15-December-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભિવંડીથી થાણે ને થાણેથી વડાલા ઝૂ...પ

મુંબઈ મેટ્રો - પૂજા શાહમુંબઇ હવે માત્ર મુંબઇ નથી રહ્યું. દહીંસર અને બોરીવલી વચ્ચેનો વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે આથી ટેક્નિકલી તેને મુંબઇ કહેવાય, પરંતુ હવેનું મુંબઇ એટલે છત્રપતિ શિવાજી ટર્મિનસથી લઇ અંબરનાથ અને દહાણુ-વિરારથી લઇને ચર્ચગેટ તેમ જ સીએસટીથી લઇને પનવેલ. મુંબઇ મેટ્રોપોલિટન રિઝન (એમએમઆર) તરીકે ઓળખાતા આ વિસ્તારો એક રીતે મુંબઇનો જ ભાગ છે અને અહીંના લોકો મુંબઇના વિવિધ પરાંમાં નિયમિત અવરજવર કરે છે. કામધંધા અને નોકરીઓ માટે વિરારથી ચર્ચગેટ કે થાણેથી દક્ષિણ મુંબઇમાં આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. દક્ષિણ મુંબઇ, બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ(બીકેસી) અને સ્ટેશન પાસેથી છૂટીછવાઇ માર્કેટ જ આ બધાના કામધંધાનું સ્થળ છે. મુંબઇમાં બેફામ વધતા ઘરના ભાવોએ કેટલાય પરિવારોને થાણે-કલ્યાણ, મીરા-ભાયંદર કે પનવેલ-બેલાપુર રહેવા મજબૂર કર્યા છે. મુંબઇમાં કરોડો ખર્ચી નાનકડા ખોખા જેવા ઘર લેવા કરતાં થોડે દૂર જઇ આરામથી રહેવાનું લોકો પસંદ કરતા થયા અને જોતજોતામાં થાણે જિલ્લો રાજ્યનો સૌથી મોટો જિલ્લો બની ગયો. થાણેમાં વસતિનો એવો તો વિસ્ફોટ થયો કે ૨૦૧૩માં તેને વિભાજિત કરી પાલઘરને અલગ કરવામાં આવ્યો.

આ તરફ હાર્બર લાઇનમાં વડાલા વિકસતું ગયું. દાદર અને માટુંગાને અડીને આવેલું વડાલા મુંબઇની અને દેશની ઘણી જાણીતી શૈક્ષણિક સંસ્થાઓનું હબ છે. વીજેટીઆઇ, યુડીસીટી, વીઆઇટી ખાલસા કૉલેજ, એસએનડીટી

જેવી સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજ મુંબઇના વિવિધ વિસ્તારોમાંથી આવે છે. આ સાથે વડાલા મંદિરો, મસ્જિદો અને ચર્ચ માટે પણ જાણીતું છે.

મુંબઇની સૌથી મોટી આંખની હૉસ્પિટલ, લેપ્રસીની બ્રિટિશકાળની હૉસ્પિટલ અહીં આવેલી છે. હાર્બર લાઇનના આ પરાંમાં બેસ્ટનું મ્યુઝિયમ છે અને હવે મોનોરેલનો કારશેડ પણ અહીં છે. અહીંથી મોનોરેલ સીધી મહાલક્ષ્મી -જેકોબ સર્કલ પહોંચાડશે, પણ થાણે અને મધ્ય રેલવેનાં વિવિધ સ્ટેશનો સાથે જોડવા માટે મેટ્રો ફોર વધારે મહત્ત્વની સાબિત થશે.

મેટ્રો ફોરને રાજ્ય સરકારે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ કેબિનેટની મંજૂરીની મહોર મારી. રૂ.૧૪,૫૪૯ કરોડના આ પ્રોજેક્ટનો અડધો ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપાડશે જ્યારે અડધો ખર્ચ એશિયન ડેવલપમેન્ટ બૅંક અને વર્લ્ડ બૅંકની લોન દ્વારા ઉપાડવામાં આવશે. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અન્ય પ્રકલ્પો સાથે આ પ્રકલ્પનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ટ્રેક બનાવવા અને સ્ટેશન માટેના કામને પાંચ પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. વડાલા પાસે એક કિમીના બાંધકામ માટે સીઆરઝેડ-ટુ આડે આવી રહ્યું છે. જોકે આ પરવાનગી મળી જશે તે વાત ચોક્કસ છે. મેટ્રો ફોરનો કારશેડ થાણે પાસે ઓવાલેમાં ૩૦ હેક્ટર જમીનમાં પ્રસ્તાવિત છે. આ સાથે વિક્રોલીમાં પણ એક કારશેડ બનાવવામાં આવશે. મેટ્રો ફોર માટે જમીનનો સર્વે કરવા માટે એમએમઆરડીએએ એક નવતર પ્રયોગ કર્યો હતો અને ડ્રોનના ઉપયોગથી સર્વે કરવાનું નક્કી કર્યું હતું. આમ કરવાથી રૂટનો બહુ ચોક્કસ વ્યૂ મળી શકે અને આ સાથે રૂટ આસપાસ પોતાનો વસવાટ છે, તેમ કહી બની બેઠેલા અસરગ્રસ્તો પર નિયંત્રણ પણ લાવી શકાય.

