19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શેરબજાર કે અચ્છે દિન ગયે

મિત્રો, અબ ‘અચ્છે દિન’ ભૂલ જાઓ ઔર અભી ચલ રહે હૈ ઉસસે ભી ‘બુરે દિનોં’ કે લિયે તૈયાર રહો?!!!

નવા વર્ષનો બીજો મહિનો બેસવાની સાથે જ, વિશ્ર્વભરના શેરબજારોમાં વેચવાલીનું જોર વધી રહ્યું છે. છેલ્લાં લગભગ એક દાયકાથી (ર૦૦૮)થી વિશ્ર્વભરનાં શેરબજારમાં જોવા મળેલી એકધારી તેજી થાક ખાઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. આગળ ઉપર જતાં વિશ્ર્વભરની અને ખાસ કરીને તો આપણી (ભારતીય) બજારોનો રૂખ કેવો રહેશે અને રોકાણકારોએ કેવીક સાવચેતી વર્તવાની રહેશે તેની છણાવટ કરવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી મહિનો બેસવાની સાથે શેરબજારોમાં વેચવાલીનું જોર વધવા માંડ્યું, ત્યારથી જ બધાને પ્રશ્ર્ન થવા લાગ્યો કે આ વળી શું છે? જે ઈન્વેસ્ટર્સે છેલ્લાં એક દસકામાં કોઈ મેજર કરેકશનનો અનુભવ ન કર્યો હોય, તેમને આ મુજબનો પ્રશ્ર્ન થવો સ્વાભાવિક હતો. એ જ રીતે આ પ્રકારની ભારે વધઘટ બાદ, આ નવાસવા રોકાણકારોનો ગભરાટ છૂટી જતાં જોવા મળે એમાં પણ કાંઈ નવાઈ નહોતી. જોકે, નિષ્ણાતોના મતે આમાં ગભરાવાની જરાય જરૂર નથી. બજારમાં જોવા મળેલું કરેકશન બજારને વધુ તંદુરસ્ત જ બનાવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઊલટાનું અત્યાર સુધી બજારની એકધારી ચાલથી અમુક નિષ્ણાતોને અકળામણની લાગણી થતી હતી, તેઓને જરૂરથી રાહત થઈ હશે. સપ્તાહના છેલ્લા દિવસે પણ ભારતીય બજારો, આગલા દિવસના અમેરિકી બજારોની ચાલને અનુસર્યા અને કરેકશનનો દોર યોગ્ય માર્ગે આગળ વધી રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે.

સ્થાનિક રોકાણકારોએ એક બાબતને ચોક્કસપણે ધ્યાનમાં રાખવા જેવી એ છે કે ભારતીય બજારોની ગર્ભનાળ હવે વિદેશી બજારો સાથે જોડાઈ ગઈ છે. બને તો આગળ ઉપર જતાં જોડાયેલી જ રહેવાની છે. વિદેશી બજારોની ઊથલપાથલની સીધી અસર ઘરઆંગણેની બજારો પર પડ્યા વિના રહેવાની નથી. હિન્દી ફિલ્મોના ડાયલોગ મુજબ ‘ચોલી-દામન’ કા સાથ જેવી સ્થિતિ જારી રહેવાની છે. અમેરિકા-યુરોપ છીંકશે તો ભારત સહિતના એશિયાના અન્ય બજારોને શરદી-સળેખમ થશે જ.

અમેરિકી બજારોમાં શરૂ થયેલા કરેકશનના મંડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યાંના વ્યાજ દરમાં વધારો થવાની શક્યતાએ. આ જ કારણસર ભારતીય બજારોમાં પણ વેચવાલીનું જોર જોવા મળ્યું છે. વિશ્ર્વભરનાં શેરબજારો અને ખાસ કરીને ભારત સહિતના ઊભરતી બજારોના સ્ટોક માર્કેટ્સમાં જોવા મળતી તેજી વિકસિત દેશો દ્વારા ઠાલવવામાં આવેલી પ્રવાહિતા (લિક્વિડિટી)ને આભારી હતી. છેલ્લાં લગભગ ત્રણેક દાયકાથી અમેરિકી મધ્યસ્થ બૅન્ક, ફેડરલ રિઝર્વે નીચા વ્યાજ દર (લગભગ શૂન્ય)ની નીતિ અપનાવી હતી. તેનો અર્થ એ કે, લોકોને તેમની બચત થાપણો પર શૂન્ય અથવા બહુ ઓછા વ્યાજ દરની આવક થતી હતી. આ સ્થિતિનો લાભ લઈ ખાનગી બૅન્ક્સ અમેરિકી નાગરિકો પાસેથી નાણાં ઉઘરાવી, તેમને રિસ્પેક્ટેબલ વળતર (વાર્ષિક ધોરણ)ની ઓફર કરતી હતી. આ અમેરિકી બૅન્કસ નાગરિકો પાસેથી આવેલી થાપણો એકત્રિત કરી ઊભરતાં અર્થતંત્રોના શેરબજારમાં તેમ જ અન્ય સ્ત્રોતોમાં તેનું રોકાણ કરી, તેમાંથી થનારી આવકનું તેનાં થાપણ ધારકોમાં પ્રમાણસરનું વિતરણ કરતી હતી.

