28-July-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિચારો જ માણસને હરાવે છે કે વિજયી બનાવે છે

સુખનો પાસવર્ડ - આશુ પટેલઅમેરિકાના લોસ એંજલસ શહેરમા આઠ ઓક્ટોબર ૧૯૨૬ના દિવસે એક ગરીબ કુટુંબમા એક દીકરીનો જન્મ થયો. એ છોકરી માત્ર અઢાર મહિનાની હતી ત્યારે તેનાં માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. તેની મા કામ શોધવા અને રોજીરોટી રળવા દીકરીને ઘરે એકલી મૂકીને જતી એ દરમિયાન તે નાનકડી છોકરીની દેખભાળ કેટલાક ભલા પાડોશીઓ કરતા. માતા પાછી ના આવે ત્યા સુધી તે છોકરી સતત રડતી રહેતી હતી. એટલે પાડોશીઓએ તેને સંભાળવાની ના પાડી દીધી. પોતાની અને દીકરીની સલામતી માટે તેની માતાએ ફરી લગ્ન ર્ક્યાં. પણ એ પગલુ તેના માટે ઊલમાંથી ચૂલમાં પડવા જેવું સાબિત થયું. બીજા લગ્ન પછી ટૂંક સમયમાં તે ફરી ગર્ભવતી બની. એકને બદલે બે દીકરી સંભાળવાની જવાબદારી તેના પર આવી પડી.

માતા સાથે સાવકા બાપના ઘરમાં આવેલી પેલી છોકરીનું બાળપણ સતત દહેશત સાથે પસાર થયુ. ક્ર્રૂર સ્વભાવના સાવકા પિતાને કારણે તે છોકરીના ઘરમાં હંમેશાં તનાવભર્યુ વાતાવરણ રહેતું હતું. અધૂરામાં પૂરું, તે છોકરી પાંચ વર્ષની હતી ત્યારે એક પાડોશીએ તેના પર બળાત્કાર ર્ક્યો.

તે છોકરીનું બાળપણ અને કિશોરાવસ્થા માનસિક-શારીરિક સંતાપ અને જાતીય સતામણીમાં વીત્યા. તે પંદર વર્ષની ઉંમરે શારીરિક-જાતીય સતામણીથી થાકીને ઘર-સ્કૂલ છોડી ભાગીને એક હોટલમાં વેઇટ્રેસ તરીકે કામે વળગી ગઈ. તેની પ્રેમની ભૂખ અને તેનામાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિને કારણે કોઇ પુરુષ સહેજ પણ લાગણી બતાવે તો તે પ્રેમ અને હૂંફ મેળવવા માટે તેમને પોતાનું શરીર ધરી દેતી. પણ તેને મળતા પુરુષોને માત્ર તેના શરીરમાં જ રસ હતો. તે છોકરીએ સોળ વર્ષની ઉંમરે એક દીકરીને જન્મ આપ્યો. તે પોતે પોતાની જાતને પણ સંભાળવા સક્ષમ નહોતી એમા નાની ઉંમરે માતૃત્વને કારણે તેની હાલત ઓર ખરાબ થઈ ગઈ. સદ્નસીબે એક દંપતીએ તેની પુત્રીને દત્તક લઈ લીધી.

આ દરમિયાન તે ટીનેજર છોકરીના સાવકા બાપના તેની માતા પરના જુલમ હદ બહાર વધી ગયા હતા એ વિશે જાણીને તે છોકરી ઉશ્કેરાઈને ઘરે ગઇ. તેણે તેની માતાને કહ્યુ કે આ જ ક્ષણે ઘર છોડીને મારી સાથે ચાલ. તે છોકરીની સાવકી બહેન તેના પિતા સાથે જ રહી કારણ કે તે તેના સગા પિતા હતા. ટીનેજર છોકરીએ થોડા મહિનાઓમાં તેની માતાને એક નોકરી શોધી આપી. નાનું ઘર ગોઠવી આપ્યું. અને તે તેની એક યુવાન બહેનપણી સાથે શિકાગો જતી રહી.

