21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિજ્ઞાન વલ્ડ

વિજ્ઞાન વલ્ડરાજકારણમાં જેમ પાટલીબદલુઓની જમાત હોય છે એમ સમાજમાં રંગ બદલુઓની જમાત હોય છે. ગંગા ગએ ગંગાદાસ ઔર જમુના ગએ જમનાદાસ એ કહેવત કંઈ અમસ્તી નથી પડી. આ તો થઇ ફિલોસોફિકલ વાત. વિજ્ઞાન સાબિતી સાથે કહે છે કે કેટલાંક પ્રાણીઓ ચોક્કસ પરિસ્થિતિમાં રંગ બદલતા હોય છે. સરડો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એ જગજાહેર સુધ્ધાં છે. આજે આપણે રંગ બદલતા પક્ષીની વાત કરવાના છીએ. હા, એ વાત સાચી કે મોટાભાગના પક્ષીઓ ભોળા અને નિરૂપદ્રવી હોય છે, પણ કુદરતના ખેલ અનેરા હોય છે. દરેક પ્રાણીને સ્વબચાવ, આત્મરક્ષણ માટે એ કોઈને કોઈ પ્રકારની સગવડ કરી જ રાખે છે. દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ન્યુ ગિની ટાપુના જંગલ વિસ્તારમાં પીતોહુઈ નામનું પક્ષી વસવાટ કરે છે. ચમકતા રંગ ધરાવતું આ પંખી શત્રુ દેખાતાની સાથે રંગ બદલીને આત્મરક્ષણ કરી શકે છે. સાપ તેનો મુખ્ય દુશ્મન છે અને એનાથી બચી શકાય એ માટે કુદરતે ખાસ એને આ કરામતની ભેટ આપી છે. ૧૯૭૧માં આ પક્ષીની શોધ થઇ હતી. એક પક્ષીવિદ જંગલમાં પંખીઓના માળાનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ પંખી તેણે પકડ્યું. તરત જ સ્વબચાવમાં પીતોહુઈએ જોરથી હાથ પર ચાંચ મારી. પક્ષીવિદના હાથમાંથી તરત જ લોહી વહેવા લાગ્યું. એમણે લાગલો હાથના એ ભાગને મોઢામાં નાખ્યો પણ તરત મોઢામાં ઝણઝણાટી થવા લાગી અને થોડીક વારમાં તો જીભ ખોટી પડી ગઈ. પછી ખબર પડી કે આ પક્ષી વિષારી હોય છે. અલબત્ત તાત્કાલિક સારવારથી પક્ષીવિદ નોર્મલ થઇ ગયા અને હા, એ પંખીનું વિષ માનવી માટે જીવલેણ નથી હોતું. રંગબદલું પ્રાણીઓની જમાતમાં એક હેરત પમાડે એવા પ્રાણીનો પણ સમાવેશ છે. એ છે શિયાળ. નવાઈ લાગી ને? પણ હકીકત છે. અલબત્ત આ વિશિષ્ટ શિયાળ માત્ર ઉત્તર ધ્રુવ પ્રદેશમાં જ જોવા મળે છે. આ પ્રદેશ અતિશય ઠંડી આબોહવા માટે પ્રખ્યાત છે. વિજ્ઞાન જેને એડેપ્ટિબિલિટી તરીકે ઓળખે છે એ વાતાવરણને અનુરૂપ થવાની શરીરની આવડતની આ કમાલ છે. આ શિયાળના શરીર પર ઝાડી રૂંવાટી હોય છે જેને કારણે માઇનસ ૫૦ ડિગ્રી તાપમાનમાં પણ એ ટકી શકે છે. શિયાળાની કડકડતી ટાઢમાં આ શિયાળે જાણે સુંદર સફેદ કોટ પહેર્યો હોય એવું દેખાય છે. એને કારણે એ પ્રદેશના બરફમાં એને સહેલાઈથી ઓળખી નથી શકાતું અને પરિણામે માછલી અને સસલાનો શિકાર કરવામાં એને સરળતા પડે છે. ઉનાળો આવે ત્યારે ફરી આ જ શિયાળ ઘઉંવર્ણું થઇ જાય છે. એ સમયે એ પ્રદેશના ખડકો સાથે એના શરીરનો રંગ ભળી જવાથી શિકાર કરવામાં આસાની પડે છે. કુદરત પણ કેવી કમાલ કરે છે ને!

