21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેમના બંધનમાં મુક્તિનું મહત્ત્વ

સન્ડે મોર્નિંગ-સૌરભ શાહપ્રેમમાં પડતી વખતે કે પ્રેમસંબંધમાંથી છૂટા પડતી વખતે કેટલીક વાતો ખાસ યાદ રાખવાની. પ્રેમના સંબંધો છૂટતા હોય છે, તૂટતા નથી હોતા. પ્રેમસંબંધનું વહેણ નદીની જેમ વહે છે. પાણી પર્વત પરથી નીચે સમુદ્ર તરફ જવા માટે વહેતું હોય ત્યારે એના વહેણને ઉલટાવવાનો ગમે એટલો પ્રયાસ કરો તો પણ એની અંતિમ ગતિ સમુદ્ર તરફની જ હશે. સંબંધનાં વહેણની સંપૂર્ણ દિશા બદલવાના પ્રયત્નો ન કરવા. પ્રયત્નો વહેણની આડે આવતા કાંકરા-પથ્થરોને દૂર કરવા માટે કરવાના.

દરેક પ્રેમસંબંધમાં કશુંક અકળ અને અવ્યકત હોય એનું ઘણું મોટું મહત્ત્વ છે. બધું જ બોલી નાખવું કે સારીનરસી તમામ લાગણીઓ એકબીજાને પહોંચાડી દેવી જરૂરી નથી. બોલ્યા વિના પણ ઘણું બધું કહી શકાતું હોય છે. આ મોઘમપણું સંબંધને એક જુદો, તાજગીભર્યો આકાર આપે છે.

પ્રેમમાં પડ્યા પછી જ નહીં, પ્રેમનો એકરાર કરતાં પહેલાં જ સામેવાળી વ્યક્તિની પસંદ-નાપસંદના વિકલ્પો પર ઈજારાશાહી સ્થાપવાની જીદ છોડી દેવાની. મને તું લાલ ટીશર્ટ પહેરે તો બહુ ગમે માટે લીલું નહીં પહેર એવી પસંદગી કોઈના ર્મોથે ઠોકી બેસાડાય નહીં. વ્યક્તિમાં જે નથી ગમતું તે તત્ત્વ એ વ્યક્તિને ચાહતી વખતે તમને કેટલું આડે આવે છે? લાલને બદલે લીલું પહેરનારી તમારી મનગમતી વ્યક્તિને ચાહવામાં ખરેખર એ રંગ બાધારૂપ બને છે કે પછી તમારી જીદને કારણે તમે એવો આગ્રહ રાખો છો?

પ્રેમસંબંધમાં કોઈ એક વ્યક્તિ ચંચળ બની જાય ત્યારે બીજી વ્યક્તિએ સ્થિર થઈ જવું અનિવાર્ય. આવેશમાં આવીને એક જણ ગમે તે બોલી નાખે ત્યારે સામેવાળી વ્યક્તિએ સામો જવાબ આપવાને બદલે ચૂપ થઈ જવું પડે. એકની જિંદગી ખૂબ વ્યસ્ત, પ્રવાસભરી બની જાય ત્યારે બીજી વ્યક્તિએ સમતુલા જાળવી લેવી પડે. પ્રેમમાં ક્યારેય કોઈના પર બીજાએ લાદેલી મર્યાદા ન હોય. જેને જે કરવું હોય એની છૂટ. જે કંઈ મર્યાદા જાળવવાની હોય તે વ્યક્તિએ પોતે બાંધેલી મર્યાદા હોય. એનામાં આપોઆપ સ્ફુરેલી લક્ષ્મણ રેખાઓ હોય. કોઈએ લાદેલા પ્રતિબંધોને ખાનગીમાં ઉવેખવા સહેલા હોય છે. સ્વશિસ્તને કારણે મનમાં સ્વીકારાયેલા પ્રતિબંધો તક હોવા છતાં તૂટતા નથી હોતા. કોઈકે સાચું જ કહ્યું છે કે છૂટાં મૂકી દીધેલાં પંખી પાછાં એ જ સ્થાને આવે તો માનવું કે એ તમારાં જ હતાં, અને ન આવે તો માનવું કે એ ક્યારેય તમારાં ન હતાં.

