21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઓસમાણ મીરનું સૂત્ર: રિયાઝ કરો- રાજ કરો!
‘મોર બની થનગાટ કરે’ ફેમ ઓસમાણ મીરનો નિકટથી પરિચય...

‘રામલીલા’નું દૃશ્ય, મોર બની થનગાટ કરે...MEN ઝરૂખો - ક્ધિનર આચાર્યએ સમયે વિખ્યાત ફિલ્મસર્જક સંજય ભણસાલી રાજકોટ આવ્યા હતા. ફિલ્મ, ‘રામલીલા’ માટે કેટલાક ડાન્સ પર્ફોમન્સ વગેરે નિહાળવા અહીં તેમનું પંદરેક દિવસ રોકાણ હતું. આ ગાળામાં જ એક વખત રાજકોટથી દ્વારકા જતા સમયે કારમાં તેમણે ઑડિયો સિસ્ટમમાં સૌરાષ્ટ્રના લોક કલાકારોનો કંઠ સાંભળવાનું નક્કી કર્યું હતું. પોતાની ફિલ્મમાં તેમને લોક કલાકારનો ચિક્કાર ખપ હતો. ઘણુંબધું ગવડાવવાનું હતું. દોહા, મરશિયાં દોહા, બેકગ્રાઉન્ડના આલાપ અને આ બધા કરતાં પણ શિરમોર સમાન પેલું મેઘાનું અવિસ્મરણીય ગીત... ‘મન મોર બની થનગાટ કરે...’ છેલ્લાં લગભગ સોળ-સોળ વર્ષથી આ ગીત તેમનાં હૃદયમાં ગુંજતું હતું. છેક ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સમયથી તેઓ આ ગીતને પોતાની ફિલ્મમાં સમાવવા માગતા હતા. કોઈ કારણસર એ ફિલ્મમાં તેનો સમાવેશ ન થયો અને એ પછી ભણસાલીની જે ફિલ્મો (બ્લૅક, દેવદાસ, સાંવરિયા, ગુઝારિશ વગેરે) આવી તેમાંથી કોઈ ફિલ્મમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ નહોતી. અંતે ‘રામલીલા’ વખતે એમનું એ સ્વપ્ન સાકાર થવાનું હતું.

રાજકોટથી દ્વારકાના રસ્તે સંજય ભણશાલીએ અલગઅલગ ગાયકના કંઠ ચકાસવાનું શરૂ કર્યું. એમાંથી એક ઘેઘુર કંઠ એમને એટલી હદે અપીલ કરી ગયો કે, એક કંઠ સાંભળ્યા પછી, તેની ગાયકી માણ્યા પછી તેમણે બાકીના ગાયકોને સાંભળ્યા જ નહિ. કારણકે, એમણે જેવા કંઠની, જેવી ગાયકીની કલ્પના કરી હતી, તેનાં કરતાં પણ વિશેષ કહેવાય તેવો કંઠ- ગાયકી ધરાવતો ગાયક એમને મળી ગયો હતો! એ ગાયક એટલે, ઓસમાણ મીર.

ફિલ્મ ‘રામલીલા’માં તેમણે ગાયેલા ‘મન મોર બની થનગાટ કરે...’થી લઈને તેમણે બેકગ્રાઉન્ડમાં ગાયેલા દોહાઓ- આલાપ વગેરે ખૂબ ખૂબ ધૂમ મચાવી છે. આજે એમનાં નામના સિક્કા પડે છે, પણ ‘રામલીલા’નાં ગીતોનું અસાઈનમેન્ટ તેમને આસાનીથી મળ્યું નહોતું. એ માટે ખાસ્સી મહેનત કરવી પડી હતી. અલબત્ત, ભણસાલી એન્ડ કંપનીએ મહેનત કરવી પડી હતી. ઓસમાણ મીર એ નહિ!

બન્યું એવું કે, કારમાં ઓસમાણને સાંભળ્યા પછી સંજય ભણસાળીએ તેને મુંબઈ આવવા માટે આમંત્રણ દેવાનું કામ પોતાનાં પ્રોડકશન હાઉસમાં સ્ટાફને સોંપી દીધું. ભણસાલી પ્રોડકશન્સમાંથી ઓસમાણ મીર પર ફોન ગયો. ફોન કરનારે કહ્યું, ‘સંજય ભણસાલીને ત્યાંથી બોલું છું, તેઓ તમારી પાસે એક ગીત ગવડાવવા માંગે છે...’ ઓસમાણને થયું કે, કોઈ મિત્ર તેમની મજાક કરી રહ્યો છે. તેમણે ફોન કાપી નાખ્યો. ફરી એક વખત ફોન આવ્યો, ફરી તેમને થયું કે એ કોઈ ‘પ્રાન્ક’ છે. ફોનનો સિલસિલો ચાલુ રહ્યો. ઓસમાણ ધરાહાર માન્યા નહિ ત્યારે ભણસાલીએ આદિત્ય નારાયણ (ઉદિત નારાયણનાં પુત્ર અને ‘રામલીલા’માં ‘રામજી કી ચાલ દેખો’ ગાનાર ગાયક)ને એ કામ સોંપ્યું. આદિત્યએ ઓસમાણને ફોન કર્યો, આખી વાત સમજાવી અને આ કોઈ મજાક નથી, એ પણ ઓસમાણને ગળે ઉતાર્યું.

