તેને સ્ત્રીઓનો આદર કરતાં ન આવડ્યો? મી ટુ કેમ્પેઈન બાદ દર બે દિવસે નવા સમાચાર જાણવા મળે છે જેમાં પુરુષો પર જાતીય સતામણીનો આરોપ મુકાયો હોય. અભિનેતા જીતેન્દ્ર ઉપર પણ તેની કોઈ પિતરાઈએ વરસો પહેલાં જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. હવે જે જાતીય સતામણીના આરોપ મુકાય છે તે મોટાભાગના પુરુષો સફળ છે. કોઈ એવું પણ કહી શકે કે સ્ત્રીએ પણ સહેજે ય આગળ શું કામ વધવું જોઈએ? મિત્રતા બાંધ્યા બાદ જો કોઈ પુરુષ આગળ વધવાની પહેલ કરે તો ખોટું શું છે ? એવો પણ સવાલ થાય કેટલાક પુરુષોને, પરંતુ એક વાત સમજી લેવા જેવી છે કે પૌરુષીય વર્તનને કાબૂમાં રાખી શકાતું હોય છે. મોટાભાગના પુરુષોનો ઉછેર અને તેમના હોર્મોન ટેસ્ટોસ્ટેરોન તેમને બુલી બનાવે છે. કેટલાક બિનધાસ્ત ભાઈગીરી કરી શકે છે તો કેટલાક ખાનગીમાં એવું કરે છે.

આપણે ત્યાં સ્ત્રી-પુરુષોના સંબંધોમાં ય ઘણો દંભ છે. વળી પુરુષોમાં ખોટી માન્યતા હોય છે કે સ્ત્રીને બેડ મેન એટલે ખરાબ પુરુષ ગમે છે. સ્ત્રીની ના એ હા જ છે. સ્ત્રીઓ શરમાળ હોય છે એટલે તેમને વારંવાર પૂછવું પડે છે, થોડી જબરદસ્તી કરવી પડે છે. વળી તેમનામાં રહેલી આદિમવૃત્તિને બહાર આવવાનું કોઈ બહાનું નથી મળતું. સારી વ્યક્તિ હોવું અને સારી વ્યક્તિ તરીકે વર્તવું તે જુદી બાબત છે. પુરુષને સુંદર. સુડોળ સ્ત્રીનું આકર્ષણ રહે જ છે. નર પ્રાણીઓ પણ માદાને રિઝવવાનો પ્રયત્ન જરૂર કરે છે પણ તેના પર જબરદસ્તી કરતો નથી. દરેકને સુંદર, યુવાન સ્ત્રી મળી શકતી નથી. મોટાભાગના પુરુષોએ પોતાની વૃત્તિઓને ક્ધટ્રોલ કરીને રાખી હોય તે અચાનક ક્યારેક નબળા મનની સ્ત્રી કે છોકરીને જોતાં બેકાબૂ બની જાય છે. આદિમવૃત્તિને સમજીને પડકારવું દરેક પુરુષ માટે સહેલું નથી હોતું. એનો અર્થ એવો નથી કે પુરુષ બેકસૂર બની જાય છે. કેટલીક વૃત્તિઓ એવી છે કે જે નાના-મોટા દરેક વયના, દરેક વર્ગના પુરુષમાં જોવા મળે છે. અત્યાર સુધી સ્ત્રીઓ ચૂપ રહેતી હતી એટલે તે બહાર નહોતું આવતું. હવે સ્ત્રીઓએ બોલવાનું શરૂ કર્યું છે તે મોટાભાગના પુરુષોને ગમતું નથી. તેમને લાગે છે કે આમાં અન્યાય થઈ રહ્યો છે. પણ જો તમારું વર્તન ખરાબ નથી તો કોઈ તમને ફસાવી શકશે નહીં. કેટલીક એવી વૃત્તિ વિશેની વાત અહીં કરવી છે કારણ કે પુરુષોને ખ્યાલ આવે કે તેઓ ક્યાં ભૂલ કરે છે અને શું ન કરવું જોઈએ.

પહેલું તો કોઈપણ સ્ત્રીને (પોતાની પત્ની, માતા સિવાયની) સ્પર્શ કરવાનું ટાળવું. વાતવાતમાં ધબ્બો મારવો કે ગળે લાગવું કે હાથને સ્પર્શી લેવું કે પછી બેટા, બેટા કહીને કોઈપણ સ્ત્રીના ખભે કે બરડે હાથ ફેરવવાનું ટાળવું જોઈએ. ખોટા કે નકામા વખાણ કરીને સ્ત્રીની નજીક જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. મોટાભાગે જાણીતા પુરુષો જ સૌથી વધારે અણછાજતા સ્પર્શ કરવાના પ્રયત્ન કરતાં હોય છે. એક બહુ જ જાણીતા ગુજરાતી કવિ વિશે અમે સ્ત્રીઓ એકબીજાને કહેતા હોઈએ છીએ કે તેમનાથી અંતર રાખીને વાત કરવી. જે સ્ત્રી આવું જાણતી ન હોય તે સહજતાથી તેમના પ્રભાવમાં આવી જઈને નજીક જઈને વાત કરે, ને તે સહજતાથી સ્પર્શવાનો લ્હાવો લઈ લે. આ સ્પર્શ ખરાબ જ છે તે સાબિત નથી થતું, પરંતુ તે સારો કે જરૂરી પણ નથી હોતો.

