25-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દસમા અને બારમાવાળાં બાબા-બેબીનાં માતાપિતાનો ટીવી ઇન્ટરવ્યૂ

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરઉદ્ઘોષક: નમસ્તે દર્શકમિત્રો! આજે અમારા ટીવી સ્ટુડિયોમાં એક દંપતી ઉપસ્થિત છે. આ દંપતીના બાબાએ એસ.એસ.સી.ની પરીક્ષા આપી છે અને એમની બેબીએ બારમા ધોરણની પરીક્ષા આપી છે. દંપતીના ચહેરા પર પરીક્ષા પૂરી થયા પછીના છુટકારાના ને પરિણામની ચિંતાના મિશ્રભાવો આપ જોઈ શકશો. અમારા અસંખ્ય દર્શકોમાંથી અનેક્ધાાં બાબા-બેબી ચાલુ સાલે દસમા/બારમામાં આવશે. એમને હિંમત રહે. માર્ગદર્શન મળે, એમની ધીરજ ખૂટી ન જાય એ માટે આ દંપતીને આપણે ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી અને આપણી વિનંતી માન્ય કરીને તેઓ અત્રે પધાર્યાં છે. તો હવે આપણે પ્રશ્ર્નોત્તરીનો પ્રારંભ કરીએ. હા, તો મિસ્ટર અને મિસિસ શાહ, આપની બેબી બારમામાં આવી ત્યારે આપને કેવી લાગણી થયેલી?

મિસિસ શાહ: બેબી પહેલવહેલી આવી એટલે કે જન્મી ત્યારથી જ અમને ઇંગ્લિશ મિડિયમની સારી શાળાના કે. જી. વિભાગમાં પ્રવેશ મળશે કે કેમ એની ચિંતા થવા માંડી હતી. બેબીને સારો વર મળશે કે કેમ તેની અમને ક્યારેય ચિંતા નથી થઈ, પણ બેબીને ટ્યૂશન માટે સારા ટીચર મળશે કે કેમ એની અમને સતત ચિંતા રહ્યાં કરી છે. ટૂંકમાં, બેબી જન્મી ત્યારથી એના એજ્યુકેશન માટે અમે સતત ફફડતાં રહ્યાં છીએ.

મિસ્ટર શાહ: બાબા-બેબીના એજ્યુકેશનના પ્રશ્ર્ને ફફડવા અંગેનાં અમે એટલાં બધાં રિહર્સલ કર્યાં હતાં કે બેબી બારમામાં આવી ત્યારે માનસિક રીતે અમે એકદમ સુસજ્જ હતાં.

મિસિસ શાહ: અમે આ દિવસ માટેનું આયોજન બરાબર કરી રાખેલું. બાબાનું નવમાનું અને બેબીનું અગિયારમાનું પરિણામ આવ્યું એ જ દિવસે અમે ટીવી માળિયા પર ચડાવી દીધું હતું. બેબીના પપ્પા તો ઇલેક્ટ્રિક ક્ધોક્શન જ કપાવી નાખવા માગતા હતા, જેથી અમે પાંચ-છ કલાક માટે બહાર હોઈએ ત્યારે બાબો એમના મિત્રોની મદદથી માળિયા પરથી ટીવી ઉતારે નહિ, પણ ઇલેક્ટ્રિક ક્ધોક્શન કપાવી નાખીએ તો બાબા-બેબીને રાત્રે વાંચવા માટે પ્રૉબ્લેમ થાય એટલે પછી ઇલેક્ટ્રિક ક્ધોક્શન કપાવી નાખવાનો વિચાર પડતો મૂક્યો પણ આખું વરસ અમે સાથે ક્યાંય બહાર ગયાં જ નહિ. લગ્નના રિસેપ્શનમાં પણ એ એકલા જ જતા. આ કારણે જોકે અમારા એક ઓળખીતાને તો મારા પતિ વિધુર થઈ ગયા છે એવો વહેમ પણ પડેલો. અને આવા ગંભીર સમાચારની જાણ પણ ન કરી એવો ધોખોય કર્યો હતો.

ઉદ્ઘોષક: આટલું બધું ટેન્શન થવાનું શું કારણ?

