18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિષ્ણુ બલિ રાજાના ચોકીદાર બન્યા તે ભારત વિરોધી તાકાતો ભૂલી જાય છે!

નાયક ખલનાયક - જયવંત પંડ્યા(ગતાંકથી ચાલુ)

ભારતને નબળો પાડવા માટે વિદેશી મહાસત્તાઓના ઈશારે કામ કરતી એનજીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હિન્દુ ધર્મના નાયકોને ખલનાયકો તરીકે ચિતરવાનું ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે. આનો ખ્યાલ સીધો ન આવે કેમ કે તમે તેની સાથે સંકળાયેલા હોતા નથી. પરંતુ હવે ઇન્ટરનેટ- સોશિયલ મીડિયાના કારણે તમે આવાં સંગઠનોના કથિત સાહિત્યથી માહિતગાર થઈ શકો છો.

ગયા વખતે આપણે મધુ-કૈટભના વધ અંગે આ કહેવાતી દલિત તરફી સંસ્થાઓએ ફેલાવેલા જુઠાણાને ઉઘાડું પાડ્યું હતું. આ સંસ્થાઓ હયગ્રીવ વધમાં કેવો અપપ્રચાર કરે છે તે પણ જોયું હતું પરંતુ હયગ્રીવ વધનું સત્ય બાકી રાખ્યું હતું. તે આ વખતે જોઈએ. હયગ્રીવ વધ અંગેના અપપ્રચારનો એક રિકેપ કરી લઈએ. આ સંસ્થાઓ મુજબ, હયગ્રીવ એક અનાર્ય રાજા હતો. ભગવાન વિષ્ણુ સાથે તેનું યુદ્ધ થયું...છળથી ઘોડારૂપી વિષ્ણુએ મહાન તપસ્વી અનાર્ય સમ્રાટ અયોધ્યાના રાજા હયગ્રીવનો વધ કર્યો.

હયગ્રીવનો કોઈ વાંક નહોતો તો પણ વિષ્ણુ અને લક્ષ્મીજીએ તેમનો વધ કરવા પ્રયાસ કર્યો અને તેમાં સફળ પણ થયાં તેમ આ ભારત વિરોધી તાકાતોનું કહેવું છે. મત્સ્ય પુરાણ એવું કહે છે કે હયગ્રીવ દૈત્ય હતો. બ્રહ્માજીની બેદરકારીના લીધે તે વેદ ચોરી ગયો હતો. આથી જ્ઞાન રહ્યું નહીં અને ચો તરફ અંધારું છવાઈ ગયું. (અહીં અંધારું જ્ઞાનના સંદર્ભમાં છે, ભૌતિક સંદર્ભમાં નહીં. એટલે કે અરાજકતા વ્યાપી ગઈ.) પાપ અને અધર્મ ચારે તરફ મોટા પાયે વ્યાપી ગયા. આથી ભગવાને મત્સ્ય અવતાર લીધો અને હયગ્રીવનો વધ કર્યો.

શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ ૧ના અધ્યાય ૨માં હયગ્રીવ નામના દૈત્યે ભગવાન વિષ્ણુએ પણ હયગ્રીવ અવતાર લીધો હતો તેવી વાત છે. તે કથા મુજબ, હયગ્રીવ દૈત્યે દેવી મહામાયાનું તપ કરીને વરદાન મેળવ્યું હતું. વરદાન એવું હતું કે તેને અમરત્વ પ્રાપ્ત થાય, પણ આવું વરદાન શક્ય નહોતું. તેથી હયગ્રીવે એવું માગ્યું કે તેનું મૃત્યુ એવી વ્યક્તિ દ્વારા જ થાય જેનું મોઢું અશ્ર્વનું હોય.

