21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મનની મોસમ અને મોરલાને જુદો રાખી નથી શકતો માનવી

કવિતાની કેડીએ - નલિની માડગાંવકરમાણસ

વાત સાચી છે કે ગામેગામ

હું નાચતો ફરતો હોઉં છું,

મારી આસપાસ પાથરેલી

ગિરદીની પોટલીઓ

હળવેકથી છોડતો હોઉં છું.

અને સામેની ભીડ જામીને વિસામો લે કે

નાચતાં નાચતાં હું ગાવા માંડું છું.

બાંધી રાખ્યાં છે, કમરની આસપાસ

મોરનાં પીંછાં.

હાથમાંય મોરપીંછ ઝુલાવું છું.

એના સિવાય ડોલાવી શકતો નથી સામેની મેદનીને.

આ તો મારો રોજનો અનુભવ.

ભીડ ધીમે ધીમે વિસામી ખુશ થાય છે

પણ પછી સામેના ચહેરા નર્યા ભીડના રહેતા નથી.

દરેક ચહેરો જણાય છે માણસનો.

એનું ભાન પણ તેઓને નથી હોતું!નાચતાં, નાચતાં,

નચાવતાં, નચાવતાં,

જ્યારે મને સામેના ચહેરા જણાય છે માણસના

ત્યારે હું એને કાલાવાલા કરતો કહું છું;

બાપલિયા, મોરોએ આનંદથી નાખ્યાં હોય

એવાં જ પીછાં ભેગાં કરજો,

નસીબ પાધરાં માનીને,

પછી જોઈએ તેટલાં વીંટોને!

કમરની આસપાસ, માથાની આસપાસ...

માણસોના ચમકતા ચહેરાઓ

રૂમઝૂમતા, ઝૂલતા સામે દેખાય છે ત્યારે

નાચતો હોય છે મારા મનમાં ટહુકતો

ઘેરો આસમાની એક મોરલો!નાચી નાચીને થાક્યોપાક્યો

જ્યારે ઘરે આવું છું ત્યારે

મારો મનમોર તો

પોતાનું આસમાની ભૂરું નર્તન જ

ઉડાડતો હોય છે આસપાસ.

મનમાં મનમાં, હસતાં હસતાં ખુદને જ સંભળાવું છું

કે સામેવાળો એકાદ માણસ

ધારદાર લોભનું પોતાનું દાતરડું

મોરની ગરદન પર ફેરવવાનું થંભાવી દે છે

અને પોતાના મનના કુમળા ઝરણાને

નાચતા મોરના પગ સુધી પહોંચવા દે તો

પછી મારું નાચવું ગાવું, કૃતાર્થ!ભીડ ભલેને ગમે તેટલી હોય પણ

એ ભીડમાં

માણસનો ચહેરો બચ્યો હોય છે.

મારા આવા ભરોસાને ખભે

મારી થાકેલી ગરદન રાખું છું!આર્દ્ર થઈ મીંચાયેલી મારી આંખોમાં

એક મોર ભરોસાથી નાચી રહ્યો છે!

- મંગેશ પાડગાંવકર

અનુ. નલિની માડગાંવકર

------------------------------

વરસાદની મોસમ શરૂ થાય એટલે આપણા મનનો અષાઢ ગાનારા બે માનીતા કવિઓ યાદ આવે; કવિ રમેશ પારેખ અને મરાઠી ભાષાના કવિ મંગેશ પાડગાંવકર. આ બંને કવિઓ આપણા મનના ચોકને કવિતાઓથી આદ્રર્ર બનાવી લાંબી મુસાફરીએ ચાલ્યા ગયા છે, ખાસ તો સહુ કવિતાપ્રેમીઓને પોતાની રચનાઓના વારસદાર બનાવીને.

