20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજકારણમાં રસની સર: થોડી મૂંજી, ઝાઝી રમૂજી

કવર સ્ટોરી - હેન્રી શાસ્ત્રીથોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે કરેલી રેઇનકોટવાળી કમેન્ટને શુદ્ધ વિનોદ ગણવો, વ્યંગ ગણવો કે મહેણું માનવું એ વિશે ઘણા મતભેદ છે. જોકે, જાડી ચામડી હોવાનું લેબલ ધરાવતા ભારતીય રાજકારણીઓ વિનોદની બાબતે સુંવાળા હોવાનો ઇતિહાસ છે. વાક્ચાતુર્યમાં પ્રવીણ એવા મોદીમાં રમૂજવૃત્તિ ભારોભાર હોવાનું એકથી વધુ પ્રસંગે જાણવા મળ્યું છે. ૧૯૫૨માં પહેલી સંસદ મળી ત્યારથી રાજકારણમાં રસની સર એટલે કે સરવાણી ફૂટતી રહી છે અને વિનોદનું વાતાવરણ અને રમૂજની છોળો ઊડતી જોવા મળી છે. અલબત્ત કોને રમૂજ ગણવી, શેને ઠેકડી કહેવી અને શેને અપમાનાસ્પદ નિવેદનનું લેબલ લગાડવું એ વ્યક્તિગત બાબત છે. દરેક વ્યક્તિની મનોભૂમિ અલગ અલગ હોય છે અને એટલે પ્રતિક્રિયા પણ જુદી જુદી હોય છે.

સંસદમાં હવે રમૂજ ઓછી જોવા મળી રહી છે એ વાતનો ઉલ્લેખ કરીને મોદીએ સુષમા સ્વરાજે કેટલાંક વર્ષો પહેલા શરદ પવાર પર છોડેલા વાક્બાણનો કિસ્સો તાજો કર્યો. મોદીએ કહ્યું કે, ‘સંસદમાં એક વખત સુષમાજીએ પવારની ટીકા કરીને તેમને લલિતા પવાર (નેગેટિવ રોલ માટે જાણીતાં અભિનેત્રી) સાથે સરખાવ્યા હતા અને પવારે આ આખીય વાતને હસી કાઢી એનો આનંદ લીધો હતો.’

૧૯૫૦ અને ૬૦ના દાયકામાં સંસદ યુવા નેતાઓથી ઊભરાતી હતી. એ સમયમાં રામમનોહર લોહિયા, જવાહરલાલ નહેરુ, ફિરોઝ ગાંધી, પીલુ મોદી જેવા પીઢ રાજકારણીઓની રમૂજ જરાય છીછરી નહીં બલકે ઉચ્ચ દર્જાની રહી છે. આ રાજકારણીઓ રમૂજી ટીકા કરી શકતા હતા તો તેમની ટીકા થાય ત્યારે હસીને એનો સામનો કરવાની આવડત પણ ધરાવતા હતા. જોકે, રમૂજને કારણે સંસદનું સત્ર ખોરવાયું હોય કે તીવ્ર નારાજગીનો સૂર ફેલાયો હોય એવું સ્મૃતિમાં નથી. એમાંય પીલુ મોદીની રમૂજનો જોટો જડવો મુશ્કેલ છે. રાજકારણીઓમાં તેમને રમૂજના બેતાજ બાદશાહનું બિરુદ ચોક્કસ આપી શકાય. પછીના સમયકાળમાં ઇન્દિરા ગાંધી, વાજપેયીથી માંડીને અત્યારે નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકારણીઓએ તેમની જઊગજઊ ઘઋ ઇંઞખઘઞછથી લોકોને મોજ કરાવી છે. વૈશ્ર્વિક સ્તરે રાજકારણની રમૂજમાં પહેલું નામ નિ:શંકપણે એક સમયના બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલનું જ આવે. તેમનો હાજરજવાબી સ્વભાવ જગપ્રસિદ્ધ છે. તો ચાલો રાજકારણની રમૂજની દુનિયામાં સહેલ કરીએ અને મીંઢા ગણાતા રાજકારણીઓની હળવી બાજુ પણ નીરખીએ.

