18-March-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુંદરતાનો ખજાનો કુંસ્થહિસ્ટોરિક મ્યુઝિયમ
૧૮૯૧માં ખુલ્લા મુકાયેલ આ મ્યુઝિયમમાં તમને રાફેલ, રેમ્બ્રાન્ડ, પીટર પોલ રૂબેન્સ, માઈકલ એન્જેલો, જાન વાન આઈક જેવા પેઈન્ટરોનાં, જોતાં જ આંખ વડે હૈયામાં વસી જાય એવાં સુંદર પેઇન્ટિંગ્સ જોવા મળશે

(૧) કુંસ્થહિસ્ટોરિક મ્યુઝિયમનું ભવ્ય મકાન (૨) ઈજિપ્શીયન આર્ટ દર્શાવતો વનરાજ (૩) મ્યુઝિયમનો કોરિડોર (૪) મધ્યકાલીન યુગનાં વહાણો આવાં હતાં, એક સુંદર કુંજો, ઓસ્ટ્રીયાના રાજવીઓનો ઠાઠ દર્શાવતી બગી, ગ્રીક સમયની કળાકૃતિવિશ્ર્વનાં અદ્ભુત મ્યુઝિયમ - સુધીર શાહઓસ્ટ્રીયાના પાટનગર વિયેનામાં આવેલ સંખ્યાબંધ મ્યુઝિયમોમાંનું એક ‘કુંસ્થહિસ્ટોરિક મ્યુઝિયમ’ને અંગ્રેજીમાં ‘મ્યુઝિયમ ઓફ આર્ટ હિસ્ટ્રી’ કે ‘મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ્સ’ કહેવામાં આવે છે. એની મુલાકાત તમારા જીવનમાં એક અવિસ્મરણીય અનુભવ બની જશે. સાઠ મીટર ઊંચો ગુંબજ ધરાવતા લંબચોરસ આકારના વિયેનાના આ મ્યુઝિયમનું બિલ્ડિંગ જ ભવ્યાતિભવ્ય છે. બહારથી જેટલું આકર્ષક અને પ્રભાવશાળી દેખાય છે એટલું જ અંદરથી પણ ઈટાલિયન મારબલથી સુશોભિત છે. ૧૮૯૧માં ખુલ્લા મુકાયેલ આ મ્યુઝિયમમાં તમને રાફેલ, રેમ્બ્રાન્ડ, પીટર પોલ રૂબેન્સ, માઈકલ એન્જેલો, જાન વાન આઈક આવા આવા જબરજસ્ત પેઈન્ટરોનાં, જોતાં જ આંખ વડે હૈયામાં વસી જાય એવા સુંદર પેઇન્ટિંગ્સ જોવા મળશે. અલભ્ય એવા અસંખ્ય શિલ્પો જોવાનો લહાવો તમને આ મ્યુઝિયમમાં પ્રાપ્ત થશે.

આજે જ્યારે ઈજીપ્ત જવું, ત્યાં થતા રમખાણોના કારણે, ભયજનક બની ગયું છે ત્યારે ઈજીપ્તની કળાના અત્યંત આકર્ષક નમૂનાઓ તમને વિયેનાના આ મ્યુઝિયમમાં દૃષ્ટિમાન થશે. આ મ્યુઝિયમના મુખ્ય બિલ્ડિંગમાં આવેલ ‘પીક્ચર ગેલેરી’માં તમને ફ્લેમિસ, ડચ, ઈટાલિયન, સ્પેનિશ, ફ્રેન્ચ અને જર્મન પેઈન્ટરોના ૧૬મી અને ૧૭મી સદીના નયનરમ્ય પેઇન્ટિંગ્સ જોવા મળશે. એ સર્વે હેબ્સર્બગ્સ વંશના રાજવીઓની કળાની સૂઝ અને કળા પ્રત્યેના એમનો પ્રેમ દર્શાવે છે. એમણે જ આવાં અદ્ભુત પેઇન્ટિંગ્સ ભેગા કર્યા હતા. આ મ્યુઝિયમમાં ગ્રીક અને રોમન કાળની કળાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમને સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ હોય એમને ઓસ્ટ્રીયાના જુદા જુદા રાજાઓના સમયના અત્યંત કલાત્મક સિક્કાઓ પણ અહીં જોવા મળશે.

