21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હુસ્ન મેં ઔર ઇશ્ક મેં જબ રાબિતા કાયમ હુઆ, ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીઉર્દૂ ગઝલ અને નઝમના અદ્ભુત અને અપૂર્વ શાયર તરીકે ‘સાહિર’ લુધિયાન્વીનું નામ શાયરીના ચાહકોએ અચૂક સાંભળ્યું જ હોય. ‘સાહિર’ સાહેબનાં ફિલ્મી ગીતો અને ગઝલો આજના દોરમાં શ્રોતાઓનાં દિલોના તાર ઝણઝણાવી તેની જાદુગરી ફેલાવી રહ્યા છે. તે વિશે હવે પછી નજીકના સમયમાં વાત કરીશું. પરંતુ આજે ‘સાહિર’ ઉપનામ ધરાવતા બીજા એક શાયરનો પરિચય મેળવીશું. ‘સાહિર’ અરબી ભાષાનો શબ્દ છે. જાદુગર એવો તેનો અર્થ થાય છે. ‘સાહિર’ નું મૂળ નામ પંડિત અમરનાથ મદન છે. તેઓ કાશ્મીરી બ્રાહ્મણ હતા. ૨૬ માર્ચ ૧૮૬૩ના રોજ તેમનો જન્મ થયો હતો. ઇ.સ.૧૯૪૫માં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ શાયર દિલ્હીના રઇસ રાયબહાદુર પંડિત જાનકીદાસના સુપુત્ર હતા. તેમના પૂર્વજ પંડિત દીનાનાથજી પંજાબના મહારાજા રણજિતસિંહના દીવાન હતા અને તેમના મોટા કાકા અંગ્રેજ સરકારની ફોજમાં સૂબેદાર હતા.

પંડિત અમરનાથે મહેસૂલ ખાતામાં મામલતદાર તરીકે નોકરી સ્વીકારી હતી. તેમણે તેમનો આ હોદ્દો પ્રમાણિકતા અને સન્માન સાથે શોભાવ્યો હતો. ત્યાંથી નિવૃત્ત થયા પછી તેમણે જિંદગીના પાછલાં વર્ષો દિલ્હીમાં સાહિત્ય-સેવામાં ગાળ્યા હતા. શાયરો અને સર્જકોને ખૂબ જ ચાહતા આ શાયર તેમના મિત્રો-શાયરોની શાયરીને દાદ આપતા હતા. આ માટે તેઓ દર મહિને તેમના નિવાસસ્થાનમાં ચર્ચા-ગોષ્ઠીનું આયોજન કરતા હતા. તેમાં શાયરો પણ ઉમળકા સમેત ભાગ લેતા હતા. વળી તેઓ દર વર્ષે ધામધૂમથી મુશાયરો યોજતા હતા. તેમાં તેઓ પ્રતિષ્ઠિત શાયરોને આમંત્રણ આપતા હતા. ઉર્દૂ ભાષા-સાહિત્યના વિશ્ર્વમાં આ શાયરનું નામ આદર સાથે લેવાતું હતું હસમુખો સ્વભાવ ધરાવતા આ શાયર મિલનસાર અને સરળ ઇન્સાન હતા.

શરૂઆતમાં તેઓ ફારસી ભાષામાં કાવ્યો લખતા હતા. પણ ત્યાર પછી સાથી શાયરોના આગ્રહને વશ થઇ ૨૨ વર્ષની ઉંમરે તેમણે ઉર્દૂમાં લખવાનું શરૂ કર્યું હતું. "કુફ્રેઇશ્ક શીર્ષક ધરાવતો તેમનો ગઝલસંગ્રહ ૧૯૩૭માં પ્રકાશિત થયો હતો. તેમની રચનાઓમાં દર્શન અને અધ્યાત્મનો સમન્વય સધાયેલો જોવા મળે છે. તેમની શાયરીમાં ફારસી ભાષાના શબ્દો સાહજિક રીતે વણાઇ ગયા છે.

અનુભૂતિમાંથી પ્રગટેલો અને શાયરાના અંદાજ-મિજાજ ધરાવતા તેમના કેટલાક શે’રનો રસાસ્વાદ કરીએ.

* હુસ્ન કો ઇશ્ક સે બેપરદા બના દેતે હૈં વો,

વો જો પિન્દારે - ખુદી દિલ સે મિટા દેતે હૈં.

જે લોકો હદયમાંથી સ્વમાનનું હુંપદ દૂર કરે છે તેવા લોકો જ પ્રેમ અને સૌંદર્ય વચ્ચેનો પરદો હટાવી દેતા હોય છે.

* જુનૂને - ઇશ્ક મેં કબ તન-બદન કા હોશ રહતા હૈ,

બઢા જબ જોશે-સૌદા હમને સર કો દર્દે-સર જાના.

