21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લા. ઠા. તમને ઠાલા નહીં રાખે
લા. ઠા. તમને ઠાલા નહીં રાખે - બકુલ ટેલર

લાભશંકર ઠાકર એક એવા કવિ, નાટ્યકાર છે જેમણે નર્મદની જેમ થંભી ગયેલા મનજળને ડહોળી નાખવાનો પડકાર ઝીલ્યો. બાવીસ જેટલાં કાવ્યસંગ્રહો ઉપરાંત નાટકો, નવલકથાઓ, નિબંધ સંગ્રહોની સંખ્યા કહે છે કે જાતને પામવામાં વિરામ ન ચાલે. તેમનામાં રહેલી ઊર્જા દરેક માટે પડકાર છે. ભાષામાં રહી ભાષાને વીંધતા ભાષાને પાર થવાની તેમની જીદ તેમને નોખા બનાવે છે. શરીરના ઉપચાર કરનાર વૈદ-કવિ ભાષાનોય ઉપચાર કરે છેલાભશંકર ઠાકર જેને મિત્રો અને સ્વયં પણ ‘લા. ઠા.’ નામે ઓળખે છે એ લા. ઠા. ભાષા સાથે ક્રીડા કરતાં કરતાં ભાષામાં રમમાણ થઈ ભાષામાંથી બહાર નીકળી જઈ ચેતનાની શુદ્ધ, કુંવારી ક્ષણને પામવા મથતા કવિ છે. એમને ‘સર્જક ક્ષણ’ પામવાની હંમેશ તીવ્ર ઝંખના રહી છે અને તેથી તેઓ ઉત્તમ ભાવક પણ છે. કેટલાંક કવિઓ પોતાનો કિલ્લો છોડે નહીં જ્યારે લા. ઠા.ને એવો રસ કે ચાહે પોતાના વડે યા અન્ય વડે જો કશીક અનન્ય સર્જક ચેતનાનો ચમત્કાર પમાયો હોય તો તે પામી પ્રસન્ન થઈ જાય. તેઓ પોતાને પણ ‘અન્ય’ તરીકે જોઈ શકે છે. પોતાને ‘ચૈતસિક પદાર્થ’ તરીકે જોવું તેમને ગમે છે. આ અભિગમે તેમને આધુનિક કવિઓમાં વિલક્ષણ બનાવ્યા છે. ભાષા સાથે તો તમે અને બધા રોજ કામ પાડીએ જ છીએ પણ આ ભાષા છે શું? તેનો કાવ્યાનુભવ પામવા લા.ઠા પાસે જવું પડે. માત્ર કાવ્યાનુભવ જ શા માટે? તેઓ નાટ્યાનુભવ પણ કરાવી શકે છે. તમે જોયું છે તેમનું ‘પીળું ગુલાબ અને હું’ ?... ‘કાહે કોયલ શોર મચાયે રે’?... ‘વૃક્ષ’, ‘ખીચડી’? લા.ઠા.ના પગલે ચાલતાં ચાલતાં તમે અંતર્ધાન થઈ જશો, ખુદને ગુમાઈ દેશો ને પછી કશુંક ચેતનાની હથેળીમાં એવું અનુભવશો જેમાં આ અસ્તિત્વના નવાંકુર પડેલા હોય. તેમની એક કવિતાનો અંશ:

હું હરગિઝ વિરોધી નથી ભાષાનો.

મેં તો એકધારી ઘસ્યા કરી છે એને સ્વચ્છ કરવા, ઉજ્જવલ કરવા.

મેં તો ભાષાને ભાષા બનાવવા પ્રયત્ન કર્યો છે.

મેં એને અનાવૃત્ત કરવાનો, નગ્ન કરવાનો પ્રયત્ન કર્યો છે.

મેં તો દટાયેલી ભાષાનું ઉત્ખનન કરી એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે.

અને એને ઈજા ન થાય એટલી સંભાળથી કર્યો છે.

મેં એને ચાહી છે, ચૂમી છે, પંપાળી છે, બથમાં લીધી છે.

