25-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તમારા મનમાં શું છે તેની જાણ પડોશીને નહીં, પણ ગૂગલને છે

લાઈમ લાઈટ-મયૂર પરીખલોકો શું શોધે છે? શું તમને ખબર છે? તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ શું વિચારી રહી છે અને ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહી છે તેની તમને જાણકારી નહી હોય, પરંતુ ગૂગલ બધું જ જાણે છે. ગૂગલ આજની તારીખમાં ભારતનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે અને આ સર્ચ એન્જિનના એનાલિટિક્સ ઘણાં જ રસપ્રદ છે. સાચું કહીએ તો આ એનાલિટિક્સને જોવાથી આમજનતાની માનસિકતા શું છે તે જણાઈ આવે છે. અમુક સર્ચ તો એવાં છે કે તમે જાણીને દંગ રહી જશો..

સ્વતંત્ર ભારતમાં ડિમોનેટાઇઝેશન એ આર્થિક સુધારાનું સૌથી મોટું પગલું હતું. સ્વાભાવિક છે તેના વિશે વધુ અને વધુ જાણકારી મેળવવા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર ૨૦૧૬માં જયારે સરકારે વિમુદ્રીકરણનું પગલું ઉઠાવ્યું ત્યારે ભારતીય લોકો ગૂગલ પર કાળાં નાણાંને ધોળા શી રીતે કરવા તેની કરામત શોધી રહ્યા હતા. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હરિયાણા રાજ્યના લોકો પૈસા કાળા-ધોળા કરવાની તરકીબ ગૂગલ પર શોધી રહ્યા હતા, પરંતુ નવેંબરના બીજા અઠવાડિયાથી માંડી અને જાન્યુઆરી ૨૦૧૭ સુધી કાળાં નાણાંને ધોળા કરવાની તરકીબો શોધવામાં ગુજરાતે હરિયાણાને પાછળ પાડી દીધું. ભારતની બહુતાંશ જનતાને ડિમોનેટાઇઝેશન સંદર્ભે જાણકારી મેળવવામાં અમુક કલાકો સુધી જ રસ રહ્યો હતો. ગૂગલ ટ્રેન્ડની માહિતી મુજબ સાંજે ચાર વાગ્યા બાદ મોટાભાગના ભારતીય લોકો વિમુદ્રીકરણના સ્થાને ઑસ્કર એવૉર્ડ કોણે જીત્યો તે શોધવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

ખરું કહીએ તો ગૂગલના આ એનાલિટિક્સ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રતિબિંબ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જ્યારે લગ્ન થઈ રહ્યા હતા, તે સમયે લોકોએ ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ બંનેની ઉંમરનો તફાવત શોધવાની કોશિશ કરી. આખા ભારતમાં લોકો વિરાટ કોહલી વિશે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહ્યા હતા જ્યારે કે ઉત્તર-પૂર્વનાં રાજ્યો અનુષ્કા શર્માને ઈન્ટરનેટ ઉપર શોધી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે ઉત્તર પૂર્વનાં ઘણાં ખરાં રાજ્યોમાં મહિલાઓને ઘરમાં પુરુષો જેટલોજ સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે. કદાચ આ જ કારણથી ઉત્તર-પૂર્વના રાજ્યમાં લોકો ઇન્ટરનેટ પર વિરાટ કોહલીના સ્થાને અનુષ્કા શર્માને શોધી રહ્યા હતા. ભારતીય માનસિકતા પ્રમાણે કોઈપણ લગ્ન સમયે છોકરા અને છોકરી વચ્ચેની ઉંમરનો શું તફાવત છે તે જાણવા લોકો ઉત્સુક હોય છે અને તે જ વસ્તુ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવી.

યોગી આદિત્યનાથ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે સમયે લોકો યોગી આદિત્યનાથ કોણ છે તે વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લોકો આ કામમાં મોખરે હતા, પરંતુ એક રસપ્રદ વિગત એવી પણ છે કે યોગી આદિત્યનાથ વિશે જે પહેલા પાંચ વાક્યો સર્ચ કરવામાં આવ્યાં તેમાં, ‘વાઈફ યોગી આદિત્યનાથ’ આ વાક્ય પણ મોખરે રહ્યું. કદાચ લોકો એ જાણવા ઉત્સુક હતા કે યોગી આદિત્યનાથ સાંસારિક જીવન પછી વૈરાગ્યના સ્થાને ચાલ્યા છે કે કેમ.

ઈન્ટરનેટ ઉપર ગૂગલ, બિંગ, સફારી જેવા અનેક સર્ચ એન્જિન પ્રસિદ્ધ છે, પરંતુ લોકોની પહેલી પસંદ ગૂગલ છે. ગૂગલ સેક્ધડના અડધા ભાગમાં સંખ્યાબંધ સર્ચ રિપોર્ટ તમારા સ્ક્રીન સામે મૂકી દે છે. તમને ભલે એમ લાગતું હોય કે તમે જે સર્ચ કર્યું છે તે માત્ર તમે જાણો છો પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગૂગલને બરાબર ખબર છે કે તમે શું કરી રહ્યા છો. પોતાના બ્રાઉઝર ઉપરથી સર્ચ હિસ્ટ્રીનો ડેટા ડીલીટ કરવાને કારણે તમારા કોમ્પ્યુટરમાંથી ડેટા ચાલ્યો જાય છે, પરંતુ ત્યાં સુધીમાં ગૂગલે એ વસ્તુ નોંધી હોય છે. આખા વિશ્ર્વમાંથી પ્રતિ સેક્ધડે ૪૦ હજાર લોકો ગૂગલ પર સર્ચ કરે છે. જ્યારે કે એક આખા દિવસ દરમિયાન ૩.૫ બિલીયન લોકો ગૂગલ સર્ચ કરે છે. પ્રાથમિક દૃષ્ટિએ આ માત્ર સર્ચ એન્જિન છે, પરંતુ તેના એનાલિટિક્સ પરથી વિશ્ર્વ આખું ભારતીયોની નાડ પારખી લે છે. જેની સૌથી પહેલી માહિતી ગૂગલ પાસે જ હોય છે. હવે એ દિવસ ગયા જ્યારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવા માટે દિવસો લાગી જતા. હવે પ્રતિ કલાક પ્રમાણે આ રિપોર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ રિપોર્ટ શહેર અને રાજ્ય પ્રમાણે પણ દર્શાવવામાં આવે છે. જેથી અલગ-અલગ શહેરના લોકો અલગ અલગ વસ્તુઓ શોધી રહ્યાં હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે.

એક દિલચસ્પ સર્ચ એવી પણ છે ઈન્ટરનેટ ઉપર લોકો આજકાલ પદ્માવતી નામને લગતી માહિતીઓ શોધી રહ્યા છે, પરંતુ જ્યારે ફિલ્મ પદ્માવતીનું ટાઈટલ બદલીને પદ્માવત કરવામાં આવ્યું ત્યારે લોકોએ આ નામ ઇન્ટરનેટ પર શોધવાની જહેમત ઉઠાવી નહીં. શું આનો અર્થ એવો થાય છે કે લોકોને પદ્માવતી માં રસ છે પદ્માવતમાં નહીં? હાલ કહેવું કઠણ છે. જો આ જ ટ્રેંડ બોક્સ ઑફિસ ઉપર ચાલુ રહ્યો તો પદ્માવતીથી નામ બદલવાની કવાયત ફિલ્મ ડિરેકટરને ભારે પડી જશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

180350HV
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com