-----------------

બગાસા પર બગાસા

વિદ્યાર્થી શિક્ષક દ્વારા શીખવાડમાં આવતા પાઠ પર એકચિત્તે ધ્યાન આપી રહ્યો હોય, મીટિંગમાં બોસની સૂચનાઓ પર તમે વિચાર કરી રહ્યા હો એવામાં જો બાજુમાં બેઠેલી વ્યક્તિ બગાસું ખાય તો તમે થાક્યા ન હોવા છતાં તમને પણ બગાસું આવી જવાનું. આ બગાસું ચેપી રોગ જેવું કેમ હશે એના પર ક્યારેય વિચાર કર્યો છે ખરો? તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર મગજનો એક ચોક્કસ હિસ્સો આને માટે જવાબદાર છે. યુકેમાં થયેલા એક અભ્યાસ અનુસાર આપણી નજીક બેઠેલી કોઈ વ્યક્તિને બગાસું આવે ત્યારે આપણે બગાસું આવતું ભાગ્યે જ અટકાવી શકીએ છીએ. સંશોધકોએ આપેલી માહિતી મુજબ જો બગાસું અટકાવવાનો કે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો બગાસું વધુ તીવ્રતાથી આવે, બોલો.

સૂર્યગ્રહણનો ઇતિહાસ

ખાંખાખોળા કરવા એ મનુષ્ય સ્વભાવ છે. એમાંય વૈજ્ઞાનિકોને તો એ મનગમતી વાત છે. સૂર્યગ્રહણ અને એની વૈજ્ઞાનિક અસરો ખગોળ વૈજ્ઞાનિકોનો પ્રિય વિષય રહ્યો છે. એને પરિણામે ઘણી અલભ્ય માહિતી માનવજગતને મળી શકી છે અને મળતી રહેશે. તાજેતરમાં સાયન્ટિસ્ટો સૌથી પ્રાચીન સૂર્યગ્રહણનો દિવસ નક્કી કરવામાં સફળ રહ્યા હતા. પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરીને સૌથી પહેલું નોંધાયેલું સૂર્યગ્રહણ ૩૦ ઑક્ટોબર, ઈસવીસન પૂર્વે ૧૨૦૭ના દિવસે થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સૂર્યગ્રહણને પ્રતાપે જ આપણને હિલિયમ જેવા વાયુની ભેટ મળી છે. આ સિવાય ઘણા સંશોધનમાં પણ મદદ થઈ હોવાનું વૈજ્ઞાનિક જગત સ્વીકારે છે.

શ્ર્વાનની સમસ્યા

મનુષ્યના સૌથી વફાદાર સાથીનું ગૌરવપ્રદ લેબલ ધરાવનાર શ્ર્વાનની પોતાની પણ માનવ જેવી એક સમસ્યા છે. એને પણ રંગ પારખવાની સમસ્યા સતાવે છે. લાલ પીળો અને વાદળી એ ત્રણ મૂળ રંગો છે. બાકીના બીજા બધા એકબીજાની મેળવણીથી થાય છે. પ્રકાશનું પૃથ્થકરણ કરવાથી તેમાં અનેક રંગોનાં કિરણો મળે છે. જેમાં સાત મુખ્ય રંગ છે: જાંબલી, નીલ, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જ્યારે આ સાતે રંગ મળીને એક થઇ જાય છે ત્યારે આપણે તેને સફેદ કહીએ છીએ અને જ્યારે આ સાતેમાંથી એક પણ રંગ નથી રહે તો ત્યારે આપણે તેને કાળો કહીએ છીએ. આ બધા ભેદ પારખવામાં શ્ર્વાન થાપ ખાઈ જાય છે એમ તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ખાસ કરીને લીલો અને લાલ રંગનો ભેદ એ નથી પારખી શકતો. એટલે ઘાસના મેદાન પર શ્ર્વાનને ટ્રેઇનિંગ આપતી વખતે લાલ રંગના કપડાનો ઉપયોગ ટાળવાનું ટ્રેઇનરોને કહેવામાં આવે છે.

