21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જિંગલ્સના જાજરમાન રાજવી
હું એવીજ ફિલ્મો સ્વીકારું છું જેમાં રચનાત્મક કામ કરવા મળે: રજત ધોળકિયા

ઈન્ટરવ્યૂ ઓફ ધ વીક - નીલમ પૂજારાઆ એક એવા અલગારી સંગીતકાર છે, જેમને ફિલ્મોમાં કે ટીવી સિરિયલોમાં સંગીત આપવાનો મોહ નથી. તે જિંગલ્સના રાજા છે. તેના જેટલા જિંગલ્સમાં સંગીત કદાચ ભારતમાં કોઇએ નહીં આપ્યું હોય. તેમના માટે ગર્વની વાત લઇ શકાય તે વાત એ છે કે તે ગુજરાતી છે. પ્રકૃતિપ્રેમી, ગુણવત્તાભર્યુંસંગીત આપવામાં માનતા અને શાંતિપ્રિય આ સંગીતકારની કર્મભૂમિ ભલે મુંબઈ હોય, પણ શાંતિથી એકાંતમાં રહી શકાય અને મનગમતા કામ સાથે વતનની ખુશબો માણી શકાય તે માટે મુંબઈ છોડીને વતનના શહેર અમદાવાદમાં સ્થાયી થયા છે. જ્યારે પણ એસાઇનમેન્ટ પૂરું કરવાનું હોય ત્યારે મુંબઈ આવી જાય અને સાંતાક્રુઝમાં આવેલા પોતાના ભત્રીજાના ઘરમાં રહે. જિંગલ્સ તેમનો પર્યાય બની ગયો છે. ઍડ વર્લ્ડમાં તેમનું નામ મોખરાનું છે. જિંગલ્સના તે બાદશાહ છે. છતાંય મનમાં ગર્વ કે ઊંચી મહત્વાકાંક્ષા નહીં. સંગીતક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરતા રહેવા એ જ તેમની નેમ અને કુનેહ. માથે લાંબા વાળ, આંખે ચશ્મા અને સાદગીભર્યાં વસ્ત્રોમાં જોવા મળે. તેમને જોતાં તે રૉકસ્ટારહોવાનો આભાસ જરૂર થાય, ભલે તેમણે ભભકાદાર વસ્ત્રો ના પહેયાર્ં હોય. સાજ અને સૂરોના આ બાદશાહ છે રજત ધોળકિયા, જેમનું સંગીત ક્ષેત્રે આવવું કોઇ અજાયબી કે નવાઇની વાત નહોતી. નાનપણથી જ સંગીતમાં મન રચ્યુંપચ્યું રહે, કારણકે ગીતકાર વેણીભાઇ પુરોહિતનું ‘તારી આંખનો અફીણી તારા રૂપનો બંધાણી’ જેવું લોકપ્રિય ગીત જેમની ઓળખ બની ગયું છે તે પ્રખ્યાત સંગીતકાર અને ગાયક દિલીપ ધોળકિયા તેમના પિતા. આથી દેખીતું જ છે કે તેમના ઘરમાં સંગીતનું વાતાવરણ મહેક્યા કરે. તમે પૅપ્સી, કોક અને રિલાયન્સની એડ તો જોઇ જ હશે. આ બધી જ લોકપ્રિય ઍડવર્ટાઇઝમાં સંગીત આપનારા રજતભાઇ જ છે. તેમણે ૧૦૦ જેટલી ડૉક્યુમેન્ટરીઝ, ખેલૈયા જેવાં ૨૫૦ જેટલાં સંગીતનાટકો, મિર્ચ મસાલા, ધારાવી, ફિરાક, ધ ગુડ રોડ,સપ્તપદી જેવી ૫૦થી ૬૦ ફિલ્મો અને અધધ... ૮૦૦૦ જેટલાં જિંગલ્સમાં સંગીત આપ્યું છે. તેમને બે નેશનલ એવૉર્ડ મળ્યા છે. આવા આ સંગીતના શહેનશાહની સંગીત સર્જનની સફર કેવી હોય?

અમે જ્યારે તેમના ઘરમાં પ્રવેશ્યા અને મુલાકાતનો વિષય કહ્યો કે આજે તો તમારા સંગીતસર્જનની જ વાતો કરવી છેત્યારેતે ખુશ થઇ ગયા અને અમે શરૂઆત કરી તેમના સંગીત જીવનના પાનાં ઉખેળવાની.

