22-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જિંદગીનો દોર આપણા હાથમાં: મરીને જીવવું છે કે જીવીને મરવું છે?
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

આગ ઉપર ચાલવાનું નામ આ સંસાર છે

થઈ શકે જો એટલો નિર્ણય તો બેડો પાર છે.

વિશ્ર્વમાં કુદરતની લીલાનો ભલા ક્યાં પાર છે

તારી દૃષ્ટિ શું જુએ છે એ ઉપર આધાર છે

સર્વથી તું શ્રેષ્ઠ છો એ ગર્વમાં રહેતો નહીં

આપણાથી શ્રેષ્ઠ લોકો જગમાં અપરંપાર છે

કોઈનું દિલ તોડવાની વાત કરશો નહીં કદી

જીભ તો કાબૂમાં રાખો જીભ તલવાર છે.

ક્યાંથી આવે છે હવા કેવો હવાનો રંગ છે

વિજ્ઞાનીઓને પૂછીએ કે એનો કયો આકાર છે

કોણ પ્રગટાવે છે રાતે આ કરોડો તારલા?

કો’ અદીઠી આજ્ઞાનો કેટલો સહકાર છે

કેટલો આભાર માનુંં, કેટલું વર્ણન કરું

આઝાદ મારા પર તો ઈશ્ર્વરના ઘણા ઉપકાર છે

કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનનો મર્મ સમજાવાયો છે. સંસારમાં રહીએ છીએ તો અનેક પ્રશ્ર્નો, મુશ્કેલીઓ અને આંટીઘૂંટીઓ ઊભી થવાની છે. માણસે આ બધાનો સામનો કરવાનો છે. બધું આપણી મરજી મુજબ થવાનું નથી. સંસારની આગમાં માણસે તપીને, નક્કર થઈને બહાર આવવાનું છે.

આપણે સૌ ઈશ્ર્વરની રચનાના અંશમાત્ર છીએ. કુદરતે ચોમેર તેનો જાદુ પાથર્યો છે, પણ તેને સમજવાનું મુશ્કેલ છે. આપણે તેનો કઈ રીતે સાક્ષાત્કાર માણીએ છીએ તે આપણા પર આધારિત છે. કોઈ પણ જાતના માન, અભિમાન અને અહંકાર વગર જો જાગીને જોઈએ તો તે અતિ સુંદર છે. આપણો અહમ્ આપણને સારું જોવા દેતો નથી, સારું સમજવા દેતો નથી. આપણે માનીએ છીએ કે આપણા જેવું કોઈ નથી. આ કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ છે. બહાર નીકળીને જોઈએ તો ખ્યાલ આવે કે ધસમસતી નદીમાં આપણે એક નાના તણખલા જેવા છીએ અને માનીએ છીએ કે નદી આપણા કારણે વહી રહી છે. જિંદગી પ્રેમ, મૈત્રી, સંપ અને સહકારથી ચાલે છે. આપણે જાણ્યે-અજાણ્યે તિરાડો ઊભી કરીએ છીએ અને કડવાં વચનો દ્વારા બીજાના દિલને દુભાવીએ છીએ. માણસ માત્ર રોટીથી જીવતો નથી. પ્રેમ, મૈત્રી, સંવેદના, પરિશ્રમ, વિશ્રામ, પૂજા, અર્ચના અને આરાધના તેને ખરા અર્થમાં જીવંત રાખે છે. ઊંચા પર્વતો, કલકલ વહેતાં ઝરણાઓ, પક્ષીઓનો કલરવ, આકાશમાં ટમટમતા તારલાઓ મનુષ્યને નવું જીવન બક્ષે છે. શહેરની સંસ્કૃતિ અને સિમેન્ટ-ક્રોન્ક્રીટના જંગલમાં આ બધું ખોવાઈ ગયું છે એટલે જીવન ભારરૂપ લાગે છે.

