21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાળનો કાટ ચઢતો નથી દુહાને

દુહાની દુનિયા - બળવંત જાનીદુહામાં માનવ સ્વભાવને ભરપુર સ્થાન મળ્યું છે. ઈતિહાસ અને પ્રાદેશિક ભૌગોલિક વિશિષ્ટતા પણ એમાં ભંડારાઈ છે. કઈ ૠતુમાં ક્યો પ્રદેશ-વિસ્તાર સારો, ક્યા પ્રદેશની-વિસ્તારની વિશિષ્ટતા શી? એ બધું પણ દુહાગીરોએ - રચયિતાઓએ - દુહામાં વણી લીધાનાં ઘણાં ઉદાહરણો સાંપડે છે. કઈ ૠતુમાં કયા વિસ્તારમાં સારું એને આલેખતો એક દુહો તો ખૂબ જ પ્રચલિત છે:

‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત

વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ’

સોરઠ વિસ્તારમાં શિયાળે આનંદ, મધ્ય ગુજરાતમાં ઉનાળો, વર્ષ્ાાૠતુમાં વાગડમાં નિરાંત, પણ કચ્છમાં તો બારેમાસ આનંદ અને હિલોળા.

‘રૂડી ને રળિયામણી, હરિયાળી હેતાળ

ચારણ્ય ગર્ય નથી છોડવી, વાલી ભેસુને પાછી વાળ્ય’

એક સમયે ગીરના જંગલમાં ખૂબ વરસાદ વરસતો અને એ કારણે આ વિસ્તારમાં માત્ર ઘાસચારો જ નહીં, એના ખખડધજ ઝાડવા છાંયા દ્વારા હેત-વાસ્તલ્ય વહાવતા હોય. આ કારણે રૂડું લાગતું, રળિયામણું વાતાવરણ રચાય. ચારણ એની પત્નીને સંબોધીને કહે છે કે, ચારણ્ય હવે આ ગીર છોડવી નથી. વ્હાલી ભેંસોને પાછી વાળ્ય. કાયમી વસવાટ કરવાનું મન થાય, પોતાને વતન પાછા ફરવાની ઈચ્છા ન થાય એવા ભારે મોહક ગીર વિસ્તારનો દુહાને અનુસંગે પરિચય પ્રાપ્ત થાય છે. ગીરની નજીક જ લીલી નાઘેર તરીકે ઓળખાતો ચોરવાડનો વિસ્તાર છે એનું વર્ણન - આલેખન કરતો દુહો આસ્વાદીએ:

‘વાંઝા ઠાકોર ને અંબવન, નારી પદમણી ઘેર

રેંટ ખટૂકે વાડીએ, ભોંમકા લીલી નાઘેર’

જયાં કારડિયા ઠાકોર રાજપુતો વસવાટ કરે છે. અબાનાં વન છે. અને ખૂબ જ નમણી પદમણી સ્ત્રીઓનો વસવાટ છે. વાડીઓમાં રેંટ ખેંચાતા રહે છે - પાણી વહાવે છે. આવી લીલી નાઘેરની ભૂમિ પણ ભારે મોહક છે. આ વિસ્તારથી થોડા આગળ નીકળો એટલે બરડો વિસ્તાર આરંભાય. એને વર્ણવતો દુહો આસ્વાદીએ:

‘મોટી વસતી મેરની, ને નારી પાતળ પેટ

ઘી ને પથરા વખાણતાં, બેની ઈ બરડો બેટ’

મોટી એટલે વધારે કે વધુ માત્રામાં જયાં મેર લોકો વસે છે. પાતળી કેડ-પેટવાળી સોહામણી સ્ત્રીઓ અહીં વસે છે. અહીંનું ઘી અને અહીંના પથ્થર ખૂબ વખણાય છે. બેનબા એ બરડો બેટ વિસ્તાર પણ ભારે સોહામણો છે. બરડા વિસ્તારથી પાછા વળો એટલે પાંચાળ પ્રદેશ આરંભાય. આ પ્રદેશની પ્રાચીનતા, પૌરાણિક સંદર્ભો અનેક પુરાવશેષ્ાો અભ્યાસીઓને પણ આકર્ષ્ો છે. એના ઘણાં દુહા પ્રચલિત છે, એક દુહો આસ્વાદીએ:

‘ખડ પાણી ને ખાખરા, પાણાનો નહીં પાર

વગર દીવે વાળુ કરે, ભોંય ઈ દેવકો પાંચાળ’

જયાં ખૂબ જ ઘાસ-ખડ થાય છે. પાણી પણ ખૂબ છે. અને ખાખરા ખૂબ થાય છે તથા પથ્થરાઓ અપાર છે - વિશેષ્ામાત્રામાં છે. નાના-નાના ક્સબાઓમાં, વાડી ખેતરોમાં પ્રજા નિવાસ કરતી હોઈને વળી સૂર્યાસ્ત મોડો થતો હોઈને દીવાઓ અહીં દૃશ્યમાન થતા નથી. એવી દેવભૂમિ પાંચાળને પ્રેમ કરીએ છીએ. વિવિધ પ્રાદેશિક વિસ્તારની વિશિષ્ટતાઓને કથતા કવિઓ - દુહાગીરો અર્થાત દુહાના રચયિતાઓ પાસે એકબીજાથી અલગ એવી સાંસ્કૃતિક એકતાના પરિચાયક પરિરૂપો હાથવગા હોઈને, ભાષ્ાાનો અપાર વૈભવ હૈયામાં હોઈ ને પ્રાસ, સમાનવર્ણના શબ્દોનું ચયન અને અર્થપૂર્ણ વિષ્ાય સામગ્રી એમાં આપમેળે આવી ચઢતી અનુભવાય છે. દુહાનું આવું લોકપરિચિત રૂપ એને કાળનો કાટ ચઢવા દેતું નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Vu62kp
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com