સંગીત તમારા જીવનમાં કઇ રીતે પ્રવેશ્યું? તમારા માટે તેનું મહત્ત્વ કેટલું છે?

રજતભાઇ કહે છે, ઓહ! સંગીત તો મારું જીવન બની ગયું છે. મારું આખું ખાનદાન જ સંગીતમય છે. આથીતેના વિશે તો અઢળક વાતો કરી શકું છું.

મારા પિતા દિલીપ ધોળકિયા પ્રખર ગાયક. (અત્યારે તે હયાત નથી. ૯૦થી વધારે વર્ષ જીવ્યા) ભીંડીબજાર ઘરાનાના તે ગાયક કહેવાય. તેમના ગુરુ ઉ. અમાનઅલી ખાં સાહેબ. તેમનીગાયકીની સ્ફૂર્તિ તો જુઓ કે ૮૭મા વર્ષે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનાપ્રમુખસ્વામી માટે ૨૧ ગીતો અને ભજનોનું આલબમ બનાવેલું. તેનાથી પ્રમુખસ્વામી એટલા ખુશ થઇ ગયા હતા કે મારા પિતાના માથે તેમણે પાઘડી પહેરાવી હતી. જીવનનાં ૬૪મા વર્ષ પછી તેઓ અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાય માટે જ સંગીતનું કામ કરતા હતા. આમ, ઘરમાં જ આવી દિવ્ય સંગીતની જ્યોત જલતી હોય ત્યારે મારા લોહીમાં સંગીતનો વારસો ન આવે તો જ નવાઇ. મારા ગુરુ પશ્ર્ચિમી શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ પં. રામપ્રસાદ શર્મા, જે સંગીતકાર પ્યારેલાલના પિતા થાય. તેમની પાસેથી હું વેસ્ટર્ન મ્યુઝિક, સ્ટાફ નોટેશન અને મ્યુઝિક એરેન્જમેન્ટ શીખેલો. મારા ફ્રેન્ચ મિત્ર માર્ક સલુન પાસેથી ક્લાસિકલ ગિટાર તથા મહાન ફિલ્મ એરેન્જર શ્યામરાવ કાંબલે પાસેથી ગીતો માટે મ્યુઝિકલ સ્કોર અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું શીખ્યો હતો. આથી સંગીતના જ્ઞાનમાં ઘણી માસ્ટરી હતી.

આ ઉપરાંત મેં પ્રખ્યાત ગાયક બેલડી અજિત સેઠ અને નિરુપમા સેઠનાં પુત્રી ફાલ્ગુની સેઠ સાથે લગ્ન કરેલા, જે બંધન હવે તૂટી ગયા છે, પણ સસરા ઉત્તમ ગાયક હતા. સુગમ સંગીતના મહારથી હતા અને સાસુમા તથા પત્ની પણ સારાં ગાયક છે. આમ, ચારેય બાજુ સંગીતની જ મહેક પ્રસરતી.

અમે રહ્યા વડનગરના નાગર જાતિના. જે પ્રખ્યાત સંતકવિ નરસિંહ મહેતાની કોમ પણ કહેવાય. આથી અમારી ગળથૂથીમાં જ કવિતા અને સંગીત હોય. તમે નાગરો વિશે સંશોધન કરશો તો તેના ઇતિહાસમાં ત્રણ ખૂબી જરૂર જોવા મળે. સંગીત-સાહિત્ય તો તેમની નસમાં હોય જ, પણ તેમને પાન ખાવાની બહુ ટેવ અને ત્રીજું દરેક નાગરના ઘરમાં હિંચકો જરૂર જોવા મળે. હિંચકે હિંચકતા હિંચકતા પાન ખાતા જાવ અને સંગીતના સૂરો સાંભળતા જાવ. આટલું રસભર્યું જીવન હોય તો બીજું શું જોઇએ? આથી મારી સંસ્કૃતિનો મને ગર્વ છે.

તમને કેવા પ્રકારનું સંગીત સાંભળવું અને સર્જન કરવું ગમે? ભારતીય શાસ્ત્રીય સંગીત, ફિલ્મી કે પશ્ર્ચિમી સંગીત?

