13-December-2018

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્વધર્મ અને સ્વત્વરક્ષા માટે જે મરી શકતા નથી એ તો અમસ્તાએ જીવતે મૂઆ જેવા જાણવા!

પાળિયા કથા - જયમલ્લ પરમાર(ગયા અંકથી ચાલુ)

પાણાના પરિહાર, જાતે દહાડે જાદરા;

સર કીરત સંસાર, દેવાણંદ ડગે નહિ.

ભાઈ! ભાઈ! આવ્યો મારો બાપ ઉગાવાળો આવ્યો? ભલે આવ્યો બાપ! તું ય ભાણેજ! રાખાઈશ રા’લાખાનો તો તું રા’કવાટનો. અભિમન્યુથી જરાય ઓછા ઊતરો એવા નહિ હો! ચિત્રાસરના તારા રણથળથી - તારી ખાંભી પાસેથી હું તો કૈંક વાર પસાર થયો અને કૈંક વાર પોરો ખાધો. પણ તને રામ રામ કર્યા સિવાય તારી હારે બે ગોઠડી કરવાય કે’દી રોકાયેલો? માઠું લગાડીશ મા મારા બાપ! અમે તો રહ્યા સંસારી જીવડા, જીવતી ખાંભીઉની આળપંપાળમાંથી નવરા ન થતા જંજાળી જીવડા.

રા’કવાટ જેવા કૃતઘ્ની મામાનું માઠું ન લગાડ્યું ઈ અમારા જેવા મુસાફરોનું માઠું ન લગાડજે. તારી ખાંભીના ચોખ્ખા મરોડદાર અક્ષરો અમને ભલે ન ઉકલ્યા, પણ એમાંથી કઠપીંજરે પડેલા સાતસો રાવ-રાણાની કૂકડે કૂકની બાંગો અમને આજેય સંભળાય છે.

ચાંચ બંદરની સામે જ આવેલા શિયાળબેટનો સરનશીન અનંત ચાવડો મહારાજાધિરાજને પકડી પકડીને લાકડાના પાંજરામાં પૂરી રોજ સવારે એમના મોઢે કૂકડા બોલાવે. એમાં હડફેટે ચડી ગયો રા’લાખાના ભાઈબંધ. આભીરરાજ ગ્રહરીપુનો ઉત્તરાધિકારી, વામનસ્થળીનો રા’કવાટ (પહેલો), તારો વેરી મામો. (કોઈ કહે છે કે ઉગો મામો થાય).

કર મુજરો કવાટ, આખે રાજા અનંત;

તો પાછો મેલું પાટ, તને પરણાવી ગરનારપત.

બાપ ઉગા! એ ગરનારપત રા’કવાટને મુક્તિદાતા તરીકે એક તું જ યાદ આવ્યો. તને છૂપા કહેણ મોકલ્યાં:

સો રાજા બંધે પડ્યા, કઠપીંજરે ક્વાટ;

વાળા જોઉં વાટ, એક તાહરી ઉગલા.

છાતી ઉપર શેરડો, માથા ઉપર વાટ;

જાણજે વાળા ઉગલા, કઠપીંજરે કવાટ.

તું કહેતો તે પાડ્ય, તાળી જે તળાજા ધણી;

વાળા હવે વગાડ્ય, એકે હાથે ઉગલા.

અને બધાંય વેર ભૂલી મામાની સખાતે સમદરૂનાં તારાં સેનલઈ તું શિયાળબેટ ઉપર ચડ્યો. અનંત ચાવડાને રોળ્યો અને મામાને મુક્ત કરવાની ઉતાવળમાં તેં રા’ક્વાટના લાકડાના પીંજરાને પાટુ મારી તોડી નાખ્યું. તારાં તેજ તારો મામા રા’કવાટ ન સહી શક્યો ને તારી પાટુને પોતાનું માનભંગ કરનારી કહી જાડાં જૂથ લઈ તારા માથે ચડી આવ્યો, ઊના પંથકના ચિત્રાસર ગામે ભેટંભેટાં થતાં મામાનો પડકાર વીરત્વથી ઝીલી લઈ તેં કેસરિયા કર્યા ને કંસ બનેલ મામાને હાથે છેવટ તું હણાયો. કોણે તને ગીતાનાં પેય પાયાં વાળા ઉગા! કે બેય બાજુનો આવો ઉજળો ધર્મ તું બજાવી શક્યો? તારી ખાંભી માથે તો ક્ષત્રિયોની ખાનદાની અને ખૂટલાઈનો ઈતિહાસ કંડારાયેલો છે. ઉગા તો અનેકનાં નામ પડ્યાં. એવા કંઈક ઊગીને આથમી ગયા, પણ અણઆથમ્યા ઊગ્યા તો બે જ, એક તું અને બીજો બોડીદરનો ઉગો બોદલ.

