12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતીના ચાર્લી ચેપ્લિનની ગુડબાય!

અંદાઝે બયાં - સંજય છેલટાઇટલ્સ: અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી! (પી. ખરસાણીના એક નાટકનું ટાઇટલ)

‘ઘણાં નાટકોમાં રોલ કર્યા, દિગ્દર્શન કર્યાં, નિર્માણ પણ કર્યાં. નાટકોમાં વિવિધ રોલ કરતાં કરતાં ખરી જિંદગીમાં ક્યારેક મીરાંનો રોલ કરી ઝેરનો કટોરો પીવો પડ્યો છે. ક્યારેક ભીષ્મની બાણશય્યા ઉછીની લઇ તેની પર પણ સૂવું પડ્યું છે. ઘણી વખત ઓડિયન્સની તાળીઓના ગડગડાટ અને સીટીઓ સાંભળ્યાં છે. તો ઘણી વાર ખાલી સીટોને કલ્પનાથી ભરીને પણ નાટકો કર્યાં છે. ક્યારેય કોમર્શિયલ ન થઇ શક્યો પણ ઇમોશનલ હોવાનો ઠાઠ ભોગવ્યો છે.’ આ ઇમોશનલ શબ્દો કોઇ બહુ મોટા હોલીવૂડનાં ફિલ્મસ્ટાર કે બ્રોડવે-લંડન થિયેટરનાં નાટકવાળાનાં નથી પણ અમદાવાદની વીંછીની પોળમાં આજીવન વસેલા સાવ સાદા સૌમ્ય સજ્જન કલાકારનાં છે. ‘કદાચ, હતાં’ એમ લખવા માટે કલમ ઉપડતી નથી. ૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવી ગયેલા હાસ્ય કલાકારને ઉદાસ, રડમસ શબ્દોથી અંજલિ આપવાનું પાપ નથી કરવું. જી હાં, ગુજરાતી ફિલ્મોમાં અને અમદાવાદ-ગુજરાતનાં નાટકોનાં પ્રાણલાલ ખરસાણી ઉર્ફે પી. ખરસાણી હવે ગયા. એમનું કદ નાનું-નામ મોટું - કામ એનાથીયે મોટું. ગુજરાતી ફિલ્મોનાં ચાહકો એમને ‘બટકો’ કહેતાં. જેની એન્ટ્રી પર જ લોકો હસવા માંડતાં એવા પી. ખરસાણીએ પોતાની બોલવાની-હસવાની સ્ટાઇલથી ગુજરાતનાં લાખો-કરોડો લોકોને ૧૦૦-૧૫૦ ફિલ્મો અને ૧૦૦થી વધુ નાટકોમાં ખડખડાટ હસાવ્યાં છે. ભૂખ, ગરીબી, શોષણ અસમાનતાથી ખદબદતાં આઝાદી પછીના કપરા સમયગાળામાં કોઇને હસાવવું - સામાન્ય પબ્લિકને હસાવવી એના જેવું પુણ્યનું કામ કદાચ કોઇ નહીં હોય.

કદાચ પી.ખરસાણીએ ગુજરાતનાં ચેપ્લિન બનીને લોકોને હસાવેલાં. ‘ચેપ્લિન’ સાથે સરખામણી કદાચ લોકોને વધુ પડતી લાગશે પણ પી.ખરસાણી અને ચેપ્લિન વચ્ચે ઘણી સમાન બાબતો છે. ચેપ્લિનની ગરીબ માતાએ એને ઉછેર્યો, કારમી ગરીબીમાંથી ચેપ્લિનને હાસ્યનો ખજાનો મળેલો. પી. ખરસાણીનાં માતાએ નાના-મોટાં કામો કરીને એમને મોટા કર્યા. ચેપ્લિને એકટર બનતાં પહેલાં ખૂબ સંઘર્ષ મજૂરી, ભૂખમરો જોયો. પી.ખરસાણીએ કડિયાકામ, ફિલ્મનાં પોસ્ટરો કે સાઇનબોર્ડ ચીતરવા, ગુમાસ્તાની નોકરી, નાનામોટાં ટ્યૂશનો જેવાં અનેક કામો કર્યાં અને નાટકનાં સેટ બનાવતાં બનાવતાં કે મેકઅપ કરતાં કરતાં અભિનેતા બન્યા, અમદાવાદ-ગુજરાતી રંગભૂમિ પર ‘સ્ટાર’ બન્યા અને ગુજરાતી ફિલ્મોમાં એક ‘બ્રાંડ’ ઊભી કરી. ચાર્લી ચેપ્લિન પણ કદ-કાઠીએ સામાન્ય. બહુ હાઇટ નહીં. ખરસાણી પણ દેખાવે સામાન્ય, ઊંચાઇ બિલકુલ નહીં પણ ઊંચાઇ ભલે ના હોય પણ ઊંડાણ અગાધ હતું. જીવનનાં દુ:ખોને, મધ્યમવર્ગનાં સંઘર્ષને, કલાકાર તરીકે જીવવામાં અનુભવાતા અભાવને લીધે એમને એ ટ્રેજેડીમાં પળપળ હાસ્ય મળી આવતું. ચેપ્લિને પણ એક ટ્રેમ્પ, એક રખડુની ભૂમિકામાં આમ આદમીનાં સુખદુ:ખ રજૂ કરેલાં. ખરસાણીએ પણ ગરીબ ગ્રામીણ માણસ કે મધ્યમવર્ગના ગુજરાતી માણસનાં દુ:ખદર્દને પોતાની જાત સાથે વણી લીધેલાં- એટલે જ સહજ અને નિર્દોષ હાસ્ય જન્માવી શકતા.

