25-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઉમ્મીદ ઉનસે કયા થી, કર વો કયા રહે હૈં!

સરગમ - અનિલ રાવલએક ફૂંક શું નથી કરી શકતી? રાખની નીચે ઢબુરાઈને બેઠેલા અગ્નિને જરા અમથી ફૂંક મારવાથી અગ્નિ પ્રજ્જવલિત થાય છે. એ જ ફૂંક દીવાને બૂઝાવી શકે છે. ભગવાન કૃષ્ણ જમના નદીને કિનારે વાંસળીમાં હળવી ફૂંક મારતા તો ગોપીઓ ઝૂમી ઊઠતી. ફૂંકનો ઉપયોગ શેના માટે કરીએ છીએ એની પર બધો આધાર છે.

કૃષ્ણ અને એમના વાંસળીવાદનની વાત નીકળી છે ત્યારે આ જ રીતે સુરિલી ફૂંક મારીને વાંસળીને ભારતમાં જ નહીં જગતભરમાં લોકપ્રિયતા અપાવનારા એક સંગીતકારનું નામ યાદ આવી ગયું. આ બંગાલીબાબુનું નામ અમલ જ્યોતિ ઘોષ. કદાચ આ નામથી એમની ઓળખ કરવાનું મુશ્કેલ બનશે. ચાલો, એમનું હુલામણું નામ આપું. એમને ઘરમાં સૌ પન્નાલાલ કહીને બોલાવતા. પન્નાલાલ ઘોષે આપણી બાંસુરીને વિશ્ર્વભરમાં દરજ્જો અપાવવાનું અદ્ભુત કામ તો કરેલું, પરંતુ એમણે ફિલ્મોમાં, એ જમાનામાં સંગીત પણ આપ્યું હતું, એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે.

૩૧મી જુલાઈ ૧૯૧૧ના રોજ બાંગલાદેશના બારીસાલમા જન્મેલા પન્નાલાલનું ઘરાણું સંગીતનું હતું, એટલે સંગીત સંસ્કાર ગર્ભમાંથી મળેલા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતાર વગાડતા. પન્નાલાલના દાદા હર કુમાર ઘોષ અને નાના ભવરંજન સંગીતક્ષેત્રમાં જ હતા. માતા સુકુમારી પણ ખૂબ મીઠું ગાતા. આમ એમણે બાળપણમાં જ પિતા પાસેથી સિતાર શીખવાનું શરૂ કર્યું હતું, પરંતુ વાંસળી પ્રત્યે કઈ રીતે પ્રિતી બંધાઈ ગઈ? ગાયો ચરાવવા જતા ગોવાળિયાની વાંસળી સાંભળીને તેમને વાંસળી વગાડવાની ઈચ્છા થતી એમ કહેવાય છે.

એક ગોવાળિયાએ એમને વાંસળી આપી હતી જેની પર એ પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. બાંસુરી પ્રત્યેના એમના લગાવ વિશે એવું પણ કહેવાય છે કે ઘોષ કુટુંબ કિર્તનખોલા નદીના કિનારે રહેતું હતું. પન્નાલાલ નદીમાં ન્હાવા જતા ત્યારે એમને લાંબુ બાંબુ મળી આવ્યું હતું જેના અડધા ભાગમાં વાંસળી હતી અને બાકીનો અડધો ભાગ વૉકિંગ સ્ટીક હતો. પન્નાલાલે એની પર પ્રેકિટસ કરવાનું શરૂ કર્યું હતું. ૧૧ વર્ષના હતા ત્યારે એમને એક બાબા મળ્યા. બાબાના હાથમાં શંખ અને વાંસળી હતી. એમણે પન્નાલાલને વાંસળી વગાડી બતાવવાનું કહ્યું. પન્નાલાલે વાંસળી વગાડીને બાબાને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા હોવાનું કહેવાય છે. બાબાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, ‘જા બચ્ચા, સંગીત થકી તારો ઉદ્ધાર થશે.’ સહેજેય માની ન શકાય એવી વાતને પન્નાલાલે સાચી પાડી બતાવી.