અષાઢ મહિનો પાસે ને પાસે આવી રહ્યો છે. ત્યારે બધી મર્યાદાઓ અને ફરિયાદો ભૂલી જઈને માણસ અને પ્રકૃતિ હાથમાં હાથ ગૂંથી ચાલી રહ્યાં છે. બંને કવિઓની રચનાઓ આજે પણ આપણા મનને અને આંખોને ભીંજવે છે. આજે કવિ મંગેશ પાડગાંવકરની એક રચનાની વાત કરવી છે. આમ તો કવિ માણસની વાત કરે છે, પણ મોરના થનગનાટને, પોતાનો બનાવનાર મનમયૂરને વિખૂટો રાખી શકતા નથી. કવિતાના ચાહકોના મનમાં, ઉત્તમ અનુવાદથી કળાયેલ મોરલાનું અમર ચિત્ર કવિ મેઘાણીએ આપ્યું છે. આમ મોરલો ટહુકાર કરીને આપણી કવિતા પર છવાઈ ગયો છે.

જેમની પકવ કલમ ક્યારે કયો રંગ ધારણ કરશે એની કોઈ આગાહી કરવી એ મંગેશ પાડગાંવકરની કવિતા માટે કહેવું બહુ મુશ્કેલ છે. કવિ મંગેશના એક કાવ્યસંગ્રહનું નામ જ સાંકેતિક છે;

‘કવિતા માણસાંચ્યા, માણસાં સાઠી’

(કવિતા માણસોની, માણસો માટે) એમાંની એક રચના છે; ‘માણસ’. અહીં જે છબી કવિએ સર્જી છે એ બજાણિયાની નથી કે નથી ‘વાસુદેવ’ની. અહીં સર્જાયેલી છબી માણસની છે. મોરલાનાં પીંછાં કમરે કે માથે બાંધીને નાચતો, નચાવતો આ માણસ છે. પણ માણસ થવું એ એની પહેલી શરત છે, કારણ એનું સર્જન કોઈ ઉનાળામાં નથી થયું એ તો વર્ષાની નીપજ છે. કારણ વરસાદના અનિવાર્ય તત્ત્વને, કવિ નિમિત્ત બનાવે છે. એ છે માણસમાં સમાયેલું આનંદનું મોરપણું.

આ અનુભૂતિ સંહાર રચતા માણસથી જુદી છે. કળા અને વ્યવસાય વચ્ચેનો સંબંધ કવિ નવી નજરથી નિહાળે છે. માણસનું ટોળું સામે છે. અને ગોળાકારમાં ઘેરાયેલો પણ ‘માણસ’ છે.

કવિ માણસમાં રહેલું માણસપણું જગાડે છે. વ્યવસાયમાં ગળાકાપ હરીફાઈ હોય, પણ કળામાં તો સર્જકનું રૂપ જ અલાયદું હોય છે. પોતાની દૃષ્ટિથી એ નવી દુનિયા નિહાળે છે. કમ્મરે બાંધેલો મોરપીંછનો પટ્ટો-હાથમાં નાચતું-તાલે તાલે નાચતું-નચાવતું મોરપીંછ-જો એક નાનકડા મોરપીંછમાં પણ મેદનીને ડોલાવવાની શક્તિ હોય તો આખો મોરલો જ વર્તુળમાં ઊતરી આવે તો શું થાય! કવિ ક્યાં સુધી આ મોરલા અને માનવને જુદા રાખી શકવાના છે? એ તો બંનેના નવાં સ્વરૂપને હૈયામાં એક કરે છે. આમ પણ વર્ષાઋતુના દિવસો જ માનવપ્રકૃતિને એક કરવા શક્તિમાન છે.