સ્પાઈડર સિલ્કની શ્રવણશક્તિ

કરોળિયો જોઈને મોં મચકોડનારાઓ તમને ઠેર ઠેર જોવા મળે. પરિશ્રમ કરવા માટે પ્રખ્યાત એવો આ ઉદ્યમી જીવ પરોપકારી પણ છે. ખાસ કરીને માનવી માટે. હવે તમે કદાચ સવાલ કરશો કે આવડો અમથો જીવ વળી માણસના શું ઉપયોગમાં આવવાનો? એમ તો મધમાખીનું કદ પણ કેવડું હોય છે? છતાં એણે તૈયાર કરેલું મધ સ્વાદ માટે તેમ જ ઔષધ સાથે હોંશે હોંશે ખાઓ જ છો ને? તો આપણા આ કરોળિયાના રેશમનો - સ્પાઈડર સિલ્કના ફાઈબર એટલે કે તાંતણાનો ઉપયોગ બહેરાશથી પીડાતા લોકો દ્વારા વાપરવામાં આવતા હિયરિંગ એઇડ્સની ગુણવત્તા વધારવામાં થઇ શકે છે એવું સંશોધન થયું છે. આ કરોળિયાના શરીર પર અત્યંત પાતળા કેશ હોય છે જે અવાજના તરંગોની હાજરીમાં હલનચલન કરે છે. આ નિરીક્ષણ પરથી અનુમાન બાંધવામાં આવ્યું છે અને એ દિશામાં પ્રયોગો થઇ રહ્યા છે. ------------------

સૌથી લાઆઆઆંબુ પ્રાણી કયું?સવાલ પૂરો થયા પહેલા જ તમે કહેશો કે અજગર. વિજ્ઞાનમાં થોડી ઘણી રુચિ ધરાવતી વ્યક્તિ કહેશે કે બ્લુ વ્હેલ. ૨૫ ફૂટ લાંબા અજગર ઠેકઠેકાણે જોવા મળ્યા છે અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર દર્શકોએ ઘણી વાર જોયા સુધ્ધાં હશે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મલેશિયાના પેનાંગ શહેરમાં ૨૬ ફૂટ અને ૩ ઇંચ લાંબો અજગર મળી આવ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. ગઈ સદીના પ્રારંભમાં ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ૩૨ ફૂટ અને ૯ ઇંચ લંબાઈનો અજગર મળી આવ્યો હોવાની નોંધ છે. જોકે, આ લંબાઈની ચોકસાઈ વિષે ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. જોકે, લંબાઈમાં બ્લુ વ્હેલ અજગરને ટક્કર મારે એવી હોય છે. તમે જાણીને અચરજ પામશો કે તાજી જન્મેલી બ્લુ વ્હેલની લંબાઈ સૌથી લાંબા અજગર કરતાં વધારે હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં લાંબી બ્લુ વ્હેલ જોવા મળે છે. આપણો દેશ ઉત્તર ગોળાર્ધમાં છે જ્યારે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ વગેરે દેશો દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે. સૌથી લાંબી બ્લુ વ્હેલનો વિક્રમ ૧૧૦ ફૂટનો છે.

જોકે, લંબાઈની બાબતમાં આ બંનેને ટક્કર મારે એવું એક જળચર પ્રાણી છે જેના વિષે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. સત્તાવાર નોંધ મુજબ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતું સૌથી લાંબું પ્રાણી છે પ્રાયા ડુબિયા. આ જળચર પ્રાણી જેલી ફિશ પ્રકારનું હોય છે. ૭૦૦થી ૧૦૦૦ ફૂટ ઊંડે દરિયામાં નિવાસ કરતા પ્રાયા ડુબિયાની લંબાઈ ૧૩૧ ફૂટથી ૧૬૩ ફૂટ સુધીની હોય છે. હકીકતમાં આ એક સળંગ જીવ છે જેના નાના નાના ભાગે ચોક્કસ કામગીરી કરવાની હોય છે જેમ કે કોઈ ભક્ષણ માટે હુમલો કરે તો કોઈ સુરક્ષા કર્મચારીની જવાબદારી નિભાવે તો કોઈ વળી બીજા કામ પાર પાડે. આ અલાયદા પ્રાણીની એક વિશેષતા એ છે કે એ પોતાનો પ્રકાશ પેદા કરે છે. આ પ્રકાશથી અંજાઈને નજીક આવેલા શિકારનું એ ભક્ષણ કરે છે. આ પ્રાણીની જાણકારી ૧૯મી સદીમાં મળી હતી, પણ એની અધધધ લંબાઈની જાણકારી ૧૯૮૭માં મળી હતી.

