21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ત્રી હોવા છતાં વર્સિસ પુરુષ હોવા છતાં: બસ ભી કરો યાર!

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: ભીખ માગવી જો રોજગાર ના હોય તો દાની માણસ બેકાર થઇ જાય ( છેલવાણી)

લાઈફમાં તમને જેનો સૌથી વધારે ડર હોય એ જ વાત તમને વારંવાર સામે આવીને હેરાન કરશે. કૂતરાનો ડર લાગતો હોય તો બીજા બધાને છોડીને કૂતરા તમને જ વહાલ બતાડવા દોડી આવશે. કારણ કે તમે જ્યારે ડરો છો ત્યારે કાનમાં કોઈક પ્રવાહી ઝરવા માંડે છે જેની ગંધ કૂતરાને આવી જાય છે અને એનાથી આકર્ષાઈને એ તમારા ભણી દોડે છે! દરેક પ્રકારના ડરનું એવું જ છે. ડરની દરેક ચીજને તમારા અંદરના ડરની ગંધ આવી જાય છે. તમને કવિઓનો ડર લાગતો હોય તો ટ્રેનના ડબ્બામાં અચૂક કોઈ ઓળખતો કવિ મળી જશે.મુંબઈથી અમદાવાદ સુધી તમારે પરાણે કવિતાઓ સાંભળવી પડશે. વળી કવિઓથી બચવા સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખી શકાય એવી રેલવેવાળાઓએ છૂટ હજી નથી આપી, એટલે ભોગવો!.

અમને ભૂત, ભગવાન કે મૌત કરતાંયે વધુ ડર ‘સ્ત્રી-પુરુષ’ ટોપિક પરના લેખો-ચર્ચાઓ-વાર્તાઓ-નોવેલોનો લાગે છે. પણ શું થાય? જેનો ડર લાગે એજ સામે આવે. હમણાં ફેસબૂક જેવા સોશ્યલ મીડિયાઓમાં સતત સ્ત્રી હોવા છતાં - પુરુષ હોવાને લીધે - જેવા ટોપિકસની ચર્ચા ચાલ્યા જ કરે છે. એમાંયે સ્ત્રીઓ અને લેખિકાઓ આ વિશે વધારે જ ટચી છે. માન્યું કે સ્ત્રીઓને અન્યાય થયો છે, થાય છે અને જેન્ડરના ચશ્માંથી તોલવામાં આવે છે પણ રોજ રોજ શું એના બળાપા? હમણાં સ્વરા ભાસ્કર નામની નાની હિરોઇને પદ્માવત માટે લાંબો લેટર લખ્યો કે સ્ત્રીને એક જ અંગ દ્વારા જોવામાં આવે છે ! બધી નારીવાદી સ્ત્રીઓ ખુશ થઇ ગઇ પણ એ જ અભિનેત્રીએ અગાઉ સ્ત્રીપાત્રોને ગ્લેમરાઇઝ કરતી ફિલ્મો કરી જ છે પણ આ વખતે પદ્માવતના વિવાદની વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા અને પબ્લિસિટી લઇ લીધી. બે ત્રણ વરસ અગાઉ આપણા વડા પ્રધાન બંગલાદેશના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે સ્ટેટમેંટ કર્યું હતું કે ‘બંગલાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાજીએ ‘સ્ત્રી હોવા છતાં’ કડક હાથે આતંકવાદ સામે કામ લીધું છે! ‘બસ આ સાંભળતાં જ લોકો તૂટી પડ્યા કે ‘સ્ત્રી હોવા છતાં’ એટલે વળી શું? નારીવાદી નારીઓ અને વિરોધપક્ષના નરોએ બૂમાબૂમ કરી મૂકી કે ‘સ્ત્રી હોવા છતાં’ કહીને પી.એમે સ્ત્રીઓને કમજોર ગણી છે! ‘સ્ત્રી હોવા છતાં’ જો સ્ત્રીઓ અવકાશયાન ચલાવી શકે, બોક્સિંગ કરી શકે, આર્મીમાં જોડાઈ શકે તો પછી આતંકવાદનો સામનો કેમ ના કરી શકે? બિચારા પીએમની આખી વાતને અલગ જ રીતે ઉછાળવામાં આવી. આ વાતમાં મારી સિંપથી પીએમ સાથે છે. આ શું દરેક વાતને નારીવાદના ચશ્માંથી જોવાની?

