20-November-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ: બેટી બચાવોની વાતો ને બાળલગ્નોનો બચાવ
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

આપણે ત્યાં મેરિટલ રેપ એટલે કે લગ્નના બહાને સ્ત્રીને પરાણે શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાય તેની ચર્ચા લાંબા સમયથી ચાલે છે. મેરિટલ રેપને અપરાધ ગણવો કે નહીં તેની ચોવટ પણ ચાલી રહી છે ને બે છાવણીઓ પડી જ ગઈ છે ત્યાં બુધવારે સુપ્રીમ કોર્ટે મેરિટલ રેપ સાથે સંકળાયેલા બીજા એક મુદ્દે મહત્ત્વનો ચુકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પુરૂષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે શારીરિક સંબધો બાંધે તો એ બળાત્કાર ગણાય ને આ બળાત્કાર બદલ પુરૂષને બળાત્કારના કાયદા પ્રમાણે સજા થવી જ જોઈએ.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઐતિહાસિક છે કેમ કે અત્યારે આપણે ત્યાં જે કાનૂની જોગવાઈ છે તે પ્રમાણે મેરિટલ રેપ અપરાધ નથી. મતલબ કે, કોઈ પુરૂષ પોતાની પત્ની સાથે શારીરિક સંબધો બાંધે તો એ બળાત્કાર ગણાતો નથી. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૫ પ્રમાણે કોઈ પુરૂષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે પણ શારીરિક સંબધો બાંધે તો એ બળાત્કાર ગણાય નહીં. બળાત્કારના કાયદામાં આ વિચિત્ર જોગવાઈ છે ને આ જોગવાઈ ખરેખર તો આપણા જ બે મહત્ત્વના કાયદાનો ભંગ કરનારી છે.

આપણા કાયદા પ્રમાણે બાળલગ્ન પ્રતિબંધિત છે ને કોઈ પુરૂષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે શારીરિક સંબધો બાંધે તેનો અર્થ એ થાય કે તેણે બાળલગ્ન પ્રતિબંધક કાયદાનો ભંગ કર્યો છે. આપણા દેશના કાનૂન પ્રમાણે છોકરીની લગ્ન માટેની વય ૧૮ વર્ષ કે વધારે હોવી જોઈએ પણ પુરૂષની પત્ની ૧૮ વર્ષથી નાની વયની હોય તેનો અર્થ એ થાય કે તેણે બાળલગ્ન કર્યાં છે. બીજું એ કે, આપણા કાયદામાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે પરસ્પર સંમતિથી સેક્સ માણવાની વય પણ ૧૮ વર્ષ નક્કી કરાઈ છે. ૧૮ વર્ષથી નાની વયની છોકરી સાથે કોઈ પુરૂષ સેક્સ માણે તો એ બળાત્કાર ગણાય કેમ કે ૧૮ વર્ષથી નાની વયની છોકરી સગીર ગણાય. કોઈ પુરૂષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની યુવતી સાથે શારીરિક સંબધો બાંધે તો તેનો અર્થ એ થયો કે તેણે બાળલગ્નના કાયદાનો ભંગ કર્યો છે ને સાથે સાથે શારીરિક સંમતિ માટેની વયને લગતા કાયદાનો પણ ભંગ કર્યો છે. આમ છતાં તેણે લગ્ન કર્યાં છે તેથી તેને કશું ના થાય એવી જોગવાઈ આપણા કાયદાની જ મજાક સમાન કહેવાય. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા એ મજાકને દૂર કરી છે ને કાનૂની જોગવાઈને તર્કસંગત બનાવી છે એમ કહી શકાય. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ જોગવાઈ સગીર છોકરીના બંધારણીય અને મૂળભૂત અધિકારનો ભંગ કરનારી છે તેથી એ ના ચલાવાય. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ આ દેશની કરોડો દીકરીઓના અધિકારની રક્ષા કરનારો છે તેમાં શંકા નથી પણ શરમજનક વાત આ મામલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અપનાવેલું વલણ છે. કોઈ પુરૂષ પોતાની ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે શારીરિક સંબધો બાંધે તો એ બળાત્કાર ના ગણાય એવી જોગવાઈ વરસોથી છે ને તેની સામે એક એનજીઓએ અરજી કરેલી. સુપ્રીમ કોર્ટે આ અરજીના પગલે કેન્દ્ર સરકારનો જવાબ માગેલો ને કેન્દ્ર સરકારે શું જવાબ આપેલો ખબર છે ? એ કે આ જોગવાઈ બરાબર છે કેમ કે આ દેશમાં બાળલગ્ન એ વાસ્તવિકતા છે ને બાળલગ્નોને રક્ષણ મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એવો સવાલ પણ કરેલો કે, જ્યારે કાયદામાં જ પરસ્પર સંમતિથી સેક્સની વય ૧૮ વર્ષ નક્કી કરાઈ છે ત્યારે સંસદ એ કાયદાથી વિરોધાભાસી જોગવાઈ કઈ રીતે કરી શકે ? કેન્દ્રની મોદી સરકારે તેના જવાબમાં એવી વાહિયાત દલીલ કરેલી કે, આ જોગવાઈ રદ કરાશે તો પછી મેરિટલ રેપનો પટારો ખૂલી જશે. હાલમાં ભારતમાં મેરિટલ રેપ થતા નથી પણ આ જોગવાઈ નાબૂદ કરાશે તો મેરિચલ રેપ શરૂ થઈ જશે.