ચાર્લી ચેપ્લિને નાના-મોટાં નાટકોથી શરૂઆત કરી અને ફિલ્મો તરફ ગયા. પી.ખરસાણીએ પણ નાટકોથી શરૂઆત કરી અને ગુજ્જુ ફિલ્મોમાં છવાઇ ગયા. પણ એક રીતે ખરસાણી, ચેપ્લિનથી આગળ હતા કે ફિલ્મો પછી પણ એમણે નાટકો કરવાનાં છોડયાં નહીં અને ફિલ્મોનાં શૂટિંગ સાથોસાથ હાઉસફૂલ નાટકો કરવા દોડી જતા! મોબાઇલ ફોન, ઇમેઇલ, સારાં હાઇવે અને પ્રોફેશનાલિઝમ વિનાના એ સમયમાં ફિલ્મો અને નાટકો સાથોસાથ કરવા એ બહુ મોટી વાત ગણાય. ૪-૪ કે ૫-૫ શૂટિંગો ચાલતાં હોય ત્યારે બરોડા કે હાલોલનાં સ્ટુડિયોથી ભાગીને અમદાવાદ-આણંદ શો કરવા જવું એટલે હિમાલય ચઢવો. એવામાં પાછી ક્યારેક કોઇ હિરોઇન ના આવે ને શોના દસ મિનિટ પહેલા નવી હિરોઇનને ઊભી કરીને આખો શો એમને એમ રજૂ કરવો એ એક અદ્ભુત આવડત કે જાદૂગરી કહેવાય. પી.ખરસાણીએ ‘પત્તાંની જોડ’ જેવાં નાટકના ૬૦-૭૦ના દાયકામાં ૧૦૦૦થી વધુ શો કર્યા. ત્રીસ-ચાલીસ વર્ષ એ નાટક ચલાવ્યું અને ઓડિયંસનો પ્રેમ એટલો કે ‘દાદાજી’ના પાત્રમાં છેલ્લે જ્યારે એ ગુજરી જતા ત્યારે લોકોને ગમ્યું નહીં એટલે અંત બદલવો પડેલો. ‘અરે આ તો જરા ઝોકું આવી ગયેલું!’ કહીને ફરીથી દાદાજી ઊભાં થાય છે અને ઓડિયન્સ હસી પડે છે. કાશ, હમણાં ૨૦મી મે, ૨૦૧૬ની સાંજે ૫.૧૪ મિનિટે ખરસાણી છેલ્લા શ્ર્વાસ લઇને જગતના રંગમંચ પરથી એક્ઝિટ લઇ ગયા ત્યારે ફરીથી ઊભા થઇને કહી દેત કે ‘અરે આ તો જસ્ટ ઝોકું આવી ગયેલું!’

ઇન્ટરવલ:

બાવરા થઇ દર દર ના ભમવું જોઇએ, ભાગ્ય સારું હોય કે નરસું મનને ગમવું જોઇએ,

વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થના જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ

(શૂન્ય પાલનપુરી, ખરસાણીનો જીવનમંત્ર)