પ્રભુએ આપણને મબલખ આપ્યું છે, પણ આપણને સંતોષ થતો નથી. કુદરતે જે આપ્યું છે તે છોડીને આપણે કૃત્રિમ રીતે જીવી રહ્યા છીએ. દંભ, માન-અભિમાન અને પૂર્વગ્રહમાં કોચલામાં આપણે સીમિત થઈ ગયા છીએ. દરેક માણસ વધતેઓછે અંશે અહંકારથી પીડાય છે. કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને પદનું તો કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણે બીજાથી ચડિયાતા, સારા અને સમજદાર છીએ એવું માનીએ છીએ એટલે અહંકારનાં બીજ વવાઈ જાય છે. માણસને જ્ઞાનનો અને ત્યાગનો પણ અહંકાર છે. અહંકારી માણસને કોઈનું કશું સારું લાગતું નથી. કોઈ પોતાનાથી જરાક આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય છે. કોઈ તેની વાત ન સાંભળે કે કહ્યું ન માને તો રોષ ઊભો થાય છે. માન-સન્માન ન થાય, આવકાર ન મળે, અને ઊંચા આસને બેસવા ન મળે તો માઠું લાગી જાય છે. અહંકારની સાથે સુખ, ચેન અને શાંતિ હણાઈ જાય છે અને માણસ અંદરથી સળગ્યા કરે છે. હું કાંઈક છું એવો ખ્યાલ તેના દુ:ખનું કારણ બને છે. કોઈ માન આપે, ઊંચા આસને બેસાડે કે આદર-સત્કાર કરે ત્યારે માણસે વિચારવું જોઈએ કે આ બધું શાના માટે છે? ધન, પદ અને સત્તાના કારણે આવાં માનપાન મળતા હોય છે. આ બધું ન રહે ત્યારે આપણા પોતાના માણસો પણ મોઢું ફેરવી લે છે.

સ્વાર્થના પાયા પર આ દુનિયા રચાઈ છે. દરેક માણસ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે. કહેવાય છે કે ‘સગા સૌ સ્વાર્થના’ સ્વાર્થ હોય ત્યારે દૂરના પણ સગા જેવા બની જાય છે અને સ્વાર્થ પૂરો થાય, માણસ પાછો પડી જાય ત્યારે નજીકના સગાઓ પણ દૂર ભાગે છે. માણસ પાસે સત્તા, ધન, દૌલત, સંપતિ હોય અને તેનો સિતારો બુલંદ હોય ત્યારે મિત્રો, સગાસંબંધીઓ અને કહેવાતા હિતેચ્છુઓ મધમાખીની જેમ વીંટળાયેલા રહે છે. ખુશામતખોરો ટોળે વળે છે. ધર્મસ્થાનકોમાં પણ આવું જ છે. શ્રીમંતો અને માલેતુજારોનો ભાવ પુછાય છે. મુનિ મહારાજો અને ધર્મગુરુઓ સામેથી આવકાર આપે છે. લળી લળીને આશીર્વાદ આપે છે, પણ ધન ખલાસ થઈ ગયું તો બધું ખતમ. માણસનો ખરાબ સમય આવે છે ત્યારે આ બધા ક્યાં અલોપ થઈ જાય છે તેની ખબર પડતી નથી. આ બધો પૈસાનો ચમત્કાર છે. માણસે સારો સમય આવે ત્યારે સાવધાન રહેવું જોઈએ, સાચા માણસોને ઓળખવા જોઈએ અને નમ્રતા ધારણ કરવી જોઈએ. કોઈ પણ જાતના અભિમાનથી દૂર રહીને સુખ-દુ:ખમાં સમભાવ કેળવવો જોઈએ. જેના માટે આપણે ગર્વ અનુભવીએ છીએ તે કાયમી નથી. તેનો કોઈ ભરોસો નથી. આજે આપણી પાસે બધું છે, કાલે ન પણ હોય. તો પછી ઘમંડ શા માટે? જીવનમાં જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે તેમ સમજીને ચાલીએ અને આમાં મારું કશું નથી એવો ભાવ રાખીએ તો જીવન સરળ બની જાય. અહંકારને નાબૂદ કરવાનો અને સમભાવ કેળવવાનો એક રસ્તો એ છે કે ‘હુંના બિંદુમાં તું દેખાવા લાગે’ હું અદૃશ્ય થઈ જાય અને તું દેખાવા લાગે. કોઈએ કહ્યું છે તેમ ‘ઔરોમેં ખુદકો ખો કર, મૈ કો ઢૂંઢના જિંદગી ઉસી કા નામ હૈ.’ ભગવાન મહાવીરે પણ આ જ બોધ આપ્યો છે. તેમની સાધનાની આખરી કડી ‘કેવળજ્ઞાન’ છે. કેવળજ્ઞાન એટલે જ્ઞાની ન રહે માત્ર જ્ઞાન રહે, જાણનારો ન રહે માત્ર જાણકારી રહે, કરનારો ન રહે માત્ર કામ રહે, કર્તા રહે નહીં માત્ર કર્મ રહે.