પછી અમે વિચાર્યું કે ‘સ્ત્રી હોવા છતાં’-વાળી વાત પર બહુ નથી વિચારવું,કારણ કે એમાં સુંદર સ્ત્રીઓ વિશે જાતજાતનાં વિચારો આવવા લાગ્યા! એટલે ‘કાંટો કાંટાને કાઢે’વાળા ચાણક્યના લોજિક મુજબ અમે ‘પુરુષ હોવા છતાં’ જીવનમાં શું-શું કાંદા કાઢ્યા એ વિચારવામાં ધ્યાન ડાઈવર્ટ કર્યું. ‘મેં ચિંતક તો’ નહીં પણ ખૂબ ઊંડું ચિંતન કરતાં અમને સમજાયું કે ‘પુરુષ હોવા છતાંયે’ અમારામાં ઘણી ખાસિયતો કે ગુણ છે. જેમ કે-

‘પુરુષ હોવાં છતાં’ અમે મૂછ નથી રાખતા. પુરુષપ્રધાન સમાજમાં મૂછ વિના મુંડેલા ચહેરે જીવવાની હિંમત અમે દાખવી છે. આ માટે રોજ દસ મિનિટનો ભોગ આપીને હજામત કરવી પડે છે, કદીક ખૂન પણ વહાવવું પડે છે! એક જમાનામાં મૂછ, શૂરવીર મર્દની નિશાની ગણાતી. પણ જો કે એમ તો એક જમાનામાં લોકો કમર પર તલવાર પણ લટકાવતા. આજે તલવાર બાંધીને નીકળીએ તો પોલીસ પકડી લે અથવા રસ્તાની ભીડમાં કોઈને આડીઅવળી તલવાર વાગી પણ શકે! વળી તલવારથી થયેલી ઇજાની સારવાર માટે મેડિક્લેમવાળા પૈસા પણ નથી આપતા! માટે જ ‘પુરુષ હોવા છતાં’ તલવાર-કટ મૂછો કે મ્યાનમાં રહેતી તલવાર,બેઉથી અમે દૂર રહીએ છીએ.

ઇન્ટરવલ :

ઠેસ પહોંચાડવી છે હૈયાને

કોઈ તાજું ગુલાબ લઈ આવો! -કાબિલ ડેડાણવી

નોર્મલી, રડવામાં સ્ત્રીઓની માસ્ટરી છે પણ ‘પુરુષ હોવા છતાંયે’ ઘણીવાર અમને કારણસર કે કારણ વિના રડવું આવે છે. ખાસ તો નવા લીધેલાં મોજાની જોડીમાંથી એક મોજું ખોવાઈ જાય અને બાકી રહેલું એ વિધૂર, એકલવાયું મોજું જોઈને રડી પડાય છે! ખાસ ઇન્કમ વિનાયે ઇન્કમ ટેક્સ ભરવો પડે ત્યારે ‘પુરુષ હોવા છતાંયે...’ અમારા પુરુષ-સી.એ.ના ખોળામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડાય છે. ‘પુરુષ હોવા છતાંયે... ‘રોનાધોનાવાળી ફિલ્મો જોઈને થિયેટરમાં રડવું આવી જાય છે કે પહેલાં કેમ ખબર ના પડી કે આમાં રોદણાં છે, નહીં તો જોવા જ ન આવતને? લાલઘૂમ બપોરે લગ્નની વાડીની બહાર, ભારે ગરમી-ભારે તડકાની વચ્ચે ભારે પાનેતર પહેરીને વિદાય થતી ક્ધયાને જોઈનેય રડવું આવી જાય છે કે એક તો આ બિચારીએ માવતર છોડવું પડે છે અને ઉપરથી આ ગરમીમાં, આ મેક અપ સાથે એના પર શું-શું વિતતું હશે?

