18-March-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૈં બેકરાર હૂં, ઈસ સે મુઝે કરાર તો હૈ,વો ખુદ નહીં હૈ, મગર ઉન કા ઈન્તેઝાર તો હૈ

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીઆ દુનિયાના લોકો પોતાને ઓળખતા નથી એવી જેમને શંકા છે, સ્વમાનને ખાતર જે પોતાની જાતને ભૂલી ગયા છે, વ્યાકુળ રહેવા છતાં જેમને આ સ્થિતિમાં શાંતિ મળે છે, પોતે ભક્ત હોવા છતાં જે ક્યારેય ભક્તિની પરવા કરતા નથી, માણસો ખોટાં કામો કરે છે અને દોષનો ટોપલો શયતાન પર ઓઢાડી દે છે તેવા શ્રીમાનો પર જેમને હસવું આવે છે તેવા શાયર શૌકત થાનવીના નામે ઓળખાય છે. આ શાયર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ઉલ્દન ગામના ઉસ્તાદ-શાયર ‘આસી’ ઉલ્દની (૧૮૯૩-૧૯૪૬)ના શિષ્ય હતા.

શૌકત થાનવીએ ઈ.સ. ૧૯૩૨માં ‘સ્વદેશી રેલ’ નામની વાર્તા લખી હતી ત્યારે હાસ્ય-રસના ઉચ્ચ શ્રેણીના લેખક તરીકે તેમને માન્યતા મળી ગઈ હતી. તેમના આ પ્રકારના લેખોમાં હાસ્ય, વ્યંગ્ય, ઠઠ્ઠા-મશ્કરી, ઉપહાસ, કટાક્ષ વગેરેનો ભાવસંભાર જોવા મળે છે. આ શ્રેણીમાં તેમનાં ૬૦થી વધુ પુસ્તકો ઉર્દૂ ભાષામાં પ્રકાશિત થયાં છે. જેમાં તોડ-જોડ, કાર્ટૂન, માબદૌલત, સસુરાલ, સવતિયા ચાહ, દુનિયા-એ-તબસ્સુમ, મૌજ-એ-તબસ્સુમ, બહર-એ-તબસ્સુમ, સૈલાબ-એ-તબસ્સુમ, તેમજ તૂફાને-તબસ્સુમ મુખ્ય છે. તેમની કેટલીયે રચનાઓ હિન્દી ભાષામાં અવતરેલ છે.

મૂળ લખનઊના આ કવિ-લેખક હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થયા પછી લાહોર ચાલ્યા ગયા હતા. ત્યાંના રેડિયોમાં તેમણે પ્રચાર-વિભાગમાં કામ કર્યું હતું. તે અરસામાં રેડિયો પર પ્રસારિત થતું તેમનું ‘કાઝીજી’ નામનું રૂપક ખૂબ જ લોકપ્રિયતાને વર્યું હતું. શૌકત થાનવીએ હાસ્ય-લેખો લખ્યા, પણ તેમની ગઝલો તેનાથી ઉફરી જોવા મળે છે. હાસ્ય-કટાક્ષનું તત્ત્વ તેમની શાયરીમાં સ્હેજેય નજરે પડતું નથી. તેમની શાયરી ગંભીર, શાંત અને ઠરેલ છે. તેમના હાસ્ય-લેખો અને તેમની શાયરીની દિશાઓ જ અલગ અલગ છે. આવો વિરોધાભાસ બહુ ઓછા સર્જકોમાં જોવા મળે છે. ગદ્ય અને પદ્ય વચ્ચે સંતુલન જાળવવાનું અઘરું કામ તેમણે બાખૂબી નિભાવી જાણ્યું હતું. ૨ ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નાનકડા ગામ થાણા ભૌનમાં જન્મેલા આ શાયરનું ૪ મે ૧૯૬૩ના રોજ લાહોરમાં અવસાન થયું હતું. તેમને લાહોરના મિયાની સાહિબના કબ્રસ્તાનમાં દફન કરાયા હતા.

વિવિધ રસથી સભર તેમની કેટલીક શાયરીનો હવે રસાસ્વાદ કરીએ.

જિન કી ખ્વાહિશ હૈ કિ મૈં હુશિયાર હો જાઉં જરા,

કાશ વો ભી દો ઘડી બેહોશ હો કર દેખતે.

હું પોતે સભાન થઈ જાઉં એ પ્રકારની જેઓની ઈચ્છા છે તે બધા બે પળ માટે મને બેભાન થઈને જોઈ લેત તો કેવું સારું થાત.