---------------

ચહેરો ગુસ્સાથી લાલઘૂમ

માણસનું શરીર તપે તો થર્મોમીટરમાં રહેલો પારો વ્યક્તિનું શરીર કેટલું ગરમ છે એનું નિદાન ઘડીક વારમાં કરી શકે છે. પણ મગજ તપી ગયું હોય તો એના ચહેરા પરથી જ ખબર પડી જાય. એનો પારો સાતમા આસમાને છે કે ચહેરો ગુસ્સાથી લાલઘૂમ છે જેવા શબ્દપ્રયોગો થતા હોય છે. હિંદીમાં વો આગ બબૂલા હો ગયા જેવા શબ્દપ્રયોગો વપરાતા હોય છે. આને આધારે ગુસ્સાનો અંદાજ બાંધવામાં આવે છે. જોકે, વિજ્ઞાન તો આંકડામાં માને એટલે ગુસ્સો માપવાનું મન થાય એ સ્વાભાવિક છે. અલબત્ત ગુસ્સો એ શારીરિક નહીં, પણ માનસિક અવસ્થા હોવાને કારણે એની ગણતરી આંકડામાં કરવી શક્ય નથી. જોકે, આર્નોલ્ડ બેક નામના વૈજ્ઞાનિકે ક્લિનિકલ ઍન્ગર સ્કેલ નામનું એક પ્રમાણ વિકસાવ્યું જેને આધારે ગુસ્સાને માપી શકાય છે. તેમણે કેટલાક લોકોનો સર્વે કર્યો અને ગુસ્સો આવે એવા પ્રસંગો કે ઘટનાનું વર્ણન કરીને તેમની પ્રતિક્રિયા વિષે પૂછવામાં આવ્યું. દરેક વ્યક્તિના સ્વભાવ અનુસાર અલગ અલગ પ્રતિક્રિયાઓ જાણવા મળી. શ્રીમાન બેકે રોષ ચડનારી ઘટના કે પ્રસંગ વખતે જો વ્યક્તિ સૌમ્ય રહી હોય તો એને એક નંબર આપ્યો અને જે વ્યક્તિએ તીવ્ર ગુસ્સો કર્યો હોય એને ૧૦ નંબર આપ્યો. આમ કોઈ સ્થિતપ્રજ્ઞ દેખાણું તો કોઈ ક્રોધિત અવસ્થામાં નજરે પડ્યું. ટૂંકમાં ગુસ્સાની અવસ્થા અનુસાર નંબર આપવામાં આવ્યો. એટલે જો તમે પત્નીની વરસગાંઠ નિમિત્તે ગિફ્ટ લઇ જવાનું ભૂલી ગયા તો તેનો ગુસ્સો દસ નંબરી હતો એમ કહી શકાય ને!

