16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગાંધીચીંધ્યા માર્ગે

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીયુવાવસ્થામાં અમે મિત્રો એક સ્થળે બેસતા અને એ સમયે અમારામાં સૌથી રૂપિયાવાળો અને સૌથી કદરૂપો એક મિત્ર મેહુલ હતો. મેહુલનું મુખ્ય કામ કંસ્ટ્રક્શનનું. રોજ સુરેન્દ્રનગરથી થાન કારમાં અપડાઉન કરે. એક દિવસ એક લેડી ટીચરે તેની પાસે લિફ્ટ માગી. મેહુલે બેસાડી અને વાતવાતમાં ટીચરે પૂછી લીધું કે તે ક્યારે પરત ફરે છે. મેહુલે વળતા પણ ફરી સુરેન્દ્રનગર પરત લઈ આવવાની જવાબદારી ઉપાડી લીધી! પછી તો આ કાયમનો ક્રમ થયો. છ મહિને મેહુલનું કામ તો પૂરું થઈ ગયું પણ ભાઈ એમ છતાં તેડવા મૂકવાની જવાબદારીએ ટીચરને એમ કહીને કે તેની સાઇટ ચાલુ છે, વ્યવસ્થા પણ ચાલુ જ રાખી. અમે બધા મિત્રોએ ખૂબ આગ્રહ સાથે પૂરી ત્રણ કલાકની લમણાઝીંક પછી મનાવ્યો કે હવે બહુ સમય થયો અને મેહુલને જો છોકરી ગમતી હોય તો તેણે પ્રપોઝ કરી દેવું જોઈએ. મેહુલ પણ અમારી રોજની એક ને એક વાતથી જાણે કંટાળ્યો હોય અને રિવોલ્યૂશન કરવા તૈયાર થયો હોય તેમ ઊભો થઈને ગયો કે કાલે તો પ્રપોઝ કરી જ દઉં. તેના ગયા પછી હજુ અડધો કલાક નહીં થયો હોય ત્યાં જ પરત આવ્યો અને અમને કહે

તમે બધા જ મારું સારું જોઈ નથી શકતા. તમને મારી બળતરા થાય છે. મારું આવું શરીર, આટલો હું કદરૂપો અને સરસ છોકરી મારી બાજુમાં રોજ બેસે એ પણ તમારાથી સહન નથી થતું. મારે તમારી વાત નથી માનવી અને ગાંધીચિંધ્યા માર્ગે ચાલ્યું જાવું છે. હું મારી સેવા અવિરત રાખીશ અને પ્રપોઝ નહીં જ કરું. તમે તો મારી કારની સીટમાં બાજુમાં બેસવાનું સુખ પણ છીનવવા માગો છો.

આ પહેલો એવો સમય હતો જ્યારે મને ગાંધીચિંધ્યા માર્ગનો ખરો અર્થ સમજમાં આવ્યો હતો! ત્યારથી ગાંધીજી મારા હૃદયમાં એક અનોખું સ્થાન પામ્યા. મેં ઘણા એવા લોકો આજ દિવસ સુધી જોયા હતા જે પોલિયેસ્ટર, કોટન, ટેરેલીન જેવા કાપડ દેશમાં બનવા માંડ્યા છતાં ખાદી જ પહેરતા! મેં એવા લોકો પણ જોયા હતા જે વિરોધ માટે ઉપવાસ પર ઊતરતા અને જ્યાં સુધી કોઈ જ્યૂસ ન પીવડાવે ત્યાં સુધી વોશરૂમ જવાના બહાને કંઈક ખાઈ આવતા! મેં એવા પણ લોકો જોયા હતા કે જે પહોંચી ન શકે એટલે કોઈ એક ગાલે તમાચો મારે કે તરત જ બીજો ગાલ ધરી દેતા કેમ કે વાંસામાં વધારે લાગે એના કરતાં ગાલ પર બીજી ખાઈને જો સામેવાળાને શાંતિ થઈ જતી હોય તો એક લપ પતે! પણ મેહુલ જેવો ગાંધીચિંધ્યો માર્ગ એક આગવી છાપ છોડી ગયો.