આ પ્રેમના ઉન્માદમાં તન-બદનની ક્યાં કોઇ શુદ્ધિ(સભાનતા)રહેતી હોય છે ? જ્યારે (અમારા દિમાગમાં) વિકારનો ઊભરો આવ્યો તો અમોએ એમ માની લીધું કે હવે મુસીબત દૂર થઇ ગઇ છે.

* હુસ્ન મેં ઔર ઇશ્ક મેં જબ રાબિતા કાયમ હુઆ,

ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે.

સૌંદર્ય અને પ્રેમ વચ્ચે જ્યારે હંમેશ માટેનો સંબંધ બંધાઇ ગયો ત્યારે દુ:ખ હદય માટે બન્યું અને હદય મારા માટે બન્યું.

* પા લિયા આપ કો અબ કોઇ તમન્ના ન રહી,

બે તલબ મુઝ કો જો મિલના થા મિલા આપ સે આપ.

તમને પામવાની ઇચ્છા હતી તે ખતમ થઇ ગઇ. તમને હવે (મેં) મેળવી લીધાં. તેથી હવે કોઇ ઇચ્છા બાકી રહી નથી. મને જે કાંઇ મળવાનું હતું તે માંગ્યા સિવાય ( કેવું!) આપમેળે જ મળી ગયું! જો ઇન્સાન તમન્ના સેવે તો તેને બધું મળી જતું હોય છે. તે માટે તેને આમતેમ વલખાં મારવાની જરૂર પડતી નથી. પ્રસ્તુત શે’ર દ્વારા શાયરે કેવો મજાનો સંદેશો વ્હેતો મૂક્યો છે !

* વો ભી આલમ થા કે તૂ-હી - થા ઔર કોઇ ન થા,

અબ યહ કૈફિયત હૈ મૈં-હી -મૈં કા હૈ સૌદા મુઝે.

એક વખત એવી પરિસ્થિતિ હતી કે (બધે)તું જ હતો અને અન્ય બીજું કોઇ હતું જ નહીં. હવે મને એવો નશો ચઢ્યો છે કે હવે તો બધે જ હું અને માત્ર હું જ એવા પ્રકારનું ગાંડપણ મારા માથે સવાર થઇ ગયું છે. માણસ જ્યારે સ્વમાં, પોતાની જાતમાં ડૂબકી મારે છે ત્યારે આવા પ્રકારનો એહસાસ થતો હોય છે.

* એક જઝબા થા અઝલ સે ગોશયે-દિલ મેં નિહાં,

ઇશ્ક કો ઇસ હુસ્ન કે બાઝાર ને રુસ્વા કિયા.

અનાદિ કાળથી હદયના ખૂણામાં એક લાગણી છુપાઇને પડી હતી. તે એ કે પ્રેમને આ સૌંદર્ય - રૂપના બજારે જ બદનામ કર્યો છે. પ્યાર-મહોબ્બત જેવા નિર્દોષ ભાવ ક્યારેય બદનામ થતા નથી, પરંતુ સૌંદર્યના હાટડાએ પ્રેમને બદનામ કરેલ છે.

અહીં શાયરનો આક્રોશ બાખૂબી રજૂ થયો છે.

* કહાં દૈરો-હરમ મેં જલવયે-સાકી-ઓ-મય બાકી ?

ચલેં મયખાને મેં ઔર બૈઅતે-પીરેમુગાં કર લે.

આ મંદિર અને મસ્જિદમાં સાકી (પીવડાવનાર)અને સુરા ક્યાંથી જોવા મળશે ? તેના ઉપાય માટે ચાલ સુરાલયમાં જઇએ અને સુરાલયના સંચાલકની કંઠી બાંધી લઇએ. ત્યાં આપણું કામ થઇ જશે. આ શે’રમાં શરાબખાનાનો માહૌલ કાવ્યતત્ત્વ સમેત ઊભો કરાયો છે તે વાચકો જોઇ શકશે.

* હમ હૈં ઔર બેખુદી-ઓ-બેખબરી,

અબ ન રિન્દી, ન પારસાઇ હૈ.

હવે અમે છીએ અને (અમારી સાથે)અભાન અવસ્થા અને અજાણપણું છે. હવે તો મસ્તી(રંગીની)નથી અને સંયમ પણ નથી.

* તમન્નાયેં બર આઇ અપની તર્કે-મુદ્આ હો કર,

હુવા દિલ બેતમન્ના અબ, રહા મતલબ સે ક્યા મતલબ ?

પોતાની અભિલાષાનો ત્યાગ કરીને તમન્નાઓ ફળીભૂત તો થઇ, પરંતુ હદય હવે ઇચ્છા વિહોણું બની ગયું છે. હવે મતલબ (અર્થ)સાથે પણ કોઇ મતલબ રહ્યો નથી. અભિલાષાઓ સાથે જીવતો માણસ જ્યારે તેનો ત્યાગ કરે ત્યાર પછી તેના વગર તે સારી રીતે જીવી શકે ખરો? આ સવાલ અહીં છેડવામાં આવ્યો છે.