ગાંધીજી અને કિંગ જ્યૉર્જ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રમૂજવૃત્તિ તીક્ષ્ણ અને માર્મિક હતી. ગાંધીજી ઇંગ્લૅન્ડ ગયા ત્યારે બકિંગહૅમ પૅલેસમાં કિંગ જ્યોર્જ પાંચમાને પોતડી પહેરીને મળવા ગયા એની ટીકા થઇ ત્યારે મંદ મંદ સ્મિત વેરીને ગાંધીજીએ કહ્યું હતું કે ‘રાજાએ અમે બેઉ પહેરી શકીએ એટલા કપડાં પહેર્યા હતા.’

શેર કી આવાઝ

મોદીના નેતૃત્વ હેઠળની સરકારે મેક ઈન ઇન્ડિયાનો વિચાર રજૂ કર્યો ત્યારે રાહુલ ગાંધીએ કટાક્ષના બાણ છોડીને કહ્યું હતું કે ‘મેક ઈન ઇન્ડિયાકા લોગો અચ્છા હૈ. બહુત બડા શેર હૈ. મગર શેર કી આવાઝ સુનાઈ નહીં દે રહી હૈ.’

મોદીનું સ્વદેશાગમન

સોશ્યલ મીડિયા પર મોદીને લક્ષ બનાવીને ઘણા ટુચકાઓ ફરતા હોય છે. એમાંથી કેટલાક રાજકીય પ્રતિસ્પર્ધીઓ વહેતા મૂકતા હોય છે તો કેટલાક જનતાની દિમાગની ઉપજ હોય છે. વડા પ્રધાન બન્યા પછી સતત થયેલા મોદીના વિદેશ પ્રવાસો પણ જોકનું કેન્દ્ર બની ગયા હતા. એક જોકે એવી હતી કે ‘બ્રેકીંગ ન્યુઝ. સેશલ્સ, ઑસ્ટ્રેલિયા અને મોરિશ્યસની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.’

દમ આલુ કે દમ નિકાલુ?

અટલ બિહારી વાજપેયી રમૂજ કરતી વખતે ખીલી ઊઠતા. એક વખત જમ્મુ-કશ્મીરના રોકાણ દરમિયાન કોઈ સ્થાનિક વ્યક્તિના ઘરે જમવા ગયા. ટેબલ પરની એક વાનગી સામે આંગળી ચીંધીને અટલજીએ પ્રશ્ર્ન કર્યો, ‘આ શું છે?’ જવાબ મળ્યો કે ‘શ્રીનગરની સ્પેશ્યલ વરાયટી છે, દમ આલુ.’ જોકે, ચડ્યા નહીં હોય કે અન્ય કોઈ કારણસર અટલજીને બટેટા કડક લાગતા એને છૂંદી નહોતા શકતા અને તરત બોલ્યા કે, ‘અરે યે દમ આલુ હૈ કે દમ નિકાલુ?’ અને હાસ્યનું મોજું ફરી વળ્યું.

શ્ર્વાન અને સ્તંભ

જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળના નાણાં પ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારી (ટીટીકે) પર એક કૌભાંડમાં સંડોવણીનો આરોપ હતો. એ ગેરરિતી ઉઘાડી પાડવાનું પ્રમુખ કામ ફિરોઝ ગાંધીએ કર્યું હતું. આથી ટીટીકેને ફિરોઝ ગાંધી પર ચીડ હતી અને તેમણે ગાંધીને નહેરુના કઅઙઉઘૠ એટલે કે કુરકુરિયું ગણાવ્યા હતા. જોકે, ફિરોઝ ગાંધી ગાંજ્યા જાય એવા નહોતા અને તેમણે તરત સામો જવાબ આપ્યો કે ‘કૃષ્ણમાચારી પોતાને રાષ્ટ્રના સ્તંભ લેખાવે છે તો તેમને ખબર હશે કે સ્તંભ એટલે કે થાંભલા પાસે જઇને શ્ર્વાન શું કરે?’ હસવું ખાળવું ભારે પડે છે ને!