માણસ બધું છોડી દે અને ત્યાગી બની જાય તો પણ આખરી સૂક્ષ્મ અહંકાર ‘હું’ છે. બધું છોડી દીધા પછી પણ આ ભાવ રહી જાય છે. ધનવાનનો અહંકાર છે મેં પ્રાપ્ત કર્યું છે. ત્યાગીનો અહંકાર છે મેં ત્યાગ કર્યો છે. ફરક માત્ર એટલો છે ધનવાનનો અહંકાર દેખાય છે ત્યાગીનો અહંકાર દેખાતો નથી. ધનવાનો કહે છે આ મારું ધન છે, આ મારી મહેલાતો છે. ત્યાગીઓ કહે છે આ મારો સંપ્રદાય છે. આ મારો આશ્રમ છે. આ મારું મંદિર છે. આ મારું તીર્થ છે. બધુ કાંચળીની જેમ ઊતરી જાય તો પણ હું અને મારું રહી જાય છે. સંસારીઓ મહેલો બાંધે છે. ત્યાગીઓ આશ્રમો, ભવનો અને તીર્થો બાંધે છે. સંસાર અને સંન્યાસ બંનેમાં ઢોલનગારા અને ધામધૂમ છે. અહંકારનું આ ઈંધણ છે. વસ્તુઓ છોડી દેવાથી ત્યાગી બની શકાતું નથી. મનની અંદરથી આ બધી વસ્તુઓ છૂટવી જોઈએ. સંન્યાસીઓ ત્યાગ કર્યા પછી અહીં અટકી જાય છે.હું અને મારું તેમનું મોટું બંધન છે. અહંકાર ત્યાગનું મહોરું પહેરી લે છે ત્યારે દેખાતો નથી. બહારની દુનિયા અને અંદરની દુનિયા જુદી છે. દરેક માણસ એક બીજો ચહેરો લઈને બેઠો છે. એટલે તે ખરા સ્વરૂપમાં દેખાતો નથી. કોઈએ ધનનો, કોઈએ જ્ઞાનનો, કોઈએ સજ્જનતાનો, કોઈએ દયાનો તો કોઈએ કરુણાનો આંચળો ઓઢેલો છે. તેમાં તેનો અસલી ચહેરો ખોવાઈ ગયો છે. આપણે સાધારણ લોકો છીએ. ઉપરથી નકાબ લગાવીને એકબીજાને બનાવીએ છીએ. આપણે આ બધું જાણીએ છીએ પણ આપણને આ સારું લાગે છે. બહાર દેખાતું બધું અસલી નથી. કોઈનો ડ્રોઈંગરૂમ જોઈને તેના ઘરનો ખ્યાલ નહીં આવે. ડ્રોઈંગરૂમ બીજાને બતાવવા માટે સજાવેલો હોય છે. આવા જ સજાવેલા માણસના ચહેરાઓ છે.