પન્નાલાલે નાનકડી વાંસળીને સાત હૉલવાળી ૩૨ ઈંચ લાંબી વાંસળીમાં ફેરવી નાખી. વાંસળીને કૉન્સર્ટમાં સ્થાન અપાવ્યું. ગોવાળિયાઓની વાંસળીને બાઝ ફલૂટ તરીકે વિકસાવી. પન્નાલાલનું આ યોગદાન નાનું સૂનું નથી. એટલે જ જેમ સિતારની વાત નીકળે એટલે રવિ શંકરનું નામ જીભ પર આવી જાય, શરણાઈ વાગે એટલે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબનું નામ ગૂંજવા લાગે. એમ વાંસળીની વાત નીકળે તો પન્નાલાલનું નામ બોલવું પડે.

પન્નાલાલે ‘સ્નેહબંધન’, ‘બસંત’, ‘અન્જાન’, ‘ભલાઈ’, ‘દુહાઈ’, ‘સવાલ’, ‘પોલીસ’, ‘બીસવી સાઠી’, ‘આધાર’, ‘આંદોલન’ સહિત ગણીગાંઠી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

એમની ફિલ્મોના મોટા ભાગના ગીતો પારૂલ ઘોષે ગાયા હતા. પારૂલ ઘોષ સંગીતકાર અનિલ બિશ્ર્વાસના બહેન હતા. પારૂલ માત્ર નવ વર્ષનાં અને પન્નાલાલ ૧૩ વર્ષના હતા ત્યારે એમના લગ્ન થઈ ગયા હતા. ‘ભલાઈ’ ફિલ્મના આઠ ગીતોમાંથી છ ગીતો સિતારા દેવીએ ગાયા હતા. ‘દુહાઈ’ ફિલ્મમાં તેમણે રફીક ગઝનવી અને શાંતિ કુમારની સાથે મળીને સંગીત આપ્યું હતું. આ ફિલ્મના મોટા ભાગના ગીતો ફિલ્મની મુખ્ય હીરોઈન શાંતા આપ્ટેએ ગાયા હતા.

આ જ પેહલુ મેં દર્દ સા કયા હૈ... ફિલ્મ ‘સવાલ’ની આ ગઝલ એમની પત્ની પારૂલે ગાઈ છે. વાલી સાહેબના શબ્દો જબરદસ્ત છે.

પ્યારે પ્યારે સપને હમારે

જનમ જનમ તક સંગ રહે હમ

કભી ના હો ન્યારે...

(ફિલ્મ: અન્જાન, ગાયિકા: દેવિકા રાણી, ગીત: પ્રદીપ

ઓ ગોરી મોસે ગંગા કે પાર મિલના

ઓ સૈંયા મોસે ગંગા કે પાર મિલના

(ફિલ્મ: બસંત, ગાયક: પારૂલ ઘોષ અને અરૂણકુમાર, ગીત: પી. એલ. સંતોષી)

ઉમ્મીદ ઉનસે કયા થી, કર વો કયા રહે હૈ

ખુદ હી બના રહે થે, ખુદ હી મિટા રહે હૈ

આયે થે ઈશ્ક બન કે અબ અશ્ક બન ગયે વૉ

ખુદ હંસા રહે થે, ખુદ હી રુલા રહે હૈ

કિસ કી સદા યે આઈ, કિસ ને મુઝે પુકારા

કોઈ મુઝે બતા દે ક્યા વૉ બુલા રહે હૈ

‘બસંત’ ફિલ્મની આ એક ખૂબ જ સુંદર બંદીશ છે. એમાંય પી એલ સંતોષીના શબ્દો અને પારૂલ ઘોષના કંઠે કમાલ કરી છે.

‘પોલીસ’ ફિલ્મનું એક યુગલ ગીત જુઓ. પ્રેમ અદીબ અને પારૂલ ઘોષે ગાયું છે.