જનતાના સેવક

એક વખત લોહિયાજીએ ગૃહમાં નિવેદન કર્યું કે નહેરુની છાપ એક ઉમરાવ ખાનદાનની વ્યક્તિની છે એ બરોબર નથી. તેમના શબ્દો હતા કે ‘વડા પ્રધાનના (નહેરુના) દાદા મોગલ દરબારમાં ચપરાસી હતા એ હું સાબિત કરી શકું એમ છું.’ જરાય અકળાયા વિના નહેરુએ સસ્મિત જવાબ આપ્યો હતો કે ‘હું જે વાત વર્ષોથી કહેવા માગું છું એ વાત માનનીય સંસદસભ્યે સ્વીકારી એનો મને આનંદ છે કે હું જનતાનો સેવક છું.’ આમ ચતુરાઈપૂર્વક નહેરુએ આવેલા બાઉન્સરથી ગભરાયા વિના સચિન તેંડુલકરની શૈલીમાં અપર કટ મારીને ચાર રન મેળવી લીધા. એ સમયે કોઈ કૉન્ગ્રેસીએ લોહિયાજીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત નહોતો કર્યો.

ભોકવાનું બંધ કરો

સ્વતંત્ર પાર્ટીના સ્થાપક સભ્યમાંના એક પીલુ મોદીને એક વાર કૉન્ગ્રેસના જે.સી. જૈન વારંવાર પ્રશ્ર્નો પૂછીને મોદીને પજવી રહ્યા હતા. થોડી વાર પછી ઉશ્કેરાયેલા મોદીએ બૂમ પાડીને કહ્યું, ‘જઝઘઙ ઇઅછઊંઈંગૠ (ભસવાનું બંધ કરો). જૈને આની સામે અણછાજતી ભાષા હોવાનો વાંધો ઉઠાવ્યો. અધ્યક્ષ સહમત થયા અને આ રજૂઆતની નોંધ નહીં રાખવામાં આવે એમ કહ્યું. પીલુ મોદીએ પણ પોતાની ભૂલ સુધારીને કહ્યું કે ‘ઓકે, જઝઘઙ ઇછઅઢઈંગૠ (ભોંકવાનું બંધ કરો)’. કોણ જાણે કેમ પણ આ ઉલ્લેખ જૈનની સમજમાં ન આવ્યો અને એ વાત રેકૉર્ડ પર લેવાઇ ગઇ.

વાજપેયીની સ્માર્ટનેસ

દલિતનેતા તરીકેની પ્રથમ ઓળખ ધરાવનાર રામવિલાસ પાસવાન આજે તો મોદીની કૅબિનેટમાં પ્રધાન છે. એક સમય હતો જ્યારે તેઓ ભાજપના કટ્ટર વિરોધી હતા. સંસદમાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન પાસવાન બોલ્યા: ભાજપ રામની બહુ વાતો કરે છે, પણ તેમનામાંથી કોઇ રામ નથી. મારું તો નામ જ રામ છે.

સાંભળીને વાજપેયી બોલ્યા: પાસવાનજી, એમ તો હરામમાં પણ રામ હોય છે.

હિંદીનો જવાબ મલયાલમમાં

વાત છે ૧૯૯૦ના દાયકાની. એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવનો અંગ્રેજી ભાષા પ્રત્યેનો દ્વેષ જાણીતો હતો. તેમણે કેરળના મુખ્ય પ્રધાન ઇ. કે. નયનારને એક પત્ર હિંદીમાં લખીને મોકલ્યો. સાઉથના લોકોની હિંદીની અજ્ઞાનતા જગજાહેર હોવા છતાં. નયનાર પણ ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે જવાબ પાઠવ્યો, મલયાલમ ભાષામાં.