*

આયરનાં ઉજળાં દૂધ, ક્રોડ જીવાયું મારા બાપ! તારી તેગે ને દેગે તો મોરલીધરનાં બેસણાં. એક દી ઉત્તર ને દખણ દેશ સુધી તારી ફોજુંના વાવટા ફરકતા હતા. કચ્છ-ગુજરાતનાં ક્ષત્રપોને તેં પાણી ભરાવેલાં. તારા જ પૂર્વજ ઈશ્ર્વરસેનના કચ્છમાંથી મળી આવેલા શિલાલેખે ગુજરાતના ઈતિહાસ ઉપર અજવાળાં પાથર્યાં છે. આમ તો યાદવોનું જ કુળ.

બોડીદરને ચોરે ચડીને રાજપૂતીને હું કાળના પડકાર સંભળાવી રહ્યો હતો, ત્યારે તારી ટચૂકડી છાપરીએ મારું મન રોકી લીધું. પૂછતાં ખબર પડી કે તું જ ઊગો બોદલ. દેવાયત બોદલનો દીકરો. જાસલનો ભાઈ અને રા’નવઘણને જીવતદાન અપાવવા સોલંકીઓના દરબારમાં હસતા મુખે માથું વધેરાવા દેનારો કિશોર ઉગો. મારા બાપ! તારી જનેતાને તો લાખોમખ રંગ દેવાય કે પોતાના આશ્રિતને ઉગારી લેવા પોતાના પુત્રને વધેરવા મોકલ્યો. તે તો ઠીક, પણ આંખમાંના આંસુ અંતરમાં ઉતારી દઈને તારી આંખો કચડી, આયરોની જ નહિ, પણ આ ધરતીની જોગમાયા બની ગઈ. ભવોભવ આવી માતાને પેટ અવતાર મળજો. સ્વધર્મ અને સ્વત્વરક્ષા માટે જે મરી શકતા નથી એ તો અમસ્થાએ જીવતે મૂઆ જેવા જ જાણવા ને! પછી જીવવું શેને માટે?

ચૂડાસમા પણ આભીર યાદવોનો જ એક વેલો હતો. રા’નવઘણ એ આભીર ચૂડાસમાનો જ એક કુળદીપક હતો. જનતાને જીવવું હોય તો દેશને જિવાડવો જોઈએ. ઉજળાં દૂધ રાખવાં હોય તો દેશ માટે મરતાં આવડવું જોઈએ. એવાં ઉજળાં બલિદાનો ઉપર જ રાષ્ટ્રનાં, રાષ્ટ્રની પ્રજાનાં રખોપાં થાય છે ને એના સત્ધરમ જળવાય છે. બીજા કૈંક મરી ગયા ને બાપ ઉગા! તું તો જીવી ગયો છો.

બહેન જાસલ માટે સિંધના સુમરા ઉપર સેન લઈ ચડવાની અને કૈંકના પ્રાણ પથરાયાની પ્રેરણા તારા બલિદાનમાં પડેલી હતી. બહેન જાસલ માટે બલિદાનોની પરંપરા તારા લોહીને ટીપે ટીપે વહી આવી છે. મોરલીધરે આયરનાં દૂધ ઉજળાં જ રાખ્યાં છે. યાદ આવે છે બહેન જાસલે તારા બલિદાનનો કોલ રા’નવઘણને પહોંચાડેલો તે:

નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર;

સંધમાં રોકી સુમરે, મને હાલવા નો દે હમીર.

કાબલિયા નજરૂં કરે, મુંગલ ને મિયાં;

અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.