હવે અમેરિકામાં વ્યાજ દર વધવાની શક્યતા બળવત્તર બનવા લાગતાં વિશ્ર્વભરના અને અમેરિકી બૅન્ક્સ સહિતનાં જાગતિક સંસ્થાગત રોકાણકારોને એમ લાગવા માંડ્યું કે તેમણે જે રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવ્યા છે, ડિપોઝિટ એકઠી કરી છે, તેઓ તેમનાં નાણાં પાછા ખેંચી લઈ, સ્થાનિક ધોરણે અમેરિકી બૅન્ક્સમાં, ભલે ઓછાં તો ઓછાં વ્યાજ દરે, રોકવા માગી શકે છે. આ કારણસર તેમણે ભારત સહિતની ઊભરતી અર્થવ્યવસ્થાના ઈક્વિટી માર્કેટમાં કરેલા રોકાણમાંથી હળવા થઈ જવાનો નિર્ણય લીધો અને શેરોમાં વેચવાલીનું જોર જોવા મળ્યું છે. હજુ તો અમેરિકા વ્યાજ દર વધારશે, એવી ચર્ચાએ માત્ર જોર જ પકડ્યું છે, તેમાં આટલા મોટાં પ્રમાણમાં વેચવાલી જોવા મળી. અમેરિકા જો ખરેખર વ્યાજ દર વધારશે તો પરિસ્થિતિ કેવી હશે? જરાં ત્રિરાશી માંડી જુઓ.!!

એક અહેવાલ અનુસાર ફેડરલ રિઝર્વનાં વર્તમાન ચેરમેન જેનેટ યેલેન તાજેતરમાં જ નિવૃત્ત થયાં છે અને તેમને સ્થાને આવેલા રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના માનીતા જેરોમ પોવેલ વ્યાજદરને મુદ્દે આક્રમક વલણ અખત્યાર કરે એવી સંભાવના છે. એક સર્વે પ્રમાણે ર૦૧૮માં અમેરિકા ઓછામાં ઓછાં ત્રણ વખત વ્યાજ દરમાં વધારો કરે તેવી સંભાવના છે. માંડી ત્રિરાશી?

હવે આપણે ભારતીય સિનારિયો જોઈએ. અગાઉ ગર્ભનાળની વાત કરી એ પરિબળ તો છે જ પણ ભારતીય શેરબજારોને અસર કરનારાં અન્ય પરિબળોમાં ઘરઆંગણેની આર્થિક અને રાજકીય સ્થિતિનું પણ નોંધપાત્ર યોગદાન રહેશે. નવેમ્બર ર૦૧૬ની નૉટબંધી અને જુલાઈ ર૦૧૭ના જીએસટીના નિર્ણય બાદ શેરબજારની અનિશ્ર્ચિતતા માટેના કારણોમાં વધુ એકનો ઉમેરો થયો છે અને તે છે, ફેબ્રુઆરી ર૦૧૮ના બજેટમાં લેવાયેલો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (એલટીસીજી) ટેક્સ આવવાનો નિર્ણય શેરબજારોમાં લાંબા સમયથી જોવા મળેલાં તેજીના વલણમાં એલટીસીજી ટ્રેન્ડ-રિવર્સલની ભૂમિકા તો ભજવશે જ, પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ્સ (રોકાણ-માનસ)માં ‘ગેમ-ચેન્જર’ની ભૂમિકા પણ તે ભજવશે.

તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અંદાજપત્રની નિરસ દરખાસ્તો તેમ જ આગામી એપ્રિલથી શરૂ થઈ રહેલો રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓનાં દોર પણ આગામી દિવસોમાં સ્થાનિક શેરબજારોમાં જોવા મળનારી તોફાની વધઘટનું મહત્ત્વનું પરિબળ બની રહેશે. આગામી વર્ષે, ર૦૧૯માં યોજાનારી સાર્વત્રિક ચૂંટણીઓની શેરબજારોમાં ર૦૧૮નાં ઉત્તરાર્ધથી જ વરતાવાની શરૂઆત થઈ જશે.

