21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારી માતૃભાષા મારો વિશ્ર્વાસ છે

શોભિત દેસાઈહું જોઇ રહ્યો છું સવા ફૂટના શિશુને... બે હથેળીઓએ એને ઊંચક્યું છે. શિશુની બે આંખની સન્મુખ બીજી બે આંખ છે. તરબતર અને તૃપ્ત છે ચારેય આંખો, બે પામવાથી અને બે આવવાથી. અચાનક શિશુને કાન પાસે આશ્ર્ચર્યની અવર જવરનો અણસાર આવે છે. થોડાક અક્ષરો કર્ણપટલ પર ખૂબ હળવા ટકોરા મૂકી રહ્યા છે: મા... લુ... કી... ક... લુઉઉઉઉ... અને શિશુના ગોળમટોળ ગાલ અને નમણા નાકની નીચેથી વાતાયનને સુરભિત બનાવતું એકાક્ષરી મહાકાવ્ય ઊડે છે; અમમમ... મા. ઓહોહોહો! આજે તો વિશ્ર્વ માતૃભાષા દિન! હું માલુ કીકલુ, માઝ બાળ, મેરા બચ્ચા, માય બેબી... અને સામે ઊડતા/ઊઠતા, એકાક્ષરી મહાકાવ્યના ઉચ્ચારગત પર્યાયને ગુજરાતી ભાષામાં સભર આંખે વંદન કરું છું.

ગુજરાતી ભાષાની ટેકણગાડી લઇને ચાલતો હું હજી ય બધા જ પડવા-આખડવાને એવી જ રીતે વટાવું છું જેવી રીતે મેં કદાચ વરસ-સવા વરસની ઉંમરે સંખેડાના ખરાદીકામવાળી ટેકણગાડીથી પડતા-આખડતા પાર કર્યાં હતાં. તે ત્યાં સુધી કે ચાઇના ગયો હોઉં અને સરનામું પૂછતો હોઉં અંગ્રેજીમાં અને ચાઇનીઝ બાઘો બનીને તાક્યા કરતો હોય ત્યારે સાંકેતિક ભાષા સાથે ગુજરાતીમાં પૂછું કે "ફલાણું’ સ્કવેર ક્યાં આવ્યું? કે તરત મને સાચી દિશા મળી જાય છે! તાર્કિકતા ઉમેરું તો "વ્હેર ઇઝ’માં હું સપાટ હોઉં છું જ્યારે "ક્યાં આવ્યું’ માં આપોઆપ સંકેતો ગોઠવાઇ જાય છે. મારી માતૃભાષા મારો વિશ્ર્વાસ છે.

દેવ-દેવી-ગુરુના માંદળિયા બંધાય છે આપણી ફરતે કે તન ઉપર. મારા હિસાબે તો મોટામાં મોટું રક્ષાકવચ માતૃભાષા છે. એ ભાષા જેમાં પ્રત્યેક વ્યક્તિ સ્વપ્ન જોવાનું શીખે છે. એ ભાષા જેમાં અભિવ્યક્તિની આઝાદી અને અંદરની ઘૂંટનથી મુક્તિ મળે છે, એ ભાષા જેમાં પહેલવહેલી વખત પ્રેમ થઇ શકે છે, એ ભાષા જેને સમજવા ડિક્શનરી કે થીસોરસની જરૂર નથી પડતી અને છેલ્લે એ ભાષા કે જેને ખૂંદતો હોઉં ત્યારે માનાં લુગડાંને રજોટતો હોવાની લાગણી મને આહ્લાદ ધરતી હોય છે.