લાભશંકર ઠાકર છ દાયકાથી લખે છે અને આ દરમિયાન તેમના સમકાલીન કવિઓથી સૌથી વધુ બાવીસ જેટલા કાવ્યસંગ્રહો આપ્યાં છે. ‘વહી જતી પાછળ રમ્ય=ઘોષા’, ‘માણસની વાત’, ‘મારે નામને દરવાજે’, ‘બૂમ કાગળમાં કોરા’નો એક તબક્કો હતો જે રૂપાંતરે સતત આગળ વધતો ગયો અને ‘પ્રવાહણ’, ‘લઘરો’, ‘કાલગ્રંથિ’, ‘ટોળા અવાજ ઘોંઘાટ’ ઉમેરાતા ગયા. આ દરમિયાન તેમણે પંદર જેટલી નવલકથાઓ લખી- ‘અકસ્માત’, ‘કોણ?’, ‘પીવરી’, ‘લીલા સાગર’, ‘હાસ્યાયન’, ‘ચંપકચાલીસા’, ‘અનાપસનાપ’. સુમન શાહ નામના વિવેચકે જ્યારે સુરેશ જોષી વિશે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ નામે સંશોધન ગ્રંથ પ્રગટ કરેલો ત્યારે સતત સર્જનવ્યસ્ત સુ. જો. બોલેલા કે ‘શું મેં લખવાનું બંધ કરી દીધું છે તે આ સુ. જો.થી સુજોનું વર્તુળ પૂરું કરે છે? લાભશંકર ઠાકર સતત લખતા રહે છે- અવિરામ ને તેથી ‘લા. ઠા.થી લા. ઠા.’નું વર્તુળ શક્ય નથી. તેમણે પોતાની બા વિશેની સ્મૃતિ ‘મારી બા’ ગ્રંથમાં અને પછી ‘બાપા વિશે’ ગ્રંથ પણ લખ્યો. એ જ રીતે ‘એક મિનિટ’, ‘ક્ષણ-તત્ક્ષણ’, ‘સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે’ સહિતના નિબંધસંગ્રહો પણ આવ્યા. લાભશંકર કોઈ એક સ્વરૂપમાં ઠરે એવા નથી તેથી ‘મરી જવાની મઝા’, ‘બાથટબમાં માછલી’ જેવા એકાંકીસંગ્રહો પછી ‘પીળું ગુલાબ અને હું’, ‘મનસુખલાલ મજીઠિયા’, ‘કાહે કોયલ શોર મચાયે રે’ વગેરે ફૂલલેન્થ નાટકો લખાયાં અને છેલ્લા દાયકામાં ‘સ્વપ્નાક્ષરી’ એકાંકીસંગ્રહ અને ‘મકસદ’ નાટક ઉમેરાયા. આ બધું ઉપરાંત બાળકાવ્યોના સંગ્રહો અને આયુર્વેદના પચાસ જેટલા નાનાં-મોટાં પુસ્તકો. હા, આમ તો વૈદ્ય છે પણ તેઓ અધ્યાપક પણ હતા. આ બધાથી ઉપર આંદોલક તો તેઓ હંમેશ રહ્યા.