ભુલા દિયા હૈ ખુદીને મેરી મુઝે ‘શૌકત’,

ઈસી સબબ સે ખુદી કો ભુલા રહા હૂં મૈં.

મારા સ્વમાને જ મને ભુલાવી દીધો હતો. પણ હવે આ કારણને લીધે હું મારી જાતને ભૂલી રહ્યો છું.

મૈં બેકરાર હૂં, ઈસ સે મુઝે કરાર તો હૈ;

વો ખુદ નહીં હૈ, મગર ઉન કા ઈન્તેઝાર તો હૈ.

હું ભલે બેચેન છું પણ તેનાથી મને રાહત તો મળે જ છે ને! તે પોતે (અહીં) નથી તે વાત ખરી છે. પણ એમના માટેની મારી પ્રતીક્ષા (અકબંધ) તો છે ને!

ઈતના ખયાલે-દોસ્ત ને બેખુદ બના દિયા,

પહેરાં અબ અપને હોશ મેં આતા નહીં હૂં મૈં.

મિત્રના વિચારોએ મને એટલો બેધ્યાન બનાવી દીધો છે કે હવે તો કલ્લાકો સુધી હું ભાનમાં આવતો નથી.

યે ઈક તુમ હો કે હમ કો નંગે-મહેફિલ કેહતે જાતે હો,

ઔર ઈક હમ હૈં કે તુમ કો ઝીનતે-મહેફિલ સમજતે હૈં.

તમે તો અમને મહેફિલની શરમ કહેતા ફરો છો. જ્યારે અમે તો તમને મહેફિલની શોભા (સૌંદર્ય) સમજીએ છીએ.

કભી બિજલી, કભી ગુલચીં, કભી સૈયાદ કી નજરેં,

ગુઝરગાહે-હવાદિશ થા, હમારા આશિયાં કયા થા.

ક્યારેક વિજળીનો ડર, ક્યારેક ફૂલ ચૂંટનારાની સતામણી તો વળી ક્યારેક શિકારીની નજરો! બગીચામાં અમારો માળો જાણે આપત્તિઓની અવરજવરનો રસ્તો હતો એમ કહીએ તો કશું ખોટું નથી.

રજ કિસ્મત સે મેરી રાહત મેં શામિલ હો ગયા,

ઈન્કિલાબોં કી હવા સે દર્દ હી દિલ હો ગયા.

ભાગ્યના બળથી મારી રાહતના ઉપચારોમાં દુ:ખ પણ ભળી ગયું. ક્રાંતિના પવનને કારણે વ્યથાનું જ હૃદયમાં પરિવર્તન થઈ ગયું.

અવ્વલ તો વહ્મ હૈ મેરી દુનિયા હી કુછ નહીં,

ઔર હૈ અગર તો વો નહીં પહચાનતી મુઝે.

મને પહેલાં એવી શંકા હતી કે વિશ્ર્વ જેવું કશું જ નથી. અને જો હોય તો આ વિશ્ર્વ મને ઓળખતું નથી.

ખુદાઈ હૈ ખુદા કી, ખાક સે ઈન્સાં બના દેના,

તુમ્હારા ખેલ હૈ ઈન્સાં કો મિટ્ટી મેં મિલા દેના.

માટીમાંથી માનવનું સર્જન કરવામાં જ ઈશ્ર્વરનું ઈશ્ર્વરત્વ છે. જ્યારે તમારો ખેલ (ઈરાદો) તો માનવને ધૂળભેગો કરવાનો હોય છે!

ગુલિસ્તાને-હયાતે-ચન્દરોઝા કા ન સુન કિસ્સા,

બહાર આઈ થી બરસોં મેં, ખિઝા આઈ ઘડી ભર મેં.

અલ્પજીવી જીવન-બાગના કિસ્સાને તું સાંભળતો નહીં. વસંતનું આગમન તો વરસો પછી થયું હતું જ્યારે પાનખર તો (એકાદ) ક્ષણમાં જ બેસી ગઈ.

યે સચ હૈ એક હાલત પર કભી દુનિયા નહીં રહતી,

કફસ કો આજ હમ તરજીહ દેતે હૈં ગુલિસ્તાં પર.

દુનિયા ક્યારેય એક જ સ્થિતિમાં રહેતી નથી તે વાત સાચી છે. જુઓ તો ખરા! આજે આપણે પિંજરાને બાગ કરતાય વિશેષ મહત્ત્વ આપીએ છીએ.

યે હી મઅની હૈં ઐ ‘શૌકત’! બુલન્દો-પસ્ત કે શાયદ,

નિગાહોં પે ચઢાના ઔર નઝરોં સે ગિરા દેના.