ઘર તો એ છે જ્યાં માણસ જીવે છે, ખાય છે, પીએ છે. સૂએ છે, ઝઘડે છે, સુખ-દુ:ખનો અનુભવ કરે છે અને એકબીજાને પ્રેમ પણ કરે છે. આ બધું સાધારણ છે. આ જિંદગીનો અસલી રંગ છે. ઉપરથી રંગના થપેડા કરવાની જરૂર નથી અને આ લાંબો સમય ટકે પણ નહીં. અંદરથી જે વસ્તુ પ્રગટ થાય છે તે સ્વાભાવિક છે અને બહારથી જે થોપાય છે તે કૃત્રિમ છે. આપણે જિંદગીના મોટા અસલી ભાગને અંધારામાં ધકેલી દઈને કામનું નહીં એવું થોડું જીવીએ છીએ. અંધારા પાછળ ધકેલાઈ ગયેલી જિંદગી આપણને સતત ધક્કા મારતી રહે છે અને કહેતી હોય છે મને જીવવાની તક આપો, પણ માણસ આ વાઘા ઉતારી શકતો નથી અને તેને અંદરથી દબાવતો રહે છે. આમ આખી જિંદગી સંઘર્ષમાં વીતી જાય છે. માણસને પોતાની રીતે જીવવાનું કદીક મન થાય છે, પણ આ આભાસી જીવનમાંથી બહાર નીકળવાની તેની હિંમત નથી, લોકો શું કહેશે, લોકો શું માનશે એવો ડર હંમેશાં સતાવ્યા કરે છે. માણસ પોતાને શું સારું લાગે છે તેના કરતાં બીજાને શું સારું લાગશે તેની ચિંતા કરતો હોય છે. દંભ અને દિખાવટની દુનિયામાંથી બહાર નીકળવું એટલું આસાન નથી. આ વિરોધાભાસના કારણે માણસ પોતાની સામે લડતો રહે છે અને પોતાની સામે જ હારી જાય છે.

માણસ સૌથી વધુ દુ:ખ અને કષ્ટ પોતાને આપે છે. બહાર કરતા સૌથી વધુ સૂક્ષ્મ હિંસા અને દમન પોતાના પર કરે છે. સીધોસાદો માણસ જે સરળતાથી જીવે છે તે કશાથી ડરશે નહીં. જેણે કદી ખોટું કર્યું ન હોય, કોઈનું દબાવ્યું ન હોય, છુપાવ્યું ન હોય. તેને ડર શેનો? આપણે ભયભીત છીએ એટલે ખોટી રીતે જીવીએ છીએ. આપણે અંદરથી બીમાર અને વિક્ષિપ્ત અને ભાંગેલા છીએ. જે માણસ બહારથી અને અંદરથી સ્વસ્થ હોય તેને કશો ડર રહેશે નહીં. તે પોતાની રીતે ચાલશે અને જિંદગીનો આનંદ માણશે. સુખી થવું કે દુ:ખી થવું તે આપણા હાથની વાત છે. આ અંગેની ઓશોની કથાનો મર્મ સમજીએ...

એક બહુ મોટો જ્યોતિષી હતો. અને તે જે કાંઈ કહેતો તેવું બનતું તેની કોઈ પણ વાત ખોટી ઠરતી નહોતી. તેની આગાહીઓ સાચી પડતી હતી. જે કાંઈ થવાનું હોય તે સાચું કહી દેતો એટલે લોકો તેનાથી પરેશાન હતા. ગામના બે યુવાનોએ વિચાર્યું કે આ માણસને એક વખત તો ખોટો પાડવો જેથી તે સાચી વાત કહેવાનું છોડી દે. તેઓ પોતાના મોટા ઓવરકોટની અંદર એક કબૂતરને છુપાવીને જ્યોતિષીની પાસે ગયા અને કહ્યું અમે આપને પૂછવા આવ્યા છીએ કે આ કબૂતર જીવતું છે કે મરેલું? તેઓ નક્કી કરીને આવ્યા હતા કે જ્યોતિષી જીવતું છે એમ કહે તો અંદરથી તેની ગરદન મરડી નાખવી અને મરેલું કબૂતર કાઢવું અને તે કહે મરેલું છે તો જીવતું કબૂતર કાઢવું. ગમે તેમ પણ જ્યોતિષીને ખોટો પાડવો.

વૃદ્ધ જ્યોતિષી ઉપરથી નીચે નજર કરીને અને યુવાનોના ચહેરા જોઈને કળી ગયા કે આ યુવાનો તેમને બનાવવા માટે અને ખોટો પાડવા માટે આવ્યા છે. તેણે કહ્યું: ‘કબૂતર નથી જીવતું કે નથી મરેલું. આ તમારા હાથની વાત છે.’ આ જ રીતે જિંદગી કેવી રીતે જીવવી એ આપણા હાથની વાત છે. આપણે મરી મરીને જીવવું છે કે જીવીને મરવું છે તે આપણે નક્કી કરવાનું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

T4AGU78
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com