ભાજપ સરકારનું આ વલણ આઘાતજનક છે ને સાવ હલકી માનસિકતાના પ્રતીક જેવું છે પણ નવું નથી. આ પહેલાં સંસદમાં પણ મોદી સરકાર આ હલકી માનસિકતાનું પ્રદર્શન કરી ચૂકી છે. સંસદમાં ડીએમકેનાં કનિમોઝીએ મેરિટલ રેપનો મામલો ઉઠાવેલો ત્યારે નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હરિભાઈ ચૌધરીએ આવો જ વાહિયાત જવાબ આપેલો ભારતમાં કોઈ પતિ પોતાની પત્ની સાથે પરાણે સેક્સ સંબંધ બાંધે તો એ બળાત્કાર નથી ગણાતો પણ એક વર્ગ સતત માગણી કર્યા કરે છે કે પતિ દ્વારા પત્ની સાથે પરાણે બંધાતા સેક્સ સંબંધને બળાત્કાર ગણવો જોઈએ ને એ માટે પતિને જેલની સજા થવી જોઈએ. ટેલીકોમ કૌભાંડના કારણે વગોવાયેલાં કનિમોઝી આ વર્ગનાં છે ને તેમણે રાજ્યસભામાં સવાલ કરેલો કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મેરિટલ રેપને અપરાધ ગણીને કાયદો સુધારવા માગે છે કે નહીં ?

હરિભાઈ ચૌધરીએ આ સવાલના જવાબમાં હિન્દુ સંસ્કૃતિની પારાયણ માંડીને જાહેર કરેલું કે મોદી સરકાર મેરિટલ રેપને અપરાધ ગણીને કાયદો બદલવા માગતી નથી કેમ કે આપણી સંસ્કૃતિમાં લગ્ન પવિત્ર મનાય છે ને તેના કારણે દુનિયાભરમાં જે ધારાધોરણ લાગુ પડતાં હોય એ ભારતમાં લાગુ ના પાડી શકાય. ચૌધરીએ પાછું એવું જ્ઞાન પિરસ્યું કે નિરક્ષરતા અને શિક્ષણનો અભાવ, ગરીબી, સામાજિક રિવાજો, ધાર્મિક માન્યતાઓ તથા સમાજની માનસિકતાના કારણે ભારતમાં મેરિટલ રેપને સજાપાત્ર અપરાધ ગણી શકાય એમ નથી. હરિભાઈએ મેરિટલ રેપને બળાત્કાર નહીં ગણવા માટે જે કારણો આપ્યાં તે ગધેડાને પણ તાવ આવી જાય એવાં હતાં. લગ્ન પવિત્ર બંધન છે તેની સામે કોઈને કશો વાંધો નથી પણ લગ્ન પવિત્ર બંધન છે એટલે પુરૂષને પત્ની પર બળાત્કાર કરવાનો હક ના મળી જાય. એ જ રીતે સાક્ષરતા ઓછી હોય કે નિરક્ષરતા હોય એટલે પણ પતિને પત્ની પર બળાત્કાર કરવાનો અધિકાર ના મળે. સામાજિક માનસિકતાની વાત કરી એ સમજી શકાય પણ ધાર્મિક માન્યતાઓને આ મુદ્દા સાથે કંઈ લેવાદેવા નથી.