ભગવાન વિષ્ણુનું વેદ ચોરી ગયેલા હયગ્રીવ સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં થયેલાં પાપોનું પ્રાયશ્ર્ચિત કરવા માટે ભગવાન શિવ, બ્રહ્માજી અને અન્ય દેવોએ યજ્ઞનું આયોજન કર્યું. (આ વાત બતાવે છે કે યુદ્ધ શોખથી નહોતું થતું. એ વિવશતાથી થતું હતું. અને તેમાં થતાં પાપો- ભલે તેમાં દૈત્યને હણવાના હોય, તેના નિવારણ માટે યજ્ઞ કરાતા. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના અવતારોમાં તમે એક વસ્તુ માર્ક કરજો. રાવણથી માંડીને તમામ જેને વિષ્ણુએ હણ્યા તેમનો સ્વર્ગવાસ, કૈલાસવાસ, તેમની સદ્ગતિ વગેરે શબ્દ નથી વપરાયા. તેમનો મોક્ષ થયો તેવા શબ્દો જ વપરાયા છે.) યજ્ઞ વિષ્ણુ વગર સફળ ન થાય એટલે યજ્ઞ બાદ બધા વિષ્ણુના આશીર્વાદ લેવા ગયા. પરંતુ વિષ્ણુ યોગનિદ્રામાં સૂતેલા હતા. તેમને જગાડવા માટે બ્રહ્માએ વમરી (કીડી)નું સર્જન કર્યું. તે સમયે અંધકાર હતો. કીડીએ બ્રહ્માજીના આદેશ પ્રમાણે ધનુષની પણછ કાપી નાખી. ધનુષ પડ્યું. ભયંકર અવાજ થયો. દુનિયામાં જાણે તોફાન આવી ગયું. જ્યારે બધું શાંત થયું અને દેવોએ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા. ભગવાન વિષ્ણુનું માથું કપાઈ ગયું હતું.

મા ભગવતીએ પોતાનું વરદાન યાદ કરીને દેવોને કહ્યું કે વિષ્ણુના ધડ પર અશ્ર્વનું મોઢું લગાડવામાં આવે. આમ, વિષ્ણુ ભગવાને હયગ્રીવ અવતાર લીધો અને હયગ્રીવનો વધ કરી નાખ્યો.

હવે તમે જ કહો કે જે વેદ ચોરી જાય છે, અર્થાત્ જે લોકોને જ્ઞાનથી વંચિત રાખે છે તે વ્યક્તિને દેવ કહેશો કે દૈત્ય? આર્ય કહેશો કે અનાર્ય? હયગ્રીવ દૈત્ય સીધો સાદો જ હતો? તેણે તપ કર્યું તો શું વિશ્ર્વનું કલ્યાણ માગ્યું? તેણે અમરત્વ માગ્યું જે શક્ય જ નહોતું.

ભારત વિરોધી તાકાતો વિષ્ણુ ભગવાનના વામન અવતારને પણ ટાંકે છે અને કહે છે કે વિષ્ણુએ છળથી બલિ રાજા પાસેથી રાજ્ય પડાવી લીધું. આ તાકાતો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓને ગાળો આપે છે. કે જ્ઞાતિ જન્મથી નક્કી થઈ ગઈ. પરંતુ એ જ તાકાતો ભૂલી જાય છે કે જો તેવું હોત તો બલિને દૈત્ય મનાયો પરંતુ તેના દાદા પ્રહલાદને બચાવવા માટે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર લે છે. આમ, વાત વંશાનુગત કે જાતિગત નથી. દાનવતા કે અનાર્યપણું એ જાતિગત નક્કી નહોતું થતું, પરંતુ કર્મ કે સ્વભાવ પરથી નક્કી થતી હતી. પ્રહલાદ સત્યના માર્ગે ચાલતો હતો. તેથી ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા કરી.

પ્રહલાદના પૌત્ર બલિની પાસેથી છળથી ત્રણેય લોક માગી લીધા તે વાત સાચી પરંતુ તે એટલે કે સ્વર્ગ પર તો દેવોનું રાજ હોય. એટલે કોઈનું રાજ્ય પડાવી લેવું તે ખોટું. વિષ્ણુ ભગવાને પોતે કોઈ અવતારમાં તેવું કર્યું નથી. શ્રી રામ અવતારમાં તેમણે ધાર્યું હોત તો લંકા પર પોતાનો કબજો કરી શક્યા હોત, પરંતુ બ્રિટિશરો જેવું તેમણે કર્યું નથી. શ્રી કૃષ્ણ અવતારમાં પણ તેમણે કંસને મારીને મથુરાની ગાદી પોતાની પાસે નથી રાખી. જરાસંધને મારીને મગધની ગાદી પોતાની પાસે નથી રાખી. જરાસંધના પુત્ર સહદેવને ગાદી પર બેસાડવામાં આવ્યો છે.