અમે નથી માનતા કે રસોઈકળા માત્ર સ્ત્રીઓનું જ કામ છે, કારણ કે મોટી મોટી હોટલોમાં પુરુષો જ રસોઈ કરે છે. ‘પુરુષ હોવાં છતાંયે’ અમને થોડી-ઘણી રસોઈ આવડે છે (અહીં ‘થોડી’ પર ‘ઘણો’ ભાર મૂકવો). જો આખેઆખી ઉભરાઈ ના જાય તો અમને ચા બનાવતાં આવડે છે! પણ મોટેભાગે એમાં આદું વધારે નખાઈ જાય છે માટે પીતી વખતે તીખાશને કારણે (પુરુષ હોવાં છતાં) રડવું આવી જાય છે! વાતચીતમાં કે લખવામાં તો અમે ખૂબ બફાટ કરતાં હોઈએ છીએ પણ સાલાં ઇંડાઓ અમારા હાથે પૂરેપૂરાં બફાતાં જ નથી! ‘પુરુષ હોવા છતાં’ અમે સેન્ડવીચ જેવી અઘરી વાનગીઓ પણ બનાવી નાખીએ છીએ, પણ સેન્ડવીચને કાપતી વખતે, બ્રેડ અને શાક, સોવિયેટ રશિયાના અનેક દેશોની જેમ અનેક ટુકડામાં વીખેરાઈ જાય છે.

આમ તો ઈશ્ર્વરે કૂથલી-કળા સ્ત્રીઓને બક્ષી છે, પણ લેટ મી ક્ધફેસ કે ‘પુરુષ હોવાં છતાં’ અમને પંચાત, ગોસીપ, વાટણીમાં ભયંકર રસ છે. ‘કોણ કોના પ્રેમમાં પડ્યું’-થી લઈને ‘કોણ દાદરા ચઢતાં ગબડી ગયું’-સુધીના બધા વિષયમાં અમને મજા પડે છે. હોટેલમાં સામેના ટેબલ પર જો બે સુંદર સ્ત્રીઓ બેઠી હોય તો કોઈ પણ પુરુષની આંખો એમની સુંદરતા પર જશે પણ પુરુષ હોવાં છતાંયે અમારા

કાન, એ સ્ત્રીઓ તરફ જશે. એ જાણવા કે એ લોકો શું

ગોસીપ કરે છે? ગોસીપના બે સીપ લેવામાં અમે સ્ત્રીઓથી જરાય ઊતરીએ એમ નથી-એમ ‘પુરુષ હોવા છતાંયે’ અમે છાતી ઠોકીને કહીશું!

વળી ગ્લેમર લાઈનમાં ગુડાણાં છીએ એટલે ‘પુરુષ હોવાં છતાંયે’ અમને ‘અનારકલી ચૂડીદાર’થી માંડીને ‘સ્પેગેટી બ્રા’ સુધીની સ્ત્રીઓની ફેશનમાં સમજ પડે છે. ‘પુરુષ હોવા છતાંયે’ સ્ત્રીઓનાં પરફ્યુમોને અમે આંખ બંધ કરીને અંધારામાં પણ પારખી શકીએ છીએ. લિપસ્ટિકનાં શેડ્ઝ તો અમને મોઢે છે!

અને હા, ઓન અ સિરિયસ નોટ, ‘પુરુષ હોવાં છતાંયે’ અમને મારામારીમાં રસ નથી પડતો. કોમી દંગા કરાવતા નેતાઓ કે પ્રજા પસંદ નથી. છાતીપીટ રાષ્ટ્રવાદની વાતો કરીને હિંસા-નફરત ફેલાવનારા ગમતા નથી. પુરુષ હોવા છતાંયે અમને ક્ધયાદાનની પ્રથા નથી જચતી. કરવા-ચૌથની ક્રૂર રસમ, પતિને પગે પડતી સ્ત્રી વગેરેથી ‘પુરુષ હોવા છતાંયે’ ભયંકર એલર્જી છે. ‘સ્ત્રી હોવા છતાંયે’ સ્ત્રીઓ શું-શું કરી શકે છે એ છોડો પણ ‘પુરુષ હોવાં છતાંયે’ પુરુષોએ ઘણું બધું ન કરવાની જરૂર છે. સૌથી પ્રથમ તો-‘સ્ત્રી હોવા છતાંયે’ બોલવા-વિચારવાની મેંટાલીટી બદલવાની જરૂર છે!

એન્ડ ટાઇટલ્સ:

આદમ : પુરુષ હોવા છતાંયે મને અત્યારે ભૂતનો ડર લાગે છે, ત્યાં જો..

ઇવ : ડોંટ વરી, ભીંત પર મારો જ પડછાયો છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

43hurb23
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com