શિકાગોમાં કેટલીક જગ્યાએ નોકરી કર્યા પછી તે છોકરી વીસ વર્ષની ઉંમરે મોડેલ બની ગઇ. જોકે મોડેલ બન્યા પછી પણ તેના મનમાંથી ભૂતકાળની કડવી યાદો ભુંસાઈ નહીંં. એકાદ દાયકા સુધી ફેશન ઇન્ડસ્ટ્રીમાં મોડેલિંગ કર્યા પછી ૧૯૫૫મા તે એક શ્રીમંત અને વગદાર બિઝનેસમેન એન્ડ્રુ હેને પરણી ગઈ. તેની સાથે તે દુનિયાભરમાં ફરી. ઘણાં રોયલ ફેમિલી સાથે અને વ્હાઇટ હાઉસમાં ડિનર લેવાની પણ તેને તક મળી. તે સુખી જીવન ગાળી રહી હતી. પણ ૧૪ વર્ષનાં લગ્નજીવન પછી તેનો શ્રીમંત પતિ કોઈ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો. તેના પતિએ તે સ્ત્રી સાથે લગ્ન કરવાની વાત જાહેર કરી. તે છોકરીને લાગ્યુ કે તે આસમાનમાંથી જમીન પર પટકાઈ છે. તે ફરી વાર હતાશામાં સરી પડી.

આગળની વાત તે છોકરીના જ શબ્દોમાં શરૂઆતમાં જાણવા જેવી છે: મારા પતિએ મને તરછોડી દીધી એના કારણે હું સાવ પડી ભાંગી હતી. હુ જીવનથી નાસીપાસ થઇ ગઇ હતી. પણ જેમતેમ સમય વીતતો ગયો. હું જીવતી ગઇ. જીવતી રહી ગઈ. જીવનના એ વિકટ તબક્કા દરમિયાન હું એક વાર ન્યૂ યોર્કના ચર્ચ ઓફ રિલિજિયસ સાયન્સની મીટિંગમાં ગઇ. ત્યા મને મળેલો સંદેશ મારે માટે કંઇક નવો હતો. મેં ધ્યાનથી સાંભળવા માંડ્યું. હું રવિવાર સિવાયના દિવસોમાં પણ ચર્ચમાં જવા લાગી હતી. એ ચર્ચ જ મારું ઘર બની ગયું. ત્રણ વર્ષ પછી હું અધ્યાત્મ તરફ વળી ગઈ અને ચર્ચમા પ્રવચનો પણ આપવા માંડી. ફરી એક વાર મારું જીવન થાળે પડી રહ્યુ હતુ. પણ એ દિવસોમાં મારી તબિયત બગડી અને એવું નિદાન થયું કે મને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડી ગયો છે. અને મને થયેલુ કેન્સર અત્યંત ગંભીર તબક્કામાં હતું! પાંચ જ વર્ષની વયે મારા પર બળાત્કાર થયો હતો. પછી કેટલાંય વર્ષો સુધી મેં માનસિક-શારીરિક સતામણીનો સામનો ર્ક્યો હતો. જીવનમાં બીજા ઘણા આઘાત પણ મેં સહન કરી લીધા હતા, પણ કેન્સરનું નામ સાંભળતા જ હું હતાશાની ગર્તામા ધકેલાઇ ગઇ! જો કે થોડા સમય પછી મેં વાસ્તવિકતા સ્વીકારવા માંડી. ચર્ચની પ્રવૃત્તિઓ દરમિયાન હું માણસના મનની શક્તિ અને તેની શરીર પર પડતી અસરો વિશે અભ્યાસ કરતી હતી, સભાન બનતી જતી હતી. મેં ચર્ચની પ્રવૃત્તિ દરમિયાન ઘણાય શારીરિક રોગીઓની પીડા અને મન વચ્ચેનાં સંબંધો પણ તપાસ્યા હતા. મેન્ટલ હીલિંગ વિશે ઘણી જ સમજ કેળવવા પ્રયત્નો ર્ક્યા. અહીં જ આ તબક્કે હવે મારે મારી જાતની કસોટી થવાની હતી તેની મને ખાતરી થઇ ગઇ હતી! મને સમજાવા

લાગ્યું હતું કે, કેન્સર થાય છે કોઇક પ્રકારના ઊંડેઊંડે ઘર કરી ગયેલા કોઇ છૂપા રોષના ભાવથી. સૌ કોઇએ મારો ઉપયોગ જ કર્યાં છે એવી ભાવનાથી હું સમાજ પ્રત્યે નફરતની લાગણી અનુભવતી રહેતી હતી. બધા જ માણસો મને મારા દુશ્મનો જ લાગતા હતા. મને આ મારી આસપાસના લોકોએ એવા તો અન્યાય કર્યો છે એ સૌને હુ કદીય માફ નહીં કરું એવા વિચારો મારા મનમા ઘુમરાતા રહેતા હતા. ચર્ચની લાયસંસ્ડ પ્રેક્ટિશનર તરીકે હું લોકોનુ કાઉન્સેલિંગ કરતી હતી અને તેમને સમજાવતી હતી કે તમારા મનની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરતી હોય છે. મે એ જ વાત મનમાં ઘૂંટવા માંડી...’