બલિને વામનજી સુતળમાં ધકેલે છે. બલિને ચિરંજીવીપણું મળ્યું છે. જે આઠ ચિરંજીવી ગણાયા છે તેમાં અશ્ર્વત્થામા પણ છે. અહીં એક આડવાત કરી લઈએ. આ ભારત વિરોધી તાકાતો જે કંઈ વાત હોય તેમાં બ્રાહ્મણોને લઈ આવે છે અને બ્રાહ્મણવાદ-મનુવાદના નામે ગાળો આપે છે. દલિતો અને આદિવાસીઓમાં બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ભરે છે. પરંતુ બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ રાખ્યું જ નથી. સત્યનારાયણની કથામાં એવું ન આવતું હોત કે એક ગરીબ બ્રાહ્મણ હતો. વર્ચસ્વ હોય તો બ્રાહ્મણ પોતાને ગરીબ શા માટે રાખે? અને જો બ્રાહ્મણો અનુસાર ધર્મગ્રંથો લખાયા હોત તો બ્રાહ્મણોનો જ જય જયકાર હોવો જોઈએ ને. પરંતુ તેવું નથી. અશ્ર્વત્થામાના પિતા દ્રોણાચાર્યનું કર્મ એક હદ સુધી બ્રાહ્મણનું હતું. પરંતુ તેમણે એકલવ્યનો અંગૂઠો લઈ લીધો. કૌરવોને હંમેશાં મૂક સાથ આપ્યો. દ્રૌપદીના ચીરહરણ વખતે પણ કંઈ બોલ્યા નહીં. અભિમન્યુનો છળથી અત્યંત ક્રૂર રીતે વધ કર્યો. અને એ દ્રોણાચાર્યના પુત્ર અશ્ર્વત્થામાએ પાંડવોની સેના પર નારાયણ શસ્ત્ર ચલાવ્યું. ત્યાર બાદ અનીતિ પૂર્વક પાંડવોના શિબિર પર ત્રાસવાદીઓની જેમ ચોરીછૂપીથી અને તે પણ રાત્રે હુમલો કર્યો. આ ઉપરાંત પરમાણુ શસ્ત્ર કહેવાય તેવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો જેને પાછું કઈ રીતે ખેંચવું તેની તેને જાણ નહોતી. તે બ્રહ્માસ્ત્રએ ઉત્તરાના ગર્ભનો ભોગ લીધો. દ્રોણાચાર્ય કે અશ્ર્વત્થામાને મહાન નથી લેખાતા. હા, તેને મારી ન નખાયો કારણકે જે સમજુ હોય છે તેનું અપમાન કરો કે તેની કોઈ એવી ચીજ લઈ લો જે તેના માટે ગૌરવ સમાન હોય તો તે પણ તેના માટે મરણથી વિશેષ હોય છે. આ અશ્ર્વત્થામા જન્મે બ્રાહ્મણ હોવા છતાં તેને ગૌરવવંતો નથી મનાતો.

આ જ રીતે રાવણ પણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ જ કહેવાયો છે. રાવણ માટે કોઈ બ્રાહ્મણ ગર્વ નથી લેતો. બીજી તરફ, જે ભારત વિરોધી તાકાતો હયગ્રીવ, મધુ-કૈટભ, બલિ વગેરેનો પક્ષ લે છે તેમને અનાર્ય ગણાવીને તેનો ગર્વ લે છે.

આપણે બલિ રાજાની વાત પર પાછા ફરીએ. ભારત વિરોધી તાકાતોએ એ પણ સમજવું જોઈએ કે બલિ રાજાની ઉદારતા જોઈને વિષ્ણુ ભગવાને તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું અને બલિ રાજાએ માગેલું વરદાન પણ આપ્યું હતું. બલિ રાજાએ એવું માગ્યું હતું કે તેઓ પોતાના મહેલ પર જ્યારે પણ બહાર નીકળે ત્યારે પ્રભુના તેમને દર્શન થાય. આથી વિષ્ણુ તેમના ચોકીદાર બની ગયા! વિષ્ણુને ખલનાયક ચીતરતી ભારત વિરોધી તાકાત આ વાત સિફતપૂર્વક ભૂલી જાય છે અને ભોળા દલિત અને આદિવાસી બંધુઓને ભુલાવી દે છે.