ચર્ચીલનું ઝેર

બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન બ્રિટનના કાબેલ વડા પ્રધાન તરીકે પંકાયેલા વિન્સ્ટન ચર્ચીલની રમૂજવૃત્તિ જગજાહેર છે. તેમના અસંખ્ય કિસ્સાઓ પ્રચલિત છે. આ એક કિસ્સો ખૂબ જ મજેદાર છે. એકવાર તેમને નશામાં જોઇને અકળાયેલા પ્રથમ બ્રિટિશ મહિલા સંસદસભ્ય નૅન્સી ઍસ્ટરે તેમને કહ્યું, ‘વિન્સ્ટન, જો હું તમારી પત્ની હોત તો હું તમારી કૉફીમાં ઝેર નાખી દેત.’ મંદ મંદ સ્મિત સાથે ચર્ચીલે જવાબ આપ્યો, ‘નૅન્સી, તમે જો મારાં પત્ની હોત તો હું એ કૉફી પીવાનું પસંદ કરત.’ (એટલે કે મરવાનું પસંદ કરત).

જૂતા પૉલિશ કિયા કરો

અમેરિકાને આંતરિક કટોકટીમાંથી ઉગારનાર પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન હાજરજવાબી હતા. એક વખત તેમને જૂતા પૉલિશ કરતા જોઇને એક દોઢડાહ્યા રજકારણીએ ટીખળ કરવાના આશયથી પૂછ્યું, ‘મિસ્ટર પ્રેસિડન્ટ, તમારા બૂટને તમે જાતે પૉલિશ કરો છો?’ લિંકને ક્ષણભર પણ અચકાયા વિના કહ્યું, ‘હા, તમે કોના જૂતા પૉલિશ કરો છો?’ કહેવાની જરૂર ખરી કે પેલો માણસ ખો ભૂલી ગયો.

પત્ની પલાયન!

આચાર્ય ક્રિપલાણી ૧૯૨૯માં કૉન્ગ્રેસમાં જોડાયા હતા, પણ પછી મતભેદ સર્જાતા નવા અસ્તિત્વમાં આવેલા પ્રજા સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. એક વખત તેઓ કૉન્ગ્રેસની ટીકા કરી રહ્યા હતા ત્યારે એક સંસદસભ્યે તેમને જણાવ્યું કે તેમનાં પત્ની સુચેતાજી તો કૉન્ગ્રેસમાં છે. ક્રિપલાણીએ તાબડતોબ જવાબ આપ્યો કે ‘અત્યાર સુધી હું એમ માનતો હતો કે કૉન્ગ્રેસીઓ મૂરખ છે. અન્ય લોકોની પત્નીને ભગાડી જનારા ગૅન્ગસ્ટર્સ પણ છે એની તો મને ખબર જ નહોતી.’ તેમની વાત સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.

કારણ કે...

અમુક એવા પણ રમૂજી પ્રસંગો છે જે સંસદભવનની બહાર બન્યા છે. એક વખત અમેરિકન પત્રકાર દ્વારા ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને તમે પાકિસ્તાનના પ્રમુખ યાહ્યા ખાનને કેમ નથી મળવા માગતા એવો સવાલ કરવામાં આવતા તેમણે તાબડતોબ જવાબ આપ્યો કે ‘જે માણસ મુઠ્ઠી વાળીને બેસતો હોય એની સાથે હાથ કઇ રીતે મિલાવી શકાય?’ વિવાદ ઊભો કરવા માગતા પેલા પત્રકારની મનની મનમાં રહી ગઇ.

સફરજનની છાલ

લોકસભાના ભૂતપૂર્વ મહામંત્રી સુભાષ કશ્યપે સંસદમાં જોવા મળતી રમૂજ વિશે અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. જવાહરલાલ નહેરુના વિનોદી સ્વભાવનો ઉલ્લેખ કરીને તેમણે એક કિસ્સો ટાંક્યો છે. એકવાર નાસ્તો કરતી વખતે તેમને સફરજનની છાલ ઉતારતા જોઇને પીઢ સંસદસભ્ય મહાવીર ત્યાગીએ કહ્યું કે ‘તમે છાલ કેમ ઉતારો છો? એમાં તો વિટામિન હોય.’ બીજી જ ક્ષણે નહેરુનો જવાબ આવ્યો, ‘ત્યાગીજી, તમે વિટામિનનું સેવન કરો, બાકીનું સફરજન હું ખાઇશ.’