મિસિસ શાહ: બેબી જન્મી એ જ દિવસથી અમે એને ડૉક્ટર બનાવવાનું નક્કી કરી નાખ્યું હતું અને એ દિવસથી આજ સુધી અમે એ બાબતની એકધારી ચિંતા કરી છે.

ઉદ્ઘોષક: પુત્રીના વિકાસ માટેની આપની નિષ્ઠા પ્રશંસનીય છે.

મિસિસ શાહ: વિકાસબિકાસ તો ઠીક સાહેબ, પણ મારાં સૌથી મોટાં બહેનની બેબી ડૉક્ટર થઈ, ડૉક્ટરને પરણીને અમેરિકામાં સેટલ થઈ. મારાં નણંદની દીકરી ડૉક્ટર થઈ છે. મારા જેઠની દીકરી ડૉક્ટર થઈ છે. હવે અમારી ડૉટર ડૉક્ટર ન થાય તો અમારું નાક જ કપાઈ જાય ને! અમે તો બેબી જન્મવાની હતી ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે બેબી જન્મે તો એને ડૉક્ટર બનાવવી અને બાબો જન્મે તો એને સી.એ. બનાવવો.

ઉદ્ઘોષક: બાબાને સી.એ. કેમ, ડૉક્ટર કેમ નહિ?

મિસ્ટર શાહ: મેં સી.એ. થવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પેલા કરોળિયાએ જાળું બનાવવા સાત વાર પ્રયત્ન કર્યા હતા, જ્યારે મેં તો સી.એ. થવા ચૌદ વર્ષ સુધી પ્રયત્ન કર્યાં, પણ સફળ ન થયો. એટલે મેં તો નક્કી કરી નાખ્યું હતું કે, હું ભલે સી.એ. ન થયો, પણ દીકરો જન્મે તો એને સી.એ. બનાવવો જ. એટલે મારાં લગ્નનું નક્કી થતું હતું, ત્યારે મારી શરત હતી કે, લગ્ન પછી દીકરી જન્મે તો દીકરીને એની માતા ઇચ્છે એવું ભણાવીશું, પણ દીકરો જન્મે તો એને સી.એ. જ બનાવવો. આ કારણે મારે કેટલાંય સારાં ઠેકાણાં જતાં કરવાં પડેલાં, પણ હું મક્કમ જ રહ્યો હતો. જોકે, બાબાની આ મમ્મી જોડે સુખી થયો એટલે સારાં ઠેકાણાં જતાં કરવાં પડ્યાં એનો સહેજે રંજ નથી, પણ દુ:ખી થયો હોત તોય મને મારા નિર્ણય અંગે પસ્તાવો ન થાત.

ઉદ્ઘોષક: પોતાને ડૉક્ટર થવાનું છે એવી બેબીને સમજણ આવી ત્યારે એને કેવું લાગેલું?

મિસિસ શાહ: એને નહોતું ગમ્યું. એને તો નાચવા-ગાવાનો શોખ. અમે એને કહી દીધું કે, નાચવું-ગાવું એ આપણું કામ નહિ. એને તો નૃત્યના ક્લાસ કરવા હતા, પણ અમે એને આઠમા ધોરણથી ગણિત-વિજ્ઞાનના ક્લાસો કરાવેલા.

ઉદ્ઘોષક: બેબી પર એની કેવી અસર પડી હતી?

મિસિસ શાહ: થોડું રડીકકળી, પણ મૉડર્ન સાયન્સના આ જમાનામાં નાચવા-ગાવામાં એની જિંદગીનાં કીમતી વર્ષો થોડાં બગાડાય છે? મા-બાપ તરીકે આપણે એટલું તો સમજવું જોઈએ ને?

ઉદ્ઘોષક: બાબાએ દસમાની પરીક્ષા આપી. એ સી.એ. થશે એવું લાગે છે?

મિસ્ટર શાહ: બાબાને ગણિતમાં મુદ્દલ રસ પડતો નથી. એને ડ્રૉઇંગમાં બહુ રસ છે; એને ફાઇન આર્ટ્સનું ભણવું છે. ફાઇન આર્ટ્સનું ભણ્યે બે પાંદડે થોડું થવાય? ચકરડાં-ભમરડાં ચીતરીને આપણે કામેય શું છે?

ઉદ્ઘોષક: આપે કદાચ ભવિષ્યના પિકાસોને પ્રગટ થવા ન દીધો એમ પણ બને.