હજીય અકબંધ છે પ્રામાણિક કબૂલાત માટે તત્પર ઉપાસકોને, એ.ક.ડે.એ.ક... બ.ગ.ડે.બે.ય... ત્ર.ણ.ડે.ત્ર.ણ... હજીય યથાવત્ છે એક બિલાડી જાડી, એણે પહેરી સા...ડી... હજીય અવારનવાર સંદૂકમાંથી બહાર નીકળીને ચોમેર લટાર ભરે છે બકોર પટેલ - શકરી પટલાણી - ડોક્ટર ઊંટડિયા - વાઘજીભાઇ વકીલ - બાંકુભાઇ મુનિમ. હજીય મિયાં ફૂસકી-તભા ભટ, ઇમાન-ધરમના રંગ ઓગાળીને મૈત્રી ફરકાવતા કહી રહ્યા છે કે કુરાનનો બંદો બંદગીના રસ્તે ત્યાં જ પહોંચે છે જ્યાં ગીતાનો સેવક પ્રાર્થનાના માર્ગે પહોંચ્યો હોય. હજી ય સોટી-પોઠી જિંદગીમાં પહેલીવાર ફ્લેટની કિંમત લાખમાં ગણાય એવું ભણાવતા સૂચવી રહ્યા છે કે સંખ્યા હજારો પર પૂરી નથી થતી - લાખ પણ ‘હોય’. હજી ગુજરાતીના શ્રેષ્ઠ સુરેશ જોશીનાં ‘જનાન્તિકે’ની કલ્પનાસૃષ્ટિ આંખને આંસુડે એંઠી કરી રહી છે: તાર પરથી સીધી લીટીએ વરસાદના ટીપાં સરે છે, જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે; સીમમાં પગ નીચે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાઇ રહ્યો છે. હજીય જ્યોતિન્દ્ર દવે કૃત ‘રોગ-યોગ-પ્રયોગ’માં વેદિયા પ્રાધ્યાપક ગાળો વદવામાં નિષ્ણાત મહાનુભાવને અગાઉ ક્યારેય ન સાંભળેલી ગાળોથી પરિપ્લાવિત કરી રહ્યા છે: જાય છે કે નહીં અહીંથી નાઇન પોઇન્ટ સર્કલ! જી.સી.એમ. ડીનોમિનેટર! કોશન્ટ! બાયનોમિયલ થિયરમ! કોમન ફેક્ટર! હજીય બેફામની ગઝલ અને ગઝલ... જવા દો, લેખ બહુ લાંબો થઇ જશે.

અત્યારેય ઘણા હશે પણ વચ્ચે તો ‘પ્રતિભા’નું છોગું બનાવીને ફરનારી ‘પ્રતિભાઓ’ની સંખ્યા ખૂબ હતી કે ગુજરાતીનું શું થશે? પાયજામો બદલવાની જરૂર હતી અને બદલવા નીકળ્યા’તા દુનિયા. જવા દઇએ એ મુદ્દો, પણ આપણે બધા જનમવાનું અને જીવવાનું જે ઐશ્ર્વર્ય ભોગવીએ છીએ એની અવેજીમાં એક શપથ લઇએ: રોજિંદા વાંચનથી અલગ રોજનું ઓછામાં ઓછું માત્ર એક પાનું ગુજરાતીમાં આપણે વાંચીશું. આપણા આટલા નાના વ્યક્તિગત સોગંદથી હવાડામાં ધોધમાર પૂર આવતું હું જોઇ શકું છું. સુરેશ જોશીએ કહ્યું છે એમ જ: કળીના હોઠના સ્મિતનું તેજ, સોયના નાકામાં દોરો પરોવતા દાદીમાની આંખનું તેજ, આગિયાનું તેજ ઇત્યાદિ તેજ એકઠાં થયાં અને નવો નક્કોર સૂરજ બની ગયો.

લેખની ત્વરા પણ જિંદગી જેટલી જ હોય છે. હજી તો શરૂઆત થઇ હોય અને અંત આવવા માંડે. તો અટકું, તમને બધાને જયગઝલ કહીને...

નહીં ભાષા બનીને બહુ સુંગધાઇ હતી ભાષા,

શિશુઓને અવાજો થઇને દેખાઇ હતી ભાષા.લખેલી લાગણીઓનો અહીં આભાર માનું છું

ગઝલ પામ્યો એ પહેલાં ક્યારે સમજાઇ હતી ભાષા!!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r030B0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com