મને દરેક પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે. ભારતીય ક્લાસિકલ હોય કે વર્લ્ડ ફોક કે જાઝ હોય કે વેસ્ટર્ન ક્લાસિકલ હોય. દરેક પ્રકારનું સંગીત સાંભળું અને વગાડું પણ ખરો. એડ ફિલ્મોમાં ફિચર ફિલ્મો કરતાં જુદા પ્રકારનું સંગીત આપવાનું હોય. આથી હું તેમાં જાતજાતના પ્રયોગો કરું. ભારતીય લોકસંગીતનો પણ ઉપયોગ કરું, સમકાલીન અને આધુનિક સંગીત પણ મિક્સ કરું. જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરું અને નવી નવી રચનાઓ કરું. હું મૂળ તો સૌપ્રથમ સાઉન્ડ ડિઝાઇનર છું. તેમાંથી સંગીતકાર બન્યો છું. ‘પરિંદા’, ‘૧૯૪૨: અ લવ સ્ટોરી’, મણી કૌલની ‘સિદ્ધેશ્ર્વરી’, પેઇન્ટર જહાંગીર સબાવાલાનાજીવન પર બનેલી ફ્લ્મિ ‘કલર્સ ઓફ એબસન્સ’ જેવી ફિલ્મોમાં મેં સાઉન્ડ ડિઝાઇન કર્યું છે.

આ ફિલ્મ સંગીતથી પર છે. બહુ સુંદર ફિલ્મ છે. એમાં બધા કુદરતી નાદ સાંભળવા મળે. જુદા જુદા સાઉન્ડનો કેવી રીતે ઉપયોગ કરવો, કઇ રીતે સાઉન્ડને સિમ્બૉલિક બનાવવા તે બધું વિચારવું પડે.

આ વર્ષના ઑસ્કર એવૉર્ડ માટે વિદેશી કેટેગરીમાં ભારત તરફથી નોમિનેટ થયેલી ફિલ્મ ‘ધ ગુડ રોડ’માં પણ તમે સંગીત આપ્યું છે. તેના વિશે કંઇ કહેશો?

આ ફિલ્મ અમે કચ્છના રણમાં અને કચ્છ-ગુજરાતનાવિવિધ હાઇવે પર શૂટ કરી છે. એમાં પણ અમે રિયલ લોકેશન પર જઇને લાઇવ સાઉન્ડ રેકોર્ડ કર્યો હતો. રસૂલ પોકુટ્ટીએ તેમાં સાઉન્ડ ડિઝાઇનિંગ કર્યું છે. રસૂલે તેમાં જુદા જુદા ૬૪ ટ્રેક બનાવ્યા હતા, જેમાં પવનનો સુસવાટો,ટ્રકહાઇવે પરથી પસાર થાય તેનો અવાજ, ઊડતી ધૂળનો અવાજવગેરે તેમાંથી લીધા હતા. કચ્છના સ્થાનિક લોકો જે મૂળ લોકગીતો ગાય તે બધું જ અમે લાઇવ રેકોર્ડ કર્યું હતું. અમે ત્યાં ટેન્ટ બનાવીને આખો રેકોર્ડિંગ સ્ટુડિયો ઊભો કર્યો હતો. આ પ્રકારનું સાઉન્ડ રેકોર્ડિંગ ભારતમાં સૌપ્રથમ વખત આ ફિલ્મમાં થયું છે.

તમે જિંગલ્સના બાદશાહ છો, પણ મોટી ફિલ્મો હાથમાં આવે તોપણ સ્વીકારતા નથી? તેનું કારણ શું?

