21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માત્ર ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન

કવર સ્ટોરી-વી. રામાકૃષ્ણનજે વિસ્તારમાં સારી ચા કે કોફી પણ ૧૦ રૂપિયામાં ન મળે ત્યાં ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજનની થાળી આપવી એ ખરેખર જેના હૃદયમાં સુંદરતાનો વાસ હોય તે જ કરી શકે. કર્ણાટકના મેન્ગલોરથી ૮૬ કિ.મી દૂર આવેલા સુલિયા શહેરના શ્રીરામપેટમાં આવેલી રામપ્રસાદ હોટેલના માલિક સુંદર સરલ્યા ખરેખર પોતાના નામ પ્રમાણે સુંદર કામ કરી રહ્યા છે. તમે મુંબઇ કે અમદાવાદની ગલીઓમાં જાહેર રસ્તા પર સારી ચા, કોફી કે ઉકાળાની લિજ્જત માણો એ પણ ૧૨ રૂપિયાથી માંડીને ૨૦ રૂપિયા તમારા ગજવામાંથી ખંખેરી લે છે. ક્યાંક રસ્તા પરના બિનતંદુરસ્ત વાતાવરણમાં કોઇ પણ જાતના વધારાના ખર્ચા વિના ચાલતા ઠેલા જેને તમે અંગ્રેજીમાં સ્ટ્રીટ ફૂડના નામે ઓળખો છે ત્યાં પણ ભરપેટ ભોજના રૂપિયા ૩૫-૪૦થી ઓછામાં નથી મળતું. આવી મોંઘવારીના સમયમાં કોઇ હોટેલ જયાં બેસવા માટે ખુરસી ટેબલ હોય, લાઇટ-પંખા હોય અને સરકારી વેરા તેમજ સ્ટાફ સહિત અન્ય ખર્ચા કાઢવાનું ટેન્શન હોય ત્યાં તંદુરસ્ત વાતાવરણમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન ૧૦ રૂપિયામાં આપવું એ ખરેખર કોઇ પણ વ્યક્તિ માટે પડકારરૂપ કાર્ય છે. હા, કોઇ સરકારી કે સેવાભાવી સંસ્થાઓ સખાવતોના જોરે સસ્તામાં ભોજનાલય ચલાવતી હોય એ અલગ વાત છે. જોકે, તામિલનાડુની સરકારી રાહતરૂપી અમ્મા કેન્ટિન સિવાય આટલા સસ્તામાં ભોજન કોઇ ખાનગી ભોજનાલયો પણ આપી શકતાં નથી. એ સંજોગોમાં સંભાર, ભાત, શાક અને છાશ તેમ જ અથાણાં સાથેની ભરપેટ થાળી આપવી એ ખરેખર પ્રસંશનીય કામ છે. આમ તો સસ્તા ભાવમાં શુદ્ધ ભોજન આપવાની પ્રથા સુંદરભાઇના પિતા વેંકટેશ સરલ્યાએ શરૂ કરી હતી. આજથી ૮૦ વર્ષ પહેલાં ૧૯૩૮માં તેઓ એક રૂપિયામાં ચાર વખત ભરપેટ જમાડતાં હતાં. એટલે એક થાળીના ચાર આના ફક્ત. ત્યાર બાદ આજથી ૪૮ વર્ષ પહેલાં જ્યારે સુંદરભાઇએ કામ સંભાળ્યું ત્યારથી તે આજ સુધી ભોજનની ગુણવત્તા અને સારી સર્વિસ તો જળવાઇ જ રહી છે, પણ થાળીની સફર એક રૂપિયામાં ચારથી માંડીને ત્રણ, બે અને એક સુધી અને પછી થાળી દીઠ બે અને પાંચ રૂપિયા સુધી પહોંચી. લગભગ ૨૦ વર્ષ સુધી પાંચ રૂપિયામાં થાળી આપ્યા બાદ છેલ્લાં થોડાં વર્ષોથી અસહ્ય મોંઘવારીના પ્રતાપે ૧૦ રૂપિયામાં થાળી અપાય છે. ક્ેરળમાંથી સ્થળાંતર કરીને વર્ષો પહેલાં આવેલા વેંકટેશે શરૂ કરેલી આ હોટેલ રામપ્રસાદ કરતાં તેમની અટકને લીધે સરલ્યા હોટેલ તરીકે વધુ પ્રખ્યાત છે અને તેમાંય આ વિસ્તારમાં આવેલી શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થઇ છે. રોજના લગભગ ૨૦૦ લોકો આ વ્યવસ્થાનો લાભ લે છે. આજુબાજુના ગામમાંથી આવેલાં વિદ્યાર્થીઓ જ્યારે ભણવાનું પૂરુ કરીને શહેર છોડીને ચાલી જાય છે ત્યારે તેઓ આ હોટેલના સુખદ અને સ્વાદિષ્ટ સંભારણા પોતાની સાથે લઇ જાય છે. વાસ્તવમાં તો આવા કપરા કાળમાં જે થાળીના ૪૦થી લઇ ૭૦ રૂપિયા સરળતાથી લઇ શકાય તેના ૧૦ રૂપિયા ભાવ રાખવાનું કારણ આ ન કમાતાં, ભણતાં વિદ્યાર્થીઓ જ છે. તેમને આરોગ્યપ્રદ ભોજન સસ્તામાં મળી રહે તે માટે તેમણે વર્ષો જૂની આ પ્રથા ચાલુ રાખી છે. અમુક વિદ્યાર્થીઓ એવા જ છે જેઓના ઘર શાળા-કોલેજથી નજીક હોય તેવા લોકો પણ ઘરેથી ડબ્બો લાવવાની કે ઘરે જઇને જમવાને બદલે આ હોટેલનું સ્વાદિષ્ટ ભોજન આરોગવા બપોરના સમયે ધસારો કરે છે.

