18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આરુષિ કેસ: તલવાર દંપતી નિર્દોષ
સનસનાટીભર્યા કેસમાં પુરાવાને અભાવે રાજેશ-નૂપુરને છોડ્યા હાઇ કૉર્ટે

અલાહાબાદ: અહીંની વડી અદાલતે નૂપુર અને રાજેશ તલવારને ૨૦૦૮માં પોતાની અપુખ્ત વયની દીકરી આરુષિ અને ઘરનોકર હેમરાજની હત્યાના કૅસમાંથી ગુરુવારે પુરાવાના અભાવે છોડી દીધા હતા.

અગાઉ, ગાઝિયાબાદની સીબીઆઇ અદાલતે ૨૦૧૩ની ૨૮મી નવેમ્બરે દાંતના ડૉક્ટર દંપતીને બેવડી હત્યાના કૅસમાં જનમટીપ ફરમાવી હતી.

નૂપુરના પિતા અને ભારતીય હવાઇ દળના ભૂતપૂર્વ ગ્રુપ કૅપ્ટન બી. જી. ચીટણીસે જણાવ્યું હતું કે હું આ ચુકાદા બદલ ન્યાયતંત્રનો આભારી છું. મારી દીકરી અને જમાઇએ ઘણું જ સહન કર્યું છે. તેઓ લાગણીશૂન્ય બની ગયા છે. મારી આ ઉંમરે દીકરીને જેલમાં જોવી બહુ દુ:ખદાયક બાબત હતી.

આરુષિની કાકી વંદના તલવારે જણાવ્યું હતું કે અમારા માટે આ બધા દિવસ બહુ જ ખરાબ રહ્યા હતા. અમે તલવાર દંપતીને ન્યાય કરનારી વડી અદાલતના આભારી છીએ.

ન્યાયમૂર્તિ બી. કે. નારાયણ અને ન્યાયમૂર્તિ એ. કે. મિશ્રાની ડિવિઝન બૅન્ચે સીબીઆઇ અદાલતના ચુકાદાને પડકારતી તલવાર દંપતીની અરજી માન્ય રાખી હતી અને જણાવ્યું હતું કે પુરાવાનો અભાવ હોય એવા કિસ્સામાં સંજોગને લગતી માત્ર ધારણા કરવાથી ગુનો સાબિત ન થાય.

ખીચોખીચ ભરેલી અદાલતમાં ખંડપીઠે ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અરજદારોને શંકાનો લાભ આપીને સીબીઆઇ અદાલતના ચુકાદાને રદબાતલ કરીને તલવાર દંપતીને છોડી દઇએ છીએ.

સીબીઆઇએ જણાવ્યું હતું કે અમે વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને ભાવિ પગલાં નક્કી કરીશું.

દસ્ના જેલના જેલર દધીરામ મૌર્યએ જણાવ્યું હતું કે તલવાર દંપતી પ્રાર્થના કરી રહ્યું છે અને તેઓને ન્યાય મળ્યો હોવાનું લાગે છે.

તેમણે જણાવ્યું હતું કે તલવાર દંપતીએ નાસ્તો કર્યા બાદ પ્રાર્થના કરી હતી. તેઓની દિનચર્યા સામાન્ય હતી અને નૂપુર તલવારની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

જેલરે જણાવ્યું હતું કે કોઇપણ કેદીનો લાંબો સમય સુધી જેલમાં રહ્યા બાદ છુટકારો થાય તો તે ખુશ થાય જ.

તલવારની વકીલોની ટીમનાં સભ્ય વકીલ રેબેકા જૉને જણાવ્યું હતું કે મને આ ચુકાદાથી રાહત થઇ છે. આખો કૅસ આડી અવડી વાત પર આધારિત હતો.

તેમણે જણાવ્યું હતું કે મને આશા છે કે આ કૅસને લઇને છેલ્લાં નવ વર્ષથી સમાચારમાં ચમકતા રહેતા તલવાર દંપતીને હવે થોડી એકલતા અપાશે.

તલવાર પરિવારના ઘરમાં દીકરી આરુષીનો મૃતદેહ ૨૦૦૮ના મેમાં તેના રૂમમાંથી મળ્યો હતો અને તેનું ગળું કપાયું હતું.

આરુષિની હત્યામાં સૌપ્રથમ શંકા ‘લાપતા’ ૪૫ વર્ષીય ઘરનોકર હેમરાજ પર ગઇ હતી, પરંતુ એક દિવસ પછી ઘરની આગાસીમાંથી તેની લાશ મળી હતી.

ઉત્તર પ્રદેશની પોલીસ ધીમી તપાસ ચલાવતી હોવાનો આક્ષેપ કરાતા તે વખતના મુખ્ય પ્રધાન માયાવતીએ તપાસ સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન (સીબીઆઇ)ને સોંપવાની ભલામણ કરી હતી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

RtWU885i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com