પ્રેમમાં એકબીજાનું અંગત વિશ્ર્વ પડાવી લેવાની લાલચ ન હોય. બે જણ મૌન બેઠાં હોય ત્યારે એક જણ પૂછી બેસે કે ‘શું વિચારે છે?’ ત્યારે પ્રાઈવસીનો ભંગ થતો હોય છે. તમારી સૌથી નિકટની વ્યક્તિની પણ પ્રાઈવસીનો ભંગ કરવાનો હક્ક તમને નથી. એ જે વિચારે છે તે કહેવા માગશે તો કહેશે, આજે નહીં તો કાલે, ગમે ત્યારે કહેશે. શું વિચારે છે એવું પૂછીને તમે ક્યારેક એને ખોટું બોલવા મજબૂર કરતા હો છો. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થયા પછી બેઉની એકલતા જરૂર દૂર થઈ જાય, પણ બેઉને પોતપોતાનું એકાંત જાળવી રાખવાની સ્વતંત્રતા મળવી જોઈએ. દરેક વ્યક્તિ પાસે પોતાનું એક એવું આગવું વિશ્ર્વ હોય છે જેમાં કોઈનેય ડોકિયું કરવા દેવાની પરવાનગી આપવાની એને ઈચ્છા નથી હોતી. આ વિશ્ર્વ જળવાય તો જ વ્યક્તિને આંતરિક રીતે વિકસવા માટેની પૂરતી જગ્યા મળી રહે.

વાત વાતમાં વાંકું પાડીને છૂટાં થઈ જવાની વાત કરવાની ટેવ પ્રેમસંબંધને વગર કારણે બરડ બનાવી દે અને એક તબક્કે કોઈ ગંભીર કારણ વિના એ તૂટી જાય. કેટલાક લોકોને ટેવ હોય છે એવું વિચાર્યા કરવાની કે આની સાથે આવું થશે એટલે હું સંબંધ તોડી નાખીશ. સંબંધ ક્યારે, કેવી રીતે તોડી નાખીશ એની કલ્પનાઓ કર્યા કરવાને બદલે એટલો જ સમય આ સંબંધ કેવી રીતે વધુ સમૃદ્ધ બને એ વિચારવા માટે વાપર્યો હોય તો?

સંબંધોમાં માલિકીભાવની બાદબાકી વિશે ઘણું લખાયું. આ સંદર્ભમાં મરાઠી કવયિત્રી હેમા લેલે બે પંક્તિઓ યાદ આવે છે: "પ્રિય, તેં કહ્યું: ‘જે ઘાસ પર ચરણ ટેકવ્યાં તે જ ઘાસ પર ઊડવાનું મન થાય એ કંઈ વાજબી નથી.’ મેં કહ્યું: ‘હું ઊડવાની છું, ઊડી જવાની નથી.’

પ્રેમમાં ઊડવું એટલે ઊડી જવું નહીં એવું સમજતાં વાર લાગતી હોય છે. ક્યારેક ખૂબ મોડું થઈ ગયા પછી સમજાતું હોય છે કે એણે માત્ર ઊડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એના મનમાં ઊડી જવાની લાગણી જન્મી નહોતી. પણ ઊડવાની ઈચ્છા વ્યકત થતાં જ તમે અસલામત થઈ ગયા અને ભયભીત બનીને એની પાંખો બાંધી દેવા તમારા હાથ લંબાયા. પોતાની પાંખો પર આવી રહેલા પ્રતિબંધને જોઈને, માત્ર ઊડવાની આશા રાખનારે છેવટે નક્કી કર્યું ઊડી જવાનું. આખી વાતના સારમાં અવિનાશી સત્ય એ છે કે ઊડવાની ઈચ્છા કોઈ વ્યકત કરે તો હેમા લેલેના કાવ્યની અંતિમ પંક્તિ બોલવાની: ‘તેં કહ્યું: ઊડી જશેને તોય આપણા બન્નેનું આકાશ તો એક જ હશે એની તકેદારી મેં પહેલેથી જ રાખી છે.’ સતત સંઘર્ષથી પ્રેમ મજબૂત નથી બનતો, થાકી જાય છે. જેને જાળવવા સતત સંઘર્ષ કરવો પડે એવા પ્રેમમાં અંતે હારી જવાનું હોય છે. ડગલે ને પગલે સ્થાન સાચવી રાખવાની જહેમત હોય એવી યાત્રાના અંતે થકાન સિવાય બીજું કશું નથી મળતું. પ્રેમમાં જેને જે જોઈએ તે આપી દીધા પછી ખાલી થઈ જવાનો, નિર્ભાર બની જવાનો આનંદ હોય છે.કાગળ પરના દીવા.......અત્યાર સુધી એલ.ઓ.એલ. હતું. લાફિંગ આઉટ લાઉડ. હવે એલ.એલ.આર.સી. છે. લાફિંગ લાઈક રેણુકા ચૌધરી!

- વોટ્સએપ પર વાંચેલુંસન્ડે હ્યુમર......બકાના લગ્ન હતા એની આગલી સાંજે એની થવાવાળી પત્નીનો મૅસેજ આવ્યો:

‘હવે આપણાં લગ્ન નહીં થઈ શકે. મારાં લગ્ન બીજે નક્કી થઈ ગયા છે.’

બકો ટેન્શનમાં આવી ગયો.

ત્યાં જ બીજો મૅસજ આવ્યો:

‘સૉરી સૉરી... મૅસેજ ભૂલથી તમને મોકલાઈ ગયો.’

બકો બમણા ટેન્શનમાં આવી ગયો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8mJj0r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com