ઓસમાણ મીર મુંબઈ પહોંચ્યા ત્યારે સંજયે તેમને ગીત આપ્યું, પોતાની જરૂરિયાત જણાવી અને ઓસમાણને તેમણે તૈયારી માટે બે-ત્રણ દિવસનો સમય આપ્યો. ઓસમાણએ સંજયે આપલે ૭૨ કલાકમાંથી સિત્તેર કલાક તેમને ત્યાં જ સાભાર પરત કર્યા, કહ્યું કે ‘બે કલાક પછી આપણે રેકોર્ડિંગ કરીશું, તમે સાંભળી લેજો.... મજા ન આવે તો બે દિવસ પછી રેકોર્ડિંગ લઈશું.’

બે કલાક પછી ‘મોર બની થનગાટ’... રેકોર્ડ થયું અને... ટેસ્ટ ઈઝ હિસ્ટરી. ફટાફટ એ ગીત ઓસમાણે ગાઈ લીધું અને ભણસાલી તેમને ભેટી પડ્યા. પછી તો ભણસાળીએ આ જ ફિલ્મમાં તેમની પાસે દોહા, મરશિયાં, આલાપ... ઘણું ગવડાવ્યું, ‘રામલીલા’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ઓસમાણના કંઠનો ભણસાલીએ છૂટથી ઉપયોગ કર્યો છે.

ફિલ્મ માટે ગાવું એ આમ તો ઓસમાણ મીર માટે કોઈ નવી વાત નથી. પરંતુ ‘રામલીલા’ અગાઉ તેમણે જેટલી ફિલ્મ માટે પ્લે બૅક સિન્ંિગગ કર્યું એ તમામ ગુજરાતી ફિલ્મો હતી. તેમણે લગભગ ત્રીસેક ગુજરાતી ફિલ્મોમાં ગાયું છે. પરંતુ સંગીત એ તેમનો પ્રથમ અને અંતિમ પ્રેમ છે, ફિલ્મોની ઝાકમઝોળ એ માત્ર તો પ્રેમમાંથી નીપજેલી બાય-પ્રોડક્ટ છે. એટલે જ તેમણે જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો છે તેમાંથી એકપણનાં પ્રીમિયરમાં તેઓ ગયા નથી, ‘રામલીલા’ના પ્રીમિયરમાં પણ નહિ.

શરૂઆતથી જ ઓસમાણ મીર સંગીત પ્રત્યેર પ્રતિબધ્ધ. પરિવારમાં વાતાવરણ પણ સંગીતનું જ. પિતા હુસૈન મીર તબલાં પ્લેયર હતા. દાદા અલ્લાહરખા ઉસ્તાદ પણ તબલાંના ઉસ્તાદ. કચ્છનાં માંડવીમાં મીર પરિવારને બધા સંગીતના ઈબાદતગાર તરીકે જાણે. ઓસમાણ મીર પણ બહુ નાની ઉંમરથી તબલાં પ્લેયર તરીકે મોટા- મોટા કલાકારોની સંગત કરે. પાયો એકદમ પાક્કો. તબલાવાદન તો ઘરની એક પ્રથા જ ગણાતું તેમને ત્યાં. એ એમનાં માટે એકદમ સહજ ગણાય એવી બાબત રહી. ગાયકીની તાલીમ માંડવીના ઈસ્માઈલજી દાતાર પાસેથી મેળવી. જો કે, શરૂઆતના વર્ષોમાં ગાયકી માત્ર શોખ પૂરતી મર્યાદિત હતી. ગુજરાતમાં સમર્થ ભજનીક નારાયણ સ્વામીને તેમણે વર્ષો સુધી તબલાં દ્વારા સંગત આપી. લગભગ દસેક વર્ષ સુધી નારાયણ સ્વામી સાથે તેઓ રહ્યા. એ દરમિયાન તેઓ માત્ર મિત્રોની મહેફિલમાં ગાતા હતા. સ્ટેજ પરથી ગાવાનું શરૂ કર્યું નહોતું.