હમણાં હમણાંથી બેંગકોક, હોંગકોંગ, સિંગાપુર, દુબઈ, લંડન અને પેરીસ તેમજ સ્વીટ્ઝર્લેન્ડની ટૂરમાં ફરી આવેલા ગુજરાતીઓને ટૂર ઓપરેટરો વિયેના, પ્રાગ તેમ જ બુડાપેસ્ટની મુસાફરીએ લઈ જાય છે. ઉત્તરમાં ઝેક રીપબ્લિક, એની જમણી બાજુ એટલે કે ઉત્તર પશ્ર્ચિમમાં જર્મની, એ પછી પશ્ર્ચિમમાં પણ દક્ષિણ તરફ સ્વીઝ્ટર્લેન્ડ, એની ડાબી બાજુએ ઈટલી, એ પછી બાજુમાં સ્લોવેનીયા, ક્રોએશિયા, પશ્ર્ચિમ તરફ હંગેરી અને ઉત્તર પશ્ર્ચિમ તરફ સ્લોવાકિયા, આ સર્વે દેશો વચ્ચે આવેલ ઓસ્ટ્રીયાના પાટનગર વિયેનામાં ટૂર ઓપરેટરો એમના પેસેન્જરોને દોઢ દિવસની સફર કરાવે છે. વિયેના શહેર એટલું સુંદર છે, એમાં એટલા અગણિત સુંદર સ્થળો અને સ્થાનકો છે, કે દોઢ દિવસ તો શું દોઢ વર્ષ પણ જો તમે ત્યાં ગાળો તો તમને ઓછા પડશે.

સુંદરતાનો ખજાનો જ્યાં સંગ્રહવામાં આવ્યો છે એવા આ કુંસ્થહિસ્ટોરિક મ્યુઝિયમ જોવા ભાગ્યે જ આપણા ટૂર ઓપરેટરો એમના પ્રવાસીઓને લઈ જતા હોય છે. આપણા સામાન્ય પ્રવાસીઓની એવી માન્યતા છે કે પેરીસનું ‘લુવ્ર’ જોયું એટલે બધા જ મ્યુઝિયમો જોઈ લીધા. જેમને કળામાં રસ છે, સુંદરતા જોવી ગમે છે એમને વિશ્ર્વના દરેકેદરેક મ્યુઝિયમ આકર્ષે છે. પેરીસનું ‘લુવ્ર’ જેટલું ભવ્ય છે, જેટલું વિશાળ છે એટલું જ રશિયાના સેન્ટ પીટર્સબર્ગનું ‘હર્મિટેજ’ પણ ભવ્ય અને વિશાળ છે. લંડનનું મ્યુઝિયમ, અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આવેલ ‘સ્મિથસોનિયન’ મ્યુઝિયમો, ન્યૂયોર્કનું ‘ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ’, જર્મનીના મ્યુઝિયમો આ સર્વે જેટલા ભવ્ય અને સુંદર છે એટલા જ યુરોપના અન્ય દેશોમાં આવેલા મ્યુઝિયમો પણ ભવ્ય અને સુંદર છે. એ દરેકેદરેક મ્યુઝિયમમાં કળા અને સંસ્કૃતિના ખજાનાઓ સંગ્રહાયેલા છે. એમને જોવા એ જિંદગીના લહાવા છે.

ઈસ્ટ યુરોપિયન દેશો વિષે આપણને અત્યાર સુધી વધુ જાણકારી નહોતી. યુરોપના અન્ય દેશોમાં આપણે સૌ ફરવા જતા પણ ઝેકોસ્લોવિકા, હંગેરી, પોલેન્ડ આ સર્વે દેશોમાં આપણે જતા નહોતા. હવેથી ત્યાં જવાનું આપણે શરૂ કર્યું છે. આ સર્વે દેશોના લોકો પણ કળામાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા હતા. એમના મ્યુઝિયમોમાં પણ કળાના ખજાનાઓ સંગ્રહાયેલા પડ્યા છે. જેમને રસ હોય એમણે વિયેના જતા એના આ મ્યુઝિયમ જોવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક તો ફાજલ રાખવા જ જોઈએ.