તે પછી જ્યારે લક્ષ્મીજી એક બ્રાહ્મણ સ્ત્રી તરીકે આવે છે ત્યારે બલિ રાજા તેમનું દુ:ખ જોઈને તેમના ભાઈ બને છે. લક્ષ્મીજી તેમને રક્ષા સૂત્ર (સૂત્ર એટલે નારાબાજીવાળો નારો નહીં, દોરી પણ થાય. ફોર્મ્યુલા પણ થાય, અહીં રક્ષા સૂત્ર એટલે રાખડી.) બાંધે છે અને બદલામાં વિષ્ણુ ભગવાનને માગી લે છે. બલિ રાજા પણ બહેનની ઈચ્છા પૂરી કરે છે.

આથી એ જ બ્રાહ્મણો આ રક્ષા સૂત્ર બંધાતું હોય ત્યારે બલિ રાજાને યાદ કરીને શ્ર્લોક બોલે છે:

‘્રૂજ્ઞણ રૂથ્ળજ્ઞ રૂરુબ ફળઘળ, ડળણમજ્ઞધ્ત્ળજ્ઞ પવળરૂર્બીં ટજ્ઞણ ટ્ટમળપ્ર પ્રુટરૂથ્ણળરુપ ફષજ્ઞ પળખબ પળખર્બીં’

બોલો! રક્ષા સૂત્ર બંધાતું હોય ત્યારે ભગવાન વિષ્ણુ કે શંકરને નહીં, પણ આ ભારત વિરોધી તાકાતો જેને દૈત્ય કહે છે, અનાર્ય કહે છે, દલિત કહે છે તેવા બલિ રાજાને યાદ કરાય છે. આ શ્ર્લોકમાં કહેવાય છે જેમ રક્ષા સૂત્રથી બલિ રાજા ધર્મના બંધનમાં બંધાયા હતા તેમ હું પણ તમને બાંધું છું. એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું.

આ રક્ષાબંધન તહેવારને પણ સેક્યુલરોએ અને બુદ્ધિજીવીઓએ મજાકનો તહેવાર બનાવી નાખ્યો છે. તેનો અર્થ સંકુચિત કરી નાખ્યો છે. રક્ષાબંધનના દિવસે તમે ક્યાંય જઈ રહ્યા હો અને કોઈ મહિલા કે છોકરીના હાથમાં ફૂલ, દોરો જોવા મળે તો ત્યાંથી ભાગી જાવ, તે રાખડી હોઈ શકે છે, પુરુષ હિતમાં જાહેર. આવા અનેક જોક જોવા મળે છે. અરે! બહેનનું મહત્ત્વ એમને પૂછો જેમને બહેન નથી. શું આ દુનિયામાં માત્ર પ્રેમી-પ્રેમિકા કે પતિ-પત્નીના વાસનામય સંબંધો જ છે? ભાઈ-બહેનના પવિત્ર સંબંધ મહત્ત્વના નથી? અને વાત રક્ષા સૂત્રની હોય તો પત્ની પણ પતિને તે બાંધી શકે છે. ઈન્દ્રાણીએ યુદ્ધમાં રક્ષા માટે પતિ ઈન્દ્રદેવને રક્ષા સૂત્ર બાંધ્યું જ હતું. ગુરુ શિષ્યોને બાંધી શકે. મિત્ર-મિત્રને બાંધી શકે. ફ્રેન્ડશિપ બેલ્ટ કરતાં તો રક્ષા સૂત્ર અનેકગણું શક્તિશાળી છે. તેમાં કોઈ બેમત નથી.

વિષ્ણુને ખલનાયક તરીકે ચીતરતી વાતોને ઉઘાડી પાડવાનું ચાલુ જ છે...આવતા અંકે વધુ...

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0a5F1Bod
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com