* પરદા પડા હુવા થા ગફલત કા ચશ્મે-દિલ પર,

આંખે ખુલીં તો દેખા આલમ મેં તૂ-હી-તૂ હૈ.

ગફલત શબ્દના આળસ, બેદરકારી, ભૂલ, અસાવધાની, બેશુદ્ધિ જેવા ઘણા અર્થ છે. હદયની દૃષ્ટિ પર બેદરકારીનો પડદો પડી ગયો હતો. હવે જ્યારે આંખો ઉઘડી ગઇ તો સમજાયું કે સમસ્ત વિશ્ર્વમાં (કણ કણમાં) તું જ તો સર્વવ્યાપી છે. ઇશ્ર્વરને સમજવા અને પામવા માટે હદયની આંખો ઉઘાડી રાખવી પડે છે. તે માટે પેલી બે આંખો કામ નથી લાગતી. શાયરે આવી ઝીણી વાત સૂફિયાના અંદાજમાં રજૂ કરી છે.

ઐ પરીફ ! તેરે દીવાને કા ઇમાં ક્યા હૈ,

ઇક નિગાહે-ગલત-અન્દાઝ પે કુર્બા હોના.

પરી જેવું મુખ ધરાવતી (રૂપસુંદરી) ! તારી પાછળ પાગલ થયેલાઓ માટે શ્રદ્ધા માત્ર આ જ છે કે તારી અમસ્તી જ એક દૃષ્ટિ પર કુરબાન થઇ જવું. પ્રેમમાં ફીદા થવાનો અજબ કીમિયો બતાવીને શાયરે કેવી કમાલ કરી છે!

* કતરા દરિયા હૈ અગર અપની હકીકત જાને,

ખોયે જાતે હૈં જો હમ આપ કો પા જાતે હૈ.

નદી જ્યારે સમુદ્રમાં મળે છે ત્યારે તે તેનું અસલ સ્વરૂપ ગુમાવી દેતી હોય છે. આમ, એક બિન્દુ જો પોતાના સામર્થ્યની હકીકત જાણે તો મૂળ તે નદી છે. આપણે ખોવાઇ જઇએ છીએ તે સાચું પણ સાથે સાથે આપણ તેને પામી જઇએ છીએ. જીવનનું તત્ત્વજ્ઞાન અહીં ઉદાહરણ સાથે વ્યક્ત કરાયું છે.

* જિસ કો ખબર નહીં, ઉસે જોશો-ખરોશ હૈ,

જો પા ગયા હૈ રાઝ, વો ગુમ હૈ, ખમોશ હૈ.

જેમને વાતની કશી જ ખબર નથી, અજ્ઞાત છે એવા લોકોને (નકામો) આવેગ છે અને જુસ્સો છે. પણ જે લોકોને રહસ્યની જાણ થઇ ગઇ છે એવા લોકો ખોવાયેલા છે તેમ ચુપ છે. એક સદી પહેલા લખાયેલો આ શે’ર આજના જમાનામાં પણ કેટલો બધો સુસંગત છે!

* ખાલી હાથ આયેંગે ઔર જાયેંગે ભી ખાલી હાથ,

મુફ્ત કી સૈર હૈ, ક્યા લેતે હૈં, ક્યા દેતે હૈં.

બાળક (વ્યક્તિ) જન્મે છે ત્યારે બંને હાથ ખાલી લઇને આવે છે. વળી જાય છે ત્યારે પણ તે પોતાની સાથે કશું જ લઇને જતો નથી. આ જિંદગી એ તો મફતની મુસાફરી છે. તે કશું લેતી નથી અને કશું દેતી પણ નથી. જીવનની આ નક્કર હકીકત છે.

* ગુમ કર દિયા હૈ આલમેં-હસ્તી મેં હોશ કો,

હર ઇક સે પૂછતા હૂં કિ ‘સાહિર’ કહાં હૈ આજ?

આ વૈશ્ર્વિક જીવનમાં મારી સભાન અવસ્થાને મેં ગુમ કરી દીધી છે. (એટલા માટે તો) મને જે કોઇ સામે મળે છે તેને હું પૂછી લઉં છું કે આજે ‘સાહિર’ ક્યાં છે?

* ઝિંદગી મેં હૈ મૌત કા નક્શા,

જીસ કો હમ ઇન્તેઝાર કહતે હૈં.

જીવનમાં જ મૃત્યુનો નક્શો (ચિતરાયેલો) હોય છે. પણ આપણે સૌ તેને પ્રતીક્ષા જેવું રૂડું નામ આપીએ છીએ. જીવનની સાચી વાસ્તવિકતાને એક વ્યાખ્યામાં બાંધવાનો અહીં પ્રયાસ કરાયો છે, જે કાબિલે-દાદ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

270k164
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com