આ પ્રકારનું કંઇક નવું કરવાનું હોય તો જ હું ફિલ્મ કરું છું. સામાન્ય રીતે મને જિંગલ્સ બનાવવામાંથી સમય જ નથી મળતો. જિંગલ્સ બનાવવામાં મને મઝા આવે છે, કારણકે તેમાં દરેક વખતે નવા નવા પ્રયોગો કરવા મળે છે. તેમાં અમારે ઓન ધ સ્પોટ બહુ ટૂંકા ગાળામાં મ્યુઝિક તૈયાર કરવું પડે. નિર્માતા ગમે તે સમયે આવીને કહે ને અમારે તાત્કાલિક સંગીત તૈયાર કરવું પડે. ઘણી વખત તો સવારે અસાઇનમેન્ટ મળ્યું હોય ને સાંજે આપવાનું હોય. આથી મારે ઓન ધ સ્પોટ વિચારવું પડે કે તે ફિલ્મની મારે કેવી ટ્યૂન બનાવવી. તેટલા સમયમાં જ તમારે ફાઇનલ મ્યુઝિક તૈયાર કરવાનું હોય, જે લોકોને આકર્ષી શકે અને ફિલ્મ લોકપ્રિય થાય. ફક્ત અડધી મિનિટના સ્લોટમાં તમારે ક્રિએટિવીટી બતાવવી પડે. તેમાં કેટલું વૈવિધ્ય લાવી શકાય તે પણ ઓન ધ સ્પોટ વિચારવું પડે. મને પડકારરૂપ અને પ્રયોગાત્મક કામ કરવા જ ગમે છે. આથી જ હું કમર્શિયલફિલ્મોની ઓફર નથી સ્વીકારતો. તેમાં સમય વધારે જાય અને પ્રમાણમાં પૈસા ઓછા મળે. એક ફિલ્મમાં હું સંગીત આપું તેટલા સમયમાં મારા કેટલા બધા જિંગલ્સનું સર્જન થઇ જાય. વળી, મસાલા ફિલ્મમાં મને કોઇ સારું સંગીત આપવાનું ન મળે. તે બધું ચીલાચાલુ હોય. આથી હું ફિલ્મો પણ એવી જ હાથમાં લઉં છું કે જે ઓફબીટ કે આર્ટ ફિલ્મો હોય, જેમાં મને કંઇક નવું પ્રયોગાત્મક સંગીતસર્જન કરવા મળે. મેં એક ગુજરાતીફિલ્મ કરી હતી, ‘હું હુંશી હુંશીલાલ’. તેમાં ૪૫ ગીત હતાં. તે મેં અન્ય એક સંગીતકાર સંજીવ સાથે મળીને બે જદિવસમાં કમ્પોઝ કર્યાં હતાં. તેમાં ૨૦થી ૨૫ ગાયકોએગીતો ગાયા હતા. આમ, તાત્કાલિક સર્જન કરવા માટે પણ મગજ ટેવાઇ ગયું છે.

મેં કમલ સ્વરૂપની એક એબસ્ટ્રેક ફિલ્મ કરી છે ‘ઓમ દરબદર’. તેમાં પણ એક બૅન્ડ સાથે અજમેર જઇને ૮ ગીતો કયાર્ં હતાં. તેમાં પણ મેં ઘણા પ્રયોગો કર્યા છે. તેમાં મે બોલચાલની ભાષા વાપરી છે. તેમાં એક દેડકાંઓનું ગીત રાખ્યું છે. તેનો કેવી રીતે સાઉન્ડ કાઢવો તે વિચારવું પડે. તેઓ પોતે તે ગીત ગાતા હોય તેવું દેખાડ્યું છે. આ ફિલ્મ હજુ રિલીઝ નથી થઇ. મોટી ફિલ્મોમાં તમે ૧૫-૨૦ દિવસમાં સંગીતનું સર્જન કઇ રીતે કરી શકો? આથી હું ફિલ્મોમાં બહુ સંગીત નથી આપતો. પડકારરૂપ કાર્યમાં જ મને એક્સાઇટમેન્ટ મળે છે. મેં પહેલેથી જ મારી એક સ્ટાઇલ રાખી છે. સાઉન્ડ અને મ્યુઝિકના માધ્યમથી મારે જે કહેવું હોય તે કહી શકું છું. મારીપહેલી ફિલ્મ ‘હોલી’ હતી. ૧૯૭૯માં શ્યામ બેનેગલની ‘હેડલાઇટ’ કરી હતી. તે સમયે તો આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો પણ નહોતા ત્યારે પણ હું સૌથી વધારે ઍડ ફિલ્મો કરતો હતો. તે સમયે તારદેવમાં ફિલ્મ સેન્ટર હતું. બહુ જૂનો સ્ટુડિયો. ત્યાં વનરાજ ભાટિયા અને આર. ડી. બર્મન જેવા સંગીતકારો તેમનું રેકોર્ડિંગ કરતા તે જ સ્ટુડિયોમાં હું પણ રેકોર્ડિંગ કરતો. મને જિંગલ્સ બનાવવામાં સંતોષ મળે છે, તે ફિલ્મમાં નથી મળતો. હું અત્યાર સુધીમાં ૫૦૦ ફિલ્મો કરી શક્યો હોત, પણ મેં મને ગમે તેવી ૫૦ ફિલ્મોમાં જ સંગીત આપ્યું છે, જેનો મને બહુ આનંદ અને સંતોષ છે. હું ફિલ્મો પાછળ બહુ નથી ભાગતો.

તમારા સંગીતસર્જનની પ્રક્રિયા કેવી રહે છે?