સમય વીતતો ગયો. એ સમયમાં તેમને મોરારિબાપુ સાથે સારો પરિચય જામ્યો હતો. બાપુના પ્રિય એવા પ્રદીપ દવે (બકાભાઈ)એ ઓસમાણને ગાયકી અપનાવી લેવા સતત પ્રેરણા આપી. બાપુ પણ તેમની પાસે બહુ પ્રેમથી ગવડાવે, ઓસમાણની ગાયકી બહુ ભાવપૂર્વક માણે. ધીમે ધીમે ઓસમાણે ગાયકીને જ પ્રોફેશન તરીકે અપનાવી લીધી. છેલ્લાં પંદર વર્ષથી તેઓ મોરારિબાપુની દરેક રામકથામાં નિયમિત હાજરી આપે છે. બાપુ સાથે દુનિયા આખીમાં ફર્યા છે.

ઓસમાણ મીરનું ...પાસું છે તેમની કેળવાયેલી- ઘૂંટાયેલી ભાવવાહી ગાયકી. ગુજરાતીનાં અગણિત લોકગાયકો ત્રણ- ચાર દાયકા સુધી ગાયા પછી જે સ્તરે નથી પહોંચી શક્યા એ શિખર પર તેઓ બહુ ટૂંકા ગાળામાં પહોંચ્યા છે. અને તેની પાછળ કેટલાંક કારણો પણ છે. સંગીત તેમના ઉગઅમાં છે એ કારણ તો ખરું જ. તે ઉપરાંત પણ કારણો છે: એક છે, રિયાઝ. આજે પણ તેઓ રિયાઝને હળવાશથી લેતા નથી. બહુ ટૂંકમાં તેઓ રિયાઝનું મહત્ત્વ સમજાવે છે: ‘સંગીતના ક્ષેત્રમાં કહેવાય છે કે, તમે સંગીતને એક દિવસ છોડો તો સંગીત તમને દસ દિવસ માટે છોડી દે છે! ઉસ્તાદો કહે છે: ‘રિયાઝ કરો- રાજ કરો!’

ઓસામણ મીરની સફળતાનું એક અન્ય કારણ: ઉત્તમ સંગીતનું શ્રવણ. એમનાં ગુરુ ઈસ્માઈલજી દાતાર કહેતા: ‘સાંભળવાથી જે પ્રાપ્ત થાય તે ક્યારેય શીખવાથી પણ મળતું નથી!’ ઓસમાણે ઘાટઘાટનાં જળનું રસપાન કર્યું છે. સિંધનું સંગીત પણ સંાભળ્યું, રાજસ્થાનનું પણ માણ્યું, બંગાળનું સંગીત પણ પીધું અને પંજાબનાં મ્યુઝિકનું પણ મન ભરીને પાન કર્યું. મહેદી હસનથી લઈ ગુલામ અલી અને જગજિત સુધીનાં અગણિત ગાયકોને મન ભરીને માણ્યા અને આ બધા સંગીતમાંથી કશું ને કશું પામ્યા. એટલે જ આજે તેઓ જ્યારે સૂર છેડે છે ત્યારે આ બધાનો અર્ક તેમના કંઠમાં ઝળકતો હોય છે. સંગીતને પારખતા ભણસાલી જેવા લોકો પણ અમસ્તા જ તેમના પર વારી જતા નથી. આજે પણ ઓસમાણ જ્યારે પંદરેક શૈલીમાં ‘કેસરિયા...’ (તેમનો એ અદ્ભુત વીડિયો યુ ટ્યુબ પર છે, માણજો!) ગાય છે ત્યારે શ્રોતાઓ દંગ રહી જાય છે. તેઓ જ્યારે ‘ધૂણી રે ધખાવી’ છેડે છે ત્યારે લાગે છે કે, લોકસંગીતનું કોઈ દિવ્ય અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને તેમાં જાણે મંત્રધ્વનિ થઈ રહ્યો છે. સંતવાણીથી સૂફી અને ગઝલથી સુગમ સુધીની તેમની રેન્જ એટલી અદ્ભુત છે કે, સંગીત જાણનારી કોઈપણ વ્યક્તિ એમને સલામ કર્યા વગર ન રહી શકે. ‘રામલીલા’ સાથે જ સંકળાયેલી એક વ્યક્તિએ ઓસમાણની રેન્જ જોઈને જ તેમને ‘મોર બની થનગાટ કરે’ની સફળતા પછી કહ્યું હતું: ‘અભી તો યે સીર્ફ શૂરૂઆત હૈ...’ ઓસમાણી મીર વિશે અન્ય તો આવું જ કહે છે, પણ એમને પૂછશો તો બહુ વિવેકપૂર્વક તેઓ એક શે’ર કહેશે, એમના તકિયાકલામ જેવો શે’ર.

‘જીતના દીયા માલિક ને મુજ કો,

ઈતની મેરી ઔકાત નહિં;

યે તો કરમ હૈ ઉનકા વરના

મુજમેં તો ઐસી બાત નહિ!’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5CD0M771
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com