૧૯૫૮માં ‘ઘરદીવડી’ ફિલ્મથી શરૂ કરીને ૨૦૦૮માં એમના પુત્ર ચીકા ખરસાણીની ફિલ્મ ‘વનેચંદનો વરઘોડો’ સુધી અનેક ફિલ્મો પી.ખરસાણીએ કરી. ‘વીર રામવાળો’, કલાપી, હિમાલય કી ગોદમેં (હિંદી), ‘દાદા હો દીકરી’ ખાંડાનાં ખેલ, ઉપર ગગન વિશાળ, નારી તું નારાયણી, પૂજાનાં ફૂલ, લાખો ફૂલાણી, ‘વીર માંગડાવાળો’ જેવી ૧૫૦થી વધુ ફિલ્મોમાં હસાવતા રહ્યા. આમાં પણ ખરસાણીની એક વાત ખાસ નોંધવા જેવી એ છે કે ત્યારે અનેક નામી હાસ્યકારો ગુજજુ ફિલ્મોમાં સ્હેજ દ્વિઅર્થી સંવાદો કે ટાહ્યલાં ઘુસાડીને લોકપ્રિય થઇ ગયેલાં પણ ખરસાણીએ ક્યારેય પોતાનો ‘કલાસ’-‘શિષ્ટતા’ છોડી નહોતી. રંગભૂમિના સંસ્કાર કદાચ એ જ રીતે ઉજાગર થયાં હશે. ચેપ્લિને પણ કદીયે વલ્ગારિટીનો આશરો લીધો નહોતો- એ ફરી એક વધુ સામ્યતા. વળી ચાર્લીની જેમ જાત પર હસી શકવું, હસ્યકારની પહેલી કસોટી છે. ખરસાણીને ચાર દીકરા અને બે દીકરી હોવા છતાં એ ફેમિલી પ્લાનિંગવાળા સરકારી નાટકોનાં પ્રચાર માટે જતાં ત્યારે કોઇ પૂછતું કે તમને આટલાં બાળકો તોયે તમે આ પ્રચાર કરો છો? ત્યારે એ કહેતા કે મારાથી વધારે કોણ આનું દુ:ખ સમજી શકે? ‘હું જ બેસ્ટ મોડલ’ છે આને માટે!

પી.ખરસાણીએ આઝાદીની ચળવળમાં લાઠી ખાધેલી, ગુજરાતી રંગમંચના પ્રથમ સુપરસ્ટાર જયશંકર સુંદરી (જે સ્ત્રી બનતાં ત્યારે એમની સાડી પહેરવાની સ્ટાઇલને દેખાડવા અમદાવાદનાં શેઠિયાઓ ખાસ પત્નીને લઇને આવતાં-એ ‘સુંદરી’) અને દીના પાઠક, જશવંત ઠાકર સાથે ખરસાણીએ રંગમંચ પર પાપા પગલી ભરેલી. જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા લેખક પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલાં જીવ’ પરથી બનેલા નાટકમાં એમણે ધૂળિયાની એવી અદ્ભુત ભૂમિકા ભજવેલી કે પન્નાલાલ પટેલ ખુદ કહેતાં, મારા ધૂળિયા વિશે શ્રી ખરસાણીને પૂછો. મારા ધૂળિયાને ખરસાણીએ જ જિવાડ્યો છે.

ખરસાણીએ કલાઉદાસીન ગુજરાતી પ્રજા માટે નાટકો બનાવીને હિટ કર્યાં, ‘ફ્રી પાસ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું માનતી અમદાવાદી જનતા સામે અનેક સુપરહિટ નાટકો રજૂ કર્યાં અને લોકપ્રિયતા એવી કે પરણ્યાં છતાં કુંવારાં નાટક ઉપરાઉપરી બે હાઉસફૂલ શો હોય ત્યારે ટાઉનહોલ પર ટ્રાફિક જામ થઇ જતો અને અમદાવાદનાં શેઠિયાઓની ગાડીઓની રીતસરની લાઈનો લાગતી. એ જ પી. ખરસાણીએ કલાવૃંદ સંસ્થા બનાવીને ૪૦-૫૦ લોકોના કાફલા સાથે ગુજરાતભરમાં નાટકો કર્યાં, જે નાટક કંપનીમાં રીતસર જમણવાર થતાં. નાટકનાં ધંધામાં કયારેક કરજ પણ ભોગવ્યું. તો કદીક નાટકના પ્રચાર માટે એક વાર હાથી ભાડે રાખેલો જે આખા શહેરમાં નાટકના બેનર સાથે ફરતો અને પાછા વળતી વખતે કલાકારો માટે ચાની કીટલી પણ સૂંઢમાં ઝાલીને આવતો! આ હતો એક સામાન્ય કલાકારનો અસામાન્ય ઠાઠ! આપણે ગણિતબાજ ગુજજુઓ આપણા આવા ખુદ્દાર કલાકારોને નવાજતા નથી પણ ત્યારે આ ભવ્ય ઈતિહાસ યાદ કરાવવો પડે છે.