લા. ઠા.ની જિંદગી અને સર્જકતા એવો બોધ આપે છે કે દુનિયા કી ઐસીતૈસી, તમે તમારી રીતે કામ કરતા રહો. એક સમયે ‘રે મઠ’થી તોફાની તરીકે જાણીતા થયેલા લા. ઠા.એ એવા નાટ્યપ્રયોગો કરેલા કે જેમાં કોઈ તૈયાર સ્ક્રિપ્ટ જ ન હોય. બસ, ભજવવા માંડવાનું અને તેમાંથી જે ક્ષણ વિહાર, ભાષા વિહાર થાય તેની ‘નાટકીય’તાને પામવાની. મધુ રાયની પ્રેરણાથી ‘આકંઠ સાબરમતી’ નામે નાટ્યલેખન શરૂ થયું તેમાં ‘પીળું ગુલાબ’ સર્જાયું. શરૂમાં કોઈ જ સ્ક્રિપ્ટ નહીં ‘રંગમંચ સાથે અગિયાર- બાર- તેર વર્ષની વયે જોડાયેલી ફીમેલનું આવાં જીવનના સાતત્ય પછી શું થાય?’ એક આ ખ્યાલ અને ઈમ્પ્રોવાઈઝેશન થતાં થતાં નાટક થયું જે પ્રથમ દામિની મહેતાએ અને પછી મુંબઈમાં કાંતિ મડિયાના દિગ્દર્શનમાં ‘પીળું ગુલાબ અને હું’ નામે મીનળ પટેલના મુખ્ય અભિનયમાં ભજવાયું. ‘મનસુખલાલ મજીઠિયા’ પણ ઈમ્પ્રોવાઈઝેશન રૂપે જ રૂપ પામેલું અને ‘કાહે કોયલ શોર મચાયે રે’ તો ‘પીળું ગુલાબ’ નાટકનાં એક દૃશ્યરૂપે હતું જે પછી એકાંકી અને ફૂલલેન્થ તરીકે વિકસ્યું. શું આપણે એક સમયે જે ક્ષણને જીવ્યા હોય તે ફરી જીવી શકીએ છીએ? એવા પ્રયત્નો કરવા જાવ તો કેવા ઠાલા પુરવાર થાય તેની અહીં વાત છે. સ્મૃતિ બની ગયેલા સમયને બરાબર તે જ રીતે ભજવવા બધું જ કરો છતાં પેલી ક્ષણ તો ન જ ફરી આવે. ‘ખીચડી’માં મૃત્યુથી છૂટવાની એષણામાં એક શરતી સ્થિતિ મળે પણ એ સ્થિતિ એવી હંફાવે કે મૃત્યુને સામે ચાલી કહેવું પડે કે બસ મારે નથી જીવવું. લાભશંકર ઠાકર પોયેટિક રીતે એવું જીવનદર્શન પ્રગટાવે છે કે પ્રેક્ષક પોતાની જાતને જોવા માંડે છે. લા. ઠા.માં ચિત્તની વિવિધ ભૂમિકાઓ પામવા-તપાસવાનું કાવ્યાત્મકસભર મનોવિજ્ઞાન છે જે ફિલસૂફીમાં રૂપાંતર પામે છે. લા. ઠા.ની કવિતા વાંચો કે નાટક જુઓ તો સંડોવાયા વિના રહી ન શકો. બસ, આ વાત તેમને નોખા બનાવે છે અને તેમની સર્જકતાના બારણે ખડા કરી દે છે.

૧૯૯૧માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક જીતેલા લા. ઠા.ને રિપીટેશનથી પીડાતા માણસ નથી ગમતા. તેમને એ પણ નથી ગમતું કે કવિતામાં પગેરા શોધાય. કવિતા કવિતા છે અને તેમાં રહી જ કાવ્યપદાર્થને પામવો. બધાને અંગત જીવન હોય, તેની સારી-નરસી ઘટનાઓ, સંબંધો હોય તેથી શું? રૂપાંતરિત થતી વેળા તે કવિતા યા વાર્તા કે નવલકથા કે નાટક બને તો બસ છે. સર્જનમાં તો સર્જકનું જીવન અને ચિત્તની અવસ્થાઓ પણ સામગ્રી જ છે. ને લખાયા પછી તે બિનંગત બની માનવજાતની બની રહે છે.

૧૪.૧.૧૯૩૫ના રોજ સેડલામાં જન્મેલા લા. ઠા.ને પિતા વૈદ્ય જાદવજી નરભેરામ શાસ્ત્રી (પાટડીવાળા) વૈદક સાથે કાવ્યસાહિત્યનાં સંસ્કાર મળેલા અને આજ સુધી તેને નિભાવ્યા છે. ‘મરી જવાની મઝા’માં હસતાં હસતાં મનુષ્યજાતિની કરુણ વિસંગતિને પ્રત્યક્ષ કરનાર લા. ઠા. તો કહે છે કે, ‘માનવ જીવન છે તો અનિવાર્યતયા ‘કાદવ-કીચડ’ છે. આ જીવન ‘નૉનસેન્સ’ છે.’ તો ડિયર, લા. ઠા.ની કાવ્યચેતનાનું તમને નિમંત્રણ છે. લા. ઠા. પાસેથી તમે ઠાલા પાછા ન જ

વળશો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bvO7ov
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com