15-December-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચંડીગઢના રૉક ગાર્ડનના શિલ્પી નેક ચંદનું અવસાન

ચંડીગઢ: વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતાની અનોખી કલાકૃતિઓ વડે લોકોને દંગ કરનારા અને અહીંના પ્રતિષ્ઠિત રૉક ગાર્ડનનું નિર્માણ કરનારા નેક ચંદનું હાર્ટ એટેકને લીધે શુક્રવારે ચંડીગઢની એ હૉસ્પિટલમાં નિધન થયું હતું. તે ૯૦ વર્ષના હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે બીમાર હતા અને છેલ્લા અમુક દિવસોથી ચંડીગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. એમને ગુરુવારે સાંજે પીજીઆઇએમઇઆરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકનો હુમલો આવતાં મધરાતે એમનું નિધન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ પ્રશાસને શુક્રવારે પોતાનાં કાર્યાલયોમાં રજા જાહેર કરી હતી.

ચંડીગઢના વધારાના ગૃહ સચિવ એસ. બી. દીપક કુમારે જણાવ્યું હતું કે, એમનું પાર્થિવ શરીર શુક્રવારે રૉક ગાર્ડનમાં રાખવામાં આવશે, જેથી લોકો એમનાં અંતિમ દર્શન કરી શકે. એમણે વધુમાં કહ્યું હતું કે, એમના પરિવારના સભ્યો એમનાં દીકરી વિદેશથી આવવાની રાહ જોઇ રહ્યા છે. એમનો અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. ચંડીગઢ પ્રશાસન અને શહેરીજનોએ પદ્મશ્રી પુરસ્કૃત નેક ચંદનો ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ ૯૦મો જન્મદિવસ ઊજવ્યો હતો.

નેક ચંદે રૉક ગાર્ડનમાં ચીની માટીનાં તૂટેલાં વાસણો, વીજળીનો સામાન, તૂટેલી બંગડીઓ, સ્નાનઘરની ટાઇલ્સો, વૉશ બેસિન અને સાઇકલની ફ્રેમ જેવા બેકાર સામાનનો ઉપયોગ કરીને પુરુષો, મહિલા, જાનવરો અને ભગવાનની મૂર્તિઓ બનાવી છે. આ ગાર્ડનનું ઉદ્ઘાટન ૧૯૭૬માં થયું હતું, જે હવે ૪૦ એકરના વિસ્તારમાં ફેલાયેલ છે અને ભારત તેમ જ વિદેશથી પ્રતિવર્ષ ૨.૫ લાખ કરતાં વધુ લોકો અહીં આ કલાકૃતિ જોવા આવે છે, જેની ટિકિટોના વેચાણથી આશરે રૂપિયા ૧.૮ કરોડની વાર્ષિક આવક થાય છે.

નેક ચંદની અનોખી કલાને વૉશિંગટનના નેશનલ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ સહિત વિદેશમાં કેટલાંય સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. નેક ચંદે જ્યારે આખરી શ્ર્વાસ લીધો હતો ત્યારે એમના પુત્ર અનુજ સૈની એમની પાસે હાજર હતા.

સૈનીએ રૉક ગાર્ડનની જાળવણીમાં પોતાના પિતાને મદદ કરી હતી. નેક ચંદનો જન્મ શંકરગઢમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. ભાગલા પછી એમનો પરિવાર પંજાબ આવીને વસ્યો. સરકારી સડક નિરીક્ષણ તરીકે કામ કરતી વખતે નેક ચંદ પોતાના ખાલી સમયમાં શહેરની આસપાસના વિસ્તારોમાં પડેલ બેકાર સામાન ભેગો કરવામાં લાગી જતા. એમણે પોતાના વિચારોને આકાર આપવા આ વસ્તુઓનું રિસાઇકલ કરવાનું શરૂ કર્યું અને એને માટે તે આશરે બે દાયકા સુધી ગુપચુપ રાત્રે અંધારામાં સાઇકલ પર સવાર થઇને જંગલ જતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w227jP3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com