આગળની વાત ઘણી લાંબી છે. પણ જેના જીવનની આ ઝલક છે એ સ્ત્રી એટલે કે લૂઈ હે અત્યારે અબજપતિ છે. જો કે આર્થિક સફળતા કરતા પણ તેના જીવનના ઉતાર-ચડાવની વાત વધુ અગત્યની છે. જીવવા માટે જેની પાસે એક પણ કારણ નહોતું અને પોતે જીવવા ઇચ્છે તો પણ કદાચ જીવી શકે એમ નહોતી એવા ગંભીર કેન્સરમાંથી લૂઈ હે બહાર આવી. એ પછી તેણે એક પુસ્તક લખવાનું શરૂ કર્યુ. ૧૯૮૪મા એ પુસ્તક યુ કેન હીલ યોર લાઈફ’ પ્રકાશિત થયું અને તરત જ એ પુસ્તક વિખ્યાત અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના બેસ્ટ સેલર લિસ્ટ્માં આવી ગયું. લૂઈ હે એ પુસ્તકમા એવી વાત કરી છે કે તમારા મનને કારણે જ તમારા શરીરમા રોગ પ્રવેશી જતા હોય છે. તમારા રોગોનો સંબંધ ક્યાંક તો તમારા માનસિક સ્વાસ્થ્ય સાથે હોય જ છે. અને તમારા મન થકી જ તમે તમારી શારીરિક પીડાઓમાંથી બહાર આવી શકો છો.

લૂઈ હે નું જીવન એટલું ઘટનાસભર છે કે તેના વિશે એક લેખમાં કહેવું એ ગાગરમાં સાગર સમાવવા જેટલુ કઠિન કામ છે. એટલે ફાસ્ટ ફોર્વર્ડ કરીને કહુ તો લૂઈ હે નું એ પુસ્તક વિશ્ર્વની ૨૫ ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું છે અને તેની સેંકડો આવૃત્તિઓ થઈ ચૂકી છે. લૂઈના અત્યાર સુધીમાં ૨૬ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ગુજરાતી પુસ્તકોની બે-ત્રણ હજાર પ્રત પણ વેચાઈ જાય તો લેખકો અને પ્રકાશકો ખુશ થઈ જતા હોય છે. લૂઈના પુસ્તકની સાડા ત્રણ કરોડથી વધુ પ્રતો વેચાઈ ચૂકી છે! ત્રણ દાયકા અગાઉ સાઈઠ વર્ષની, મોટા ભાગના લોકો માટે નિવૃત્ત થવાની ઉંમરે, લૂઈ હે એ અમેરિકામાં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી. એ પ્રકાશન સંસ્થાની ઓફિસીસ બીજા દેશોમાં પણ શરૂ કરી. કેન્સર થયા પછી લૂઈ ગુમનામીની ગર્તામાં ધકેલાઈને પચાસ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હોત એને બદલે તેણે પોતાની જાતને સંભાળી લીધી. અત્યારે જગતના કરોડો લોકો તેને ઓળખે છે. લૂઈની ખ્યાતિ એટલી ફેલાઈ કે વિશ્ર્વપ્રસિદ્ધ ટીવી પર્સનાલિટી ઓપ્રાહ વિન્ફ્રેએ તેને પોતાના ઓપ્રાહ વિન્ફ્રે શો’મા આમંત્રિત કરી હતી. બાય ધ વે, લૂઈ હેએ ગયા વર્ષે ૯૦ વર્ષની ઉંમરે પુસ્તક લખ્યુ જેનુ નામ છે: લાઈફ લવ્સ યુ’!

ઘણી વાર અત્યંત કપરા સંજોગોમાં અટવાઈ પડીએ એ વખતે આપણને એવું લાગે કે જીવનના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે, પણ એ વખતે જુદી રીતે વિચારવાથી જિંદગીની નવી શરૂઆત થઈ શકતી હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8LTBgv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com