21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ જહાજ નથી, દરિયામાં તરતું લોઢાનું ગામ છે ગામ

દરિયાઈ કરુણાંતિકા - પ્રફુલ શાહએસ. એસ. વૈતરણા ઉર્ફે વીજળીની કરુણાંતિકાના દરેક ઉલ્લેખ વખતે કાયમ હાજી કાસમનું નામ આવે જ. જાણે વીજળી અને કાસમ એકમેકના સમાનાર્થી શબ્દ. આ હાજી કાસમ કોણ એ વર્ષો સુધી રહસ્યમાં રહ્યું. હાજી કાસમની સાચી ઓળખ મેળવવાનો પ્રયાસ આગળ જતા કરીશું, પણ આજે ગુણવંતરાય આચાર્યની નવલકથા (ડ્રોક્યુનેવલ ન કહી શકાય?) થકી આ ઘટના પર નજર નાખીએ.

ગુણવંતરાય એકદમ કાબેલ સર્જક અને નવલકથાકાર છે. વાચકોને ઝકડી રાખવાની કળામાં એકદમ માહેર. આ નવલકથામાં તેમણે હાજી અને તેની માતાની સંવેદના વણી છે, તો હાજીની બીજી બીબી અને એ પણ વિદેશી મહિલા નેલીની ઉત્કટ પ્રેમકથા છે. ગામે હાજીની માતા અને પહેલી પત્ની પ્રતીક્ષા કરી રહ્યા છે.

આચાર્યના હાજીને લંડનની દરિયાઈ કચેરી તરફથી વિનંતી કરતો પત્ર મળે છે કે ‘વારાટા’ નામની આગબોટની જળસમાધિની સરકારી તપાસ યોજાવાની છે. હાજી અને ફિરંગી જહાજ ‘ઈઝાબેલ’ના ખારવાઓને ‘વારાટા’ તરફથી મદદ માટે દરિયામાં તરતો મુકાયેલો શીશો મળ્યો. ‘ઈઝાબેલ’ તરફથી ભારે જહેમત ઉઠાવાઈ હતી આથી હાજી રોકાઈ ગયો.

પછી હાજીને બ્રિટિશ ઈન્ડિયા સ્ટીમ નેવીગેશન કંપની ‘બીઝન’ તરફથી બોલાવાયો ‘બીઝન’ની તદ્દન નવી આગબોટ ગ્લાસગોના વહાણવાડામાં તૈયાર હતી. આચાર્યના વર્ણન મુજબ ‘આ આગબોટ જેવી તેવી નથી, પણ સવા લાખ ખાંડીની છે, એ આગબોટ નથી, જહાજ નથી. દરિયામાં તરતું લોઢાનું ગામ છે ગામ. મુંબઈથી બગદાદ ને મુંબઈથી કોલકાતા સુધી એના ફેરા થવાના છે... આવી આગબોટ આજ પહેલાં બંધાઈ નથી. માછલાંઓમાં મગરમચ્છ જેવું આ તોતિંગ બારદાન અત્યારે દરિયામાં ફરતી ‘બીઝન’ કે પેનિન્સ્યુલર કંપની કે વ્હાઈટ સ્ટાર કંપની કે કુનાર્ડ કંપનીની ચાર આગબોટ જેવડું છે. આમાં આઠ તો પંખાઓ છે ને પચીસ હજાર ઘોડાઓ જેટલું બળ ધરાવનારું એક વરાળનું એન્જિન. વરાળિયાં ઊભા એન્જિનોની બનાવટના કીર્તિસ્તંભ સમું છે.’

આ જહાજની વિશેષતા વર્ણવતા આચાર્ય કહે છે: ‘તાજેતરમાં વિલાયતમાં મીકાએલ ફેરેડે નામના માણસે લોહચુંબકમાંથી જોઈએ એટલી વીજળી પેદા કરવાની રીત શોધી હતી. એના ઉપરથી લોહચુંબકમાંથી વીજળી પેદા કરીને એને વાપરવાના યંત્ર શોધાયાં છે. એવું એક મોટું યંત્ર પણ આ આગબોટમાં છે ને એમાંથી આ આગબોટ ઉપર નાના મોટા બે હજારથી વધારે દીવાઓ બળશે ને રાતે પણ આગબોટનો ખૂણેખૂણો ધોળા દિવસ જેટલો જ પ્રકાશિત રહેશે. આગબોટની ઝડપ પણ બીજી આગબોટો કરતાં બમણી જેટલી રહેશે. ઝળહળતા દીવાઓને તેજ ઝડપને કારણે આ આગબોટ દરિયાલાલ જાણે વીજળી સદેહે રમવા આવી હોય એવી બનશે.

આગબોટનું નામ એસ. એસ. વેટરના?

ગુણવંતરાય આચાર્યે આલેખેલી નવલકથા ‘હાજી કાસમની વીજળી’ મુજબ તો ‘વેટરના’ને ગ્લાસગોથી કરાચીથી મોકલવાની હતી. પછી કરાચીથી માંડવી, માંડવીથી દ્વારકા, દ્વારકાથી પોરબંદર, પોરબંદરથી માંગરોળ, માંગરોળથી મહુવા, મહુવાથી ભાવનગર ને ભાવનગર-ઘોઘાથી મુંબઈ જવાનું હતું.

નવલકથાના પાના નં. ૧૭૩ મુજબ ‘મુંબઈમાં તો કેવળ મુંબઈ ખાતેના કંપનીના એજન્ટ હાજી કાસમ માત્ર નહિ, પરંતુ સારું મુંબઈ શહેર આ ઓગણીસમી સદીના અવ્વલ નંબરના અચરજને નિહાળવાને તલપાપડ છે.’

મુંબઈમાં આ આગબોટ જોવા માટેની બે આનાની ટિકિટો હજારોની સંખ્યામાં વેચાઈ હતી અને કોલકાતામાં પણ બે આનાની વીસેક હજાર જેટલી ટિકિટો ચપોચપ ઉપડી ગઈ હતી.

પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે આ અજાયબીની આગબોટને મુંબઈ સુધી લઈ જનારો કોઈ હિમ્મતબાજ નાખુદો મળતો નહોતો.

આનું કારણ શું ભલા? એનો ગુણવંતરાય આચાર્યે કલ્પેલો જવાબ માટે રાહ જોઈએ. આવતા અઠવાડિયા સુધી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0EN685g7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com