અલબત્ત મેરિટલ રેપ અંગેના તેમના વલણને હજુ માફ કરી શકાય કેમ કે આદર્શ સ્થિતિમાં પુખ્ત વયની સ્ત્રી પોતાના પર થતા શારીરિક અત્યાચાર કે બળજબરીને રોકી શકવા સક્ષમ હોય છે. આ વાત આદર્શ સ્થિતિની છે ને વાસ્તવિકતા અલગ છે એ આપણે બધાં જાણીએ છીએ પણ ૧૮ વર્ષથી મોટી વયની સ્ત્રી ધારે તો પોતાના પર પરાણે લદાતા શારીરિક સંબંધોને રોકી શકે. ૧૮ વર્ષથી નાની વયની છોકરી બિચારી કઈ રીતે આ બધું રોકી શકે ? જેના માથે હવસ સવાર થઈ હોય તેવા પતિને રોકવાની તેનામાં શારીરિક પણ તાકાત ના હોય ને માનસિક પણ તાકાત ના હોય. આ સંજોગોમાં તેની સાથે પરાણે બંધાતા સંબંધને બળાત્કાર જ ગણવો પડે. તેના બદલે મોદી સરકાર તેને યોગ્ય ઠેરવવા મથે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત કહેવાય. ભાજપ સરકારનું આ વલણ તેનાં ડબલ સ્ટાન્ડર્ડનો પુરાવો છે. એક બાજુ આ સરકાર બેટી બચાવો, બેટી પઢાઓનાં બણગાં ફૂંકે છે ને બીજી તરફ સગીર છોકરીઓ સાથે પરાણે શારીરિક સંબધો બાંધવાને વ્યાજબી ઠેરવવા મથે છે.

ભાજપે આ વલણ કેમ લીધું એ પણ સમજવા જેવું છે. ભારતમાં રાજકારણીઓ દરેક બાબતને મતબૅંકના રાજકારણના ડાબલા ચડાવીને જ જુએ છે ને તેના કારણે તેમને બીજાની લાગણીની કે તેમની તકલીફોની ચિંતા જ નથી હોતી. આ કિસ્સામાં પણ એવું જ છે. લગ્નના નામે સગીર વયની છોકરીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાના મૂળમાં બળલગ્નો છે ને ભાજપ જ્યાં મજબૂત છે એ ઉત્તર ભારતના હિન્દી પટ્ટામાં ઠેર ઠેર બાળલગ્નો થાય છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો તેમાં મોખરે છે. હવે ભાજપ સરકારે લગ્નના નામે સગીરાઓ પર થતા બળાત્કારને રોકવા હોય તો તેણે સૌથી પહેલાં તો બાળલગ્નો જ રોકવાં પડે. ભાજપમાં એટલું પાણી નથી કેમ કે એવું કરવા જાય તો તેની મતબૅંક લૂંટાઈ જાય. ભાજપને દેશની બેટીઓ કરતાં મતબૅંકની વધારે ચિંતા છે તેથી તેમના પર બળાત્કાર થતા હોય તો ભલે થતા, આપણે આપણી મતબૅંક સાચવો એમ માનીને તેણે હલકી માનસિકતા બતાવી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lt7I2786
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com