જડબાતોડ જવાબ

મહાવીર ત્યાગીને આ રમૂજનો બદલો લેવાની તક મળી ખરી. ભારત-ચીનના વિવાદાસ્દ વિસ્તાર અક્ષય ચીન વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે એ સમયે એ વિસ્તાર વિશે બહુ ઉત્સુક નહીં એવા નહેરુએ કહ્યું કે ‘અક્ષય ચીન એક એવો વિસ્તાર છે જ્યાં ઘાસનું તણખલું પણ નથી ઊગતું.’ આ વાત સાંભળીને ત્યાગીજી તરત ઊભા થયા અને પોતાનું ટાલવાળું માથું દેખાડીને બોલ્યા કે ‘મારા માથા પર એક સુધ્ધાં વાળ નથી તો શું મારે મારું માથું દુશ્મનને સોંપી દેવાનું?’ નહેરુ પાસે આનો કોઇ જવાબ નહોતો.

ટોપી કે નીચે ક્યા હૈ?

કૉન્ગ્રેસની સરકારમાં નાણાં પ્રધાનપદે રહેલા અને પછી જેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી એ વિશ્ર્વનાથ પ્રતાપ સિંહે - વી.પી. સિંહે - પછી જનતા દળની સ્થાપના કરી હતી અને ૧૯૮૯માં વડા પ્રધાન બન્યા હતા. તેમનો પહેરવેશ લાક્ષણિક હતો અને તેમના શિરે કાયમ ફર ટોપી જોવા મળતી. એક વખત તેઓ તેમનો ટ્રેડમાર્ક બની ગયેલી ફર ટોપી વિના આવ્યા (એવું માનવામાં આવે છે કે પ્રાણીપ્રેમી મેનકા ગાંધીએ મૃત પ્રાણીના શરીરમાંથી બનેલી વસ્તુઓ પહેરવી એ ક્રૂરતા છે એમ સમજાવ્યું હોવાથી વી.પી.એ એ ટોપી પહેરવાનું બંધ કર્યું હતું) હતા. એ સમયે વિરોધ પક્ષના કોઇએ કુતૂહલપૂર્વક પૂછતા તેમનો જવાબ હતો, ‘ટોપી મહત્ત્વની નથી, મહત્ત્વ છે ટોપી નીચે શું છે એનું (એટલે કે દિમાગનું).’ કહેવાની જરૂર ખરી કે પેલા સંસદસભ્ય ભોંઠા પડી ગયા.

સરોજિનીનું સૉરી

ચક્રવર્તી રાજગોપાલાચારી પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે એ સમયના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુ એમને મળવા કલકત્તાના રાજભવનમાં આવ્યા. રાજાજીની જરૂરિયાતો ઓછી અને સામાન્ય હતી. બંગાળનું રાજભવન આલીશાન છે. બેઉ નેતા આંટો મારતા મારતા ગવર્નરના બેડરૂમમાં આવ્યા જેમાં એક વિશાળ ડબલ બેડ હતો. રાજાજીએ કહ્યું, ‘સરોજિની, મારા જેવા માણસને આ લોકોએ કેવો મોટો ડબલ બેડ આપ્યો છે.’ મંદ મંદ સ્મિત કરીને સરોજિનીએ જવાબ આપ્યો, ‘રાજાજી, મેં જીવનમાં તમને ઘણી વાર તકલીફમાં મદદ કરી છે, પણ આમાં મદદરૂપ થવાય એમ નથી,’ અને બેઉ જણ ખડખડાટ હસી પડ્યા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j071i02
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com