આ લાઇનને વડાલાથી મુંબઇ સેન્ટ્રલ-પૉસ્ટ ઑફિસ અને મુંબઇ પોર્ટ ટ્રસ્ટ સુધી એક્સટેન્ડ કરવાની વાત ચાલી રહી છે. આ માટે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો હોવાનું એમએમઆરડીએના કમિશનર યુપીએસ મદાને જણાવ્યું હતું. જોકે આ માટે રૂ.૩૦૦ કરોડનો ખર્ચ વધી જાય છે, પરંતુ મુંબઇની જરૂરિયાતને જોતા આ રૂટ મહત્ત્વનો સાબિત થઇ શકે છે.

૩૨ કિમી લાંબી મેટ્રો ફોરનાં ૩૨ સ્ટેશન

૧.ભક્તિપાર્ક ૨.વડાલા ટીટી ૩.અનીક નગર બસ ડેપો ૪.સુમન નગર ૫.સિદ્ધાર્થ કૉલોની ૬. અમર મહેલ જંક્શન ૭.ગરોડિયા નગર ૮ પંતનગર ૯. લક્ષ્મી નગર ૧૦.શ્રેયસ સિનેમા ૧૧.ગોદરેજ કંપની ૧૨.વિક્રોલી મેટ્રો ૧૩. સૂર્યા નગર ૧૪.ગાંધી નગર ૧૫.નવલ હાઉસીંગ ૧૬.ભાંડુપ મહાપાલિકા ૧૭.ભાંડૂપ મેટ્રો ૧૮.શાંગ્રીલા ૧૯.સોનાપુર ૨૦. મુલુન્ડ ફાયર સ્ટેશન ૨૧. મુલુન્ડ નાકા ૨૨.તીન હાથ નાકા ૨૩.આરટીઓ(થાણે) ૨૪.મહાપાલિકા માર્ગ ૨૫. કેડબરી જંક્શન ૨૬.માજીવાડા ૨૭.કપૂરબાવડી ૨૮.માનપાડા ૨૯. ટીકુજીની વાડી ૩૦. ડોંગરીપાડા ૩૧.વિજય ગાર્ડન ૩૨. કાસારવડવલી કાર ડેપો ઑવાલે.

કુલ છ કૉચની ટ્રેન ડિઝાઇન કરવામાં આવશે જેમાં ૨૦૨૧માં દિવસદીઠ ૮.૭ લાખ અને ૨૦૩૧માં ૧૨.૧ લાખ પ્રવાસી પ્રવાસ કરશે, તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. ઇંધણની બચત સાથે લોકોના સમય અને શક્તિની પણ મોટી બચત થશે તેમ કહેવું ખોટું ન ગણાય. આ ટ્રેનને ઘાટકોપરથી ઇન્ટરચેન્જ પણ મળશે. ઘાટકોપરથી અંધેરી-વર્સોવા જવા મેટ્રો વન મળી શકે. આ સાથે મેટ્રો વનના મરોલ સ્ટેશનથી કોલાબા-સિપ્ઝ મેટ્રો થ્રી મળી શકે. ઉપરાંત અંધેરીથી જોડાયેલી તમામ મેટ્રો સર્વિસ મળી શકે. થાણેથી મુંબઇ આવનારા હજારો પ્રવાસીઓ લોકલમાં જાનના જોખમ સાથે કેટલીય મુશ્કેલીઓ સહન કરતા હોય છે ખાસ કરીને મધ્ય રેલવેમાં વરસાદના સમયમાં ટ્રેન મળવી અને ટ્રેન નિર્ધારિત સમયમાં ડેસ્ટિનેશન પર પહોંચવી નસીબ જ માનવામાં આવે છે. લગભગ રોજ મોડી પડતી મધ્ય રેલવેમાં હજારો મુસાફરો ધક્કે ચડે છે ત્યારે તેમને વૈકલ્પિક વ્યવસ્થાની તાતી જરૂર છે, જે મેટ્રો પૂરી પાડશે.