તું નોતે જે નૂઈ, તે તું હુતે હુઈ;

વીર વમાસી જોય, નવઘણ નવ સોરઠ ધણી.

તું આડો મેં આપિયો, વાહલ માયલો વીર;

સમજ્યે માંય શરીર, નવઘણ નવ સોરઠ ધણી.

માંડવ અમારે મા’લતો, બંધવા દીધેલ બોલ;

હવે કર કાપડની કોર, જાહલને જૂનાના ધણી.

મેં તો તારી ખાંભીને પતરાંની જાળીવાળી સાંકડમોકડ જગ્યામાં ૧૯૬૦ની આસપાસ નિહાળેલી. તારી ર્જીણોદ્ધાર થયેલી પથ્થરની બાંધેલી દેરીનાં દર્શન કરી કકળતી આંતરડીને ટાઢક વળી. મારા બાપ! ક્રોડ જીવાયું તને.

આવાં જપિયાં, તપિયાં, શૂરા અને સાધવાની ભોમકા માથે જ રાણકદેવડી જેવી સતીઓ અવતરે ને! ફરી પાછા ભાણેજ. પણ ઉગાવાળા ને ઉગા બોદલ જેવા નહિ, પણ દેવળ ને વિશળ જેવા. જાણે કે ખાનદાની અને ખૂટલાઈ જોડાજોડ ચાલી આવે છે. એને પરિણામે રાજસ્થાનના લોકસાહિત્યમાં રાણકદેવડીને જૂનાગઢથી ભગાડીને વિશળનું ઘર મંડાવી ખાસડાં ખાતી દેખાડી છે.

સોરઠ જેવી જ્વલંત ખમીરથી તપતી પ્રજાની જોગમાયાને ભૂંડે હાલે ચીતરી બતાવી છે. મા મારી! ભોગાવો તારા તપે તપ્યો અને ગરવો ગિરનાર પણ તારા જેવી સતી-જતીથી જ તપતો આવે છે.

કુડિયાં કપટિયાં ભલે કહે કે તું ભોગાવાને તીરે ભસ્મીભૂત નથી થઈ અને એ ઉત્તુંગ મંદિરમાંની ખાંભી તારી નથી. મંદિર છે તારું ભોગાવાને તીરે. હા, ભગ્નાવસ્થામાં, પણ શિખરબંધ મંદિર છે. શંકરની પ્રતિષ્ઠા છે એમાં એય તે એટલું સાચું છે. વળી શાસ્ત્રોક્ત પ્રમાણો પ્રમાણે પણ કેટલોક મેળ મળતો નથી એમ કહેવાય છે.

સતીઓને અને એની પ્રતિષ્ઠા કરનારાં લોકડિયાંને એવાં શાસ્ત્રોનાં બંધન કયે દિવસે નડ્યાં છે? સિદ્ધરાજે રા’ખેંગારને મારીને તને પરાણે પાટણ લઈ જઈ ઘરમાં બેસાડવા પ્રયત્ન કર્યો. લોકો કહે છે કે આવો અન્યાય-આવો અનર્થ નિહાળી ગિરનાર પણ ખડેડવા માંડ્યો.

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો;

મરતાં રા’ખેંગાર, ખડેડી ખાંગો કાં ન થિયો?

અને ગિરનારના ટોડા માંડ્યા તૂટવા, ત્યારે લોકદિલની પ્રતિષ્ઠા એમ કહે છે કે, તારા સત્ને આધારે તે ખડતા ટકી રહ્યા:

મ પડ મારા આધાર, ચોસલા કોણ ચડાવશે;

ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે.

આજેય આ શિલાઓ માથેના વિશાળ સિંદૂરિયા પંજામાં લોકદિલ તારાં દર્શન કરી કૃતાર્થ થાય છે. લોકદિલનું તાત્પર્ય એ છે કે સત્ને આધારે સૃષ્ટિ ટકે છે.