કુંસ્થહિસ્ટોરિક મ્યુઝિયમમાં તમે દાખલ થશો એટલે સ્તબ્ધ બની જશો. ત્યાં આવેલ મુખ્ય દાદરાઓ ચઢવાનું શરૂ કરશો કે તમારી દૃષ્ટિ ત્યાં ઊભેલ સંગેમરમરના થાંભલાઓ પ્રતિ કેન્દ્રિત થઈ જશે. ખૂબ જ જતનપૂર્વક પેઈન્ટ કરવામાં આવેલ ત્યાંના ગોખલાઓ, દીવાલો ઉપરના પેઇન્ટિંગ્સ, ગર્જતા સિંહના પૂતળાંઓ, આ સર્વે જોતા તમે મંત્રમુગ્ધ થઈ જશો. સિંહોના શિલ્પોનો શોખ હોલીવૂડના ‘રેમ્બો’ તરીકે જાણીતા ઍક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોનને ખૂબ જ છે. એમણે એમના બગીચામાં સિંહોના અસંખ્ય શિલ્પો મૂક્યા છે. પૂના શહેરમાં આવેલ ‘બંડ ગાર્ડન’માં પણ સિંહનું એક સુંદર શિલ્પ મૂકવામાં આવ્યું છે. મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની બહાર પણ સિંહોના ફાઈબરના પૂતળાંઓ મૂકવામાં આવ્યા છે. વનરાજની કેશવાળીઓ જ એટલી ભવ્ય હોય છે કે સૌને સિંહના પૂતળાંઓ જોવા ગમે છે.

આ મ્યુઝિયમના દાદરાઓને જોવામાં અને એના વખાણ કરવામાં તમારો ખાસ્સો એવો સમય વીતી જશે. ઉતાવળ ન કરતા. આવા ભવ્ય દાદરાઓ હવે કોઈ બિલ્ડર બાંધતું નથી. વિશ્ર્વમાં જે જૂના મહેલો છે એમાંના બહુ ઓછામાં આટલા ભવ્ય દાદરાઓ દૃષ્ટિમાન થાય છે. ધરાઈ ધરાઈને આ દાદરાઓ, એની આજુબાજુના થાંભલાઓ, ત્યાં મૂકવામાં આવેલા સિંહના શિલ્પો અને છત ઉપરના રેનીશા સમયના પેઇન્ટિંગ્સ જોયા બાદ જ તમે આ મ્યુઝિયમના પહેલા માળે આવેલ ‘પીક્ચર ગેલેરી’માં પ્રવેશજો. આ ‘પીક્ચર ગેલેરી’માં જર્મન રેનીશાનાં બે પેન્ટિંગો, ૧૫૩૦માં પેઈન્ટ કરાયેલું ‘પેરેડાઈઝ’ અને ૧૫૨૦માં પેઈન્ટ કરાયેલું ‘આદમ એન્ડ ઈવ’ જોવાનું ચૂકતા નહીં. ૧૫૦૫માં પેન્ટિંગ કરાયેલ માસ્ટર પીસ કહી શકાય એવું ‘પોર્ટેટ ઓફ અ વેનિશ્યન લેડી’ પણ તમને અહીં જોવા મળશે.

આગળ જશો એટલે ફ્લેમિસ પેન્ટર જગવિખ્યાત રૂબેન્સનાં પેન્ટિંગો જોવા મળશે. રૂબેન્સ અને એના જેવા જ મધ્યકાલીન યુગના વિશ્ર્વના વિખ્યાત પેન્ટરોના પેન્ટિંગ્સ તેમ જ આ મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવેલ અન્ય કળાકૃતિઓ ઉપર આપણે આવતા અઠવાડિયે દૃષ્ટિ કરશું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5348U46
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com