19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોખંડી પુરુષના ગામમાં લટાર
સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીનું સૌંદર્ય અને ઐતિહાસિક મહત્તા જોવા-માણવા જેવાં છે

ઓફ્ફબીટ એક્સપ્રેસ - કલ્પના જોશીમહાત્મા ગાંધીજીની જેમ જ સરદાર વલ્લભભાઈ પટેલ પણ વકીલાતના વ્યવસાયમાંથી સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા હતા. જે ગાંધીજીના પગલે પગલે ચાલી તેઓ તેમનો પડછાયો બન્યા, એ રાષ્ટ્રપિતાથી તેઓ જોકે પહેલાં જરાય પ્રભાવિત નહોતા. એટલી હદે કે અહિંસા, સત્યાગ્રહના માર્ગે ચાલનારા ગાંધીજીની આઝાદીની ચળવળની સરદારે ટીખળ પણ ઉડાડી હોવાનો ઉલ્લેખ વાંચવા મળે છે. એક નોંધ પ્રમાણે સરદારે ‘એકવાર માવળંકર સાથે ગાંધીજી વિશે વાત કરતાં ખિલ્લી ઉડાડતાં કહ્યું હતું ‘ગાંધીજી તમને કહેશે કે ઘઉંમાંથી કાંકરા વીણતાં આવડે છે? અને એમને તો એનાથી જ આઝાદી મળશે તેવું લાગે છે?’ જોકે ગાંધીજીએ ચંપારણના કિસાનો માટે જે ચળવળ ચલાવી અને પછી લોકનેતૃત્વના જે અસાધારણ ગુણ ઝળકાવ્યા તેના થકી સરદાર ખરા અર્થમાં ગાંધીસેવક થયા.

આ મહાપુરુષનું વતન બારડોલી સુરતથી માંડ પાંત્રીસેક કિલોમીટર દૂર આવેલું છે. સુરતની છાશવારે મુલાકાત લેનારા કેટલાય ગુજરાતીઓ બારડોલી ન ગયા હોય તે શકય છે. પણ સરદારની ભૂમિ બારડોલી છે એક મજાનું સ્થળ. મૂળ તેઓ કરમસદના, પણ બારડોલી સાથે પટેલનો નાતો અતૂટ, કેમ કે સરદારે અહીં (ખેડા અને બોરસદ સાથે) અસહકારક આંદોલનનું નેતૃત્વ લઈને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી હતી.

આજના બારડોલીની અમુક ખાસિયતો નવાઈ પમાડે તેવી છે. દાખલા તરીકે, એશિયાનું સાકરનું સૌથી મોટું કારખાનું બારડોલીમાં છે તેની કેટલાને જાણ છે? તેવી જ રીતે, આખા ગુજરાતમાં સેકન્ડ હેન્ડ કારની સૌથી મોટી બજાર બારડોલીમાં છે, તેનું કારણ પણ બહુ રોચક છે. બારડોલીમાં ઘણા એનઆરઆઈનાં ઘર છે. જ્યારે પણ તેઓ પોતાના ગામમાં આવે ત્યારે નવીનક્કોર કાર ખરીદે, વાપરે અને પાછા પરદેશ જાય ત્યારે કાર વેચી દે. તેના લીધે બારડોલીમાં ધીમે ધીમે સેકન્ડ કારનો વેપાર એવો ફૂલ્યોફાલ્યો કે ન પૂછો વાત.

બારડોલીમાં આમ તો ગુજરાતના કોઈ પણ નાના શહેરની જેમ જીવન ચાલ્યા કરે છે. પણ એનું સૌંદર્ય એની ઐતિહાસિક મહત્તાથી વિશેષ થાય છે. બારડોલીમાં જોવા જેવા સ્થળમાં એક છે કેદારેશ્વર મહાદેવ મંદિર. મીંઢોળા નદીના કાંઠે આવેલા આ પ્રાચીન મંદિરનું અહીં ખૂબ મહાત્મ્ય છે. મંદિરમાં બિરાજમાન વિશાળ શિવલિંગ તેને અનોખી આભા બક્ષે છે. તેવી જ રીતે અહીંનું સ્વામીનારાયણ મંદિર, મિની વીરપુર તરીકે જાણીતું જલારામ મંદિર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્ર છે.

સરદાર પટેલના સિદ્ધાંત, તેમના ગુણ અને આદર્શ લોકો સુધી પહોંચાડવાના આશયથી બારડોલીમાં સત્યાગ્રહ મ્યુઝિયમ (સ્વરાજ આશ્રમ) પણ છે. ૧૯૮૧માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના હસ્તે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં અનેક ઐતિહાસિક ફોટોગ્રાફ્સ જોવાનો, તૈલચિત્રો અને આઝાદીની લડાઈ સાથે સંકળાયેલી અન્ય ચીજો માણવાનો અવસર મળે છે.

આશરે પંચાવન હજારની વસતિ ધરાવતા બારડોલીમાં પંચોતેર ટકાથી વધુ સાક્ષરતા છે. જ્યારે ૧૯૨૫માં બારડોલીમાં પૂર અને પછી રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે અહીં સત્યાગ્રહ ચળવળનાં બીજ રોપાયાં હતા. બારડોલી ત્યારે બોમ્બે પ્રેસિડન્સીનો ભાગ હતું. વણસેલી પરિસ્થિતિ છતાં સરકારે બારડોલીના ખેડૂતોને કરમાં રાહત આપવાને બદલે વૃદ્ધિ કરીને ત્રીસ ટકા કર ઠોકી દીધો. તેનાથી ત્રાહિત લોકોની સમસ્યાને વાચા આપવા ચળવળ આકાર પામી. નરહરિ પરીખ, રવિશંકર વ્યાસ, મોહનલાલ પંડ્યા જેવા અગ્રણીઓએ ગુજરાતના ત્યારના સૌથી સશક્ત નેતા વલ્લભાઈ પટેલ સામે ધા નાખી. પટેલ એ પહેલાં ખેડાના ખેડૂતોની આવી જ ચળવળનું સુકાન કરી ચૂક્યા હતા. તેમણે બારડોલી તાલુકા વતી લડત આપી જે હવે અમર ગણાય છે.

બારડોલી ફરવા જવા માટેનું કારણ તેની આ વિશેષતાઓ છે. ખાસ તો બાળકો અને નવી પેઢીને આવા નાનકડા ટાઉનની મુલાકાતથી ઘણું શીખવા મળી શકે છે. સુરત મેટ્રોપોલિટન રીજનના એક ભાગ બારડોલી જઈને આવવા માટે એક દિવસનો સમય પૂરતો થઈ રહે. હા, બે દિવસના વીક એન્ડમાં જાઓ તો વધુ શાંતિ રહે અને આરામથી આખું બારડોલી જોઈ શકાય.

આમ તો આપણે સૌ વીકએન્ડમાં એવી જગ્યાઓએ જઈએ છીએ જે ટૂરિઝમના નકશા પર પોપ્યુલર પિકનિક પોઈન્ટ તરીકે જાણીતી હોય. બારડોલી જેવી જગ્યા ભલે મોડર્ન યુગમાં કદાચ લોકો માટે પ્રાયોરિટી લિસ્ટમાં ન આવે, પણ જેઓ જુદો અનુભવ લેવા થનગને છે, ઈતિહાસ અને ગામડાની જીવનશૈલીનો રસાસ્વાદ પણ માણવા ઈચ્છે છે તેમણે ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મતિથિએ તેઓ જે સ્થળ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા તેની મુલાકાત લેવા અચૂક કહેવું જોઈએ, ‘હાલો બારડોલી’.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53C8b4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com