-----------------

અને શરમાય તો ગુલાબી

ફિલ્મ પડોસનનું ‘શર્મ આતી હૈ મગર’ ગીત રૂપેરી પડદા પર ગણગણતી વખતે અભિનેત્રી સાયરા બાનોનો ચહેરો ફૂલગુલાબી થતો તમે જોયો હશે. કવિની કલ્પનામાં સ્ત્રી શરમાય અને એના ગાલ ગુલાબી થતા હશે, પણ વિજ્ઞાન એ વિષે શું કહે છે એ જાણવું રસપ્રદ રહેશે. ઉત્ક્રાંતિવાદનો અત્યંત મહત્ત્વનો સિદ્ધાંત જગત સમક્ષ રજૂ કરનાર ચાર્લ્સ ડાર્વિને ‘ધ એક્સપ્રેશન્સ ઑફ ઈમોશન્સ ઇન મેન ઍન્ડ એનિમલ્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે. ૧૪ પ્રકરણવાળા આ પુસ્તકના ૧૩મા પ્રકરણમાં ડાર્વિને માનવીય જીવનની લાગણીઓ અને ભાવનાની વાત વિગતે કરી છે જેમાં શરમાળ સ્વભાવ અને શરમથી મોં લાલ થઇ જવા વિષે વિગતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે ‘શરમાઈ જવું એ એક વિલક્ષણ ભાવના છે જે ફક્ત મનુષ્યમાં જ જોવા મળે છે.’ સ્ત્રી શરમાય ત્યારે ચહેરા પર ગુલાબી છવાઈ જાય એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વ્યક્તિ શરમાય ત્યારે ચહેરા પરની ત્વચા હેઠળની નાની નાની રક્તવાહિનીઓમાંથી લોહીનો પ્રવાહ વેગથી થવા લાગે છે. ચહેરાની ત્વચા સ્વચ્છ હોવાને કારણે રક્તપ્રવાહ સહેલાઈથી દેખાઈ આવે છે. એ વખતે ચહેરા પર નજરે પડતી લાલીનું પ્રમાણ નક્કી કરી શકાય ખરું? ચહેરો વધુ ફૂલગુલાબી થયો છે કે ઓછો એ નક્કી કઈ રીતે કરવું? આધુનિક વિજ્ઞાનમાં લેઝર ડોપલર ફલોમેટ્રી નામની ટેક્નોલોજીની મદદથી શરમાળ ચહેરાની તીવ્રતાનું માપ કાઢવામાં આવે છે. એટલે કોઈ ક્ધયા શરમાઈને બે હથેળીઓ વચ્ચે ભલે ચહેરો સંતાડી દે, એની ચોરી તો પકડાઈ જ જવાની, હેં ને!

--------------------------

નદીના મૃત્યુની ચેતવણીઆપણે ત્યાં નદીને માતાનો દરજ્જો અપાયો છે કારણ કે માનવ જીવનના ઉછેરમાં તેમ જ એના વિકાસમાં એનું અનેરું યોગદાન હોય છે. જોકે, ભૌતિક સુખસગવડોની લાલસામાં માનવી પ્રકૃતિ સાથે ચેડાં કરી રહ્યો છે અને એના વિષમ ફળ ભોગવી રહ્યો છે. કેરળ દક્ષિણ ભારતનું એ સમૃદ્ધ રાજ્ય છે. જોકે, કાળા માથાના માનવીએ આ રાજ્યમાં પણ નિસર્ગ સાથે છેડછાડ કરી છે જેને પરિણામે ત્રાવણકોર વિસ્તારની પાંચ નદી મૃત્યુ પામશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. અજય કુમાર વર્મા નામના વૈજ્ઞાનિકની ટીમ દ્વારા વિગતવાર સંશોધન કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ ચાલુ રહી તો પમ્પા નામની અત્યંત મહત્ત્વ ધરાવતી નદી ૫૫ વર્ષમાં ખતમ થઇ જશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. અન્ય ચાર નદીનું અસ્તિત્વ આગામી ૩૦ વર્ષમાં જોખમમાં આવી જશે એવો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આવું થવા માટે શ્રી વર્માની ટીમે કેટલાંક કારણો આપ્યા છે જેમાં નદીકાંઠા વિસ્તારમાંથી વૃક્ષોનું થઇ રહેલું નિકંદન, આડેધડ રીતે કાઢવામાં આવતી રેતી, ઉપનદીઓ પ્રત્યેની બેદરકારી, કચરાંના ઢગલાને કારણે થતું પ્રદૂષણ તેમ જ માછલી પકડવાની ગેરકાયદે જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ૧૯૪૦થી ૮૦ના દાયકા દરમિયાન થયેલી વનનાબૂદીને પગલે આ મુખ્ય પાંચ નદીની ઘણી ઉપશાખાઓ સૂકાઈ ગઈ છે જેને પરિણામે ખાસ કરીને ઉનાળામાં છેલ્લા કેટલાક સમયથી નદીના વહેણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિસ્તારોના થઇ રહેલા શહેરીકરણને પગલે નદીમાં વહીને આવતા ઘણા ઝરણાંનો પ્રવાહ અટકી ગયો છે. રેતીનું પ્રમાણ ઘટી જવાને કારણે નદીનો પટ પાણી જાળવી નથી શકતો અને વરસાદ પડ્યા પછી પાણી તરત વહી જાય છે. પમ્પા નદી તો ત્રાવણકોર વિસ્તારની જીવાદોરી છે અને જો આ બધું અટકાવવામાં નહીં આવે તો લોકો માટે બહુ માઠા દિવસો આવશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.

