21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેમ જેવા ગહન વિષય પર બોલવા જેટલી સમજ મારામાં નથીઃ ધ્રુવ ભટ્ટ

ચિટચેટ - નંદિની ત્રિવેદીગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગ્રામીણ નવલકથા તરીકે, અકાદમી દ્વારા શ્રેષ્ઠ પ્રવાસ વર્ણન તરીકે અને ગોવર્ધનરામ ત્રિપાઠી પારિતોષિક સમિતિ દ્વારા શ્રેષ્ઠ નવલકથા તરીકે સન્માનિત ‘સમુદ્રાન્તિકે’ના સર્જક ધ્રુવ ભટ્ટ એટલે એવા સાહિત્યકાર જેમને સાસણગીર પાસેના બાલછેલ નામના નાનકડા ગામમાં કુદરતની વચ્ચે રહીને સર્જન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. તેમની અન્ય પુરસ્કૃત નવલકથાઓમાં તત્ત્વમસિ, અતરાપી છે તથા અગ્નિકન્યા, ખોવાયેલું નગર, કર્ણલોક, અકુપાર જેવી નવલકથાઓનું સર્જન પણ તેમણે કર્યું છે. તેમની પુરસ્કૃત નવલકથાઓનો અનુવાદ મરાઠી, હિન્દી, અંગ્રેજીમાં પણ થયો છે. ગ્રામ્યસંસ્કૃતિનો ધબકાર ઝીલનાર ધ્રુવ ભટ્ટ હળવી શૈલીમાં વાત માંડે છે.

મુખ્ય શોખ ઃ

રખડપટ્ટી, બાળકો સાથે કેમ્પિંગ, દરિયા કે નદી કિનારે ટહેલવું અને આકાશદર્શન. જાતે તો કરવું ગમે જ, પણ બાળકોને પણ કરાવવું ગમે. એ સિવાય અજાણ્યાં કુટુંબો સાથે રહેવું, વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયનની તકો ઊભી કરવી, અભ્યાસક્રમમાં ન હોય તેવા વિષયોમાં રસ જગાડવાના પ્રયત્નો કરવા તથા ટાપુઓ પર, જંગલમાં નિરુદ્દેશ રખડવું.

પ્રિય સાહિત્યિક કૃતિઓ ઃ

પરદેશી ભાષાનાં પુસ્તકો બહુ ઓછાં વાંચ્યાં છે. ફેન્ટમ સિવાય કોઈ અનુવાદ પણ વાંચ્યો નથી. પણ મને બંગાળી કૃતિઓ વિશેષ આકર્ષે છે. નિશિકુટુંબ અને ચૌરંઘી મારાં પ્રિય પુસ્તકો છે. ગુજરાતીમાં ગુજરાતનો નાથ અને દરિયાલાલ પણ ખૂબ ગમ્યાં હતાં.

પ્રિય લેખકો?

રવીન્દ્રનાથ ટાગોર, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, મનોજ બસુ. ગુજરાતીમાં ઘણા લેખકો ગમે છે. કોના નામ લેવાં? મુનશી તો ગમે જ. રઘુવીર ચૌધરીનાં લખાણ પણ ગમે. ગુજરાતીમાં ઘણા સારા લેખકો છે.

પ્રિય કવિ ઃ

રમેશ પારેખ, મનોજ ખંડેરિયા. એ લોકોની ટીમ સરસ હતી. મને કવિતા વાંચવી અને ગાવી પણ ગમે.

પ્રિય સંગીત અને સંગીતકાર ઃ

સંગીતની સમજ ઓછી છે પણ રસ ઘણો છે. શાસ્ત્રીય સંગીત અને ગઝલ સવિશેષ ગમે. આધુનિક ગીતો પણ ગમે. આ રહેમાન કેવું સરસ સંગીત આપે છે! જૂના ફિલ્મ સંગીતકારો તો બધા જ અદ્ભુત હતા. મદનમોહન, એસ.ડી. બર્મન, નૌશાદજી સહિત બધા જ સંગીતકારોના સંગીતમાં જાદુ હતો.

મનપસંદ ફિલ્મો ઃ

છેલ્લાં ત્રીસ વર્ષથી એકેય ફિલ્મ નથી જોઈ. નથી ગમતી એવું નથી પણ એક ઘટનાને લીધે મન ઊઠી ગયું. મારા પિતા હોસ્પિટલના બિછાને હતા. બહારગામથી મારે એમની પાસે પહોંચવાનું હતું. હું બસ ચુકી ગયો ને સમય હતો એટલે થયું કે ફિલ્મ જોઈ નાંખું. ફિલ્મ જોઈને ઘરે ગયો ત્યારે પિતાજી દુનિયામાં રહ્યા નહોતા. બસ, તે દિવસથી ફિલ્મનો મોહ છુટી ગયો. એટલી હદે કે પત્ની-બાળકો સાથે થિયેટર સુધી ગયો હોઉં ને છેલ્લે એમને મુકીને હું પાછો ઘરે આવી જાઉં. ક્યારેક ટીવી પર ફિલ્મ જોઉં છું, પણ ભાગ્યે જ. છેલ્લે, અંગ્રેજી ‘અવતાર’ જોઈ હતી, જે મને ગમી હતી.