-----------------------------

મેટ્રો-ફાઇવ: થાણે-ભિવંડી-કલ્યાણ

પાવરલૂમ નગરીને જોડશે મુંબઇ -થાણે સાથે એશિયાની સૌથી મોટી પાવરલૂમ ઇન્ડસ્ટ્રી જ્યાં આવેલી છે તે ભિવંડી મુંબઇને અડીને આવ્યું હોવા છતાં મુંબઇથી વેગળું છે. તાજેતરમાં અહીં ફ્લાયઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા મુંબઇના કોઇ પણ પરાંથી ભિવંડી જવું કોઇ દુ:સ્વપ્નથી ઓછું નથી. ભિવંડીમાં લગભગ સાત લાખ પાવરલૂમ આવી છે આ ઉપરાંત ઑનલાઇન બિઝનેસ શરૂ થતાં અહીં કેટલીય કંપનીના વેરહાઉસ પણ આવેલાં છે જ્યાં મોટા પ્રમાણમાં માલસામાન રાખવામાં આવે છે. ભિવંડીને થાણે અને મુંબઇ સાથે જોડવાની વર્ષો જૂની માગણી પૂરી થઇ રહી છે અને ભિવંડી થાણે વચ્ચે મેટ્રો-ફાઇવ પ્રકલ્પ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભિવંડીથી મુંબઇ સુધી લંબાતા હજારો પ્રવાસીઓ માટે આ ખરેખર ઉજવણી કરવા જેવા સમાચાર છે જ. ૨૦૧૬માં મુખ્ય પ્રધાને આ લાઇન પર મંજૂરીની મહોર મારી અને હવે એમએમઆરડીએ ડિસેમ્બર ૨૦૧૭માં કામ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભિવંડીથી થાણે અને પછી થાણેથી મેટ્રો ફોર દ્વારા મુલુન્ડ, વિક્રોલી, ભાંડુપ, ઘાટકોપર, વડાલા સુધી જઇ શકે છે. આ સાથે ઘાટકોપરથી મેટ્રો વન દ્વારા અંધેરી જઇ પશ્ર્ચિમ રેલવેના સ્ટેશનો પર જવાનું પણ આસાન બની જશે.

મેટ્રો-ફાઇવ ૧૭ સ્ટેશનને જોડશે. કુલ ૮,૪૧૬ કરોડના ખર્ચે બનાવવામાં આવતી આ એલિવેટેડ કોરિડોર ૨૦૨૧માં તૈયાર થશે, તેવો અંદાજ એમએમઆરડીએ આપી રહ્યું છે.

૨૪ કિમી લાંબી મેટ્રો-ફાઇવનાં ૧૭ સ્ટેશન

૧.કલ્યાણ એપીએમસી, ૨. કલ્યાણ સ્ટેશન, ૩. સહજાનંદ ચોક, ૪. દુર્ગાડી ફોર્ટ, ૫.કોન ગાંવ, ૬. ગોવે ગાંવ એમઆઇડીસી, ૭. રાજનૌલી વિલેજ, ૮.ટેમઘર, ૯.ગોપાલ નગર, ૧૦.ભિવંડી, ૧૧. ધામનકર નાકા, ૧૨. અંજૂર ફાટા, ૧૩. પુરણા, ૧૪. કેલ્હેર, ૧૫. કાશેલી, ૧૬. બાલ્કુંભ નાકા, ૧૭.કપૂરવાડી

મુંબઇ દેશભરના લાખો યુવાનોને રોજગારીની તકો માટે લલચાવે છે. અહીં રોજ-રોજનું કમાતા રોજમદારથી માંડી માલેતુજારો રહે છે, પરંતુ પરિવહનની સમસ્યા બધાને લગભગ એક સરખી જ નડે છે. શ્રીમંતો એક વાર પૈસા ખર્ચી સુખ સાહ્યેબીવાળી કાર ખરીદી શકે છે, પરંતુ રસ્તા પરનું ટ્રાફિક તો તેમની માટે પણ એક મોટી સમસ્યા છે જ. જ્યારે ગરીબ અને મધ્યમવર્ગ માટે જાનનું જોખમ હોય કે અસહ્ય હાલાકી હોય જાહેર પરિવહન પર જ આધાર રાખવો પડે છે. આ માટે સસ્તા ભાવમાં એરકન્ડિશન મેટ્રો તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ તે વાત નિશ્ર્ચિત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

73584pL1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com