જેની ઉપર તેં થાપા માર્યા તે ગિરનાર જ તારી પ્રથમ ખાંભી બની. તારા એ સત્ની મહાકાય ખાંભીના ટોડે ટોડે, શિખરે શિખરે અનેક દેવસ્થાનો બિરાજે છે. ગમે તે દેવની ગિરનારની જાત્રાએ આવે છતાં એની શ્રદ્ધા-આદરનું પ્રભાવસ્થાન તો તું જ રહી છો. એની ટૂકે ટૂકે તારા સતીઆ પડકાર સંભળાય છે કે:

બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે;

સરવો સોરઠ દેશ, જ્યાં લાખેણી મળે લોબડી.

બાળું પાટણ દેશ, જ્યાં પાણી વિણ પોરા મરે;

સરવો સોરઠ દેશ, જ્યાં સાવજડાં સેંજળ પીએ.

વારૂ શે’ર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે;

ભોગવતો ખેંગાર, ભોગવ ભોગાવા ધણી.

શિવાલય અને સંત, શૂર ને સતીની ખાંભીઓ તો જોડાજોડ ચાલી જ આવે છે. ગુજરાતમાં એવું બધે સ્થળ ન પણ હોય. કેમ કરીને તારી ખાંભી, શાસ્ત્રના મેળ વગરનું શિવાલય વગેરે ભેગાં થઈ ગયાં એની શોધ કરનારા એનો તોડ અચૂક કાઢશે. પણ લોકમાન્યતાએ તો પોતાનો તોડ કાઢી લીધો છે કે સોરઠિયાણીમાં તું શિરોમણિ છો. ચિતાઓ ઉપર તો બીજી ઘણી ચડી ગઈ. એના અંગાર ઠરી ગયા હશે. પણ તારી ચિતાના અંગારા પ્રજ્વલિત રહ્યા છે ને એને તાપે કૈંક શૂરા ને સાધકો પાક્યે જાય છે. તારી ધૂણીના દેવતામાંથી-એની ભસ્મમાંથી અલખના સૂર ઊઠી રહ્યા છે.

જોગમાયાની અમરવેલ આ ભૂમિ ઉપર પાંગરતી જ રહી છે. ભાદરકાંઠાના જેતપુરના ઠાકોર એભલવાળાને એક મારવાડના ચારણ માગીને હાલ્યા. કહે છે કે મારે તમને પરણાવીને ચાંપરાજ જેવા જોધારમલ પેદા કરવા છે. એભલવાળા કહે ગઢવા! પહેલાં ચાંપરાજવાળાની જનેતાને તો લઈ આવો! એ ચાંપરાજ ઘોડિયે ઝૂલે ત્યારે મારાથી એની મા માથે પાણીના તરછકા ઉડાડાઈ ગયા. છોકરું પડખું ફરી ગયું અને એની જનેતા અફીણ ઘોળીને મરણ સજાઈએ પડ્યાં. વાળાઓની વડાઈ એ અમરવેલનો પરતાપ.

ચાંપો પોઢયો પારણે, એભલ અળવ્ય કરે;

મૂઈ મીણલદે, સોલંકણ સામે પગે.

બાપ ચાંપરાજવાળા! જેતપુરનો મોચી દિલ્હીના બાદશાહની બેટીને મંત્રના જોરે રોજ પોતાના ઘરમાં ઉતારતો હતો અને બાદશાહનાં સેન એની બેટીની વ્હારે ચડ્યાં. તારે એવા કારણે રણથળ ખેલવાં પડ્યાં એવી વાત અમારે ગળે ઊતરતી નથી. તારાં રણજુધ્ધ તો ભડાઈના અને ઊંચેરા આદધરમના હોઈ શકે. તારું ધડ ઠેઠ લાઠીના પાદર સુધી બાદશાહના સેનને તગડતું રહ્યું એ ધડની ખાંભી કોના ઘરમાં કે ડેલી-ડેલામાં પડી છે એની શોધ ભલે થાય, પણ અમને તો તારા પ્રતિજ્ઞાપાલન, તારી ટેક અને તારા વીરત્વમાં વધારે રસ છે કે જેને કારણે જેતપુરને ટીંબે દાનવીરો, શૂરવીરો અને આપા માણસીઆવાળા જેવા પંડનાં ડગળાં પાડી સમળાઓને ખવરાવવાની મોજ લેનારા જોધારમલો પાકતાં આવ્યા છે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1c010a06
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com