વળી એ જ ખરસાણીએ વરસો સુધી ગામેગામ ખાડાનાં નાટકો કર્યાં, (ગામ બહાર નીચે ખાડો ખોદીને એમાં અંદર નાટક ભજવાય અને એની આસપાસ ઉપર ઊભાં ઊભાં લોકો જુએ) સરકારી પ્રચાર માટે નજીવા પૈસે નાટકો કર્યાં, સામાજિક સંદેશ માટે નાટકો કર્યાં, વર્કશોપ દ્વારા નવાઓને માર્ગદર્શન આપ્યું, પણ આ બધું જ કોઈ જાતનાં ભાર, આડંબર કે અભિમાન વિના ખરસાણી જેવાં ડાઉન ટુ અર્થ, સરળ લોકો ફરી ક્યારે થશે? પણ ના એમની યાદમાં આંખો ભીની કરવી પ્રોહિબિટેડ છે. અરે આ તો એક ઝિંદાદિલ હાસ્ય કલાકારની ૯૧મે વર્ષે અદ્ભુત એક્ઝિટ છે.

ગુડબાય, ગુજરાતીના ચાર્લી ચેપ્લિન! પણ હવે જૂના અમદાવાદની વીંછીની પોળ પાસેથી જયારે જયારે કોઈ કલાપ્રેમી પસાર થશે ત્યારે હજારો વીંછીનાં ડંખ જેવી એમની યાદ ડંખતી રહેશે.

એંડ ટાઈટલ્સ

ઈવ: કોમેડી એટલે?

આદમ: દૂરથી જોયેલી ટ્રેજડી. (ચેપ્લિનનું ઉધાર)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

huc4JT
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Rabari Vijesh  10/18/2016
તેઓ એક ઉમદા અને હૃદય ને સ્પર્શ કરી જાય તેવા અભિનેતા માં ના એક હતા
Rabari Vijesh  10/18/2016
તેઓ એક ઉમદા અને હૃદય ને સ્પર્શ કરી જાય તેવા અભિનેતા માં ના એક હતા
Rabari Vijesh  10/18/2016
તેઓ એક ઉમદા અને હૃદય ને સ્પર્શ કરી જાય તેવા અભિનેતા માં ના એક હતા
Dadu Chicago  5/28/2016
વળી એ જ ખરસાણીએ વરસો સુધી ગામેગામ ખાડાનાં નાટકો કર્યાં, (ગામ બહાર નીચે ખાડો ખોદીને એમાં અંદર નાટક ભજવાય અને એની આસપાસ ઉપર ઊભાં ઊભાં લોકો જુએ) સરકારી પ્રચાર માટે નજીવા પૈસે નાટકો કર્યાં, સામાજિક સંદેશ માટે નાટકો કર્યાં, ખાડાની વાત બરાબર નથી. ખાડો એટલા માટે ખોદવામાં આવતો કે જેથી પાછળ બેઠેલા ઓછી કીમત ની ટિકીટવાળા પણ સ્ટેજ પર ભજવાતા દ્રષ્યો બરાબર જોઈ શકે. ખાડા બહાર બે અઢી કલાક કે એથી વધારે ઉભા રહી નાટકો નાં જોવાય . આગળ મોંઘી કિમતની ટિકીટ વાળા માટે બાંકડા ગોઠવેલા હોય. દાદુ શિકાગો (જન્મ 1937)
Dadu Chicago  5/28/2016
વળી એ જ ખરસાણીએ વરસો સુધી ગામેગામ ખાડાનાં નાટકો કર્યાં, (ગામ બહાર નીચે ખાડો ખોદીને એમાં અંદર નાટક ભજવાય અને એની આસપાસ ઉપર ઊભાં ઊભાં લોકો જુએ) સરકારી પ્રચાર માટે નજીવા પૈસે નાટકો કર્યાં, સામાજિક સંદેશ માટે નાટકો કર્યાં, ખાડાની વાત બરાબર નથી. ખાડો એટલા માટે ખોદવામાં આવતો કે જેથી પાછળ બેઠેલા ઓછી કીમત ની ટિકીટવાળા પણ સ્ટેજ પર ભજવાતા દ્રષ્યો બરાબર જોઈ શકે. ખાડા બહાર બે અઢી કલાક કે એથી વધારે ઉભા રહી નાટકો નાં જોવાય . આગળ મોંઘી કિમતની ટિકીટ વાળા માટે બાંકડા ગોઠવેલા હોય. દાદુ શિકાગો (જન્મ 1937)
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com