18-March-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કચ્છના અંજારના ધારાસભ્ય વાસણ આહિરને હૃદયરોગનો હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: અંજારના ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણ આહિરને હૃદયરોગનો હુમલો આવતા તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અંજારના ધારાસભ્ય અને સંસદિય સચિવ વાસણભાઈ આહિરને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. વાસણભાઈને તાબડતોબ સારવાર માટે આદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ તેઓની સારવાર કરાઇ રહી છે તેમની તબિયત હવે ખૂબ જ સારી અને ભયમુકત હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ અંજારમાં ભાજપનાં એક કાર્યક્રમ દરમિયાન મંગળવારે ગુજરાત સરકારનાં સંસદીય સચિવ અને અંજારનાં ધારાસભ્ય વાસણભાઈ આહિરને છાતીમાં દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક અંજારની હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ત્યાંથી તેમને ગાંધીધામની એક ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવતાં ત્યાં તબીબોેએ માઇનોર હાર્ટએટેક હોવાનું જણાવ્યું હતું. જેના પગલે તાત્કાલિક એન્જિયોગ્રાફી કરીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. સંસદીય સચિવ વાસણ આહિરનાં અંગત મદદનીશના જણાવ્યા અનુસાર, કાલે મંગળવારે સાંજે સાડા છ વાગ્યાનાં અરસામાં વાસણભાઈ આહિર અંજારનાં ટાઉન હોલ ખાતે ભાજપનાં વિજય વિશ્ર્વાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે તરત જ તેમને પહેલા અંજારમાં અને ત્યારબાદ ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમનાં હાર્ટની એક નસ બ્લોક હોવાનું બહાર આવતાં તરત જ તેનું ઑપરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ તેમની સ્થિતિ સારી હોવાનું તેમનાં અંગત મદદનીશે જણાવ્યુ હતું.

--------------------------

ગારિયાધારમાં પણ ‘વિકાસ ગાંડો થયો છે..’ ના બેનરો લાગ્યા: લોકોમાં થતી કોમેન્ટ(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: ગારિયાધાર શહેરમાં પણ ઠેર-ઠેર વિકાસ ગાંડો થયો છે, વિકાસ રઘવાયો થયો છેના બેનરો લાગ્યા છે અને સોશિયલ મીડિયા પણ સક્રિય બન્યું છે. લોકો રોડ-રસ્તા સહિત સ્થાનિક પ્રશ્ર્નોની તસવીરો અપલોડ કરીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં સરકારની યોજના અને સુવિધા સામે બેફામ પણે કોમેન્ટો અને અવનવા જોકસથી સરકારનો વિરોધ થઈ રહ્યો છે. જે એક પ્રકારે ભાજપ સરકાર સામે બાયો ચડાવી અરિસો બતાવવાનું કામ કરી રહ્યું છે તેવામાં ગત મધરાત્રીએ ગારીયાધારના વિસ્તારોમાં વિકાસના બેનરો મારવામાં આવતા શહેરમાં ભારે ચર્ચાસ્પદ વિષય બનવા પામ્યો હતો. આ બેનરોમાં ગારીયાધાર શહેરના ખાડા-ખાબોચીયા ભરેલા રોડ, ફિલ્ટર પ્લાન્ટ, બેલા રોડ પરનો પુલ, ગંદકીમાં ઊભેલી ગાય અને ટોળપાણ વિસ્તારનું પે એન્ડ યુઝ ટોયલેટના ફોટાઓ સાથે ગારિયાધારનો વિકાસ ગાંડોતુર, રઘવાયો, થયો છે. તેવા ઉદ્બોધનો કરવામાં આવ્યા છે. બેનરોમાં ભ્રષ્ટાચારથી ભડકેલા જાગૃત નાગરિક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે આ બેનરો વડે ગારીયાધારમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર બેનરોના માધ્યમથી ફરી બજારોમાં ધુણતા ચર્ચાનો વિષય બન્યો છે.

----------------------------

અમદાવાદના સાણંદમાં ટાબરિયો રૂ. ૧૦ લાખની રોકડ તફડાવીને પલાયનઅમદાવાદ: જિલ્લાના સાણંદમાં એસટી સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારમાંથી રૂપિયા દસ લાખની રકમ ભરેલી થેલી તફડાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. સાણંદમાં રહેતા અને એસટી સ્ટેન્ડ સામે કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતા ભરતભાઈ પટેલે અમદાવાદથી તેઓને મોડું ઘરે આવવાનું હોવાથી તેમને ધંધાના કામના રૂપિયા દસ લાખ તેના સાળા મયંક પટેલને આપ્યા હતા. આ રકમ તેમણે સાળાને દુકાને આપી જવા કહ્યું હતું. મયંક પટેલ કાર લઈ રૂપિયા દસ લાખ એક થેલીમાં લઈ ભરતભાઈ પટેલને દુકાને આપવા ગયા હતા. મયંક પટેલે કાર દુકાન નજીક એસટી સ્ટેન્ડ પાસે પાર્ક કરી હતી. મયંક પટેલ કાર બસસ્ટેન્ડ પાસે જ મૂકી કોઈ કામસર તે બહાર ગયા હતા તે દરમિયાન કોઈ ગઠિયો કારનો દરવાજો સિફતપૂર્વક ખોલી કારની આગળની સીટમાં મૂકેલી રૂપિયા દસ લાખની રકમ સાથેની થેલી તફડાવી ફરાર થઈ ગયો હતો. મયંક પટેલે આવીને જોતા કારમાંથી થેલી ગાયબ હોઈ સઘન તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં આ સ્થળે ઊભેલા રિક્ષાચાલકે માહીતી આપી હતી કે દસથી ૧૨ વર્ષનો એક છોકરો ગાડીમાંથી થેલી તફડાવી બસસ્ટેન્ડ તરફ નાસી છૂટ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ બસસ્ટેન્ડની આજુબાજુ સઘન તપાસ શરૂ કરી હતી, પરંતુ ગઠિયો હાથમાં આવ્યો ન હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d830T1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com