આતા હૈ કૌન છૂપ છૂપ કે મેરે ખ્વાબ મેં

મન કી પુકાર, જીવન કે તાર, છૂપ છૂપ કે બોલો,

બજાતા હૈ કોન

જીસ કા તુમ્હે ઈન્તેઝાર હૈ વો ભી તો બેકરાર હૈ

તુમ કો ઉનસે હો ના હો ઉનકો તો તુમ સે પ્યાર હૈ

છૂપછૂપ કે બોલો એ ગાતા હૈ કોન

આયે હમેં બતાયેં વો અપની સદા સુનાયે વો

ઉન કો યકીં હો ના હો હમ કો તો ઐતબાર હૈ

છૂપ છૂપ કે યે મુશ્કુરાતા હૈ કૌન

મેરે જીવન કે પથ પર છાઈ હૈ કૌન

પૂનમ કી ચાંદની...

(ફિલ્મ: અન્જાન, ગાયક: દેવિકા રાણી અને અશોક કુમાર, ગીત: કવિ પ્રદીપ)

પન્નાલાલનું ફિલ્મી ગીતોમાં વાંસળીવાદક તરીકેનું યોગદાન પણ ખૂબ મોટું રહ્યું હતું. ૧૯૩૦માં આવેલી ‘મીરા’ ફિલ્મના ગીતોમાં તેમણે વાંસળી વગાડી ત્યારે એમને ભાગ્યે જ ખયાલ હશે કે એક ગોવાળિયાએ આપેલી બંસરીના સૂર એમને અહીં સુધી લાવશે. એમના ગામની નદી કિનારે કૃષ્ણની જેમ એમણે બજાવેલી વાંસળીના સૂર ‘મીરા’ ફિલ્મના ગીતોમાં શાશ્ર્વતી સ્વરૂપ લઈ લેશે. આ ફિલ્મથી એમ. એસ. સુબુલક્ષ્મીને કોલકતામાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થયેલી.

શંકર જયકિશનના સંગીત દિગ્દર્શન હેઠળની ‘બસંત બહાર’ નામની ફિલ્મનું એક ગીત યાદ આવે છે.

મેં પિયા તેરી તું માને યા ના માને

દુનિયા જાને તું જાને યા ના જાને

કાહે કો બજાયે તું મીઠી મીઠી તાને...

આ ગીતના રેકોર્ડિંગ વખતે એમ કહેવાય છે કે મ્યુઝિશિયનોની હડતાલ હતી એટલે જે બે-ચાર વાદ્યકારો આવ્યા એનાથી શંકર-જયકિશને કામ ચલાવીને ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું. આમાં પન્નાલાલે વાંસળી વગાડીને જાણે કેટકેટલાય વાદ્યકારોનું કામ પોતે સંભાળી લીધું હતું.

આ જ ફિલ્મનું અન્ય એક ગીત લ્યો અને કમાલ પન્નાલાલની વાંસળીની સાંભળો.

નૈન મિલે ચૈન કહાં

દિલ હૈ વહીં તું હૈ જહાં

યે ક્યા કિયા સૈયાં સાવરે

ઓ તુને યે કયા કિયા સૈયા સાંવરે...

‘મોગલ-એ-આઝમ’ના

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે

મોરી નાજુક કલૈયા મરોડ ગયો રે

ગીતમાં વાગતી વાંસળી પન્નાલાલની જાદુગરી હતી.

પન્નાલાલે ફિલ્મી ગીતોમાં બંસૂરીવાદન કરીને ગીતોમાં મીઠાશ ભરી છે અને એટલે જ આજેય એમના ગીતો અમરત્વ પામ્યા છે. ૧૯૫૬ સુધી પન્નાલાલ મુંબઈમાં રહ્યા અને પછી દિલ્હી શિફટ થઈ ગયેલા. ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના એમનું નિધન થયું. કાળની એક ફૂંકે અમલ જ્યોતિ ઘોષની જીવનજ્યોત બુઝાવી નાખી, પરંતુ એમના સૂરોને કોઈ ફૂંક ઠારી નહીં શકે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f27u684d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com