સંગીત સર્જવાની એક પ્રોસેસ હોય છે. જાહેરખબરનો વ્યવસાય છે એટલે મનને વ્યાવસાયિક ન રાખતા એકદમ ખુલ્લું રાખવું પડે, જેની મોકળાશને કારણે તેમાં વૈવિધ્યતા આવી શકે. સતત નવું નવું વિચારતા રહેવું પડે. રાગોનું મિશ્રણ કરીને તેનું નવું સર્જન કેવી રીતે કરવું તે પણ સખત મહેનત માગી લે છે. આગળ મેં કહ્યું તેમજિંગલ્સમાંઓન ધ સ્પોટ કામ કરવાનું હોય. નિર્માતાને બીજા દિવસે એડ રિલિઝ કરવાની હોય અને આગલા દિવસે આવે ને કહે કે આજે જ આનું સંગીત તૈયાર કરી આપો. આથી અમારે સતત તેના વિશે વિચારતા રહેવું પડતું હોય છે કે કેવી ટ્યૂન બનાવીશું, કયા રાગનો ઉપયોગ કરીશું, કયું ઇન્સ્ટ્રુમેન્ટ આમાં ઠીક રહેશે વગેરે. તેમાં પણ વેરિએશન લાવવાનું હોય એટલે સતત વિચારપ્રક્રિયા ચાલતી રહેતી હોય. સંગીત એક અનુભૂતિની વસ્તુ છે. તે કમ્પોઝ કરતી વખતે તમારે તે વસ્તુની અનુભૂતિ કરવી પડે કે કેવા પ્રકારની ઍડ છે. તેને અનુરૂપ કયાં વાજિંત્રમાંથી તેને અનુરૂપ સૂર આવશે તે નક્કી કરવું મહત્ત્વનું છે. સતત ઇમ્પ્રુવાઇઝ કરતા રહેવું પડે. વળી દિવાળી, ક્રિસમસ જેવા તહેવારો આવે ત્યારે કંપનીઓને નવા નવા પ્રોડક્ટ બહાર પાડવાના હોય એટલે તાત્કાલિક જ જિંગલ્સનાં કામો થતાં હોય છે. એટલે મનને ટેવ પડી ગઇ છે ત્વરિત કામ કરવાની. ઍડની નાની બંદિશ હોય, પણ તે એટલી ઇમ્પ્રેસિવ બનાવવી પડે કે આજથી ૧૦ વર્ષ પછી પણ યાદ રહે, તો જ તેની સફળતાનો રંગ દેખાય.

તમારા નવા પ્રોજેક્ટ વિશે કહેશો?

અત્યારે રજતભાઇ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટીની બીજી અનટાઇટલ્ડ ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મ અમે રાજસ્થાનના રણમાં જઇને શૂટ કરવાના છીએ. આ ફિલ્મમાં પણ હું રેકોર્ડિંગ ત્યાં લાઇવ કરીશ. આ ફિલ્મની સ્ટોરી રિયલ છે. રાજસ્થાનના રબારીઓ અને તેમની રાયકા કોમ વિશેની સ્ટોરી છે. આ ઉપરાંત બીબીસી ચેનલ એક ૧૧ કલાકની ડૉક્યુમેન્ટરી બનાવી રહ્યું છે, જેમાં કચ્છ, ગુજરાત અને રાજસ્થાનના લોકસંગીત પર આધારિત રિસર્ચ વર્ક કરવાનું છે. તેમાં મારે સંગીત નથી આપવાનું, પણ કો-ઓર્ડિનેટર તરીકે કામ કરી રહ્યો છું. તેમાં રાજસ્થાનનું કામ હું જોઇ રહ્યો છું. તેઓ વિશ્ર્વના દરેક લોકસંગીત પર આ સિરિઝ બનાવી રહ્યા છે, જે ફોક મ્યુઝિકના આર્કાઇવ્ઝ માટે છે. આ પ્રોજેક્ટ બહુ મોટો છે. તેને બનતાં ચાર-પાંચ વર્ષ લાગશે. હું અત્યારે રાજસ્થાનના ફોક મ્યુઝિક પર રિસર્ચ કરી રહ્યો છું. જેનું લગભગ દોઢ વર્ષ પછી શૂટિંગ થશે. આ સિરિઝમાં આપણા સંગીતમાં ગઢવીઓનું સંગીત, સૂફી, નિર્ગુણી સંગીત, કચ્છી સંગીત જેવાં વિવિધ પ્રકારના સંગીતનો સમાવેશ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Um6lh7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com