ગામે ગામ આ નટ પોતાના ખાસ પહેરવેશ સાથે ફરે છે. ગિરદી એને માટે ગ્રંથિ વગરના પોટલા જેવી છે. એને કવિ ઘાટ આપવા ઈચ્છે છે. ભીડ ઠરે એટલે આ નટ પોતાનો ખેલ શરૂ કરે છે. આવો નટ એ સામાન્ય નથી; ‘નટસમ્રાટ’ છે. કવિની શ્રદ્ધા કેટલી અતૂટ છે? એ પણ માણસ પરની. ભીડનો ચહેરો ધીમે ધીમે માણસનો બનતો જાય છે. વામનની વિરાટ બનવાની અને વિરાટમાંથી પાછા હૃદયમાં ઊતરવાની પ્રક્રિયા કવિ શબ્દોમાં આપે છે,

આખી રચના એક અદકેરા માણસની સ્વગતોક્તિ જેવી છે. મોરનો વિચ્છેદ નથી ઈચ્છતાં; એના ખરતા આનંદને પીંછાની જેમ કવિતામાં ઝીલી લેવા માગે છે. માણસ, એક બીજા માણસ પાસે પોતાનું મનોગત કે મનોજગત ખોેલે છે. સામી વ્યક્તિ એ બીજું કોઈ નથી; આપણે ભાવકો જ છીએ. મોરનાં ખરેલાં પીંછાં કમરે કે માથે વીંટવા જરાય હાનિકારક નથી. આ બધી વાત કરતાં કરતાં કવિ પોતાના મનમાં ટહુકતા મોરને, એના ટહુકારને નખશિખ સાંભળી રહ્યા છે.

વ્યવસાયી માણસ પ્રકૃતિને છેદવા માગે છે કારણ એની પાસે લોભનું દાતરડું છે. એને વશ નથી કવિ થતાં કે નથી એમના મનનો મોરલો થતો. નિમિત્ત તો નાચતા ‘નટ’નું છે. એના પગને શક્તિ આપનાર મનનું પેલું છુપાયેલું ઝરણું છે. એની શીતળતા પાસે શામક અમૃત છે. આવું અમૃત વારંવાર કવિની આંખોને ભીની કરે છે, કવિની શ્રદ્ધા છે કે દરેક ભીડમાં લોભનું દાતરડું ફેરવનાર માણસનું શસ્ત્ર બુઠ્ઠું બનાવે એવું કુમળું ઝરણું વહી રહ્યું છે. એને આંતરઝરણું રાખવા કવિ નથી ઈચ્છતા. એ ઝરણું જો બાહ્ય બનશે, પ્રગટ રૂપમાં આવશે તો જ એનામાં સ્પર્શનો ગુણ હશે.

માણસની શ્રદ્ધા-ભરોસાના ખભે માથું મૂકીને જાણે કવિ પેલી નિષ્ઠુરતાની વેદનાને ભૂંસવા ચાહે છે. માને ખોળે માથું મૂકવું એ વાત્સલ્યની પરાકાષ્ઠા છે, પણ આવા ભરોસોને ખભે માથું મૂકવું એ સૃષ્ટિના વિશ્ર્વાસની આધારશિલા છે.

સમગ્ર કવિતામાં કવિની માનવ શ્રદ્ધા આપણી આંખોને આર્દ્ર કર્યા વગર રહેતી નથી. એક મોરલાને કવિ મનને ઊંચે આસને બેસાડીને નાચતો રાખવા ઝંખે છે. આંખો જ્યારે ભીની થાય છે ત્યારે સ્વાર્થી જગતનું દૃશ્ય ઝાંખું જ થતું હોય છે. આખરે કવિ તો કવિ જ છે એટલે મનની મોસમને અને મોરલાને જુદા રાખી શકતા નથી અને માણસને કોમળ ઝરણા વગર ચાહી શકતા નથી. આવા કવિની કલમ અચાનક વળાંક લઈ થંભી જાય એ કલ્પના જ મનને વ્યાકુળ કરનારી છે. એમની એક રચનાને યાદ કરીને વિરમીએ;

‘એકલા એકલા ચાલતી વખતે

પોતાનું ગાણું ગાતા જવું

ભીતર ભીતરના વરસાદમાં

આંખો મીંચી નહાતા રહેવું.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e511W53
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com