આ ગાંધીચિંધ્યા માર્ગનું ઉત્તમ ઉદાહરણ છે મારો ૧૮ વર્ષનો લગ્નસંસાર. મારો વિરોધ હોય ત્યારે હું જમવાની ના કહું અને મારા પત્નીએ પણ ગાંધીજીને વાંચ્યા છે એટલે કોઈ પણ પ્રકારના વિરોધ વગર મારી લાગણીઓને સમજીને જમવાનું ન જ બનાવે. આ ક્રમ ભૂખની હદ સુધી હું શરૂ રાખું અને પછી ગાંધીચિંધ્યા માર્ગે જ પત્નીશ્રીને કહી દઉં કે ‘આજે હું જમીશ’ આ રીતે જ મારો પુત્ર પણ ગાંધીચિંધ્યા માર્ગે જ ચાલે. ગમે તેટલું કહો, ધક્કો મારીને બહાર કાઢી નાખો, સમજાવો પણ પોતાના ધ્યેય તરફ જ નજર રાખે અને ત્રાસની ગતિમાં ક્યારેય ફેર ન પડવા દે! આખરે અંગ્રેજોએ જેમ ત્રાસીને દેશ છોડવો પડે એમ મારે તેની માગણી સ્વીકારવી પડે. આ રીતે મારો પરિવાર સુખરૂપ ચાલી રહ્યો છે! દેશને આઝાદી અપાવાનો શ્રેય માત્ર અને માત્ર પૂજ્ય બાપુને જ જાય છે. અત્યારના સંજોગોમાં બે પ્રકારના વર્ગ જોવા મળે છે. એક કે જે મારી જેમ ગાંધીચિંધ્યા માર્ગ પર ચાલ્યા જાય છે અને બીજો કે જે ગાંધીજીનો વિરોધ કરે છે. મેં મોટાભાગના વિરોધી લોકો એ જોયા છે કે જેમના ખિસ્સામાં ગાંધીજીના ફોટાનો સંગ્રહ નથી હોતો! આ બાબતે હું અપવાદ છું કે મારી પાસે પણ નથી, એમ છતાં હું ક્યારેય ગાંધીચિંધ્યો માર્ગ ચૂક્યો નથી.

અમારા એક માસ્તર હતા જેમણે આખી જિંદગી ખાદી પહેરી અને રેંટિયો કાંત્યો. રિટાયર્ડ થયા પછી તેમના પેન્શનના એટલાં બધા પ્રશ્ર્નો ઉપસ્થિત થયા કે ધક્કા ખાઈ ખાઈને રીતસર જાણે ૧૦ વર્ષ ઉંમર વધારી દીધી. મને જ્યારે વાતની ખબર પડી ત્યારે એમનો પ્રશ્ર્ન મેં હાથમાં લીધો. ટ્રેઝરી ઓફિસ રૂબરૂ ગયો અને ઘટતા કાગળોનો વિષય સાઇડ પર રાખી વ્યાવહારિક રીતે કામ પતાવી આવ્યો. તેમના પેન્શનનો ઓર્ડર હાથમાં લઈને આવ્યો એ સાથે જ મને ખબર હતી કે પ્રશ્ર્ન એ જ હશે કે આટલી સરળતાથી કામ કેમ પત્યું? અને મેં પણ કંઈ પૂછ્યા વગર જ જવાબ આપી દીધો કે ગાંધીજીના રેફરન્સથી જ કામ પત્યું છે. હવે આ ગાંધીચિંધ્યો માર્ગ ન કહેવાય? મને એક કિસ્સો બરાબર યાદ છે કે ગાંધીજીએ એક નિર્દોષ માણસનો કેસ હાથમાં લીધો અને જીત્યા પણ ખરા. એ ગરીબ ગળગળો થઈ ગયો અને ગાંધીજીને પૂછ્યું ‘આજે તો તમે સાથે છો અને એક ગરીબને ન્યાય મળ્યો પણ કાલે તમે નહીં હો ત્યારે અમારા ગરીબોનું શું થશે?’ મને ખાતરી છે કે ગાંધીજી ત્યારે હસતા મોઢે બોલ્યા હશે કે ‘તું ચિંતા કરમા આવનાર વર્ષોમાં મારા ફોટાવાળી નોટ તમને ઉગારી લેશે’. હવે તમે જ કહો કે કંઈ પણ કામ કરતા હો તો સાચું કહેજો કે ગાંધીજીના સહારે ઝડપથી થાય છે કે નહીં???

