21-September-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બુલેટ ટ્રેનના સપનાંને આજે મળશે પાંખ
આબે અને મોદી સાબરમતીમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

મહાનુભાવનું ભાવભર્યું સ્વાગત: ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીદી સૈયદની જાળી નિહાળી હતી અને ખુલ્લી જીપમાં ભવ્ય રૉડ શૉમાં ભાગ લીધો હતો. (જનક પટેલ)



(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્ની અકી આબે ખાસ વિમાનમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચતા આ મોંઘેરા મહેમાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે, ગુરુવારે અમદાવાદના સાબરમતીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે. શિન્ઝો દંપતીને આવકારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ ઉપસ્થિત રહીને બુકે આપીને સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવ્યું હતું. સ્યૂટ-બૂટમાં સજ્જ થઈને આવેલા આબે દંપતીએ ભારતીય પોષાક પરિધાન કરીને રોડ-શોમાં જોડાયા હતા.

જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે તેમનાં પત્ની અકી આબે તથા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં રોડ-શોમાં જોડાયા હતા. મહાનુભાવોને નિહાળવા માટે રોડની બંને સાઈડમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જનતા જનાર્દનનું અભિવાદન ઝીલીને મહાનુભાવો સાબરમતીના ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા. આઠ કિ.મી.ના રોડ-શો દરમિયાન માર્ગોની સાઈડ પર ઊભા કરેલા સ્ટેજ પર લોક્ધાૃત્યો અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન પણ મહાનુભાવોને કરાવવામાં આવ્યા હતા અને રોડ-શોના વાતાવરણને સંગીતમય બનાવી દેવામાં આવ્યું હતું.

ગાંધીઆશ્રમમાં પહોંચીને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્નીએ રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો દંપતીની સાથે જ રહીને ગાંધીઆશ્રમનો પરિચય આપ્યો હતો. ત્યાર બાદ મોદીએ સાબરમતી નદી અને રિવરફ્રન્ટના દર્શન કરાવ્યા હતા. જાપાનના વડા પ્રધાનને બાપુની આત્મકથા, રેંટિયો અને ગાંધીજીના ત્રણ વાનરની આરસની શિલ્પકૃતિની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ જાપાનના વડા પ્રધાનનો કાફલો વસ્ત્રાપુરમાં આવેલી હોટલ તરફ રવાના થયો હતો. જ્યારે મોદી રાજભવન પહોંચ્યા હતા. આ તમામ મહાનુભાવોએ થોડો આરામ કર્યા બાદ શિન્ઝો દંપતી હોટલથી પોતાના કાફલા સાથે સીદી સૈયદની જાળી લાલ દરવાજા આવી પહોંચ્યા હતા. માર્ગ પર લોકોએ અભિવાદન કર્યું હતું. હેરિટેજ ગણાતી સીદી સૈયદની જાળી લાલ દરવાજા આવી પહોંચતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન અને તેમના પત્ની અકી આબેને આવકાર્યા હતાં અને સીદી સૈયદ જાળી-મસ્જિદમાં રેડ કાર્પેટ પાથરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આબે દંપતીને ગાઈડ બનીને મોદીએ ઐતિહાસિક ઇમારત અને શિલ્પ સ્થાપત્ય વિશેની માહિતી આપી હતી. સીદી સૈયદની જાળી અને ઐતિહાસિક ગણાતી મસ્જિદને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી અને આ નજારો જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો હોટલ અગાસીમાં ભોજન લેવા માટે પહોંચ્યા હતા અને ગુજરાતી ભોજનનો આસ્વાદ મહાનુભાવોએ માણ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o1ll823e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com