જ્યારે કોઇ શાળાઓમાં કોઇ સરકારી મધ્યાન્હ્ ભોજન યોજનાઓ ચલાવવાની કલ્પના પણ આવી ન હતી ત્યારથી સસ્તા ભાવમાં સારી કવોલિટીનું ભોજન એક ધંધાની દ્રષ્ટિએ કઇ રીતે પોસાય છે તેના જવાબમાં સુંદરભાઇ જણાવે છે કે, તેમની હોટેલમાં નાસ્તા, ભોજન અને ચા-કોફી જેવી ખાવાપીવાની ચીજો સવારથી લઇને મોડી રાત સુધી વેચાય છે. તેમાં બપોરના ભોજનને બાદ કરતાં દરેક ચીજોના ભાવ બજારભાવ જેવાં જ હોય છે. ઘણાં કમાતાં ધમાતાં ઘરોમાં તેમની થાળી ટિફિનરૂપે જાય છે પણ તેના ૪૦ રૂપિયા લેવાય છે. કોઇના ઘરે અવસરપ્રસંગ હોય તેમાં પણ કેટરિંગ સેવા પૂરી પાડે છે. આ બધી ચીજો કે સર્વિસ વેચતાં જે નફો મળે તેનાથી પેલી સસ્તી થાળીની ખોટ પૂરી પડાય છે.

વળી તેઓએ પોતાના ખર્ચા પણ સીમિત રાખ્યા છે. પ૭ વર્ષથી પિતા સાથે આ હોટેલમાં કામની શરૂઆત કરનાર અને છેલ્લાં ૪૩ વર્ષથી તો પિતા પછી આ હોટેલના માલિક છે પણ કોઇ પણ જાતના અહંકાર અને મોટાઇ દેખાડ્યા વિના આ શેઠ, આજે પણ બપોરની થાળીઓ જાતે પીરસે છે. વધારે ખર્ચ ન થાય તે માટે રોજ બપોરે સેંકડો માણસોને ભોજન પીરસવામાં તેમનો પુત્ર રાઘવેન્દ્ર સરલ્યા અને ઘરના અન્ય સભ્યો પણ તેમને મદદ કરે છે. વ્યક્તિગત રીતે પણ સુંદરભાઇ ખૂબ સંતોષી જીવ છે. તેમનો આ સંતોષ તેમના ચહેરા પર પણ સહજતાથી દેખાઇ આવે છે જ્યારે તે રોજ બપોરે સેંકડો વિદ્યાર્થીઓને પોતાના હાથે જમાડવાનું કાર્ય પૂરું કરે છે. તેમણે સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત ભોજન બનાવતાં રસોઇયાઓની એવી ટીમ ભેગી કરી છે કે ત્યાંની મોટી અને જાણીતી ક્લબો તેમજ ઘણી સામાજિક સંસ્થાઓ પણ તેમનું સન્માન કરી ચૂકી છે.

સુંદરભાઇ આજે પણ આત્મવિશ્ર્વાસ સાથે જણાવે છે કે લોકોને સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને સસ્તું ભોજન આપવાની આ પરંપરા તેઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખશે જ.

કળા કે ખેલજગતમાં સફળ અને કરોડો કમાતાં લોકોને આપણે હીરો કહીને નવાજીએ છીએ પણ ભારતના અસલી હીરો તો આ સુંદરભાઇ જેવા માણસો જ છે.

ખરેખર દેશના અન્ય હોટેલવાળા પણ જમવાના સમયે આવી યોજના શરૂ કરે તો કેટલાંય ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે, નહીં?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Gv8030I1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com