ગાંધી બાપુનો સૌથી વધુ કોઈએ ફાયદો ઉઠાવ્યો હોય તો આપણા નેતાઓએ. ગાંધી ટોપી, ખાદી, લાકડી, ચશ્મા અને છેલ્લે રોકડા. આ દરેક વસ્તુનો અનુકૂળતા મુજબ ઉપયોગ કરતા આવ્યા છે. પોતાના મગજમાં શું વિચાર આવે છે કે પછી પોતાના માથાના વાળ કેટલાં છે એ જણાવા દેવું ન હોય તો ટોપી પહેરી લે અને કોઈ અવાજ ઉઠાવે તો આ ટોપીનો મોઢામાં ડૂચો દેવા પણ ઉપયોગ થઈ શકે! ખાદી પહેરી એટલે આપોઆપ લોકો માન આપતા થઈ જાય અને ડ્રેસ કોડ પણ ખરો કે નહીં? નેતાના એક લક્ષણમાં જો ગુંડાગીરી ન હોય તો નેતા કેમ કહેવા? એટલે ગરીબો, લાચારો પર લાઠી ઉગામી રાજ કરવા માટે, લાકડી. ચશ્મા તો ગાંધીજીના પોતાના છે પણ નેતાઓએ આ ચશ્મા જનતાને એવા તો પહેરાવતા આવડી ગયા છે કે ભક્તિભાવ જ જાગૃત થાય, સત્ય ક્યારેય નજર આવે જ નહીં અને છેલ્લે કંઈ કામ ન આવે તો ગાંધી બાપુના ફોટાવાળી કલરફૂલ નોટ્સ તો કામ આવે જ. વોટ ખરીદવાની પરંપરા હજુ પણ ચાલુ છે. બાપુના લીધે જ ગુજરાતમાં દારૂબંધી છે પણ નેતાઓને તેનો લાભ ઉઠાવતા બરાબર આવડે છે અને એટલે જ દારૂબંધીવાળા વિસ્તારમાં દારૂ આપીને આરામથી મત હાથવગા કરી શકાય છે!!!

બાપુની શક્તિનો, બાપુના સત્યનો, બાપુનો જો એક વાર સાક્ષાત્કાર થાય તો આજે ઘણા પ્રશ્ર્નો જડમૂળથી નાશ પામે. સંજય દત્ત પર કેટલા આરોપો થયા? પણ મુન્નાભાઈ સિરીઝમાં તેને બાપુનો સાક્ષાત્કાર થતો બતાવવામાં આવ્યો અને તેણે કેટલાં પ્રશ્ર્નો સોલ્વ કર્યા એ પડદા પર દેખાય જ છે. એ જ સંજય દત્તને આ સાક્ષાત્કારના એક્ટિંગ માટે આપણને પણ પીઠ થપથપાવવાનું મન થાય જ અને એટલે જ જીવનને જો ધન્ય કરવું હોય તો એક જ માર્ગ છે, ગાંધીચિંધ્યો માર્ગ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

31Lo6260
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com