સોશિયલ મીડિયા પર સ્ત્રીને પરવાનગી વિના અંગત મેસેજીસ કરવા ન જોઈએ. સાથે કામ કરતાં હોઈએ ત્યારે હસીમજાકમાં કે કામ કરતાં સ્પર્શ સુખ લઈ લેવાની ઘણા પુરુષોને આદત હોય છે. તેમાં પણ જુનિયર છોકરી હોય તો તેના માટે વિરોધ નોંધાવવો સહેલો નથી હોતો એ બાબત પુરુષ પણ જાણતો હોય છે. પુરુષ એટલે શિકારી એવી માનસિકતા તમારામાં ક્યાંક ઊંડે ઊંડે નથી તે તપાસી લેવી જોઈએ. રોમેન્ટિક મિજાજ સ્ત્રીઓને પણ ગમે છે, પરંતુ રોમાન્સ અને જાતિય સતામણીની વચ્ચે પાતળી ભેદરેખા છે. સ્ત્રી જ્યારે ના પાડે કે બસ કહે ત્યારે આદરથી પાછા હટતા પુરુષને આવડવું જોઈએ. પૌરુષીય ગુણો સ્ત્રીના વ્યક્તિત્વને આદર આપવામાં છે. તમે ઓળખતા હો છતાં એ સ્ત્રીને જોક્સ મોકલવાનો કે રોમેન્ટિક ઈમોજી મોકલવાનો પરવાનો નથી મળી જતો. ફોર્વડ મેસેજીસ પણ મોકલતા પહેલાં દસવાર વિચારો. હેપ્પી વેલેન્ટાઈન્સ ડેનો મેસેજ ઓળખાણ ન હોય તેવી સ્ત્રીને કે પછી ફક્ત ઓળખો છો એટલે પણ મોકલવાની જરૂર નથી. મોટાભાગના પુરુષો આવા મેસેજીસ મોકલીને તપાસતા હોય છે કે જો સ્ત્રીએ જવાબ આપ્યો તો ગ્રીન સિગ્નલ છે. સાથે કામ કરતાં હો કે તમારાં સગામાં પણ કોઈ સ્ત્રી તમારા પર વિશ્ર્વાસ મૂકીને દિલ હળવું કરવા ક્યારેક અંગત વાતો કરે તેનો અર્થ એવો કરવાનો નથી કે તે તમારી દરેક ઈચ્છાઓને તાબે થશે.

તો પછી કેવી રીતે જાણવું કે તે સ્ત્રીને રસ છે કે નહીં ? આ સવાલ મોટાભાગના પુરુષોને થશે જ. તો જાણી લો કે એની ખબર પણ તમને પડે જ છે. ક્યારેક એવું બની શકે કે કોઈ સ્ત્રી તમારા વ્યક્તિત્વ કે પ્રભાવથી અંજાઈને તમારી સાથે હળવાશથી વાત કરી પણ લે તો ય કશું જ માની લેવાને બદલે સહજતાથી સ્પષ્ટપણે તે સ્ત્રીનો ઈરાદો જાણવાનો પ્રયત્ન કર્યા બાદ જ આગળ વધશો. શક્ય તેટલું સહજ અને સરળ વર્તન તમને કોઈપણ જાતની ગલતફેહમીમાં ઉલઝવા નહીં દે. ખોટી ગણતરીઓ અને પોતાની જ ઈચ્છાઓનો વિચાર કરવાને બદલે સામી વ્યક્તિના સિગ્નલો સમજવાના પ્રયત્ન કરશો તો સંબંધોની ગરિમા જાળવી શકશો અને સ્ત્રીને સમજી પણ શકશો. સમજદાર પુરુષ જવાબદારીભર્યું વર્તન જ કરશે. આકર્ષણની આંગળીઓ ઝાલીને ખોટા પગલાં ભરીને પસ્તાશે નહીં. તમારી સત્તાનો સેક્સ મેળવવા માટે ઉપયોગ કરશો તો શક્ય છે કે તમારું નામ અને કામ બન્ને ખોવાનો વારો આવે. એનો અર્થ એ નથી કે તમારે કુંવારા રહેવું કે પ્રપોઝ ન કરવું, પણ જવાબ તમારા પક્ષે જ આવે તેની અપેક્ષા ન રાખવી. સ્ત્રીના નકારને આદરથી અપનાવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W8bv81g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com