---------------------

ભૂલી હુઈ યાદોં, મુજે ઇતના ના સતાઓ

ઘણી વખત અણગમતા કે ભયાનક વિચારોએ જાણે આપણો પીછો પકડ્યો હોય એમ પાછળ પડી જતા હોય છે. મગજ દ્વારા એ વિચારોને ડામવાની બનતી કોશિશ થતી હોય છે, પણ અચાનક અડધી રાતે એ વિચારો સાથે દિમાગમાં કુસ્તી શરૂ થઇ જતી હોય છે. જોકે, માણસ એક હદ સુધી દિમાગ પર અંકુશ રાખી શકે છે અને એટલે આપણા જીવનમાં સ્થિરતા જળવાઈ રહે છે. જો એ અંકુશ ન હોય તો અણગમતી યાદો મનુષ્યને કમજોર બનાવી દે, નબળો પાડી દે. મગજમાં ઘૂસીને અડ્ડો જમાવી બેઠેલી સ્મૃતિઓ જ હતાશા કે સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીને નોતરું આપતી હોય છે.

માનવીનું મગજ અણગમતા વિચારોને કઈ રીતે દાબી દે છે એ વિષે વૈજ્ઞાનિકો ચોક્કસપણે કંઈ કહી શકે એમ નથી. ઙછઊઋછઘગઝઅક ઈઘછઝઊડ તરીકે ઓળખાતો મગજનો એક હિસ્સો આપણા વિચારો પર તેમ જ એને પગલે થનારી સંભવિત પ્રતિક્રિયા પર નિયંત્રણ રાખે છે. અલબત્ત ચોક્કસ પ્રક્રિયા આજની તારીખમાં પણ રહસ્ય જ છે. આ દિશામાં સતત પ્રયોગો કરીને સંશોધનો થતા રહે છે. તાજેતરમાં નેચર કમ્યુનિકેશન્સ નામના સાયન્સ મેગેઝિનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંદર્ભના એક મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે. અણગમતા વિચારોને લીધે રાતે ઊંઘ ન આવવા માટે ૠઅઇઅ નામના ન્યુરોટ્રાન્સમીટરને જવાબદાર ગણવામાં આવ્યું છે. ૠઅઇઅ એ ગામા-અમાયનોબ્યુટિરિક એસિડનું ટૂંકું નામ છે. આ મગજમાં રહેલું એક પ્રકારનું કેમિકલ છે જે નર્વ સેલમાંથી સંદેશાઓ પસાર થવા દે છે અને ક્યારેક એને અટકાવી પણ દે છે. એક નર્વ સેલમાંથી ૠઅઇઅ બહાર પડતાની સાથે એ અન્ય કોષોને કામ કરતા અટકાવી દે છે. આ અહેવાલ અનુસાર જે વ્યક્તિના મગજમાં ૠઅઇઅનું પ્રમાણ વધારે હોય એ વ્યક્તિ અણગમતી સ્મૃતિઓ ફરી તાજી થતી અટકાવી શકે છે. આ દિશામાં વધુ સંશોધન થઈ રહ્યું છે અને એમાં જો ધારી સફળતા મળશે તો માનસિક બીમારીઓ પર અંકુશ લાવવામાં વધુ સફળતા મળી શકશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Pj44f0HK
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com