તાજેતરમાં રજૂ કરવામાં આવેલાં કેન્દ્રીય અર્થસંકલ્પ દરમિયાન નાણાં પ્રધાનના બજેટ ભાષણમાં સમાજના વિવિધ વર્ગો માટે વિવિધ પ્રકારના વચનો-બાંયધરી આપવામાં આવી હતી. નાણાં પ્રધાને કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોને મજબૂત બનાવવાનું વચન તેમના બજેટમાં આપ્યું છે. આર્થિક રીતે નબળાં વર્ગોને બહેતર સ્વાસ્થ્ય સુવિધા, ઉપલબ્ધ કરાવી આપવાનું સિનિયર સિટીઝન્સની બહેતર સારસંભાળ રાખવાનું, માળખાકીય અસ્કયામતોનું સર્જન તેમ જ રાજ્યો સાથે મળીને દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા વધુ ભંડોળ ફાળવવાનું વચન પણ નાણાં પ્રધાને સંસદ મારફત લોકોને આપ્યું છે.

નાણાં પ્રધાને ભલે વચનો-આશ્ર્વાસનોની ઝડી વરસાવી હોય, પણ તેમનું અત્યારનું બજેટ અને આ અગાઉના તેમના ત્રણ અર્થસંકલ્પોમાં કૃષિ, શિક્ષણ, જાહેર સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ, સામાજિક વિકાસ, પરિવહન, જેવા મહત્ત્વનાં ક્ષેત્રોને ફાળવાયેલા નાણાકીય સ્ત્રોતોની ટકાવારીમાં કોઈ ફરક પડ્યો નથી.

સરકારનો બિન ઉત્પાદકીય ખર્ચ ભયજનક સ્તરે વધી રહ્યો છે. બિનઉત્પાદકીય ખર્ચમાં કરજ પરનાં વ્યાજની ચુકવણી પેન્શન, સંરક્ષણ ખર્ચ, સબસિડી અને સરકારી કર્મચારીઓના પગાર-ભથ્થાં માટે થતી ચુકવણીનો સમાવેશ થાય છે. સરકારની વાર્ષિક રૂ. ૧૦૦ની આવક ગણીયે તો ઉપર જણાવેલા બિન ઉત્પાદકીય ખર્ચમાં સરકારની ૬૦-૬૫ ટકાથી વધુ રકમ ખર્ચાઈ જાય છે. આમ સરકાર બાકીના મહત્ત્વના કાર્યો જેવા કે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે નાણાં પૂરાં પાડી શકતી નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી સરકાર મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર)માં કાપ મૂકતી આવી છે અને અર્થવ્યવસ્થામાં એટલે જ મૂડીસર્જન (ગ્રોસ કેપિટલ ફોર્મેશન)નો અભાવ જોવા મળે છે. આ કારણસર જ ખાનગી ક્ષેત્ર પણ નવું રોકાણ કરવાની પહેલ કરતું નથી અને દૂર ઊભા રહીને સરકાર મૂડીરોકાણની પહેલ કરે તેની રાહ જોતું ઊભું છે.

આમ ભારતીય શેરબજારોમાંની તોફાની વધઘટ માટેનો એજન્ડા ઘડાઈ ગયો છે. રિટેઈલ ઈન્વેસ્ટરે જરા પણ વિચલિત થયા વિના, લક્ષ્ય પરથી ધ્યાન ગુમાવ્યા વિના તેણે અપનાવેલ રોકાણ-વ્યૂહની સતત સમીક્ષા કરતા રહીને દરેક ઘટાડે રોકાણ આગળ ધપાવતા રહેવું. ઈક્વિટી માર્કેટમાં રોકાણનું સાતત્ય લાંબા ગાળે ઘણું સારું વળતર અપાવી શકવા સમર્થ હોય છે. ઈક્વિટી માર્કેટમાં લાંબા ગાળાની અવધિ પાંચ વર્ષથી અધિકની ગણાય છે. ઈક્વિટી માર્કેટમાં તમારા રોકાણ-પ્રવાસ દરમિયાન તમે કોઈ વ્યાવસાયિક સલાહકાર (ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર)નો સંગાથ જાળવી રાખશો, તો સોનામાં સુગંધ ઉમેરાશે! અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n4Ba66n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com