મિસ્ટર શાહ: પિકાસો? કોણ પિકાસો? શૅરબજારનો કોઈ મોટો એજન્ટ છે? નામ પરથી તો કોઈ મલ્ટિનૅશનલ કંપનીનો ડિરેક્ટર હોય એવું લાગે.

ઉદ્ઘોષક: પિકાસોની ચર્ચા જવા દઈએ. અત્યારે એ પ્રસ્તુત નથી. આમેય કલાકારો હવે ધીમે-ધીમે અપ્રસ્તુત થતા જાય છે. હા, તો બેબી માટે આપે ટ્યૂશન તો રાખ્યું જ હશે.

મિસિસ શાહ: ટ્યૂશન નહિ, ટ્યૂશનો રાખ્યાં હતાં. દરેક પેપરનું એક-એક ટ્યૂશન. એક પેપરનું તો સવા ટ્યૂશન રાખ્યું હતું.

ઉદ્ઘોષક: સવા ટ્યૂશન? એ કેવી રીતે?

મિસ્ટર શાહ: એક પેપરમાં ખાલી જગ્યાનો પ્રશ્ર્ન પુછાય છે. એક પ્રોફેસર એનું જ ટ્યૂશન રાખે છે. મગજમાં ખાલી જગ્યા હોય એવા વિદ્યાર્થીના પણ એ પ્રશ્ર્નમાં પૂરા માર્ક્સ આવે એવું સરસ એ પાકું કરાવે છે. ખાલી જગ્યાના પ્રશ્ર્નના એ સર ખાંટુ છે.

ઉદ્ઘોષક: કેવા છે?

મિસ્ટર શાહ: ખાંટુ એક્સપર્ટ. સર એક પ્રશ્ર્નના ટ્યૂશનનો પણ પૂરો ચાર્જ લે છે ને અઠવાડિયામાં એક જ દિવસ ઘેર આવીને બે કલાક ભણાવે. જોકે, સમય ઘેરથી નીકળે ત્યારથી ઘેર પાછા પહોંચે એ રીતે બે કલાક ગણવાના, ભાડાની ટૅક્સીમાં કિલોમીટર ગણાય એ રીતે. અમારું ઘર સરના ઘરથી નજીક છે એટલે અમને થોડો લાભ થયેલો. આ સરને ત્યાં ટ્યૂશન માટે લાઇન લાગે છે. મારા એક મિત્રની લાગવગથી બેબીના ટ્યૂશનનું માંડ ગોઠવાયેલું.

ઉદ્ઘોષક: બીજાં બધાં ટ્યૂશનો આપની ઇચ્છા મુજબ ગોઠવાઈ શકેલાં?

મિસિસ શાહ: ના, સાહેબ! ગણિતના એક સરને ત્યાં બાળક આઠમા ધોરણમાં આવે ત્યારથી બુકિંગ કરાવી દેવું પડે છે. અમે બેબી નવમા ધોરણમાં આવી ત્યારે ગયેલાં એટલે મેળ ન પડ્યો. વેઇટિંગમાં પણ સત્તરમું નામ આવ્યું હતું. બુકિંગ થાય તો આખી ફી ભરી દેવાની. વેઇટિંગમાં અડધી ફી ભરવાની ને વેઇટિંગમાં વારો ન આવે તો પા ફી જ પાછી મળે.

જે સરનું ટ્યૂશન રાખ્યું હતું એને નવમામાંથી જ બુક કરેલા. એ વખતે પણ બેબીનું નામ છેલ્લે હતું.

ઉદ્ઘોષક: આ હિસાબે આખું વરસ પણ તમારે ઘણી કાળજી લેવાની થઈ હશે.

મિસિસ શાહ: હું તો અડધી થઈ ગઈ, સાહેબ! અમારા આમની તો ઊંઘ એવી કે બે-બે એલાર્મ મૂક્યા હોય તોય સાંભળે નહિ. એટલે બેબીને સવારે ચાર વાગ્યે મારે ઉઠાડવાની. બાબો રાત્રે એક વાગ્યા સુધી વાંચે. એને દર કલાકે ચા કરી દેવાની. છેલ્લે બાર વાગ્યે ચા બનાવીને સૂઉં ત્યાં ચાર વાગ્યે બેબીને ઉઠાડવાની હોય. હું ઊઠું, બેબીને ઉઠાડું, એને ચા કરી આપું. પછી કલાક માંડ સૂઉં ને છ વાગ્યે ઊઠીને કામે વળગું.