પ્રિય વાનગી ઃ

ભાવનગરી ગાંઠિયા અને મરચાં. આમ તો બધું ભાવે, પણ જાતજાતના નાસ્તા મળે તો મઝા પડી જાય.

પ્રિય પ્રવાસસ્થળ ઃ

મને રખડપટ્ટી બધી જ પ્રકારની ગમે. જંગલો અને પર્વતો પર ફરવાની મજા જ અલગ. હિમાલયનું સૌંદર્ય બેમિસાલ છે પરંતુ મને હું ત્યાં ચારે તરફ પર્વતોની વચ્ચે પુરાઈ ગયો હોઉં એવું લાગે. શિખર પર હોઉં તો જ હિમાલય ગમે કેમકે ત્યાં ખુલ્લાશ હોય. બાકી, જિંદગીમાં એક વાર ગ્રાન્ડ કેન્યન જોવાની ઈચ્છા છે. વિદેશમાં ફક્ત આફ્રિકા જોયું છે. સુંદર છે, પણ ભારતીયો ત્યાં બહુ ભયમાં જીવતા હોય એવું લાગે. ઘરની બહાર ૨૦ ફીટ ઊંચી દિવાલ હોય ને કૂતરાં તો રાખવાં જ પડે એવી માનસિકતા.

પ્રેમ એટલે શું?

પ્રેમ જેવા અગાધ વિષય પર બોલી શકું કે કંઈ કહી શકું એટલી સમજ જ મારામાં નથી. શું કહું?

જીવનસંગિની કેવી ગમે?

એવું કદી વિચાર્યું જ નહોતું. દિવ્યા (મારી પત્ની)ની ચિઠ્ઠીમાં મારું નામ નીકળ્યું એ જ ગનીમત. જિદંગીમાં હું કોઈ બાબતે ગંભીર રહ્યો જ નથી. એની તકલીફ પણ છે અને મજા પણ.

તમારે માટે મનગમતી સાંજ એટલે શું?

અમારાં ગામડાંગામમાં વળી સાંજ કંઈ જુદી ન હોય. ગાયો ઘરે આવતી હોય ને ધૂળ ઊડતી હોય એ જ સાંજ અમે તો જોઈ છે. તમારા મુંબઈમાં તમે સાંજને જુદી તારવતાં હશો, પાર્ટી, આઉટિંગ, ડિનર, ગેટટુગેધર એવું બધું....અમારે તો સમયચક્ર એમ જ હાલ્યા કરે, સવાર-બપોર, સાંજ ને રાત!

જીવનમાં સૌથી મૂલ્યવાન શું છે તમારે માટે?

આનંદ. આનંદનું બીજું નામ જ જીવન છે. એનું મૂલ્ય ન હોય તો જીવન કેવું હોય?

તમારે માટે સ્ટ્રેસ બસ્ટર શું?

કોઈક નજીકનું સ્વજન મુશ્કેલીમાં હોય ત્યારે અથવા સમાજમાં કોઈ મોટી દુર્ઘટના થઈ હોય ત્યારે માનસિક તાણ થાય. તાણ દૂર કરવા જરૂરતમંદ પાસે દોડી જઈને એની તકલીફ ઘટાડવાનો પ્રયત્ન કરું, ઉકેલ શોધું તે જ મારે માટે સ્ટ્રેસ બસ્ટર. અમુક ઘા તો સમય જ રૂઝાવી શકે!

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે?

ન યાદ રાખે તે જ ગમે. મને યાદ રાખવા સિવાય લોકો પાસે બીજું ઘણું કામ છે. મારાં લખાણ પણ લોકો દસ વર્ષમાં ભૂલી જ જશે અને એમ જ હોવું જોઈએ, તો જ નવાને જગ્યા મળેને!

લોકોની કઈ બાબત નથી ગમતી?

ઉદાસ રહે, ખોટી ચિંતા કરે, ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહે એ ન ગમે. આપણા સમયમાં જે કંઈ બનતું હોય છે એને માટે વત્તે-ઓછે અંશે આપણે જ જવાબદાર હોઈએ છીએ. તેથી ચિંતા કરવાને બદલે ઉકેલ શોધવા જોઈએ.

કોઈ ડર?

હા, ઘણા. કૂતરું પાછળ પડે તોય ડર લાગે ને મૃત્યુની પણ બીક તો લાગે જ!

પુનર્જન્મ હોય તો શું બનવાનું પસંદ કરો?

આકાશમાં એક સાઈરિસ નામનો વ્યાધનો તારો છે. આ વર્ષે પૃથ્વી પર જન્મ લીધો તો આવતો જન્મ એ તારાના ગ્રહ પર મનુષ્યરૂપે જ જન્મ થાય એવી ઈચ્છા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2j776Rhv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com