એ ‘શૌકત’! ઉચ્ચતા અને નીચતાનો કદાચ આવો જ અર્થ થતો હશે કે શું? કોઈને એક વખત માથે ચઢાવી દેવો અને પછી (બીજી જ ક્ષણે) તેને નજરથી ઉતારી-પાડી દેવો!

હમેં દૈરો-હરમ મેં કેદ રકખા બદનસીબી ને,

જહાં સજદે કી ગુંજાઈશ ન થી, સજદા વહાં કરતે.

અમારું ભાગ્ય તો જુઓ કે અમને મંદિર-મસ્જિદમાં ગોંધી રાખવામાં આવ્યા. આમ જો ન બન્યું હોત તો જ્યાં સજદો (નમન) કરવા માટે જગ્યો નહોતી ત્યાં પણ અમે સજદો કરી લીધો હોત.

સબ્ર કી હિમ્મત બડી હૈ મુશ્કિલાતે-ઝીસ્ત સે,

મૌત કો ભી ઝિન્દગી કેહ કર ગવારા કીજિયે.

જીવનની આપાધાપીથી તો ધૈર્યની હિમ્મત ઘણી મોટી છે. માટે તો મૃત્યુને પણ જીવન સમજીને તેને પસંદ કરતા રહો.

જબ વસ્લો-જુદાઈ મેં તમીઝ નહીં રેહતી,

તબ જા કે કહીં તેરા જલ્વા નઝર આતા હૈ.

મિલન અને વિયોગ વચ્ચેના તફાવતની જ્યારે પરખ રહેતી નથી તે વખતે તારો વૈભવ મારી નજરે ચઢે છે.

તાસીર હી બયાં મેં ન હો જબ તો ક્યા કરેં?

ક્યા અપના હાલ ઉન કો સુનાતા નહીં હૂં મૈં?

હું એમને મારી સ્થિતિ વિષે તો વાત કરું જ છું. પણ તેનાથી તેમના પર કોઈ અસર ન થાય તો પછી મારે શું કરવું?

મતલબ પરસ્ત દુનિયા બદજન બના ગઈ હૈ,

રહઝન કા અબ ગુમાં હૈ હર અપને હમનશીં પર.

આ સ્વાર્થી જગતે સૌને શંકાશીલ બનાવી દીધા છે. પોતાનો દરેક મિત્ર જાણે લૂંટારો ન હોય તેવો વહેમ બધાને રહ્યા કરે છે.

બુતકદા ઉજડા થા ‘શૌકત’ સિર્ફ કાબે કે લિયે,

બુતકદા કાબે મેં અબ તૈયાર કરના ચાહિયે.

કેવળ કાબા માટે મંદિરને વેરાન કરી દીધું તો પછી હવે કાબામાં જ એક મંદિર ઊભું કરી દેવું જોઈએ.

મૈં તેરા બન્દા હૂં લેકિન બન્દગી સે બેનિયાઝ,

તૂ ખુદા હૈ ઔર ખુદા હો કર ભી તૂ ગાફિલ નહીં.

હું તારો ભક્ત છું પણ હું ભક્તિની પરવા કરતો નથી. જ્યારે તું ખુદાં હોવા છતાંય તું ગાફેલ (અસાવધ) છે. માટે (તારી) બંદગી કરવાનું કોઈ કારણ નથી!

ઈતના નહીં અલ્લાહ કા બન્દા કોઈ ‘શૌકત’!

મસ્જિદ મેં જો એક છોટા-સા મયખાના બના દે!

અરે ‘શૌકત’! ખુદાનો એવો કોઈ બંદો મને નથી મળતો, જે મસ્જિદમાં નાનકડું સુરાલય ઊભું કરી આપે!

ક્યૂં અપની તરફ બર્ક કો ખુદ હી ન બુલાઉ?

જબ મુઝ કો નશેમન કી તબાહી કા યકીં હૈ!

મારો માળો (ઘર) બરબાદ થઈ જશે તેવો મને વિશ્ર્વાસ છે જ. તો પછી હું વીજળીને મારે ત્યાં આવવાનું શા માટે ઈજન ન આપું?

ક્યા હંસી આતી હૈ મુઝ કો હઝરતે-ઈન્સાન પર,

કારે-બદ તો ખુદ કરેં, લાનત પડે શયતાન પર.

માણસ નામના આ શ્રીમાન પર તો મને હસવું આવી રહ્યું છે. એટલા માટે કે આ માણસ પોતે ખોટાં કામો કરે છે ને વળી દોષનો ટોપલો શયતાન પર ઓઢાડી દે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3BYThu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com