મિસ્ટર શાહ: હું સવારના સાતથી દસ ચકલીઓ ઉડાડતો હતો.

ઉદ્ઘોષક: શું કરતાં હતા?

મિસ્ટર શાહ: ચકલીઓ ઉડાડતો હતો. સવારે બાબો અને બેબી વાંચતાં હોય ત્યારે ચકલીઓ બહુ ડિસ્ટર્બ કરે. એટલે એને સતત ઉડાડ્યા કરવી પડતી. નોકરને આ વધારાનું કામ કરવાનું કહ્યું. કચરા-પોતાના કામ કરતાં બમણા પૈસા આપવાની ઑફર કરી, પણ એ આટલો બધો ટાઇમ સ્પેર કરી શકે એમ નહોતો એટલે એણે ના પાડી. એટલે આખું વરસ ચકલીઓ મેં ઉડાડી.

ઉદ્ઘોષક: ધન્ય! ધન્ય! માતા-પિતા તરીકે આપે બાળકો માટે ઘણો ભોગ આપ્યો. પરીક્ષા પૂરી થઈ એટલે હવે આપને રિલીફ એટલે કે હળવાશ લાગતી હશે.

મિસિસ શાહ: બે દિવસ હળવાશ લાગી, પણ હવે બેબીના રિઝલ્ટની ચિંતા થાય છે. બેબીને ધાર્યા માર્ક્સ ન આવે તો કર્યું-કરાવ્યું બધું ધૂળમાં મળી જાય. એટલે કાલે અમારા ફૅમિલી જ્યોતિષીને ઘેર બોલાવ્યા છે. એ હા પાડે તો પરિણામ આવે ત્યાં સુધી જાપ કરાવવા છે.

ઉદ્ઘોષક: જાપ? શા માટે?

મિસિસ શાહ: બેબી ઇંગ્લિશ મિડિયમમાં છે. એનાં પેપર્સ ગુજરાતી મિડિયમવાળા પાસે નહિ જાય ને? એવી ચિંતા થાય છે. વળી, જાપ કરાવીશું એટલે બેબીના પેપર્સ કોઈ દયાળુ પરીક્ષક પાસે જશે. મૂઆ કેટલાક પરીક્ષકો તો રાક્ષસ જેવા હોય છે.

કુમળાં છોકરાંઓને રહેંસી નાખે! એટલે બેબીના પરીક્ષકો દયાળું હોય, ઉદાર હોય, પાંચ માર્ક્સ આવતા હોય ત્યાં એના હાથે દસ મુકાઈ જાય એ માટે જાપ કરાવવા છે. ટ્યૂશનના આટલા ખર્ચ્યા તો જાપના બીજા થોડા વધારે. છોકરાંઓની જિંદગી કરતાં શું વધારે છે?

ઉદ્ઘોષક: પરીક્ષકો પાંચને ઠેકાણે દસ માર્ક્સ મૂકી દેશે તો બેબીને દરેક પેપરમાં સોમાંથી દોઢસો માર્ક્સ આવશે.

મિસિસ શાહ: સારું કર્યું આપે ધ્યાન દોર્યું. એટલા બધા સ્ટ્રોંગ જાપ ન કરે એવું કહીશું. આપણે તો બેબીને મેડિકલમાં એડ્મિશન મળી જાય, બેબી ડૉક્ટર થઈ જાય, ડૉક્ટર છોકરો મળી જાય, ને બેબી અમેરિકામાં સેટલ થઈ જાય એટલે બસ! બીજું આપણે શું જોઈએ?

ઉદ્ઘોષક: આપની ભાવના સિદ્ધ થાય એ માટે ખૂબ- ખૂબ શુભેચ્છાઓ! આપની મુલાકાતથી હવે જેમનાં બાબા/બેબી દસમા-બારમામાં આવશે એમને ઘણું માર્ગદર્શન મળશે. ધન્યવાદ! નમસ્તે!

મિસ્ટર અને મિસિસ શાહ: નમસ્તે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8513q4T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com